મારા કિચનના પ્રયોગો : ...અને મીઠો હલવો બની ગયો તીખો

Published: 13th October, 2011 18:26 IST

વાગડ વીસા ઓસવાળ જૈન સમાજનાં અને ઘાટકોપરમાં રહેતાં વર્ષા ગડાને રસોઈ ઉપરાંત ભાતભાતની ચીજો બનાવવાનો શોખ છે. તેઓ કહે છે, ‘કોઈ પણ વસ્તુ શીખવી હોય તો એમાં રસ હોવો જરૂરી છે. જે વસ્તુમાં રસ હોય એ આપણે સારી રીતે બનાવીએ છીએ.’ અને રસાઈમાં ઉતાવળ કરીએ તો શું થાય એનો પણ તેમને પાક્કો અનુભવ છે, જોઈએ તેઓ શું કહે છે આ વિશે.

 

કિચનમાં ટાઇમિંગ જરૂરી

કિચનમાં રસોઈ બનાવતી વખતે યોગ્ય ટાઇમિંગ હોવો જરૂરી છે. જો વસ્તુ વધારે સમય માટે રાંધીએ તો વધારે પાકી જાય કે બળી જાય અને ઓછા સમય માટે રાંધીએ તો કાચી રહી જાય એટલે કિચનમાં દરેક વસ્તુ રાંધતી વખતે એનો યોગ્ય સમયનો ખ્યાલ રાખવો જરૂરી છે. કિચનમાં હંમેશાં શાંતિથી કામ કરવું જોઈએ.

મીઠો હલવો બની ગયો તીખો

ક્યારેક ઉતાવળમાં કામ કરવા જઈએ તો વધારે ગરબડ થઈ જાય છે. એક વાર મારે ત્યાં મહેમાનો જમવા આવવાના હતા ત્યારે દૂધીના હલવામાં ઇલાયચી-પાઉડરને બદલે ભૂલથી મરીનો પાઉડર પડી ગયો. જોકે મેં થોડા જ દૂધીના હલવામાં એ નાખ્યો હતો. થોડોક હલવો મેં ઇલાયચી-પાઉડર વગરનો કાઢવા અલગ રાખ્યો હતો. પછી જ્યારે કોઈએ એ ચાખ્યો ત્યારે જ ખબર પડી કે મીઠો હલવો કેવી

રીતે તીખો બની ગયો છે. મહેમાનો આવવાના હતા એની પહેલાં જ મને આ ગરબડ ખબર પડી ગઈ એટલે મેં બીજી મીઠાઈ મગાવી લીધી. આમ, ત્યારથી મેં નક્કી કરી લીધું કે ગમે એટલી ઉતાવળ હોય તો પણ રસોઈ તો શાંતિથી જ કરવી જોઈએ. ઘણી વાર ઉતાવળમાં કામ કરતાં-કરતાં ચીજો ઢોળાઈ જાય તો રસોઈ જલદી થવાને બદલે મોડી થાય છે અને કામ વધી જાય છે.

જમવામાં વરાઇટી જોઈએ

મને ભોજનમાં વિવિધ વાનગીઓ બનાવવી ગમે છે. એક જ શાક અને સૅલડને રોજ અલગ-અલગ રૂપે તથા જુદા-જુદા મસાલા નાખીને બનાવીએ તો જમવામાં વરાઇટી પણ મળે છે અને બાળકોને પણ આનંદ મળે છે. ઘણી વાર બાળકો અમુક શાક એક પ્રકારે ન ખાતાં હોય પણ એ જ શાકને બીજી રીતે બનાવીએ તો ખાઈ લેતાં હોય છે.

કિચનમાં હેલ્ધી આઇટમ

આપણા કિચનમાં આયુર્વેદની ઘણી સારી વસ્તુઓ છે અને એમાંથી હેલ્ધી વસ્તુઓ બને છે. હું ઘરે જ બાળકો માટે બ્રેઇન-ટૉનિક પણ બનાવું છું. શિયાળામાં તેમને મેથીના લાડુ, ખજૂરપાક, ફજ જેવી ચીજો ખવડાવું છું. હું હરીપત્તી, ગુલકંદ, જેઠી મધ અને ડ્રાયફ્રૂટ્સ જેવી સાત્વિક વસ્તુઓ નાખીને કોઈ પણ જાતના આર્ટિફિશ્યલ ફ્લેવર વગરનો પાનમસાલો બનાવું છું અને એની સતત માગ રહે છે. મારા હાથની બનાવેલી ચૉકલેટ પણ બધાને ખૂબ ભાવે છે.

 

- શર્મિષ્ઠા શાહ

- તસવીર : અતુલ કાંબળે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK