Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ફતિયા તારી ફોજનો ભય ડંકો ભારી

ફતિયા તારી ફોજનો ભય ડંકો ભારી

07 July, 2020 01:56 PM IST | Kutch
Mavji Maheshwari

ફતિયા તારી ફોજનો ભય ડંકો ભારી

ફતિયા તારી ફોજનો ભય ડંકો ભારી


સતરમી સદીની મધ્યમાં ઇંગ્લૅન્ડની તાનાશાહી રાજસત્તા સામે બળવો કરીને સત્તા હાથમાં લઈ એલીવર ક્રોમવેલે રાજમાં શાંતિ સ્થાપી હતી. એવી જ રીતે દંતકથાના પાત્ર જેવો કચ્છનો જમાદાર ફતેહ મહમદે પણ ઓગણીસમી સદીની શરૂઆતમાં કચ્છના રાજા રાયધણ (ત્રીજા)ને કેદ કરીને તેની નિરંકુશ સત્તાને કાબૂમાં લઈ શાંતિ સ્થાપી હતી. સામાન્ય પરિવારમાંથી આવેલા જમાદાર ફતેહ મહમદને ઇતિહાસકારોએ કચ્છનો ક્રોમવેલ કહ્યો છે. અસાધારણ બુદ્ધિપ્રતિભા ધરાવતા એક મુસ્લિમ સેનાપતિએ કચ્છની હિન્દુ પ્રજાના રાજમાંથી ઊઠી ગયેલા વિશ્વાસને પુન: સ્થાપિત કર્યો હતો. એટલું જ નહીં, તેણે ટીપુ સુલતાન સાથે સંબંધ એટલે વધાર્યો હતો કે ટીપુ સુલતાન અંગ્રેજોને પોતાનો દુશ્મન સમજતો હતો. 

કચ્છના ઓગણીસમી સદીના ઇતિહાસના પ્રથમ બે દાયકા બહુ જ અંધાધૂંધી ભર્યા છે. કચ્છના રાજવી રાયધણ (ત્રીજા) પર ઇસ્લામનો રંગ ચડતાં તેણે હિન્દુઓને રંજાડવાનું ચાલુ કર્યું. આખાય રાજ્યમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. એ સમયે રાજકુળમાં ન જન્મેલા જમાદાર ફતેહ મહમદ નામના મુસ્લિમ સેનાપતિએ રાજા રાયધણને કેદ કરી રાજધર્મ બતાવ્યો હતો. એ પછીની તેની શૌર્ય કીર્તિ અને કચ્છરાજ તરફની વફાદારીના દૂહા છેક કાઠિયાવાડમાં રચાયા. જમાદાર ફતેહ મહમદની પ્રશસ્તિમાં રચાયેલી આ કવિતા તેના વ્યક્તિત્વને છતું કરે છે.



ફતિયા તારી ફોજનો ભય ડંકો ભારી,


સૂતી થરેકે રાતમાં નગર રી નારી,

ઓખો તુંથી ઉધરકે બરડો તુંથી બીએ,


ગઢ ધ્રુજે ધોરાજીનો, નોતિયાર નગર લીએ,

હાલ ઝાલા ને જેઠવા તેં હટાવ્યા હમીર,

વળ ઉતારી મૂછના કીધા પાંસરા તીર.

આમ તો મોગલ સલ્તનત અને કચ્છની જાડેજા રાજવટની સરખામણી અયોગ્ય કહેવાય. તોય ભારતમાં મોગલકુળ અને જાડેજાકુળ એ બેઉં રાજકુળો સૌથી લાંબો સમય સત્તા પર રહ્યાં છે. બીજું, બેઉંના વંશ પરંપરાગત રાજ્ય વહીવટની વચ્ચે એક એવો માણસ આવ્યો જેણે રાજ્યને વધુ સુચારું અને પ્રજાકીય બનાવ્યું હતું. મોગલકુળમાં બિનમોગલ રાજા શેરશાહ સૂરી આવ્યો, જેણે એવા સુધારા કર્યા જે ભારતમાં પ્રથમ વાર હતા. તો જાડેજાકુળની વચ્ચે એક એવો માણસ આવ્યો જમાદાર ફતેહ મહમદ, જે રાજગાદી પર ન બેઠો, છતાં સત્તા તેના હાથમાં હતી. તેણે કચ્છમાં શાંતિ સ્થાપી હતી. શેરશાહ સૂરી પણ સામાન્ય સિપાહીનો છોકરો હતો અને ફતેહ મહમદ પણ એક સામાન્ય બકરા ચરાવનાર હતો. શેરશાહ સૂરી અને ફતેહ મહમદ બેઉં જણાએ રાજ્યમાં એવા સુધારા લાવ્યા જે તે પહેલાં નહોતા. સૂરીએ ચલણને રૂપિયા એવું નામકરણ કર્યું, કલકતા-દિલ્હી હાઇવે બનાવ્યો, સૈનિકોને પગાર આપવાનું શરૂ કર્યું. જમાદાર ફતેહ મહમદે પણ મૂળ રાજાને કેદ કરી પરોક્ષ રીતે સત્તા પોતાના હાથમાં લીધી. તેણે બારભાયાનું (બાર વ્યક્તિઓનું પ્રતિનિધિ મંડળ) શાસન સ્થાપીને કચ્છમાં પહેલી વાર લોકશાહીનો પાયો નાખ્યો. તેણે કચ્છને પશ્ચિમ દિશાએથી સુરક્ષિત કરવા માત્ર સાત જ વર્ષમાં લખપતમાં એક બેજોડ કિલ્લાનું નિર્માણ કર્યું. દરિયાઈ ચાંચિયાનો ભય ટાળવા તેણે ઓખામાં લશ્કરી થાણું નાખ્યું. વળી જમાદાર ફતેહ મહમદ એક એવો નીડર વ્યક્તિ હતો જેણે એ વખતે અંગ્રેજોને ગાંઠ્યા નહોતા.

કેટલીક વ્યક્તિઓ ઇતિહાસ રચી જવા જન્મ લેતી હોય છે. આમ તો ફતેહ મહમદ ભૂજથી છ કિલોમીટર દૂર આવેલા રતિયા ગામમાં તેના મોસાળમાં રહેતો હતો. તે નોતિયાર અટકધારી મુસ્લિમ પરિવારમાં જન્મ્યો હતો. મોસાળમાં તે બકરા ચરાવવાનું કામ કરતો હતો. તરુણ વયનો થયો ત્યારે તે રાજના સિપાઈઓને ઘોડા પર ફરતા જોઈને સત્તાના ખ્યાલોમાં રાચ્યા કરતો. યુવાનીમાં પ્રવેશતાં જ તેની વાક્ચતુરાઈ અને બુધ્ધિશક્તિ જોઈને કોઈકે તેને કચ્છરાજના સૈન્યમાં જોડાઈ જવાની સલાહ આપી. કચ્છરાજમાં શારીરિક સૌષ્ઠવવાળા યુવાનની જરૂર રહેતી. એ વખતે ડોસલ વેણ સૈન્યનો સેનાપતિ હતો. તેનું કચ્છરાજમાં વજન પડતું. ફતેહ મહમદનું શરીર અને તેની ચતુરાઈ જોઈને જ ડોસલ વેણે તેને ૨૦ સૈનિકોનો ઉપરી બનાવી દીધો સાથે-સાથે ચતુર ડોસલ વેણે તેની પરીક્ષા કરવાનુંય નક્કી કરી નાખ્યું. નરા અને ઝારા ડુંગર પાસે સિંધના લૂંટારાની રાવ રહેતી. ડોસલ વેણે ૧૦૦ સૈનિકોની ટુકડી સાથે તેને લૂંટારાઓને ઝબ્બે કરવાનો હુકમ કર્યો. ફતેહ મહમદ માટે આ આકરી કસોટી હતી, કેમ કે અગાઉ લૂંટારાઓને કેદ કરવાના પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા હતા. ફતેહ મહમદ પહેલી જ કસોટીમાં પાર ઊતર્યો અને તત્કાલિન મહારાવ રા’ ગોડજીએ તેને ખુશ થઈને ૨૦૦ સૈનિકોની અશ્વ દળની ટુકડીનો જમાદાર બનાવી દીધો. ત્યારથી તે જમાદાર ફતેહ મહમદ તરીકે ઓળખાવા લાગ્યો.

રા’ રાયધણ (ત્રીજા)ના અત્યાચારી અને અધર્મી રાજને ખતમ કરી બારભાયાનું રાજ સ્થપાયું પણ પછી બારેય પ્રતિનિધિઓ વચ્ચે સત્તા માટેની ખેંચતાણ થઈ અને બાર જણની પરિષદ વિખરાઈ,  જે સેનાપતિ ડોસલ વેણને કારણે થયું હતું. ત્યારે જમાદારે ડોસલ વેણની મહત્ત્વાકાંક્ષાઓનો અંત લાવવા સત્તા જમાદારે પોતાના હાથમાં લીધી. એ સમયથી તેના મૃત્યુ સુધી કચ્છમાં રાજ્ય વહીવટ અત્યંત સુચારુ ચાલ્યું. તેની પાસે એક ફરિયાદ આવી હતી કે ઓખા મંડળ પાસે ચાંચિયાઓ કચ્છી વહાણોને લૂંટે છે. જ્યારે આવા-ગમન માટે ઘોડા જ હતા એવા સમયમાં ફતેહ મહમદે સૌરાષ્ટ્રમાં ભાણવડ, ધ્રોલ, ઓખામાં કચ્છરાજનું થાણું સ્થાપી કચ્છનાં વહાણોને નિર્ભય કર્યાં હતાં. જમાદાર ફતેહ મહમદની આણ સિંધના રાયમા બજાર સુધી પ્રવર્તતી હતી. એ સમયે કચ્છના પૂર્વ છેડેથી સૌરાષ્ટ્ર તરફ જવા તુણા બંદરનો વિકાસ કરવો જરૂરી હતો. ફતેહ મહમદે તુણા બંદરનું મહત્ત્વ સમજી તુણા બંદરે પણ કચ્છનું થાણું નાખ્યું હતું. જમાદાર ફતેહ મહમદનો જ્યારે કચ્છરાજમાં ઉદય થયો ત્યારે અંગ્રેજ પૉલિટિકલ એજન્ટ કર્નલ ઈસ્ટની નજર કચ્છ પર હતી. વિચક્ષણ બુદ્ધિ ધરાવતા જમાદારને એ અંદેશો હતો કે અંગ્રેજોનો હેતુ સ્થાનિક રાજને પોતાના હાથમાં રાખી રજવાડાંઓને પાંગળાં કરી દેવાનો છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ચૂકવવાની થતી લાગતના ઊઘરાણી કરતાં કેટલાંય પત્રોનો જવાબ કંપની સરકારને જમાદારે આપ્યો ન હતો. અંગ્રેજોને કચ્છના મહારાવ કરતાં પણ જમાદાર ફતેહ મહમદ વધારે ખટકતો હતો. ફતેહ મહમદને ખબર પડી કે મૈસુરનો વાઘ કહેવાતો ટીપુ સુલતાન અંગ્રેજો વિરુદ્ધ છે, તો તેણે ટીપુ સુલતાનની મૈત્રી કરી. ટીપુ સુલતાન જમાદાર ફતેહ મહમદના લશ્કરી અને રાજકીય કૌશલ્યોનો પ્રસંશક હતો. તેણે પોતાની મૈત્રીની ભેટરૂપે ‘હૈદરી’ નામની તોપ ભેટ આપી હતી, જે આજે પણ કચ્છ મ્યુઝિયમમાં રાખેલી છે. એવું કહેવાય છે કે ટીપુ સુલતાનનો પિતા હૈદરઅલી મૂળ કચ્છના માંડવીનો હતો. તે પોતાની બુદ્ધિ અને તાકાતથી મૈસુરનો સુલતાન બની ગયો હતો. કચ્છ તરફનો ટીપુનો લગાવ પિતાને કારણે હતો.

જમાદાર ફતેહ મહમદ મુસ્લિમ હતો, પણ કદી તેણે પોતાને મુસ્લિમ ગણ્યો ન હતો. પોતાના ધર્મમાં નેક એવા જમાદારે હંમેશાં હિન્દુ ધર્મ માટે આદર રાખ્યો હતો. જમાદાર જાડેજાઓની કુળદેવી આઈ આશાપુરાનો પરમ ભક્ત હતો. નવરાત્રિના દિવસોમાં તે માતાજીના જવારા પોતાની પાઘડીમાં રાખતો. ફતેહ મહમદે ૩૮ દિવેટવાળી એક ચાંદીની આરતી, જેના ઉપર ચાંદીનો હાથી ઊભો રાખેલ છે એવી કલામય આરતી આશાપુતાના મંદિરને ભેટ આપેલ છે, જે આજે પણ મોજુદ છે. જમાદાર ફતેહ મહમદનો જીવનકાળ અત્યંત ચડાવ-ઉતારવાળો રહ્યો છે. તેનું મોટા ભાગનું જીવન બળવા ઠારવા અને કચ્છની સીમા સાચવવામાં અને સુરક્ષિત રાખવામાં વિત્યું. બકરા ચારનાર એક છોકરો કચ્છના ઇતિહાસમાં તેની શૌર્ય અને બુદ્ધિ પ્રતિભાથી અજેય સ્થાન ઊભું કરી ગયો છે. કચ્છમાં ફેલાયેલા મરકીની મહામારીએ ઈસવી સન ૧૮૧૩ની પાંચમી ઑક્ટોબરે કચ્છના લડાયક, મુત્સદી રણબંકા જમાદાર ફતેહ મહમદના જીવન પર પૂર્ણવિરામ મૂકી દીધું. ભુજમાં પાટવાડી નાકા બહાર જમાદાર ફતેહ મહમદની યાદગીરીમાં તેમના પુત્ર હુશેનમિયાંએ એક રોજી મકબરો બંધાવેલ છે, જે હિન્દુ-મુસ્લિમ એકતાની શાખ પૂરતો આજે અસહાય હાલતમાં ઊભો છે. જમાદાર ફતેહ મહમદની જવાંમર્દી વિશે કવિ કેશવરામે ‘ફતેહસાગર’ નામે એક ગ્રંથ રચ્યો હોવાનું કહેવાય છે, પણ તેની હસ્તપ્રત કે મુદ્રણપ્રત અપ્રાપ્ય છે.

Whatsapp-channel Whatsapp-channel

07 July, 2020 01:56 PM IST | Kutch | Mavji Maheshwari

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK