જે ખાઈને ઊંઘી જ જવાય એવી કુંભકર્ણ થાળી

Published: Sep 26, 2019, 15:28 IST | ખૂશ્બુ ગુજરાત કી - રશ્મિન શાહ | જૂનાગઢ

સંતભૂમિ જૂનાગઢ ભજન માટે તો પૉપ્યુલર છે જ પણ સક્કરબાગ સામે મળતી કુંભકર્ણ થાળીએ જૂનાગઢને ભોજન માટે પણ પૉપ્યુલર કરવાનું શરૂ કરી દીધું છે. જે આ થાળી એકલા હાથે પૂરી કરી દે તેને ૧૧૦૦નું કૅશ પ્રાઇઝ અને થાળી ફ્રીનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે

કુંભકર્ણ થાળી
કુંભકર્ણ થાળી

સંતભૂમિ જૂનાગઢ ભજન માટે તો પૉપ્યુલર છે જ પણ સક્કરબાગ સામે મળતી કુંભકર્ણ થાળીએ જૂનાગઢને ભોજન માટે પણ પૉપ્યુલર કરવાનું શરૂ કરી દીધું છે. અંદાજે અગિયાર કિલો વજનવાળી કુંભકર્ણ થાળીમાં કુલ બેતાલીસ વરાઇટી આવે છે. જે આ થાળી એકલા હાથે પૂરી કરી દે તેને ૧૧૦૦નું કૅશ પ્રાઇઝ અને થાળી ફ્રીનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે પણ એક વર્ષથી ચાલુ થયેલી કુંભકર્ણ થાળીની આ ચૅલેન્જ હજી સુધી કોઈ પૂરી કરી શક્યું નથી.

મહાકાય થાળીનો કન્સેપ્ટ હવે નવો નથી રહ્યો, પણ સાથોસાથ એ પણ એટલું જ સાચું કે બધી મહાકાય થાળીની પોતપોતાની અલાયદી ખાસિયત છે. અમદાવાદમાં બાહુબલી થાળી મળે છે તો રાજકોટમાં ભીમ થાળ મળે છે, મહેસાણામાં બકાસૂર પૂજા નામની થાળી મળે છે તો સુરતમાં પેટપૂજા નામે મહાકાય થાળી જમવા માટે મળે છે. આ બધામાં સૌથી જુદી પડતી હોય એવી કોઈ મહાકાય થાળી હોય તો એ જૂનાગઢની કુંભકર્ણ થાળી છે.

જૂનાગઢના સક્કરબાગ ઝૂની એક્ઝૅક્ટ સામે આવેલા પટેલ રેસ્ટોરન્ટ ઍન્ડ બૅન્ક્વેટ હૉલમાં મળતી આ કુંભકર્ણ થાળીની સૌથી મોટી ખાસિયત એ છે કે એમાં કોઈ એક ક્યુઝિનની ફોલો કરવાને બદલે એમાં પંજાબી, કાઠિયાવાડી, સાઉથ ઇન્ડિયન, નૉર્થ ઇન્ડિયન, ચાઇનીઝ, મેક્સિકન અને રશિયન એમ અલગ-અલગ ક્વીઝિન સામેલ કરવામાં આવ્યાં છે જેને લીધે કુંભકર્ણ થાળીનો ઉપાડ અન્ય શહેરોની મહાકાય થાળી કરતાં વધારે રહે છે તો સાથોસાથ એ થાળી પૂરી કરવાની માત્રા પણ અન્ય મહાકાય થાળી કરતાં વધારે રહે છે. બાહુબલી થાળી કે ભીમ થાળ સંપૂર્ણ ખાલી કરવાનો રેશિયો તેમના જ જનકોના કહેવા મુજબ બાવીસથી પચીસ ટકાનો છે, જ્યારે કુંભકર્ણ થાળીના જનક એવા પટેલ રેસ્ટૉરાંના માલિક શાંતિભાઈ લાખાણીના કહેવા મુજબ કુંભકર્ણ થાળી પૂરી કરવાનો રેશિયો સાઠ ટકાથી પણ વધારે છે. શાંતિભાઈ કહે છે, ‘મહાકાય થાળી આપી દેવાથી વાત પૂરી નથી થતી, એ આપ્યા પછી પણ અન્નનું અપમાન ન થાય એ મુજબ ક્વૉન્ટિટી આપવી અને વધેલા અન્નનો ઉપયોગ કઈ રીતે કરવો એ મહત્ત્વનું છે. જો કોઈ એકલો માણસ આવીને કુંભકર્ણ થાળી માગે તો અમે સામેથી જ તેને સમજાવીએ છીએ કે એ પૂરી કરવી અઘરી છે, એ પછી પણ જો એની માગ હોય તો અમે તેને સમજાવીને પહેલાં અડધી ક્વૉન્ટિટી આપીએ છીએ અને જો એમાં તેનું પેટ ભરાઈ જાય તો બાકીનું ફૂડ અમે પાર્સલ કરીને તેને સાથે આપીએ છીએ.’

કુંભકર્ણ થાળીમાં પાંત્રીસ વરાઇટી હોય છે. આ ઉપરાંત એ થાળી સાથે બાર વરાઇટી એવી પણ મળે છે જે અન્ય થાળીઓ સાથે પણ આપવામાં આવતી હોય છે. એ આઇટમને જો કુંભકર્ણ થાળીમાં ઉમેરવામાં આવે તો કુંભકર્ણ થાળીમાં સુડતાલીસથી વધારે વરાઇટી મળે છે. કુંભકર્ણ થાળીની કિંમત અત્યારે ૧૧૦૦ રૂપિયા છે. થાળીની શરૂઆત ૮૯૯ રૂપિયાથી દોઢ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવી હતી. શાંતિભાઈ લાખાણી કહે છે, ‘વાસણ સહિત થાળનું વજન અિગયાર કિલો છે અને ધાનનું વજન અંદાજે આઠ કિલોનું છે. આઠ કિલો ફૂડ કોઈ માણસ એક ટંકમાં ખાઈ ન શકે એટલે અમે શરત રાખી છે કે જે માણસ એકલો આ થાળ ખાઈ લેશે તેને થાળી ફ્રીમાં જમાડવામાં આવશે અને એ ઉપરાંત અગિયારસો રૂપિયા ઇનામરૂપે આપવામાં આવશે.’

કુંભકર્ણ થાળીની સ્પેશ્યલિટી એ છે કે એમાં આવતી તમામેતમામ વરાઇટી એ જ સમયે બને છે. સામાન્ય રીતે રેસ્ટૉરાંમાં અમુક રૂટીન વરાઇટીઓની સિત્તેર ટકા સામગ્રીઓ પહેલેથી તૈયાર હોય છે પણ કુંભકર્ણની એક પણ વરાઇટી પહેલેથી તૈયાર નથી હોતી. એની તમામ આઇટમ થાળીનો ઑર્ડર આવ્યા પછી જ બનવાની શરૂ થાય છે અને એટલે થાળીના ઑર્ડર પછી પિસ્તાલીસ મિનિટ રાહ જોવાનું કહેવામાં આવે છે. આ પિસ્તાલીસ મિનિટનો સમય પસાર કેવી રીતે કરવો એ પ્રશ્ન સહજ રીતે થાય, પણ એનો ઉકેલ ઑલરેડી શોધી લેવામાં આવ્યો છે. આ પિસ્તાલીસ મિનિટ દરમ્યાન તમારા મનોરંજન માટે મૅજિશ્યન છે, જે પોતાના કરતબથી તમારા અને તમારા પરિવારનું ધ્યાન તેના જાદુમાં પરોવી રાખશે. તમે આ જાદુ જોતાં હશો એ દરમ્યાન કુંભકર્ણ તૈયાર થતો હશે.

કુંભકર્ણ થાળી લઈ આવવાની રીત પણ અનોખી છે. થાળી તૈયાર થઈ જાય અને એ કસ્ટમરના ટેબલ પર લઈ આવવાની હોય ત્યારે એક વ્યક્તિ ડમરું સાથે આગળ ચાલે અને બે વ્યક્તિ થાળી ઉપાડીને લઈને પાછળ આવે, ડમરુ વાગતું જાય અને આખી રેસ્ટોરન્ટમાં થાળીનું પ્રોસેશન ફેરવી એને કસ્ટમરના ટેબલ પર મૂકવામાં આવે. એ જ્યારે ટેબલ પર મૂકવામાં આવે ત્યારે આખી રેસ્ટોરન્ટની નજર તમારા પર જ હોય. આ જે ફીલ છે એ અદ્ભુત છે. થોડી વાર માટે તમે સુપરસ્ટાર હો એવી તમને અનુભૂતિ થાય અને આ અનુભૂતિ કુંભકર્ણ થાળી ઑર્ડર કર્યાની ખુશીમાં વધારો કરે છે.

કુંભકર્ણ થાળીમાં નેવું ટકા વરાઇટી ડબલ આવે છે. એક મોટા વાડકામાં સબ્ઝી આપવાને બદલે એના બે ભાગ કરી નાખવામાં આવ્યા છે જેથી વધુ લોકો શૅર કરી શકે. સ્ટાર્ટર પણ ડબલ આપવામાં આવે છે, એ જ હેતુ, વધુમાં વધુ લોકો શૅર કરી શકે. ચાર જાતનાં સ્ટાર્ટર છે જેમાં ફ્રાઇડ નટ્સ ઍન્ડ નૂડલ્સ, થન્ડર પનીર, બાસ્કેટ ચાટ અને પાપડ પરી છે. પાપડ પરીમાં પાપડનો ભૂકો કરી એમાં વેજિટેબલ્સ નાખી પાપડ સૅલડ જેવો લુક બનાવવામાં આવે છે. આ ચાર સ્ટાર્ટર ઉપરાંત રશિયન સૅલડ આપવામાં આવે છે. રશિયન સૅલડનું પ્રેઝન્ટેશન ઇન્ટરેસ્ટિંગ છે. નાની સક્કરટેટીને અડધી કાપીને એની અંદરનો ગર્ભ કાઢી રશિયન સૅલડ એમાં ભરીને એ પીરસવામાં આવે છે.

મેઇન કોર્સની વાત કરીએ તો ચાર સબ્ઝી છે. આ ચાર સબ્ઝીમાં પિંડ ચણા છે. જૂજ લોકોને ખબર છે કે જગતના શ્રેષ્ઠ ચણા પાકિસ્તાનના રાવલપિંડીમાં થાય છે. પિંડ ચણામાં એ જ ચણા વાપરવામાં આવે છે. મોઢામાં મૂકો અને ચણાનો એકેક દાણો ઓગળી જાય એવા મુલાયમ પણ દેખાવે કડક અને એકદમ પર્ફેક્ટ આકાર. પિંડ ચણા ઉપરાંત એક સબ્ઝી છે ગ્રીન કુંભ. આ ગ્રીન કુંભ મિક્સ વેજિટેબલ્સમાંથી બને છે અને એમાં લાલ મરચાંનો ઉપયોગ કરવામાં નથી આવતો. આ સબ્ઝીમાં તીખાશ માટે લીલાં મરચાં અને કાળાં મરીનો ઉપયોગ કરવામાં આવે છે તો સાથોસાથ એમાં પાલક અને પનીર પણ હોય છે. ગ્રેવી પાલકની બનેલી હોવાથી સબ્ઝીનો રંગ ઘટ્ટ લીલો છે. પાલકની જ બીજી એક સબ્ઝી છે, જેનું નામ છે પાલક કાજુ. ઘીમાં શેકાયેલાં કાજુને પાલકની ગ્રેવીમાં નાખીને એવી જ રીતે એને બનાવવામાં આવે છે જે રીતે પાલક-પનીર બનતું હોય છે. પણ પાલક અને કાજુનો સંગમ આનંદ આપનારો છે. ઘીમાં શેકાયેલાં કાજુ પર ચડી ગયેલું ઘીનું આછુંસરખું પડ પણ અકબંધ રહે છે, જે સબ્ઝી ખાતી વખતે પણ મહેસૂસ થાય છે. આ સિવાયની બે સબ્ઝીમાં વેજ ટકાટક અને એક કાઠિયાવાડી સબ્ઝી છે, જે નિયમિત રીતે બદલાતી રહે છે.

કુંભકર્ણ થાળીમાં દાલ બુખારા આપવામાં આવે છે. આ દાલ બુખારા રેસ્ટોરન્ટમાં મળતી નથી. જેમ તમારે પનીર-કાજુની સબ્ઝી ખાવી હોય તો કુંભકર્ણ થાળી જ મંગાવવી પડે એવું જ આ દાલ બુખારાનું છે. એ પણ તમને માત્ર કુંભકર્ણ થાળીમાં જ મળે. રાઇસ સેક્શનમાં બે પ્રકારના રાઇસ છે. જીરા રાઇસ અને હૈદરાબાદી બિરયાની. હૈદરાબાદી બિરયાની ખાતી વખતે તમને હૈદરાબાદની ‘બાવર્ચી’ કે ‘કૅફે બહાર’ યાદ આવ્યા વિના રહે નહીં. ઑથેન્ટિક ટેસ્ટ પણ એવો જ અને ખુશ્બૂ પણ બિલકુલ એવી કે તમારી જઠરાગ્નિ પ્રજ્વલિત થઈ જાય. ફરસાણમાં ત્રણ જાતનાં ફરસાણ છે. પનીર ચિલી, સમોસા અને એ ઉપરાંત છે નૂડલ્સ રૅપ્ડ. આ નૂડલ્સ રૅપ્ડ પહેલી વખત જોવા મળેલી આઇટમ છે. પનીર પર ચણાના લોટનું આવરણ ચડાવી એના પર નૂડલ્સનું રૅપિંગ કરી દેવામાં આવે છે. પહેલાં આ આખી આઇટમ તળવામાં આવે અને એ પછી એને ચાઇનીઝ સૉસની ગ્રેવીમાં સાંતળી નાખવામાં આવે છે. ઉપર કરકરાં નૂડલ્સ અને એની અંદર આલા દરજ્જાનું સ્મૂધ પનીર. સાથે ચાઇનીઝ સૉસની ચટકારા મારે એવી ગ્રેવી. સાહેબ, સાતે કોઠે લાલચટકા મશાલ પ્રગટી જાય અને સ્વાદ તાળવે ચોંટી જાય.

આ તીખાશને ભાંગવા માટે તમે કુંભકર્ણ થાળીમાં નજર પાથરો તો તરત જ તમારું ધ્યાન જાય કુલડીમાં આવેલી લસ્સી પર અને એની બાજુમાં રાખવામાં આવેલી કાજુ રબડી પર. બે વાડકીમાં ત્રણ-ત્રણ નંગ પડેલા અને ગીર ગાયના દૂધમાંથી બનેલા શુદ્ધ ઘીમાં તળાયેલા ગુલાબજાંબુની કુમાશ કૅટરિના કૈફના ગાલને ટક્કર આપે એવી છે પણ એના પર છાંટવામાં આવેલું કોપરું સ્વાદ ઘટાડવાનું કામ કરે છે. ઘટ્ટ કથ્થઈ રંગના ગુલાબજાંબુ પર સફેદ કોપરાનું કૉમ્બિનેશન આંખને ઠંડક આપે છે, પણ સ્વાદનો સ્તર સહેજ નીચો લઈ આવે છે. કોપરાને બદલે જો ગાર્નિશિંગમાં છીણેલાં કાજુનો ઉપયોગ કરે તો પણ કલર કૉમ્બિનેશન અકબંધ રહી શકે, પણ શેફે કોપરું શું કામ વાપર્યું એનો જવાબ કોઈ પાસે નહોતો. આટલું વાંચતાં થાકી ગયા હો તો નાનકડી સ્પષ્ટતા કરવાની, કુંભકર્ણ થાળીની બે વાત હજી બાકી છે.

કુંભકર્ણ થાળીમાં આપવામાં આવતું પહાડી રાઈતું દેખાવે રાઈતું જ લાગે પણ એની બનાવવાની રીત ઉત્તરાખંડની છે, જેને લીધે સ્વાદમાં એ આપણા રેગ્યુલર રાઈતા કરતાં ચડિયાતું છે. બીજા નંબરે વાત આવે છે કુંભકર્ણ થાળીની રોટીની અને રોટી વિના કોઈ ભોજન પૂરું ગણાય જ નહીં.

કુંભકર્ણ થાળીમાં બટર રોટી, લચ્છા પરાઠાં, મિસ્સી રોટી, ચટપટા નાન અને સ્ટફ્ડ પરાઠાં એકેક આપવામાં આવે છે જ્યારે ચાર આપણી દેશી ફૂલકા રોટલી આપવામાં આવે છે. ચટપટા નાન માત્ર કુંભકર્ણ થાળી સાથે જ મળે છે. આ નાન ખાવા માટે શાક કે દાળની પણ જરૂર નથી પડતી. પાલક, ફુદીના, તલ, તજ અને લવિંગ સાથેની આ રોટી ગરમાગરમ હોય તો તમે એ લુખ્ખી પણ ખાઈ શકો.

કુંભકર્ણ થાળીમાં આવતું ગ્રીન સૅલડ અને પાપડ માટે કોઈ વિશિષ્ટ આયોજન નથી અને એની જરૂર પણ નથી. પણ હા, એક ખાસ વાત એ છે કે થાળી સાથે મોટો વાડકો ભરીને પૉપકૉર્ન આપવામાં આવે છે. બિરયાની સાથે કે પછી રાઇસ-દાલ સાથે પૉપકૉર્ન ખાવાની મજા કેવી છે એ કુંભકર્ણ થાળી જમ્યા પછી ખરેખર સમજાયું.

આ પણ વાંચો : આવી રીતે બનાવો કૉર્ન ટૉર્ટિલા

નામ મેં ક્યા રખ્ખા હૈ?

નામમાં શું બાળ્યું છે એવું ભલે શેક્સપિયરે કહ્યું, પણ કુંભકર્ણ થાળીના નામ માટે લાખાણીપરિવારે અથાગ મહેનત કરી હતી. તેમને નામ એવું જોઈતું હતું જે નામ સાંભળતાંની સાથે જ તમારી આંખ સામે અઢળક ખાવાનું આવી જાય. આવું નામ શોધવામાં લગભગ દોઢેક મહિનો પસાર થયો અને એ પછી રામાયણનો કુંભકર્ણ યાદ આવ્યો. છ મહિના સુધી અંકરાતિયાની જેમ ખાતા અને છ મહિના ઘોર્યા કરતા કુંભકર્ણનું નામ થાળી સાથે જોડવામાં આવ્યું. શાંતિભાઈ લાખાણી કહે છે, ‘કુંભકર્ણ થાળી જો ત્રણ માણસો સાથે બેસીને ખાય તો ગૅરન્ટી આપું કે એ ત્રણેત્રણને પંદર મિનિટમાં સૂવા માટે ખાટલો જોઈએ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK