Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કિચન-ગાર્ડનિંગ

કિચન-ગાર્ડનિંગ

06 March, 2020 03:46 PM IST | Mumbai
Bhakti D Desai

કિચન-ગાર્ડનિંગ

કિચન-ગાર્ડનિંગ

કિચન-ગાર્ડનિંગ


તમને ખબર જ હશે કે આજકાલ શાકમાં અને વિશેષ રૂપથી લીલી ભાજીઓમાં જંતુનાશકોનું પ્રમાણ એટલું વધારે હોય છે કે એ ખાવાથી ફાયદા કરતાં નુકસાન વધારે થાય છે. આની આડઅસરને નાબૂદ કરવા એને વહેતા પાણીમાં ઘણી વાર ધોવી પડે છે. એવામાં મુંબઈમાં જો આપણે ઘરની બારી પર અથવા આજુબાજુની નાની જગ્યામાં કિચન-ગાર્ડનિંગ કરવાની શરૂઆત કરીએ તો શુદ્ધ અને કોઈ પણ પ્રકારના કેમિકલવાળા કીટનાશક માર્યા વગરની ઉત્તમ શાકભાજી મેળવી શકીએ.

સામાન્ય રીતે જોઈએ તો મુંબઈમાં છેલ્લાં થોડાં વર્ષોમાં વસ્તી એટલીબધી વધી ગઈ છે કે જગ્યાનો  અભાવ થઈ રહ્યો છે. એવામાં સારી શાકભાજી ઉગાડવા માટે મોટી જમીન મળવી મુશ્કેલ થઈ જાય છે. ઘણી વાર ટ્રેનમાં આવતાં-જતાં આપણને રેલવે-સ્ટેશનની આજુબાજુની ખુલ્લી જગ્યામાં લીલી શાકભાજીઓની ખેતી કરતા લોકો દેખાય છે. આના માટે તેઓ ગંદું અને ગટરનું પાણી વાપરે છે અને જ્યારે એ આપણા વિસ્તારના શાકભાજીવાળા પાસે આવે છે ત્યારે આપણને એ જોઈને શુદ્ધ પાણીમાં ઉગાડેલી અને આવા ગટરના પાણીમાંથી આવેલી ભાજીઓમાં તફાવત નથી સમજાતો, પણ એને બનાવ્યા પછી એ ભાજીનો અસલ સ્વાદ આપણને અનુભવાતો નથી અને એ સ્વાસ્થ્યને પણ નુકસાન કરે છે.



શું છે?


કિચન-ગાર્ડનિંગ એટલે પોતાની જરૂરિયાત પ્રમાણે ઘરની બારીમાં અથવા આંગણાની જગ્યાએ હર્બ્સ, શાકભાજી, ફળ વગેરે ઉગાડવાની કળા. એક વાત ચોક્કસ છે કે આનો અર્થ એવો નથી કે કિચન-ગાર્ડનિંગ કરવાથી આપણને બહારથી શાકભાજી લાવવાની જરૂર જ નહીં પડે પણ તુલસી, કોથમીર, લીમડો, મેથી, લીલાં મરચાં, ટમેટા, કાંદા, ફુદીનો, લીલી ચા (લેમનગ્રાસ), મૂળો આ બધું જો ઘરઆંગણે ઉગાડીએ તો કદાચ થોડે અંશે આપણે શુદ્ધ ભાજીઓનો આનંદ લઈ શકીશું અને જાતમહેનત અને માવજતથી પોતે ઉગાડેલી ભાજીઓની મજા જ અનેરી હોય છે! ઘણી વાર લોકોને એવું લાગે છે કે આ બધું ઉગાડવા માટે બી બહારથી લાવવાં પડે છે; પણ સરળ રસ્તો એ છે કે આપણા રસોડામાં વપરાતાં મેથી, રાઈ, ધાણા વાવવાથી સરસ મજાના લીલાછમ છોડ માત્ર દસથી પંદર દિવસમાં જ ઊગી નીકળે છે. ઇન્ટરનેટના આ યુગમાં આ વિષય પર અનેક વિડિયોઝ પણ ઉપલબ્ધ છે. જો રોજ થોડું ધ્યાન આપવાની તૈયારી હોય તો સાચે જ ખૂબ જ સરળતાથી આપણે ઘરમાં સૂક્ષ્મ સ્વરૂપમાં ખેતી કરી શકીએ છીએ. પાલક, મેથી, મૂળા, ધાણા આવા માઇક્રોગ્રીન્સ પોષણથી ભરપૂર હોય છે અને એને ખાસ સૂર્યપ્રકાશની પણ જરૂર નથી પડતી.

રાહ જોઉં છું


તાતા કન્સલ્ટન્સીમાં કન્ટેન્ટ સ્પેશ્યલિસ્ટ તરીકે કામ કરતા પ્રકૃતિપ્રેમી માહીથી પિલ્લે અહીં કહે છે, ‘મારાં દાદી કિચન-ગાર્ડનિંગમાં ખૂબ રસ ધરાવે છે અને તેમણે તેમના ઘરના આંગણામાં વિવિધ શાકભાજી અને ફળ જેમ કે ભીંડા, ટમેટા, બોરિયા મરચાં, પપૈયા, ચીકુ જેવાં ઝાડ ઉગાડ્યાં છે. તેમની પાસે જગ્યાનો અભાવ નથી. મારી મમ્મીને પણ વિવિધ ઝાડ, ફૂલ, લીલી ભાજીઓ ઘરમાં ઉગાડવાનો ખૂબ શોખ છે. હું મુંબઈમાં રહું છું. મારી વ્યસ્ત જિંદગીમાં ઘરમાં જ ગાર્ડનિંગ કરવું એ મારું પણ સપનું છે. મારા ઘરમાં એક નાની બાલ્કની છે જેમાં હર્બ્સ અને શાકનું એક નાનું ગાર્ડન બનાવવાનો મને ખૂબ શોખ છે કે કદાચ વારસાગત જ હશે એવું મને લાગે છે. મેં થોડા સમય પહેલાં કિચન-ગાર્ડનિંગનો કોર્સ કર્યો અને હવે બહારથી શાકભાજીનાં બિયાં વેચાતાં લઈને કૂંડામાં છોડ લગાડ્યા છે. પહેલો પાક આવતાં આશરે ત્રણ મહિના લાગશે. તેથી હું આતુરતાથી એના ઊગવાની રાહ જોઈ રહી છું.’

નિષ્ણાત દ્વારા કિચન-ગાર્ડનિંગની ટિપ્સ

કિચન-ગાર્ડનિંગનું એક ઊંડું વિજ્ઞાન છે. આનો અભ્યાસ કરી લોકોમાં આનું જ્ઞાન ફેલાવવા અર્થોહોલિક્સ નામની સંસ્થાના સંસ્થાપક અને કિચન-ગાર્ડનિંગનાં નિષ્ણાત સ્મિતા શિરોડકર આ વિષે સમજાવતાં કહે છે, ‘કિચન-ગાર્ડનિંગમાં તેજાના અને આખા મસાલા આપણે ઉગાડી શકીએ છીએ. આની એક રીત એવી છે કે આમાં કોઈ પણ પ્રકારનાં કેમિકલ પેસ્ટિસાઇડ્સ વગર ઑર્ગેનિક રીતે છોડ ઉગાડી શકાય છે. બીજી એક રીત કમ્પૅન્યન પ્લાન્ટિંગની છે જેમાં બે અનુકૂળ છોડ એકબીજાની સાથે વાવી શકાય છે. જેમ કે ટમેટા અને બેસિલ. બેસિલની તીવ્ર સુગંધથી ટમેટા પર કોઈ પણ જંતુ આવતા નથી. આમ પ્રાકૃતિક રીતે એનું પેસ્ટ કન્ટ્રોલ થાય છે અને છોડ ઊગે છે.’

જગ્યા તથા સૂર્યપ્રકાશ ન હોય તો

જો તમારા ઘરની બારીમાં પણ જગ્યા ન હોય તો ઘરની અંદર એવા છોડ લગાડી શકાય છે જેને સૂર્યપ્રકાશની જરૂર પડતી નથી એમ જણાવીને તેઓ કહે છે, ‘હું એવી સલાહ આપીશ કે આવી જગ્યામાં માઇક્રોગ્રીન્સ ઉગાડવા યોગ્ય રહેશે. આપણે ઘરમાં પડેલા પહોળા બૉક્સમાં અથવા ઊંડી અને પહોળી ટ્રે, જે આશરે બે કે ત્રણ ઇંચ ઊંડાણવાળી હોય જે માટી પકડી શકે અને વધારાનું પાણી નિતારી શકે એવા પાત્રનો ઉપયોગ માઇક્રોગ્રીન્સ ઉગાડવા કરી શકીએ. આ  આશરે દસ-પંદર દિવસમાં જ ઉપયોગમાં આવી શકે છે અને એ સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. આમાં ફણગાવેલાં કઠોળને પણ માટીમાં વાવીને એમાંથી આવનાર પાનનો સૂપમાં અથવા સૅલડમાં ઉપયોગ કરી શકાય છે. વિશેષ કરીને કિચન-ગાર્ડનિંગમાં એક વાત સમજવી જરૂરી છે કે કઈ ઋતુમાં કઈ ભાજી ઉગાડી શકાય.’

પ્રકૃતિમાં પ્રેમ કરાવનાર પ્રવૃત્તિ

અહીં ખારઘરમાં રહેતાં આઇનેચર વૉચ ફાઉન્ડેશનનાં સંસ્થાપક ડૉ. વી. શુભલક્ષ્મી પોતાનો અભિપ્રાય આપતાં કહે છે, ‘અમારી સંસ્થામાં અમે કિચન-ગાર્ડનિંગ અને માઇક્રોગ્રીન્સ ગાર્ડનિંગ જેવા વિષય પર ઘણી વાર કાર્યશાળાઓનું આયોજન કરતા હોઈએ છીએ. અમારો આની તરફનો અભિગમ થોડો જુદો છે. કિચન-ગાર્ડનિંગ કોઈ એવી કલ્પના નથી જેનાથી ઘરમાં શાકભાજી અને ફળો ઉગાડશો તો તમારે બજારમાંથી એને લાવવાં નહીં પડે. અલબત્ત, જો તમારી પાસે એટલી મોટી જગ્યા હોય તો વાત અલગ છે. અમારો મુદ્દો મુંબઈ જેવા શહેરમાં તમે કઈ રીતે ખેતીનો આનંદ લઈ શકો એના પર મહત્વ આપવાનો છે.’

મનુષ્યએ સદાય પ્રકૃતિ તરફ કૃતજ્ઞ રહેવું જોઈએ એમ જણાવીને તેઓ આગળ કહે છે, ‘હું એમ કહીશ કે આ પ્રવૃત્તિથી એક વ્યક્તિ પ્રકૃતિની નજીક રહી શકે છે અને જ્યારે તેમનો ઉગાડેલો પહેલો પાક તેઓ મેળવે છે તો અમે જોયું છે કે લોકોનો આનંદ અવર્ણનીય હોય છે. ઘણી વાર એક મરચું પણ આવે તો લોકો ઉત્સાહથી એનો ફોટો લઈ એને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરતા હોય છે. આનો હજી એક લાભ એ છે કે ઘરના વડીલો જ્યારે ગાર્ડનિંગ કરતા હોય તો બાળકો પણ એમાં રસ લે છે અને ઝાડ, છોડ તરફ તેમનો દૃષ્ટિકોણ વધુ કરુણામય બને છે. જ્યારે પણ કૉર્પોરેટમાં અમે આવી વર્કશૉપનું આયોજન કરીએ છીએ ત્યારે પાણીની બૉટલ્સને ફેંકવાને બદલે એને કાપીને એના બે ભાગ કરી એનો કૂંડા તરીકે કઈ રીતે ઉપયોગ થઈ શેકે છે એની જાણકારી આપીએ છીએ. કિચન-ગાર્ડનિંગ ખાવાના આનંદ કરતાં પણ વધારે એક વાત સમજાવે છે કે એક મરચું કે કોથમીરનો છોડ ઉગાડવામાં આપણે કેટલી મહેનત કરવી પડે છે તો આપણે વનસ્પતિની અને એક ખેડૂતની મહેનતની પણ કદર કરતાં શીખવું જોઈએ.’

એક તરફ ઝાડ કપાઈ રહ્યાં છે, નવા મૉલ્સ અને મકાનો બની રહ્યાં છે એવામાં પ્રકૃતિથી જોડાયેલા રહેવા માટે ખૂબ જરૂરી છે કે આપણે આપણા ઘરમાં જે થોડીઘણી ખુલ્લી જગ્યા છે ત્યાં આવાં ગાર્ડન બનાવીને ઘરને કુદરતી રીતે સજાવીએ અને ઘરમાં એકાદ છોડ તો એવો ઉગાડીએ જેનો ઉપયોગ આપણે રસોઈમાં નિયમિત રીતે કરી શકીએ.

Whatsapp-channel Whatsapp-channel

06 March, 2020 03:46 PM IST | Mumbai | Bhakti D Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK