Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કચ્છનો સધિયારો હતા કેશુબાપા

કચ્છનો સધિયારો હતા કેશુબાપા

10 November, 2020 03:16 PM IST | Kutch

કચ્છનો સધિયારો હતા કેશુબાપા

કેશુબાપા

કેશુબાપા


ગુજરાતના પહેલા મુખ્ય પ્રધાન જીવરાજ મહેતાથી માંડીને છબીલદાસ મહેતા સુધીના નવ મુખ્ય પ્રધાનો અને ત્રણ રાષ્ટ્રપતિ શાસન દરમિયાન ક્યારેય કચ્છને એટલું મહત્ત્વ નથી મળ્યું જેટલું મળવું જોઈએ. ૧૯૯૫ની ૧૪ માર્ચે કેશુભાઈ પટેલ ગુજરાતના દસમા મુખ્ય પ્રધાન બન્યા ત્યાર પછી કચ્છનું રાજકીય મહત્ત્વ અને માળખાકીય સુવિધાઓનો વિકાસ થયો, એ હકીકત છે. કૉન્ગ્રેસના શાસન દરમિયાન ન તો કચ્છનું રાજકીય વજન રહ્યું છે કે ન તો કચ્છ માટે કોઈ વિશેષ કાર્ય થયું છે. ૧૯૯૫ પછી કચ્છની વિશેષ સંભાળ લેનાર અને કચ્છના હિતચિંતક રહ્યા હોય તો એ કેશુભાઈ પટેલ હતા. યોગાનુયોગ એવોય છે કે કચ્છની ચિંતા સેવનાર કેશુભાઈની રાજકીય કારકિર્દીમાં કચ્છને કારણે સહન કરવાનું પણ આવ્યું છે. કંડલાનાં વાવાઝોડાં અને ૨૦૦૧ના ભૂકંપ પછી તેમની કામગીરી સામે સવાલો ઊઠ્યા હતા.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના પાયાના કાર્યકર અને બીજેપીના પહેલા મુખ્ય પ્રધાન એવા કેશુભાઈ પટેલનું મૃત્યુ તેમને ઓળખનારા અને તેમનાં કાર્યોને જાણનારા પ્રત્યેક કચ્છીને આંચકો આપી ગયું છે. કેશુભાઈ જ એવા પહેલાં મુખ્ય પ્રધાન હતા, જેમણે કચ્છને સધિયારો આપ્યો હતો. તેમણે કચ્છની ભૂગોળ અને એના વિસ્તારને કારણે પ્રજાને પડતી મુશ્કેલીઓનો તાગ મેળવી અને કચ્છ માટે નોંધનીય નિર્ણયો લીધા હતા. એટલું જ નહીં, ૩૦ વર્ષના કૉન્ગ્રેસના શાસનમાં કચ્છનું રાજકીય વજન અને મહત્ત્વ મોટભાગે હાંસિયામાં જ રહ્યું છે. કેશુભાઈના આગમન પછી જ કચ્છનું નામ વિધાનસભાની દીવાલો વચ્ચે વિશેષ ચર્ચાવા લાગ્યું. કેશુભાઈએ જ કચ્છની રાજકીય પ્રતિભાઓને સ્થાન આપ્યું. કૉન્ગ્રેસના શાસન દરમિયાન નવીન શાસ્ત્રી અને બાબુભાઈ શાહ એવાં રોકડા બે નામ છે, જેઓએ વિધાનસભામાં કચ્છનું પ્રતિનિધિત્વ કર્યું. પરંતુ કેશુભાઈના આવ્યા પછી કૅબિનેટમાં બીજા જ સ્થાન પર સુરેશચંદ્ર મહેતા, અધ્યક્ષ ધીરુભાઈ શાહ, ખનીજ નિગમના ચૅરમૅન મુકેશ ઝવેરી, પેટ્રોલિયમ કૉર્પોરેશન ચૅરમૅન નરેન્દ્રસિંહ જાડેજા, ગુજરાત બીજેપીના મહામંત્રી તરીકે અરુણભાઈ વચ્છરાજાણી, રાજ્યસભામાં અનંતભાઈ દવે જેવાં નામો ચર્ચાતાં થયાં. કેશુભાઈ પટેલે કચ્છને જેટલું રાજકીય સ્થાન આપ્યું એટલું તેમના પછી આવેલા ત્રણ મુખ્ય પ્રધાનોએ પણ નથી આપ્યું. અત્યારે એકમાત્ર વાસણભાઈ આહીર રાજ્યકક્ષાના પ્રધાન તરીકે કચ્છનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. બીજેપીના સંઘટનના રાજ્યકક્ષાના માળખામાં પણ એકમાત્ર અરુણભાઈ વચ્છરાજાણી રહ્યા છે, તેઓ પણ કેશુભાઈ પટેલના કાર્યકાળ દરમિયાન. આમ જોઈએ તો ગુજરાત રાજ્યકક્ષાએ સૌથી મહત્ત્વ કેશુભાઈએ જ આપ્યું છે. અત્યારે કચ્છ ઉદ્યોગોને કારણે ધમધમે છે, પરંતુ કચ્છમાં ઔદ્યોગીકરણની શરૂઆત કરવામાં કેશુભાઈની સરકારનો મહત્ત્વનો ફાળો છે, જેમાં સુરેશચંદ્ર મહેતાની મોટી ભૂમિકા રહી છે. સુરેશચંદ્ર મહેતાને કારણે માંડવીની બેઠક બીજેપી માટે સલામત ગણાતી. માંડવી વિધાનસભા મતવિસ્તાર તો બીજેપીનો ગઢ કહેવાતો. કૉન્ગ્રેસના સમયમાં બીજેપીના દિગ્ગજ નેતાઓ હારી ગયેલા ત્યારે સુરેશચંદ્ર મહેતા જીતતા રહ્યા હતા. તેમનું મહત્ત્વ કેશુભાઈ જ સમજ્યા હતા. કચ્છના પ્રશ્નોની પાયાની જાણકારી અને કોઠાસૂઝ ધરાવતા સુરેશચંદ્ર મહેતાની રજૂઆતોને કેશુભાઈની સરકારમાં સ્થાન મળતું. એટલે જ ૧૯૯૮માં જ્યારે કેશુભાઈ બીજી વાર મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેમણે સુરેશચંદ્ર મહેતાને સરકારમાં બીજું સ્થાન આપ્યું અને ઉદ્યોગપ્રધાનનું પદ આપવાની સાથે બીજી મહત્ત્વની કામગીરીઓ પણ આપી. મુન્દ્રા બંદરની શરૂઆત કરવામાં કેશુભાઈની સરકારનો મહત્ત્વનો ફાળો છે. એટલું જ નહીં, જાન્યુઆરી ૨૦૦૦ની સાલમાં તેમણે જ મુન્દ્રા બંદર રાષ્ટ્રને અર્પણ કર્યું હતું, જે આજે એક આંતરરાષ્ટ્રીય બંદરોમાં સ્થાન ધરાવે છે.



 


જનસંઘના વખતથી જ કચ્છ તરફ કૂણું વલણ ધરાવતા કેશુભાઈ પટેલનો કચ્છના માધાપર ગામ સાથે પારિવારિક નાતો પણ છે. કેશુભાઈ પટેલે ન માત્ર કચ્છને રાજકીય મહત્ત્વ આપ્યું હતું. તેમણે કચ્છના આર્થિક પ્રશ્નો અને કચ્છના આપત્તીકાળમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આજે કચ્છમાં ધમધમતા એવા કેટલાય ઔદ્યોગિક એકમો છે જેની પાયાવિધિ કેશુભાઈ પેટેલે કરી છે. ૧૯૯૮નાં કંડલાનાં વાવાઝોડાં અને ૨૦૦૧ના ભૂકંપ પછી કચ્છને ઐતિહાસિક ગણાય એવું પૅકેજ આપનારા કેશુભાઈ આપત્તીકાળમાં કચ્છની પડખે રહ્યા હતા. કચ્છના પ્રશ્નો બાબતે તેમની ભૂમિકા ચાવીરૂપ રહી છે. ૧૯૯૮માં તત્કાલીન ગૃહપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને કચ્છ વિકાસ બોર્ડનું આવેદનપત્ર આપનારા તેઓ પહેલાં મુખ્ય પ્રધાન છે. કચ્છની દરિયાઈ અને આંતરરાષ્ટ્રીય સીમા બાબતે તેમણે સતત ચિંતા સેવી હતી. ૧૯૯૮માં કંડલામાં ત્રાટકેલાં વાવાઝોડાં વખતે ગૅસ ગળતરની અફવા ફેલાઈ અને લોકો કંડલા-ગાંધીધામ છોડીને ભાગવા માંડ્યા ત્યારે તેમણે પોતાની વય અને પદની ચિંતા કર્યા વગર રસ્તા પર ઊભા રહીને લોકોને સલામતીની ખાતરી આપી હતી. એ પછી કંડલાના લોકોના પુનર્વસન માટે મહત્ત્વની આર્થિક યોજના આપી હતી. કેશુભાઈ પટેલે સત્તા પર આવ્યા પછી જ કાર્યો નથી કર્યાં. ૧૯૯૭ની સાલનો કારમો દુકાળ જેમણે જોયો છે તેઓ એ સ્થિતિ કદી નહીં ભૂલે. એ ચોમાસા દરમિયાન એક ઝાપટુંય પડ્યું ન હતું. કચ્છનાં લાખો ઢોર ટપોટપ મરી રહ્યાં હતાં, લોકો રોજગારી વગર બેઠા હતા ત્યારે કેશુભાઈ વિપક્ષમાં હતા. તેઓએ કચ્છમાં ત્રણ દિવસ રોકાઈને કચ્છની હકીકત વિધાનસભામાં રજૂ કરી હતી. ૧૯૯૮ની ૩૧ ડિસેમ્બરે લાકડિયા ગામે પાણી યોજનાનું ખાતમુરત કરવા આવેલા કેશુભાઈએ ભારતીય તટરક્ષક દળ માટે એક કરોડના ખર્ચે સ્પીડ મોટરબોટની જાહેરાત કરી હતી. નર્મદાનાં પાણી ગ્રેવિટી ફ્લોથી આપવાનું વચન પણ તેમણે જ આપ્યું હતું. ૨૦૦૧ની ૨૬ જાન્યુઆરીએ આવેલા વિનાશક ભૂકંપ પછી કચ્છમાં ધસી આવેલા કેશુભાઈ સળંગ પાંચ દિવસ સુધી કચ્છમાં જ રોકાયા હતા. આ પાંચ દિવસમાં તેઓ લોકોની સ્થિતિ જોઈ રીતસર ભાવુક થઈ ગયા હતા. તેમનું ખેડૂ હૈયું કચ્છની દુર્દશા પર રીતસર રડતું હતું. એ પાંચ દિવસના રોકાણ દરમિયાન કચ્છમાં બેઠે-બેઠે તેમણે રાહત, બચાવ અને તબીબી સેવાને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કચ્છની દુર્દશા જોઈને જ કદાચ તેમણે મનોમન ગાંઠવાળી હતી કે કુદરતે કચ્છને આપેલા ઘાવ પોતે એક મુખ્ય પ્રધાન તરીકે ભરશે. ૨૦૦૧ના ભૂકંપ પછીના ત્રણ મહિના કચ્છમાં ભયંકર અંધાધૂંધી હતી. લોકોને તંત્ર પરથી વિશ્વાસ ઊઠી જાય એવી સ્થિતિ સર્જાઈ હતી. એવા સમયે ધીરજવાન વ્યક્તિ જ મહત્ત્વના પદ પર શાંત રહીને કાર્ય કરી શકે. એનું ઉદાહરણ કેશુભાઈ  છે. એક તરફ દુનિયાભરમાંથી ઊમટી પડેલાં પ્રસાર માધ્યમો કચ્છની સ્થિતિ બાબતે ગુજરાત સરકાર પર માછલાં ધોતાં હતાં. એવા સમયમાં જ કેશુભાઈની સરકારે કચ્છને અજોડ કહી શકાય એવું પુનર્વસન રાહત પૅકેજ આપ્યું. વૈશ્વિક કક્ષાએ વખણાયેલા કચ્છના પુનર્વસન અને કચ્છનાં ચાર શહેરોની નગર રચનાના પાયામાં કેશુભાઈની કચ્છ તરફની લાગણી અને તેમની ધીરજ રહેલી છે. ભૂકંપ પછી કચ્છમાં એક વિચિત્ર ઘટના બની હતી. સરહદી ગામ ધોરાવરથી અનુસૂચિત જાતિના લોકોએ રહસ્યમય રીતે હિજરત કરી. એ ઘટનાના અહેવાલો પ્રગટ થતાં જ કેશુભાઈ પટેલે એ અહેવાલો પ્રગટ કરનાર પત્રકાર પાસેથી વિગતો મેળવી કચ્છની એ ઘટનાના મૂળમાં જઈને તપાસ કરી હતી.

કેશુભાઈ પટેલે કચ્છને ઘણું આપ્યું, કચ્છની સમસ્યાઓના ઉકેલમાં રસ લીધો હતો. તેમ છતાં, એક પ્રશ્ન જરૂર થાય કે તેમને કચ્છ તરફ અપાર લાગણી હોવા છતાં ૧૯૭૭માં જ્યારે નર્મદા ટ્રિબ્યુનલ રચાઈ, ખોસલા પંચે કચ્છને મળનારાં પાણીની સમીક્ષા કરી ત્યારે બન્નીની નહેર રદ કરાઈ. કચ્છ માટે એ ઐતિહાસિક અન્યાય હતો. એનું વળતર વાળી શકાય એમ નથી. નર્મદા ટ્રિબ્યુનલ બદલી શકાય એમ નથી. બાબુબાઈ જશભાઈ પટેલની સરકારમાં એ વખતે કેશુભાઈ સિંચાઈ પ્રધાન હતા. એ બધું તેમની હાજરીમાં જ થયું છે. તેમણે ધાર્યું હોત તો બન્ની નહેર યથાવત્ રહી શકી હોત. તેમણે ધાર્યું હોત તો નર્મદાનાં પાણી બાબતે કચ્છ માટે વિશેષ વ્યવસ્થા કરી શક્યા હોત, પણ એ બધું હવે જો અને તો જેવી બાબત છે. તેમ છતાં, ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે કચ્છ માટેનું યોગદાન કદી ન ભૂલી શકાય એવું અને એટલું બધું છે.


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2020 03:16 PM IST | Kutch

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK