વન પૉટ મીલ કા હૈ ઝમાના

Published: Apr 06, 2020, 18:56 IST | Pooja Sangani | Mumbai

ખાઇ પી ને મોજ: ઓછા સમયમાં બની જાય, પીરસવામાં અને જમવામાં સરળ પડે, વાસણ ઓછાં બગડે અને પેટને સંતૃપ્તિ આપે એવી વાનગીઓ બનાવશો તો પેટ હલકું રહેશે, કિચનમાંથી જલદી પરવારશો અને શાંતિથી ફૅમિલી-ટાઇમ સ્પેન્ડ કરી શકાશે

વિવિધ વાનગીઓ
વિવિધ વાનગીઓ

કેમ છો મિત્રો? દેશ અને દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસના કારણે આ ત્રીજું સપ્તાહ શરૂ થશે કે જેના કારણે લોકોને ઘરમાં ભરાઈ રહેવું પડ્યું છે અને બહાર નીકળવું દુષ્કર થઈ ગયું છે. શરૂઆતમાં તો લોકોએ ઉત્સાહમાં જાતજાતનાં વ્યંજનો બનાવીને ભરપૂર ઝાપટ્યાં હશે, પરંતુ ધીરે-ધીરે ઘરના ખાવા તરફનો મોહ ઓસરી રહ્યો છે. રૅશનની અછત તો નથી પરંતુ તેમ છતાં ઘણા પરિવારો કરકસર અપનાવી રહ્યા છે. ઘણાને તો હવે તબિયતના કારણોસર દિવસમાં બે વખત પેટ ભરીને જમવાનું અનુકૂળ પણ આવતું નથી. બીજી બાજુ ઘરની મહિલા સભ્યો પણ દિવસભર જાતજાતનું ભોજન અને નાસ્તા બનાવીને કંટાળી જાય છે. તો આ બન્ને સમસ્યાનો ઉપાય અપુન કે પાસ હૈ... અને આપણે આજે એની વાત કરીશું.

બનાવવા અને આરોગવા બન્નેમાં બધાને અનુકૂળ આવે એવો ઉપાય છે. એ છે વન પૉટ મીલ અથવા તો વન ડિશ મીલ. એટલે કે એવો ખોરાક કે જે એક કડાઈ, તપેલી, કુકરમાં બની જાય અને એક વાડકા કે ડિશમાં ખાઈ શકાય. એ બાબતે ચર્ચા કરીશું. આશા રાખું કે તમને મજા આવશે. એક ખાસ વાત કરું કે જ્યાં સુધી વેજિટેરિયન અને ઇન્ડિયન ફૂડની વાત છે ત્યારે વન પૉટ મીલમાં જો સૌથી કૉમન સામગ્રી હોય તો એ ભાત છે. એના આધારે અનેક વાનગીઓ બની શકે છે. બીજી વાનગીઓમાં બટાટા, અલગ-અલગ પ્રકારનાં કઠોળ અને દાળનો સમાવેશ થાય છે. કઠોળના કારણે ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર મળી રહેતાં હોવાથી શરીરને પણ અનુકૂળ આવે છે.

રાઇસ પૉટ મીલ

તો ભાતથી જ શરૂઆત કરીએ તો આપણે ઘણી વખત દાળ અને ભાત મિક્સ કરીને એને એક વાસણમાં કાઢીને ગરમ કરીને ખાઈએ છીએ, પરંતુ જો એને સાઉથ ઇન્ડિયન ટ્વિસ્ટ આપી દઈએ તો-તો ખાવાની ખૂબ જ મજા આવશે. સાઉથ ઇન્ડિયન ટ્વિસ્ટ આપવા માટે સાંભાર મસાલો, આમલીનું પાણી અને બીજાં તમને ભાવતાં શાક જોઈશે. આમાં તુવેરની દાળ, ભાત, સમારેલી મોટી ડુંગળી, બટાટાના મોટા કટકા, ભાવતું હોય તો કોળાના કટકા, ગાજર અથવા તો તમને ભાવતાં હોય એ વેજિટેબલ્સના મોટા કટકા કરીને કુકરમાં પાણી નાખીને બાફવા મૂકી દો. એની અંદર મીઠું, મરચું, હળદર, સાંભાર મસાલો વગેરે નાખીને ત્રણથી ચાર સીટી વગાડીને ઉતારી લો. બધું એકસરખું બફાઈ ગયું છે કે નહીં એ જોઈને  ઉતારી લો અને આમલીનું પાણી ઉમેરી દો. પછી ઉપર ઘીનો વઘાર કરો અને એક બોલમાં સર્વ કરીને સાઉથ ઇન્ડિયન પાપડ એટલે કે અપલમ સાથે ખાઓ. ખૂબ જ મજા આવશે.

બીજું કંઈ માગશો જ નહીં એટલી સરસ વાનગી બનશે.

આ ઉપરાંત ભાતમાંથી તમે જેની કલ્પના ન કરી શકો એટલી વાનગીઓ બની શકે છે. ભાતમાંથી બનતી વાનગીઓની વાત કરું તો ચણા પુલાવ કે જેની અંદર દેશી ચણા અથવા તો કાબુલી ચણા નાખીને રાઇસ બનાવી શકાય. ચણાની દાળ કે મસૂરની દાળ નાખીને પણ પુલાવ બને. ગુજરાતમાં ચરોતર પ્રદેશમાં આવો પુલાવ ખૂબ ખવાય છે અને વિસ્તારમાં ઠેર-ઠેર એની લારીઓ અને દુકાનો જોવા મળે. જોકે વન પૉટનો મતલબ તો એમ જ થાય કે એક વાસણમાં બને, પરંતુ તેમ છતાં જો તમારે અલગ રીતે બનાવવું હોય તો ભાત અને મસાલેદાર ચણા અલગ રીતે બનાવો અને પછી એને ભાતમાં ઉમેરીને ગરમ કરીને હલાવી દો તો પણ બહુ મસ્ત લાગશે. ભાતના ભાગનો વધારાનો મસાલો નાખવાનો રહે છે. જેમ બૉમ્બે પુલાવમાં તવા ઉપર પહેલાં ડુંગળી, ટમેટા અને લસણને તેલમાં સાંતળીને મસ્ત મસાલો તૈયાર કરીને ઉપર પુલાવ નાખવામાં આવે છે એવી જ રીતે તમે ચણા, ચણાની દાળ કે બીજી દાળ કે કઠોળનો ઉપયોગ કરીને ભાત બનાવી શકો.

આ તો થઈ સવારની વાનગીઓની વાત, પણ જો રાત્રે હળવું ખાવું હોય તો દહીં ભાત એટલે કે કર્ડ રાઇસ પણ  બહુ સરસ લાગે. ભાત અને દહીંને સાથે ગરમ કરીને ઉપર ઘીની અંદર લાલ મરચા, અડદની દાળ કે ચણાની દાળ નાખીને વઘાર કરીને ખાઓ તો બહુ સરસ લાગે.

પૂરી, ભજિયાં અને પૌંઆ  

ચોખા ઉપરાંત પણ અન્ય ચીજોમાંથી વન પૉટ મીલ બની શકે છે. જેમ કે પૂરી, ભજિયાં અને પૌંઆમાં પણ જાતજાતનાં રંગ-રૂપ અને સ્વરૂપ આપીને અવનવાં વ્યજંનો બનાવી શકાય છે. પૂરી આપણે સાદી અને મસાલા બનાવીએ તો પછી એની અંદર ફુદીનાનો અર્ક નાખીને ફુદીના પૂરી, મેથીનાં પાંદડાં નાખીને મેથી પૂરી, અચાર નાખીને અચાર પૂરી, લોટ બાંધતી વખતે ચીઝ નાખીને ચીઝ પૂરી વગેરે બની શકે છે અને ચા, દૂધ કે કૉફી સાથે ખાઈ શકાય છે. ભજિયાં પણ જાતજાતનાં બને. એમાં પણ મારે તમને કોઈ માર્ગદર્શન આપવાની જરૂર લાગતી નથી. પૌંઆ વિશે તો અગાઉ મેં આખો લેખ લખ્યો છે. આથી સાદા પૌંઆ, મસાલા પૌંઆ, શિંગ પૌંઆ, દહી પૌંઆ, લસણની ચટણી નાખેલા પૌંઆ, દૂધપૌંઆ, કસાટા પૌંઆ તો બને જ છે. સ્ટફ કરેલા પરાઠાંમાં પણ જાતજાતની વાનગીઓ નાખીને સ્ટફ્ડ પરાઠાં બનાવી શકાય છે. એમાં પણ તમે જેટલા કલ્પનાના ઘોડા દોડાવશો એટલી વાનગીઓ બનશે. સાબુદાણાની ખીચડી કે સાબુદાણાનાં વડાં પણ બનાવી શકાય. આ ઉપરાંત છડેલા ઘઉં અને બાજરીમાંથી થૂલી કે ભડકું બનાવી શકો. એમાં બધી જ જાતના મસાલા નાખીને ખાશો તો મસ્ત લાગશે. જો નાસ્તાની વાત કરું તો ચોખા, બાજરી, ઘઉંના લોટનું ખીચું પણ બહુ સરસ લાગે છે.

બાળકોને ભાવતી વાનગીઓ

બાળકોને ભાવતી વાનગીઓ અને આરોગ્યપ્રદ વાનગીઓ બન્ને વચ્ચે ટક્કર છે, પરંતુ બને ત્યાં સુધી એવી વાનગીઓ બનાવવી કે જેનાથી બન્ને બાબતો સચવાઈ જાય. મૅગી, પાસ્તા, પીત્ઝા તો છે જ;  પરંતુ રોટલીમાં જાતજાતનાં વેજિટેબલ્સ નાખીને બનાવવામાં આવતી ફ્રૅન્કી બહુ સારી ઉપરાંત બાસમતી ભાત લઈને એની અંદર પનીર, ચીઝ, પીત્ઝા સૉસ, મેક્સિકન સાલ્સા સૉસ કે બીન્સ નાખીને બનાવશો તો પણ  બાળકોને ખૂબ ભાવશે. બાળકોને આપવામાં આવતી વાનગી ઉપરાંત તમે તેમને કેવી રીતે સર્વ કરો છો એ પણ ખૂબ મહત્ત્વનું છે. બાળકોને રેસ્ટોરન્ટની જેમ કે સ્ટ્રીટ ફૂડમાં મળે છે એવી રીતે ડિશમાં મસ્ત સજાવીને કે પૅક કરીને આપશો તો કોઈ દિવસ ના નહીં પાડે. પીત્ઝા સૉસ અને જાતજાતની ચટણીઓ ઘરમાં તૈયાર રાખો.  વસ્તુઓ એવી છે કે કોઈ પણ વાનગીમાં સરળતાથી ભળી જાય છે. આથી જ્યારે પણ બાળકો ખાવામાં નખરાં કરે ત્યારે ચટણીઓના આધારિત આવી વાનગીઓ ફટાફટ તૈયાર કરીને આપી શકાય.

તો મિત્રો, વન પૉટ મીલ ખાઓ અને મોજ કરો આ લૉકડાઉનના સમયમાં.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK