કૅમેરાની ક્લિકે કચ્છિયતની પહેચાન

Published: Aug 20, 2019, 16:31 IST | કચ્છડો સડ કરે - કીર્તિ ખત્રી | કચ્છ

બ્લૅક ઍન્ડ વાઇટ તસવીર કળાથી કચ્છના લોકજીવન અને સુરખાબ જેવા પક્ષીની સૃષ્ટિને ઉજાગર કરનાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકાર લાલજીભાઈ પોમલને જન્મશતાબ્દી વર્ષે યાદ કરીએ...

કૅમેરાની ક્લિકે કચ્છિયતની પહેચાન
કૅમેરાની ક્લિકે કચ્છિયતની પહેચાન

બ્લૅક ઍન્ડ વાઇટ તસવીર કળાથી કચ્છના લોકજીવન અને સુરખાબ જેવા પક્ષીની સૃષ્ટિને ઉજાગર કરનાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકાર લાલજીભાઈ પોમલને જન્મશતાબ્દી વર્ષે યાદ કરીએ... શ્યામ-શ્વેત તસવીરને વૉટર-કલરથી રંગીને અગ્રણી સામયિકોના બ્લૅક એન્ડ વ્હાઇટ ઇમેજિસની લાલજીભાઈ પોમલની બાદશાહતની છડી પોકારતી તસવીરો સજાવવાની ભારતભરમાં પહેલ કરવામાં તેમનો સિંહફાળો હતો.

કચ્છના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત તસવીકાર એલ. એમ. પોમલની ૧૦૦મી જન્મજયંતી રવિવારે ભુજમાં ઊજવાઈ ગઈ. આ પ્રસંગે તેમના જીવન-કવન વિશે જાણકારોએ લખેલા લેખોનો સંગ્રહ ‘કૅમેરાના કવિ’ પણ પ્રસિદ્ધ થયો. એનાં પાનાં ફેરવતાં જ ખ્યાલ આવી જાય છે કે કચ્છ અને કચ્છિયતની વૈશ્વિક પહેચાન ઊભી કરતી તેમની તસવીરો ખરેખર જ લાજવાબ અને અદ્ભુત છે. કુદરતના બેમિસાલ કરિશ્મા સમું રણ, ઘૂઘવતો દરિયો અને ડુંગરોની હારમાળા સહિતની ભૌગોલિક વિશેષતાઓ ધરાવતા કચ્છમાં વરસાદ-પાણીની સતત ખેંચને પગલે ઉદ્ભવેલા અભાવની સંસ્કૃતિનું ભાગ્યે જ કોઈ પાસું એવું હશે જે પોમલભાઈની ક્લિકે કચકડે નહીં મઢાયું હોય. બન્નીનાં ઘાસિયાં મેદાનો પર ધબકતી માલધારિયત, તેમનાં ભૂંગા, તેમનું પશુધન, પરંપરાગત વસ્ત્ર-ઘરેણાં સજાવેલી જુદી-જુદી જાતિઓની કન્યાઓ, ઘાસચારાની ખોજમાં બેવતન થતા રબારીઓના કાફલા, મોટા રણમાં પ્રજનન કરતાં સુરખાબ કે નાના રણનાં પ્રખ્યાત ઘુડખર, રાજાશાહીના જમાનાની ઐતિહાસિક ઇમારતો, ધાર્મિક સ્થળો, ભાતીગળ લોકમેળા, મલાખડા અને ઉત્સવોની દાયકાઓ પહેલાં તેમણે ઝડપેલી તસવીરો જોઈએ છીએ તો ખ્યાલ આવે છે કે કચ્છ કેટલું બદલાયું છે અને કેટલું ટક્યું છે. તો દુકાળ, અર્ધદુકાળ, ૧૯૫૬નો ભૂકંપ કે ૧૯૭૯ની અતિવૃષ્ટિ સમયની દિલને હલાવી દેતી તેમની તસવીરો કુદરતી આપત્તિઓની મારથી કચ્છ કેવું કણસતું રહે છે એની સાક્ષી પૂરે છે. આઝાદી પછી કચ્છની ધરતી પર ખેલાયેલાં બબ્બે યુદ્ધ પૈકીના એક એવા ૧૯૭૧ના યુદ્ધમાં ભારતે જીતી લીધેલા પાકિસ્તાનના સિંધ પ્રાંતના નગર પારકર સહિતના વિસ્તારોની પત્રકારોની મુલાકાત સમયે એલ. એમ. પોમલે ઝડપેલી તસવીરો ઐતિહાસિક દસ્તાવેજ સમાન છે. 

madhubala

બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરોને વોટર-કલરથી રંગવાતી લાલજીભાઈ પોમલની નિપુણતાનો બોલતો પુરાવો મધુબાલાની ઇમેજ.

૧૮ ઑગસ્ટ, ૧૯૧૯ના રોજ ભુજમાં પોમલભાઈનો જન્મ થયો અને તા.૧-૧૦-૨૦૦૦ના રોજ ભુજમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા. ૮૧ વર્ષના જીવનકાળ દરમ્યાન છ-છ દાયકા સુધી સતત ફોટોગ્રાફી કરી અનેક માનચાંદ, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય પુરસ્કાર-સર્ટિફિકેટ તેમણે મેળવ્યાં. કેટલાંયે શહેરોમાં તેમની તસવીરોનાં પ્રદર્શ થયાં. ખાસ કરીને ‘રા’ લાખેજા જાની’ એટલે કે સુરખાબની મોટા રણ સ્થિત વસાહતની જાણીતા પક્ષીવિદ્ ડૉ. સલીમ અલી સાથેની મુલાકાત અને એ સમયે ઝડપેલી તસવીરોએ તેમને દેશ-વિદેશમાં ખ્યાતિ અપાવી. સુરખાબ એટલે હંજ, મોટા રણમાં આવીને પોતાના માળા રણની ચીકણી માટીથી સમારવાનું શરૂ કરે ત્યારથી માંડીને આઠેક મહિના પછી પાછા જાય ત્યાં સુધીની જીવનચર્યાની આશ્ચર્યમાં ગરકાવ કરી દે એવી બ્લૅક ઍન્ડ વાઇટ (શ્યામ-શ્વેત) તસવીરોએ પોમલભાઈને મુઠ્ઠીઊંચેરા કલાકાર તરીકે પ્રસ્થાપિત કરી દીધા હતા.

kutchi-01

તેમના પરિવારનો મૂળ

વ્યવસાય-ધંધો સોનીનો, દુકાનેય ખરી અને પોતે સોનીકામના સારા કારીગર, નક્શીકામમાં ફાવટ અને ચિત્રકારેય ખરા. ફોટોગ્રાફર બન્યા પછી ચિત્રકાર તરીકેની નજર અને સૂઝ તેમને ઝડપભેર આગળ વધવામાં મદદરૂપ બન્યાં. આમ તો તેમણે ફોટોગ્રાફર તરીકેની કારકિર્દીનો આરંભ કરાચીથી કર્યો હતો, પણ થોડા સમયમાં જ ભારતના ભાગલા થતાં પ્રથમ મુંબઈમાં અને પછી ભુજમાં સ્થાયી થયા. એથી તેમની કારકિર્દી બે ભાગમાં વહેંચાયેલી રહી. બન્ને સ્થળે તેમણે સફળતાનાં શિખર સર કર્યાં. મુંબઈમાં માત્ર અને માત્ર તસવીરકાર તરીકે જ્યારે કચ્છમાં તસવીરકારની સાથે-સાથે એક કલાકાર અને કલાપ્રેમી કચ્છી તરીકેય પ્રખ્યાત થયા. ભુજમાં સ્થાયી થયા પછી તેમણે જાણીતા શાયર અમૃત ઘાયલ અને કવિ મહેન્દ્ર જોષી ‘સમીર’ના સંગાથે એક અનોખી સાહિત્ય સંસ્થા ‘રંગ’ની સ્થાપના કરી જે ૭૦ના દાયકામાં કચ્છની સાહિત્યિક પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર બની ગઈ. તેમના બંગલા ‘સાવન’ના વિશાળ ખંડમાં યોજાતા મુશાયરાઓમાં ગુજરાત જ નહીં, દેશના જાણીતા કવિઓ-શાયરો પણ ભાગ લેતા. સ્થાનિક કવિઓ માટે તો તે એક પાઠશાળા જ હતી. આ જ વિશાળ ખંડમાં કચ્છની લોકસંસ્કૃતિને ઉજાગર કરતી પોમલભાઈની ઉત્તમ તસવીરોની ગૅલરી હતી. તેમના પુત્ર હર્ષદભાઈએ આ ગૅલરી ભુજની વિજયરાજજી લાઇબ્રેરીને ભેટ ધરી દેતાં આજે પણ એ તસવીરો પોમલભાઈની બ્લૅક ઍન્ડ વાઇટ તસવીરકલાની બાદશાહતની સાક્ષી પૂરે છે.

kutchi-02

૧૯૮૧માં કચ્છના પત્રકારો દિલ્હીમાં વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીને મળ્યા એ ટીમમાં પોમલભાઈ પણ સામેલ હતા. કચ્છના અખાતમાં દરિયાઈ જીવોની અજીબ સૃષ્ટિ ધરાવતા પિરોટન સહિતના ટાપુઓની પોમલભાઈની સુંદર તસવીરો જોઈને ઇન્દિરાજી આફરીન પોકારી ઊઠ્યાં હતાં, પણ તરત જ પોમલભાઈએ કહ્યું કે અત્યારે એ વિસ્તારમાં કેટલીક ઔદ્યોગિક પ્રવૃત્તિ એવી થઈ રહી છે જેનાથી દરિયાઈ જીવસૃષ્ટિને મોટું નુકસાન થઈ રહ્યું છે. આ વાત સાંભળતાં જ ઇન્દિરાજી બોલ્યાં, `નહીં, યે બંધ હોના ચાહિયે’... અને માનો છો કે છએક મહિનામાં જ જામનગર નજીકનો એ વિસ્તાર રક્ષિત અભયારણ્ય જાહેર થયો.

પોમલભાઈની ફોટોગ્રાફર તરીકેની કારકિર્દીના ઘડતરમાં બ્લૅક ઍન્ડ વાઇટ તસવીરકલાની કુશળતાની સાથે-સાથે તસવીરોમાં વૉટર-કલરથી રંગ પૂરવાની આવડતે પણ એટલો જ ભાગ ભજવ્યો હતો. વૉટર-કલરથી તસવીરો રંગવામાં તેમને એવી તો ફાવટ આવી ગયેલી કે ૧૯૪૪થી જ ‘મુંબઈ સમાચાર - સાપ્તાહિક’, ‘બૉમ્બે ક્રોનિકલ’, ‘ધર્મયુગ’ (હિન્દી) કે ‘ઇલસ્ટ્રેટેડ વીકલી’ જેવાં રાષ્ટ્રીય કક્ષાનાં સુવિખ્યાત અઠવાડિકનાં મુખપૃષ્ઠ પર તેમની તસવીરો ધૂમ મચાવતી રહી. દરમ્યાન ‘ચિત્રલેખા’ પરિવાર સાથે તેમનો નાતો બંધાયો અને ફિલ્મી મૅગેઝિન ‘જી’ તેમ જ ‘બીજ’નાં મુખપૃષ્ઠોયે પોમલભાઈની પીંછીના લસરકે શોભતાં હતાં. એ સમયે ભારતભરમાં આ પ્રકારનાં મુખપૃષ્ઠ ભાગ્યે જ છપાતાં, એને ધ્યાનમાં લઈએ તો પોમલભાઈ સામયિકોનાં રંગીન મુખપૃષ્ઠ પ્રથાના પ્રણેતા હતા, પણ પોતાની કારકિર્દીનો સૂર્ય મધ્યાહ્‍ને હતો એવા સમયે જ મુંબઈ છોડીને ૧૯૬૫માં ભુજમાં કાયમી વસવાટ કર્યો.

આ પણ વાંચો : ત્ર્યંબકેશ્વર મહાદેવ અને રામચરણ ધૂલી ધન્યા ધ્રબુડી

દેશના એક ખૂણામાં બેસીનેય કલાની સાધના કરતાં-કરતાં પોતાના પ્રદેશની અસ્મિતાને એક ઋષિની અદાથી તસવીરરૂપે વિશ્વ સમક્ષ પેશ કરી. તેમના સમગ્રતયા પ્રદાનને ધ્યાનમાં લઈએ છીએ તો એમ લાગે છે કે તેમની જે કદર થવી જોઈતી હતી એ અપાણે નથી કરી શક્યા. અલબત્ત, મોડે-મોડેય છેક ૧૯૯૩માં તેમને લલિતકલા અકાદમીનો અવૉર્ડ રાજ્ય સરકારે આપ્યો, પરંતુ તેમનું યોગદાન પદ્‍મશ્રી કે પદ્‍મભૂષણને લાયક હતું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK