કચ્છી બોલીજી આંઊ ડોલી શેણગારીયા

Published: Jul 23, 2019, 13:28 IST | કિશોર વ્‍યાસ | મુંબઈ ડેસ્ક

કવિતા માત્ર કાનથી નહીં, પણ મનથી અને હૃદયથી સંભળાય!

‘કેર અયો કોય પોછે તો તેંકે,
અસી કચ્છી ઐયો ઈ ચોંતા...!’
‘કેર અયો કોય પોછે તો તેંકે, અસી કચ્છી ઐયો ઈ ચોંતા...!’

સાહિત્ય, સંગીત અને કળા એ માનવજીવનનાં મહત્ત્વનાં પરિબળો છે. આ ત્રણેયની એકતા વિચાર, વાણી અને વર્તનની છે અને એના વડે ચૈતન્યની અખંડ અનુભૂતિ થાય છે! સાહિત્યનો મનોરમ્ય પ્રકાર છે કવિતા અને જીવન ફિલસૂફીની કવિતામાં સંગીત ભળે છે ત્યારે મન અને આત્માની જાગૃતિ સહજ બને છે. કાવ્યસર્જન કળા એ ઈશ્વરીય દેન છે. કવિતા માત્ર કાનથી નહીં, પણ મનથી અને હૃદયથી સંભળાય!

આદરણીય ઉમાશંકર જોષીએ પણ કહ્યું છે કે ‘કવિતા એ આત્માની ભાષા છે જેમાં પરિપકવ સાધના અને અનુભૂતિનો રણકો હોય એ કવિતા આનંદ તત્ત્વને સ્ફૂરાવી અંતર્મયતા અને આધ્યાત્મ તરફ અભિમુખ કરે છે.” આજે પણ પાણીની અછત ધરાવતા કચ્છ પ્રદેશમાં પાણીની કાયમ અછત રહી હોવા છતાં પાણીદાર કવિરત્નો પાકતાં રહ્યાં છે. કચ્છના કવિઓએ લોકભોગ્ય શૈલીમાં જીવનમૂલ્યોને વણી લઈ અવિરતપણે કવિતાઓ વહેતી
મૂકી છે એ પણ લોકબોલી કચ્છીમાં! જાણે સરસ્વતી નદીનો ઘૂઘવતો પ્રવાહ! અને એ રીતે આ સુક્કાભઠ્ઠ પ્રદેશને સંવેદનોથી છલોછલ રાખ્યો છે!
જેનાં નામ અને પરાક્રમોથી સતલજથી સમુદ્ર સુધીનો પ્રદેશ ધ્રૂજતો અને કચ્છની લુણી નદીથી સિંધુ નદીના સાગરસંગમ સુધીના પ્રદેશનો જે રાજવી હતો તેવો કચ્છનો ભૂપતિ લાખો ફુલાણી પ્રકૃતિપ્રેમી કવિ હતો. વતનપ્રેમની સાખ પૂરતી તેની આ કાવ્યરચના વાંચતાં આજે પણ કચ્છીઓની રુવાંટી ઊભી થઈ જાય છે :
‘લાખો ચે તો બેલીયા, મૂંકે કાછે ડિજા ડાઘ,
માન ઉઘરખી ઉથિયાં, સુણી સિંધુડો રાગ!’
કચ્છમાં વ્રજભાષા પાઠશાળાના સ્થાપક, વિદ્યાભ્યાસંગી રાજવી લખપતજીનો કાવ્યપ્રેમ તો ઇતિહાસ પ્રસિદ્ધ છે. વિદ્વતાસભર તેમની કાવ્યસરિતા આજે પણ પ્રેરણા આપતી રહે છે. લલિતકળાઓના પોષક અને કદરદાન રાજવી કવિ લખપતજીના સંગીતપ્રેમની સાખ ભુજનો ‘આયના મહેલ’ પૂરે છે. તેમના કવિ દરબારમાં પગ મૂકતાં જ આપણી કળા સતર્કતા સળવળી ઊઠે છે. આપણી ચેતનાને અજવાળી દે છે!
ભુજમાં એ વખતે કાવ્યકલાનો અભ્યાસ કરવાની એક પોશાળ હતી જેણે કચ્છમાં જ નહીં, પણ આખા દેશમાં એક મોટી સગવડ પૂરી પાડી હતી. ત્યાં અભ્યાસ કરતા કવિઓને ખાન-પાનની, છાત્રવાસની અને ભણવાની તમામ સગવડો આપવામાં આવતી હતી. આ પાઠશાળાના પ્રથમ અધ્યાપક તરીકે એક વિદ્વાન જૈન યતિ કનક કુશળજીને નીમવામાં આવ્યા હતા. ગુજરાતના કવિ સમ્રાટ નહાનાલાલ દલપતરામ આ પાઠશાળા વિશે લખે છે કે ‘કવિઓ સર્જવાની એ કાવ્યશાળા કદાચ દુનિયાભરમાં અદ્વિતિય હશે. કચ્છના મહારાઓનું સિંહાસન ભુજીઓ છે, પરંતુ ભુજની પોશાળ તો કચ્છના મહારાઓનો કીર્તિ મુગટ છે.’
મહારાઓ શ્રી લખપતજીએ કનક કુશળજી પાસેથી વૃજ ભાષાનો અને કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો અને ‘લખપતિ શૃંગાર’ નામનો શૃંગાર રસ ધરાવતો અતિ સુંદર ગ્રંથ તૈયાર કર્યો હતો. રતીકેલીમાં નવોઢા નારી કેવું સ્વરૂપ ધારણ કરે છે એ દર્શાવતાં લખપતજી લખે છે કે :
‘શીશ સોં શીશ મુખેમુખ સોં, છતિયાં અપની છતિયાં બરજોરી,
બાહુ સોં બાહુ લપેટી લઈ, કટી સોં કટી ગાંઠી કરી હૈ કિશોરી:
જાંઘ સોં જાંઘન પીંડીસો પીંડીયે, બાંધે પગે પગ ઘૂંઘરું ડોરી,
રાતકી રીઝ લખી મેં સખી, તબતે મેરે ચિત્તમે મિત બસારી.’
આ ગ્રંથ ટીકા સહિત છપાઈને પ્રગટ
થયો હોત તો ગુજરાતને એક અમૂલ્ય ગ્રંથ મળી રહેત!
જેમની સેવા, ક્રાન્તિકારી વિચારો, આદર્શ જીવન અને વાણીની સાહજિકતાએ સમાજના બધા જ વર્ગોનો આદર મેળવ્યો છે એવા ‘કચ્છના કબીર’ સમાન દાદા મેકણનું કચ્છના ભક્તિ કવિઓમાં અનન્ય સ્થાન છે. આ રહી તેમની કાવ્ય પ્રસાદી...
‘જીઓ ત જેર મ થીઓ, થીઓ સક્કર સેણ!
મરી વેંધા માડુઆ, રોંધા મેઠા વેણ.......!’
પોતાના મ્રત્યને સામેથી મળવા ગયેલા મામૈદેવનું કાવ્ય ‘સર્જન મામૈદેવનું
વેદવાણી’ આજે પણ જીવંત છે જેમાં ભવિષ્યવાણીનો ધોધ વહે છે. લાગે એમ કે એ શ્રાપ આપે છે, પરંતુ હકીકતમાં એ ભવિષ્યવાણી છે. તેમનાં નામસ્મરણ સાથે તેમનો કાવ્યપ્રસાદ પણ માણીયે:
‘ઢીંગલે ઢીંગલે ધરમ વેકાબો,
નાણે વેકાબી નારી,
અન્ન-પાણી તોલે વેકાબા,
ધર વધધો ભારી,
છતવારા અછતીયા થીધા,
પોધા ધીલજા ડૂકાર
ધુળજા મિ વસધા ને પાણી વેન્ધા પાતાર........’
એ ઉપરાંત રવિભાણ સંપ્રદાયના સંતોના ભક્તિરસ, ક્રાન્તિકારી કવિ દેવાજી જાડેજાનું કાવ્યસર્જન, કવિ કિશનની ભક્તિરસ સરિતા ‘કિશન બાવની’ કે ખોજા કવિ સાજનની ‘સાજન બાવની’ જોગણ કવયિત્રી રતનબાઈની આધ્યાત્મિક કવિત આજે પણ કચ્છમાં સચવાઈ રહી છે. કચ્છના અખા તરીકે જાણીતા, સાધુ અને અસાધુઓનાં ગુણ-લક્ષણોનું દર્શન કરાવનાર, સાત્વિક જીવનના હિમાયતી કચ્છ નાગ્રેચાના કવિ સઘનનું કચ્છી કાવ્ય ક્ષેત્રે અનન્ય પ્રદાન છે. ‘ખેતા બાવની’ અને ‘સંતાસંત દર્પણ’ના સર્જક કવિ રાઘવે પાખંડીઓની પીઠ પર શબ્દોના લૂણ સભર ચાબખા માર્યા છે. આચરણ શુદ્ધિના ઉપાસક કવિ રાઘવ ચેતવતા લખે છે કે,
‘વેશ ડીસી મ વેસો વિસવાસી! પ્રપંચજી રાંધ રમીએ રનજા,
બાર અછા બગ આંકે લગે, પણ મેલ ભર્યા અઈ મીંજ મનજા’
નલિયાના વિદ્વાન કવિ લાલજી નાનજી વકીલનું સમૃદ્ધ અને અસાધારણ કાવ્ય સર્જન, મકબુલ કચ્છીની વતનપ્રેમ દર્શાવતી શાશ્વત કવિતાઓ, ‘મૂંજી માતૃભૂમિ કે નમન’ જેવી અમર રચના આપનાર સંત કવિ નિરંજન, કચ્છની આધ્યાત્મક સંપત્ત‌િનો સર્વશ્રેષ્ઠ પ્રમાણગ્રંથ શ્રીમદ ભગવદ્દ ગીતાનું પોતાની આગવી શૈલીમાં સમશ્લોકી ભાષાંતર કરનાર કચ્છ કાઠડાના કવિ વજા ભગત, પ્રગલ્ભ સંસ્કૃતિના જગદંબા ભક્તિના સંસ્કાર પુરુષ ભક્ત કવિ ચંદુભા, સૌમ્ય પ્રકૃતિના કવિ દયારામ નાકર ‘મંગલ’ અને....
‘કેર અયો કોય પોછે તો તેંકે,
અસી કચ્છી ઐયો ઈ ચોંતા...!’
જેવી માતબર વતનપ્રેમ કૃતિ આપનાર કવિ શિવજીભાઈ મઢડાવાલા અને આવા કેટલાય સર્જકોએ કચ્છી બોલીને લાડ લડાવ્યા છે. વૈવિધ્યસભર કચ્છી સાહિત્ય એટલે લોકપ્રિય દુહા-છંદ, સોરઠા, બેત, કાફીઓ, ગહન જ્ઞાન ધરાવતી અને અટપટી જ્ઞાન ગમ્મત કરાવતી પિરોલીઓ અને ચોવકો, સંઘર ઉપરાંત ગીત, ગઝલ, હઝલ તેમ જ મુક્તકોનો ભંડાર..!
કચ્છી ભાષાના ભિષ્મ પિતામહ સમા દુલેરાય કારાણીએ કચ્છના ખમીરવંતા લોકસાહિત્યને ચિરંજીવ રાખવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. કચ્છના ભાતીગળ ઇતિહાસનું, સમૃદ્ધ લોકસાહિત્યનું, સ્વમાનથી છલકતા લોકજીવનનું અને કચ્છી માડુની અસ્મિતાનું ગૌરવગાન તેમણે અતિ હોંશે ગાયું છે. કચ્છી પ્રજા જીવનનાં વિવિધ કળા-પાસાંઓને આગવી શૈલી વડે અક્ષરદેહ આપી, કચ્છી સાહિત્યને આમમાનવીના હૃદય સુધી પહોંચાડવાનું મહાન કાર્ય તેમણે કર્યું છે. છેલ્લા મહારાઓ શ્રી મદનસિંહજી કહેતા કે ‘કારાણી પોતે જ કચ્છની અસ્મિતાના પ્રતીક હતા.’
સાચું બોલનારો, અંતરનો અમીર, પ્રકૃતિપ્રેમી ‘કવિ તેજ’ સર્જન ક્ષેત્રે નવાં પરિણામ અને પરિમાણ ઊભાં કરી વિદગ્ધ પ્રયોગવીર બની પરંપરાના પીઠબળ વડે કચ્છી સાહિત્ય તીર્થની પવિત્ર યાત્રા આદરી ‘કવિ તેજે’ પ્રકૃતિ, સમાજ, પ્રભુ પ્રીતિ અને આધ્યાત્મને કાવ્યના વિષયો બનાવ્યા છે. આધ્યાત્મની ગહન વાતો પણ સહજ રીતે તેમની કાવ્યરચનાઓ દ્વારા કરવામાં તે પ્રવીણ છે. આ એક મુક્તક પણ ઘણું બધું કહી જાય છે :
‘વડે મેં વડો ઉ ચોવાજે,
જેંકે નેન્ઢે મેં નેંઢો સમજાજે!’
કચ્છી સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં કવિ પ્રતાપરાય ત્રિવેદીનો ફાળો પણ ઓછો નથી. તેમણે પણ વિપુલ માત્રામાં ગદ્ય-પદ્યનું સર્જન કર્યું છે. તેમણે કચ્છી ધાતુકોશ તૈયાર કરીને એક દીવાદાંડી ફરતી મૂકી છે. ‘કચ્છી કાવ્ય કલાપ’, ‘કલાધર કૃષ્ણ’, ‘મોર જો મલાર’ના સર્જક પ્રતાપરાય હૃદયના તલસ્પર્શી ભાવોને શબ્દદેહ આપવામાં સમર્થ ગણાય છે.
ધાર્મિક ભેદભાવની વ્યર્થતા, માનવજીવનમાં સેવાવ્રતની આવશ્યકતા અને એની ગરિમા પ્રસ્તુત કવિઓના કાવ્યસર્જનમાં ઉપલબ્ધ છે. તેમની રચનાઓ ભારતીય સંત કાવ્યના મૂળ પ્રવાહ સાથે જોડાયેલી રહી છે. આડંબર રહિત ભાષા સ્પષ્ટ, સાદી-સરળ છતાં પ્રભાવશાળી અને પ્રાસાદિક છે. એમાં આદર્શ અને લોકવ્યવહાર, આધ્યાત્મ અને નીતિ, માનવીય સંવેદનાઓને વાચા આપવાનો નિષ્ઠાભર્યો પ્રયાસ આ બધું સંવાદિતાથી ભરપુર છે.

આ પણ વાંચો : ડિમ્પલ ભાનુશાલી: જાણો આ ગુજરાતી એન્કરની જર્ની જેણે જીતી લીધા લોકોના મન

કચ્છી સાહિત્યનો સાંપ્રત વારસો પણ બેનમૂન અને બેહિસાબ છે. જીવન વિશે, જગત વિશે, અસ્તિત્વ વિશે અને એના મૂળ વિશે ચિંતન કરનાર અનેક કચ્છી કવિઓ કચ્છી ભાષાની, કચ્છી પદ્યની ઊભય શક્તિનો સમસ્ત સમાજને પરિચય કરાવી ‘મુશાયરા કર્મ’ અદા કરતા, નિષ્ઠા અને નિશ્ચય સાથે મજલ કાપી રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK