કચ્છ એટલે રત્નધરા વસુંધરા

કિશોર વ્યાસ - કચ્છી કૉર્નર | Jun 04, 2019, 13:04 IST

કચ્છના મહારાવશ્રી ખેંગારજી ત્રીજાનો એક વિશિષ્ટ ગુણ હતો કે તેઓ તેમના દરબારમાં માનવરત્નોને સ્થાન આપતાં હતાં. એ રીતે તેઓ ગુજરાતનાં કેટલાંક એવાં નરરત્નોને શોધીને કચ્છમાં લાવ્યાં હતાં.

કચ્છ એટલે રત્નધરા વસુંધરા

એ પ્રકૃતિદત્ત છે કે દરેકને પોતાનું વતન ખૂબ જ વહાલું હોય છે. એવા વતનપ્રેમીઓમાં કચ્છી માડુની વાત છોગારૂપ બની રહી છે. દુનિયાના કોઈ પણ છેડે વસતો કચ્છી વતનના વટ, વ્યવહાર અને સંસ્કૃતિને ભૂલતો નથી. કચ્છની ધરતી રત્નધરા વસુંધરા છે. કેટલાને સ્મૃત કરવા?

કચ્છના રાજવંશને કાયમ રાખવા માટે પોતાના છ પુત્રોની નજર સમક્ષ કતલ થવા દેનાર ભીયા કક્કલ, કચ્છ-કાઠિયાવાડમાં પોતાની અજિત ફોજને ફરાવનાર વીર ફતિયો, દિલ્હીના બાદશાહ અલ્લાઉદ્દીનથી સુમરી કુંવરીઓના શીલનંા રક્ષણ કરવા શહીદી વહોરનાર અબડો અડભંગ, અલ્લાઉદ્દીનના સંહારના સાધન કટારીના સ્થાને રાંપડી મૂકી દેનાર ઓરસો મેઘવાળ, એક તરફ અંજારના મેઘજી શેઠ અને બીજી તરફ ગુંદિયાળીના સુંદરજી સોદાગર, જંગબારના રાજા જેવા શેઠ જેરામ શિવજી, ક્રાન્તિવીર શ્યામજી કૃષ્ણવર્મા, વનસ્પતિ વિશારદ જયકૃષ્ણ ઇન્દરજી, સાહિત્યના શહીદ હાજીમહમ્મદ અલ્લારખા, વાસ્કો-ડી-ગામાને હિન્દુસ્તાનનો માર્ગ બતાવનાર કાનો માલમ, તબલાનો અજોડ બજવૈયો નાથો ઉસ્તાદ, હાસ્યના ખજાના સમાન નાથો સીદી, ફુલકુમારનો જાન બચાવવા પોતાના એકમાત્ર કુમળા સંતાનની કુરબાની આપનાર દાસી ફારુક, ઢોલી ખાતર બળી મરનારી વ્રજવાણીની ૧૪૦ જેટલી આહેરાણીઓ વગેરેની ચરિત્રકથાઓ કચ્છભૂમિની કલગી બની રહ્યાં છે.

કચ્છનો પ્રમાણભૂત ઇતિહાસ તો રાઓ-ખેંગારજી પહેલાંથી શરૂ થાય છે. શ્રી દુલેરાય કારાણીના સંદર્ભ મુજબ એ પહેલાંની હકીકતો માટે દંતકથાઓ અને લોકકથાઓ પર આધાર રાખવો જરૂરી બની રહે છે.

બ્રહ્મજ્ઞાની પંડિત પિતાંબર, ખેડૂતોના દેવસમાન ખટાઉ વલ્લભજી, દીવાન મણિભાઈ, લધુભાઈ બક્ષી, ઔદાર્યમૂર્તિ ગણાયેલા મેમણ આગેવાન કમુ સુલેમાન, શેઠ કરીમભાઈ ઇબ્રાહિમ અને આફ્રિકામાં ઠેર-ઠેર પોતાની પેઢીઓ ખોલી કચ્છના વટનું પ્રતીક બનેલા અલી દીના વિશ્રામ એ બધા એક યા બીજી રીતે કચ્છના ઇતિહાસમાં ગૌરવભેર સ્થાન ધરાવે છે.

શ્રીમદ્દ ભાગવત, હરિવંશ અને મહાભારત જેવા શ્રદ્ધેય ગ્રંથોના પરિશીલન દ્વારા જાણવા મળે છે કે કચ્છના રાજવીરો યદુવંશી જાડેજાઓનું ઉત્પતિસ્થાન શ્રીકૃષ્ણાત્મજ અનિરુદ્ધના પુત્ર વજ્રનાભના વંશમાં મળે છે એવું કચ્છ, રતાડિયાના જાડેજા બાલુભા સમરસિંહે એક પત્ર દ્વારા કારાણીસાહેબને સંદર્ભો ટાંકીને જણાવ્યું હતું.

કચ્છના મહારાવશ્રી ખેંગારજી ત્રીજાનો એક વિશિષ્ટ ગુણ હતો કે તેઓ તેમના દરબારમાં માનવરત્નોને સ્થાન આપતાં હતાં. એ રીતે તેઓ ગુજરાતનાં કેટલાંક એવાં નરરત્નોને શોધીને કચ્છમાં લાવ્યાં હતાં. ગુજરાતી સાહિત્યમાં જેને પ્રથમ નવલકથા ગણવામાં આવે છે એ કરણ ઘેલોના લેખક શ્રી નંદશંકર તુળજાશંકર, રણછોડભાઈ ઉદયરામ, દીવાન બહાદુર મણિભાઈ જશુભાઈ, છોટાલાલ માસ્તર વગેરે ગુજરાતનાં રત્નો કચ્છની ધરતી પર વિહાર કરી ગયાં છે.

ખેંગારજી બાવા પોતે પણ સાહિત્ય-કળાના પ્રેમી હતા અને એ જ કારણથી ગુજરાતના સાક્ષરોને તેમણે કચ્છમાં વિશિક્ટ સ્થાન આપ્યું હતું. રણછોડભાઈ ઉદયરામને તો તેમણે દીવાનપદ સોંપ્યું હતું. દીવાનની કામગીરી સાથે તેમની સાહિત્યભૂખ પોષવા મહારાવશ્રીના કહેવાથી કચ્છનો પ્રમાણભૂત ઇતિહાસ તૈયાર કરવાનું કામ પણ તેમણે હાથ ધર્યું હતું. કચ્છના મીરો, ભાટ-ચારણો, જૂના હસ્તલિખિત ગ્રંથો અને રાજના ચોપડે થયેલી નોંધોનો આધાર લઈને રણછોડભાઈએ કચ્છના ઇતિહાસનો એક મહાન ગ્રંથ અગિયાર ભાગમાં તૈયાર કર્યો હતો, પરંતુ એ ગ્રંથ કમનસીબે છાપખાના સુધી પહોંચી શક્યો નહોતો. જોકે ૧૯૬૬ના વર્ષ સુધી એ હસ્તલિખિત ગ્રંથ કચ્છના એ વખતના છેલ્લા મહારાવશ્રી મદનસિંહજી બાવાના કબજામાં હતો એવું જાણવા મળે છે.

અરબી સમુદ્રનાં ઊછળતાં મોજાંઓ પર તરી રહેલું તુંબડું એટલે કચ્છ, ભરતખંડની ભૂમિ પર જાણે જુગ જૂના જોગીરાજ સમાન કચ્છ, એક ખૂણે એકાંતમાં યોગસાધના કરતો એકલો-અટૂલો અડોલ અને અબોલ પ્રદેશ એટલે કચ્છ! જ્યાં આવળ-બાવળ અને થોરની ઝાડીઓમાં સૂસવતો પવન હંમેશાં કાનોમાં મીઠું સંગીત રેડતો રહે છે, એ જ પવનમાં વીરતા અને વતનપ્રેમના સંદેશાઓ હોય છે જે કચ્છી માડુના જીવનમાં પડઘાય છે. કારાણીસાહેબ લખે છે એમ,

વાડી-ઝાડી ખેર ઝાંખરાં, થોર બોરડીઓના થોક,
આવળ-બાવળમાં પણ વરસે, કુદરતની કરુણાના ધોધ

આ પણ વાંચો : વિનોબા ભાવેનું નયા કચ્છનું સ્વપ્ન

કચ્છની ભૂમિ પર અનેક સંતો-મહંતો, મહાપુરુષો અને અવતારી આત્માઓએ વિચરણ કર્યું છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર અને પાંડવોનાં પૂનિત પગલાંઓથી આ ધરતી પાવન બની છે. દેવોએ શિવલિંગ લઈને જતા રાવણને પણ આ ભૂમિ પર ઊતરવા ફરજ પાડી હતી જેના પરિણામે કચ્છમાં કોટેશ્વર મહાદેવનું સ્થાનક ઊભર્યું છે. દસ પ્રચેતાઓ અને ગોરખ-મત્સ્યેન્દ્રના તપથી આ ધરતી તપશ્વિની બની છે. વીર લક્ષ્મણનો અવતાર ગણાતા દાદા મેકણ, ધોરમનાથનું સ્વરૂપ ગણાતા રાવળપીર તેમ જ શાહ બુખારી જેવા સંતો અને પીર-ફકીરોના પગલે પવિત્રતામાં વધારો થયો છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK