Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કંડલાના વાવાઝોડાગ્રસ્તો ૨૧ વર્ષેય થાળે પડ્યા નથી

કંડલાના વાવાઝોડાગ્રસ્તો ૨૧ વર્ષેય થાળે પડ્યા નથી

18 June, 2019 10:11 AM IST | કચ્છ
કીર્તિ ખત્રી - કચ્છી કોર્નર

કંડલાના વાવાઝોડાગ્રસ્તો ૨૧ વર્ષેય થાળે પડ્યા નથી

કંડલા પોર્ટ

કંડલા પોર્ટ


કુદરતી આફતો જ્યારે કાળ બનીને ત્રાટકે છે ત્યારે માનવી લાચાર બની જાય છે અને માથે હાથ દઈ ઈશ્વરે કર્યું એ ખરું એમ કહી મન મનાવે છે, પણ વિજ્ઞાન અને ટેક્નૉલૉજીના ઉપયોગથી હવે માનવી કુદરતી આફતોનો સામનો કરતા શીખવા લાગ્યો છે. વાવાઝોડા જેવી આફતો કે ભૂકંપ જેવી હોનારતો રોકી શકાતી નથી, પરંતુ જો સાવચેતીપૂર્વક પગલાં લેવાય તો જાનહાનિ નિવારી શકાય અને માલ-મિલકતનું નુકસાન પણ ઓછું કરી શકાય. આ વાત હાલમાં ગુજરાત પર ઝળુંબેલા પ્રચંડ વાવાઝોડા અને એના સામના સાથે સંકળાયેલી ઘટનાઓએ પુરવાર કરી આપ્યું છે. અરબી સમુદ્રમાં ઝંઝાવાતી વાવાઝોડું આકાર લઈ રહ્યું હોવાની ચેતવણી હવામાન ખાતાએ આપી ત્યારથી કરીને એની દિશા પોરબંદર નજીકથી જ બદલાઈને પહેલાં ઓમાન તરફ અને પછી કચ્છ તરફ ફંટાઈ ત્યાં સુધી ગુજરાત સરકારે એના પર બાજ નજર રાખીને સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠાળ વિસ્તારમાં લોકોની જાન-માલની સલામતી માટે શક્ય તમામ પગલાં ત્વરિત ગતિએ લીધાં એ બદલ એને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે.

પણ ૨૧ વર્ષ પહેલાં જૂન મહિનામાં જ કંડલા મહાબંદરને ખેદાનમેદાન કરી મૂકનાર વાવાઝોડાની આફત વખતે ચિત્ર સાવ ઊલટું હતું. બીજેપીના જ નેજા હેઠળની ગુજરાત સરકાર હતી અને વાવાઝોડાની ચેતવણી મળ્યા છતાં માત્ર સરકારી તંત્ર જ નહીં, કંડલા પોર્ટના સત્તાવાળાઓ પણ ઊંઘતા જ ઝડપાયા. વળી એ વખતે કેન્દ્રમાં પણ વાજપેયી સરકાર હતી એથી ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે પણ સુસંકલન શક્ય હતું છતાં ધબડકો થયો.



મહાબંદર કંડલા અને એની આજુબાજુના વિસ્તારો પર પ્રલયની જેમ ત્રાટકેલા વાવાઝોડાની વાત કરીએ તો આ સરહદી જિલ્લાના પૂરી એક સદીના ઇતિહાસમાં ક્યારેય ન સર્જા‍ઈ હોય એવી કલ્પનાતીત ગોઝારી દરિયાઈ હોનારત ૧૯૯૮ની ૯મી જૂને સર્જા‍ઈ હતી. દેશના ટીવી, રેડિયો અને અખબાર સહિતનાં પ્રચાર માધ્યમોમાં વાવાઝોડાની આગાહી અને ચેતવણીઓ અપાઈ હોવા છતાં કંડલા પોર્ટ ટ્રસ્ટના જવાબદાર સત્તાવાળાઓ તકેદારીનાં પગલાં લેવામાં નિષ્ફળ ગયાં અને ભરતીનાં મહાકાય મોજાં બંદર પર ફરી વળતાં ચોગરદમ તબાહીનાં દૃશ્યો સર્જા‍યાં. એક તો પૂનમ અને એ પણ આખરની મોસમની એટલે એનાં મોજાં આમેય તોફાની હોય. એમાં વળી, ભરતીના સમયે જ વાવાઝોડું પણ એ જ દિશાએથી ત્રાટક્યું એટલે થોડા કલાક સુધી બંદર જ જાણે દરિયામાં ગરકાવ થઈ ગયું હોય એવું દૃશ્ય સર્જા‍યું. રસ્તાઓ પર વાહનમાં બેઠેલા માણસો એમને એમ ડૂબી ગયા, નીચાણવાળા વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીઓમાં અસંખ્ય માસૂમ બચ્ચાં, સ્ત્રીઓ અને વૃદ્ધો કોઈ પણ પ્રતિકાર વિના મોતને ભેટ્યાં, કેટલાક જુવાનિયા ઊંચાણવાળા વિસ્તાર સુધી પહોંચ્યા કે છત પર ચડી ગયા તો કેટલાયે જુવાનિયા અસ્તિત્વ માટે ભારે મથામણ કર્યા પછીયે હંમેશને માટે આંખ મીંચી ગયા... દૂર-દૂરના નમકના અગરો પર પાણી ફરી વળ્યાં. સામંતશાહી યુગની યાદ અપાવે એવા શોષણ સામે અસ્તિત્વ માટે વલખાં મારતા સેંકડો ગરીબ મજૂરો-અગરિયા એમને એમ નમકમાં ગરકાવ થઈ ગયા. તબાહી અને જાનહાનિની એક નહીં, પણ અનેક કરુણ કહાણીઓ અખબારોથી ટીવીના પરદાઓ સુધી પ્રસિદ્ધિ પામી. દરિયાના પાણીમાં તરતી ઢગલાબંધ લાશો કે કંડલાને સામે પારના બેટ પર વૃક્ષો-ચેરિયામાં અટવાયેલી લાશો શોધી કાઢવામાં સરકારી તંત્ર વામણું પુરવાર થાય એમ હતું ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને સીમા સુરક્ષા દળના જવાનોએ અથાગ મહેનત સાથે નાતજાત કે ધર્મના ભેદભાવ વિના દિવસ-રાત કામગીરી બજાવી પોતાની ફરજ નિભાવી, છતાં સેંકડો લાશ એવી કઢંગી હાલતમાં હતી કે ઓળખી શકાય એમ નહોતી. તો આજેય લાપતા... પછી શરૂ થયો રાહતનો દોર. મરેલાઓનાં નામે રોકડી કરતાં તત્વો કે રઝળતી લાશના અંગો પરથી દાગીનાની ચોરી કરનારાં તત્વો કે પછી રાજકીય રીતે રોકડી કરનારાં તત્વો-કહોને કે માનવીની ભવાઈ પણ કંડલાની ધરતી પર જોવા મળી. આજે એ ઘટનાને ૨૧ વર્ષનાં વહાણાં વાયા છતાં એની કુલ નુકસાની કે મરણાંક છાતી ઠોકીને કહી શકાય એમ નથી.


દોઢસો કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનની પીઠ પર સવાર થઈને ગાંડા બનેલા મહેરામણે પોતાના પેટાળમાં કેટલાકને સમાવી લીધા એનો આંકડો ૨૦૦૦થી વધુનો મુકાયો હતો. ૧૪૮૫ જણને શેતાની લોઢ તાણી ગયા. ૧૨૨૬ લાપતા તરીકે નોંધાયા, પણ મૃતદેહ ૮૦૦ જ હાથ આવ્યા. બાકી બિનસત્તાવાર મરણાંક ચાર હજારની આસપાસનો મુકાયો હતો. માત્ર કંડલા પોર્ટને ૧૮૫૫ કરોડનું નુકસાન થયું હતું. મહાબંદરની નુકસાનીને ભારે પ્રસિદ્ધિ દેશભરના મીડિયામાં મળી એમાં ખેતીને મોટાપાયે થયેલા નુકસાનની વાત પ્રકાશમાં ન આવી. હકીકતમાં દરિયા નજીક આવેલા અંજાર અને મુંદ્રા તાલુકાનાં ૩૬ ગામોના બાગાયતી પાકોનો સોથ વળી ગયો હતો. કુલ તેર લાખ વૃક્ષ ધરાશાયી થયાં એમાં ૧૨ લાખ તો ફળાઉ ઝાડ હતાં. ૧૧૦૦ કરોડનું નુકસાન અંદાજાયું હતું.

વાવાઝોડાની ચેતવણી મળ્યા પછી માલમિલકતની નુકસાની ભલે નિવારી શકાઈ ન હોત, પણ જો નીચાળવાણા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાયું હોત તો જાનહાનિ ઘણી ઓછી થઈ હોત. પણ, ડિઝૅસ્ટર મૅનેજમેન્ટમાં ગુજરાતનું સરકારી તંત્ર અને કંડલા પોર્ટ ટ્રસ્ટ ઠોઠ નિશાળિયા સાબિત થયા અને મહાબંદરના માળખા તેમ જ ખેતીને ભારે નુકસાન થયું.


ખેર, પણ વાવાઝોડાને લીધે બેઘર બનેલા લોકોના પુનર્વસવાટ માટે પણ પૂરતાં પગલાં લેવાયાં નહીં એ કઠે એવું છે. ૩૨૦૦ આવાસ બનાવવાનું જાહેર થયું હતું પણ બન્યા છે માત્ર ૧૨૦૦. બે હજાર પરિવારો માટે ૨૧ વર્ષેય ઘર બન્યાં નથી. ૨૦૦૧ના ભૂકંપગ્રસ્તો થાળે પડી ગયા પણ ૧૯૯૮ના વાવાઝોડાગ્રસ્તો નહીં.

આ પણ વાંચો : કચ્છને પૂરેપૂરો ઓળખવો હજી બાકી છે

નોંધ લેવા જેવી વાત એ છે કે કંડલાના વાવાઝોડા પછીના ૧૧મા મહિને એટલે કે ૧૯ મે ૧૯૯૯ના ફરી વાવાઝોડાની આગાહી-ચેતવણી મળી ત્યારે એના સામના માટે તંત્ર સાબદું બની ગયું. દરિયાકિનારાના ૨૦ હજાર લોકોનું સ્થળાંતર કરાયું એથી જાનહાનિ નિવારી શકાઈ. કંડલાના બનાવનો બોધપાઠ સરકારે લીધો એમ ચોક્કસ કહી શકાય. ત્યાર બાદ ૨૦૦૧માં વિનાશક ધરતીકંપે કચ્છને તહસનહસ કરી નાખ્યું અને અજોડ પુનર્વસન થયું એનો ઇતિહાસ જાણીતો છે. ટૂંકમાં ગુજરાત સરકારે આફતોના અનુભવોમાંથી બોધપાઠ લઈને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટમાં નિપૂણતા મેળવી છે. (પ્રસિદ્ધ પત્રકાર)

Whatsapp-channel Whatsapp-channel

18 June, 2019 10:11 AM IST | કચ્છ | કીર્તિ ખત્રી - કચ્છી કોર્નર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK