Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કમલમ્ આરોગ્યમ્

કમલમ્ આરોગ્યમ્

03 February, 2021 10:59 AM IST | Mumbai
Varsha Chitalia

કમલમ્ આરોગ્યમ્

કમલમ્ આરોગ્યમ્

કમલમ્ આરોગ્યમ્


તાજેતરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કમળ જેવો દેખાવ ધરાવતા ડ્રૅગન ફ્રૂટને કમલમ્ નામ આપવાની દરખાસ્ત મૂકતાં સોશ્યલ મીડિયા પર એની ખાસ્સી ચર્ચા થઈ રહી છે. બાગાયતી ખેતીમાં ઊંચું વળતર આપતા આ ફળની લોકપ્રિયતાનું કારણ છે એનો આકર્ષક રંગ, સ્વાદ અને ગુણ. પ્રાણી જેવું નામ ધરાવતું આ રૂપાળું ફળ સ્વાસ્થ્ય માટે કઈ રીતે ઉપયોગી છે તેમ જ ભારતમાં મળતી જુદી-જુદી વરાઇટી વિશે આજે વાત કરીએ

સાતેક મહિના પહેલાં રેડિયો પ્રોગ્રામ મન કી બાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રૅગન ફ્રૂટની ખેતી દ્વારા આર્થિક રીતે સમૃદ્ધ થયેલા કચ્છના ખેડૂતોનો ઉલ્લેખ કર્યો હતો. થોડા દિવસ પહેલાં ‘મિડ-ડે’એ પણ આ ફળની કમર્શિયલ ખેતીના પાયોનિયર એવા કચ્છી સાહસિકોની વાત કરી હતી કે જેમણે સ્ટૅચ્યુ ઑફ યુનિટી પાસે બનેલા કૅક્ટસ ગાર્ડનમાં પણ આ ફળો ઉગાડ્યાં છે. થોર ફૅમિલીનું ફળ હોવાથી કચ્છ અને એના જેવા સૂકા પ્રદેશોમાં પણ એની સારી ખેતી થઈ શકે છે એને કારણે વિદેશી ફળ આપણી દેશની ધરતી પર ઉગવા લાગ્યું છે. રંગ, રૂપ અને ગુણોના કારણે આ ફળ વિદેશી મૂળનું હોવા છતાં ભારતીયોની ભોજનશૈલીમાં સ્થાન લઈ રહ્યું છે. તાજેતરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે ડ્રૅગન ફ્રૂટનો દેખાવ કમળ જેવો હોવાથી આપણે એને કમલમ્ કહીશું. નવા નામની સત્તાવાર સ્વીકૃતિ માટે સરકાર સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી છે. સોશ્યલ મીડિયા યુઝર્સ આ નવા નામને ખૂબ પસંદ કરી રહ્યા છે. મૂળ વિદેશમાંથી આયાત થયેલા ડ્રૅગન ફ્રૂટની ભારતમાં મોટા પાયે ખેતી થાય છે તેમ જ એની ખૂબ ડિમાન્ડ પણ છે ત્યારે વાત કરીએ આ ફળની જુદી-જુદી વરાઇટી અને સ્વાસ્થ્યવર્ધક ફાયદાની.
હેલ્થ બેનિફિટ્સ
ડેન્ગી માથું ઊંચકે ત્યારે આ ફ્રૂટની ડિમાન્ડ વધે છે. ડ્રૅગન ફ્રૂટ પ્લેટલેટ કાઉન્ટ્સ વધારવામાં મદદરૂપ હોવાનું શોધી કાઢવામાં આવ્યું છે. એમાં ભરપૂર માત્રામાં ઍન્ટિઑક્સિડન્ટ્સ, વિટામિન્સ, પ્રોટીન, કૅલ્શિયમ, આયર્ન મળે છે. આ ઉપરાંત હાડકાં નબળાં પડી ગયાં હોય તો ડ્રૅગન ફ્રૂટ ખાવાથી ફાયદો થાય છે. આરોગ્યવર્ધક ફાયદાની વાત કરીએ તો રેડ ડ્રૅગન ફ્રૂટમાં ઍન્ટિઑક્સિડન્ટ વધુ હોય છે. આ સિવાય પલ્પના કલરથી ખાસ ફરક પડતો નથી. બધી વરાઇટીમાંથી શરીરને આવશ્યક પોષક તત્ત્વો પૂરતા પ્રમાણમાં મળી જાય છે એમ જણાવતાં જિનલ કહે છે, ‘તમામ વરાઇટીની ન્યુટ્રિશનલ વૅલ્યુ લગભગ સરખી જ છે. ડ્રૅગન ફ્રૂટ વિટામિન સી, મૅગ્નેશિયમ, ફાઇબર અને આયર્નનો સારો સ્રોત છે. પ્રી-બાયોટિક હોવાથી આંતરડાના રોગમાં ફાયદાકારક છે. ડ્રૅગન ફ્રૂટ પેટમાં જઈને ગુડ માઇક્રોબ્સને મલ્ટિપ્લાય કરે છે. ગટ્સની હેલ્થ માટે બેસ્ટ છે. એનિમિયાના રોગમાં શરીરમાં આયર્નની ઊણપ જોવા મળે છે. આ રોગના દરદીએ આયર્નની આપૂર્તિ માટે ડ્રૅગન ફ્રૂટ ખાવું જોઈએ. આપણા દેશમાં ગર્ભાવસ્થામાં શરીરમાં આયર્ન ડેફિશિયન્સી સામાન્ય સમસ્યા છે. સગર્ભાને પર્યાપ્ત માત્રામાં ડ્રૅગન ફ્રૂટનું સેવન કરવાની સલાહ છે. ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ્સ સારા પ્રમાણમાં મળી રહેતાં ગર્ભાવસ્થા દરમિયાન ટુ બી મધરને એનર્જી આપે છે અને પાચનમાં મદદ કરે છે.’
આજકાલ કૉલેસ્ટરોલની સમસ્યા સામાન્ય છે. ડ્રૅગન ફ્રૂટના નિયમિત સેવનથી કૉલેસ્ટરોલનું સ્તર નિયંત્રણમાં રહે છે. તેઓ કહે છે, ‘હાર્ટ પેશન્ટે તેમના ડાયટમાં ડ્રૅગન ફ્રૂટનો સમાવેશ કરવો જોઈએ. વિટામિન અને આયર્નનું નૅચરલ કૉમ્બિનેશન ડાયાબિટીઝના દરદીના લોહીમાં શુગર લેવલને કન્ટ્રોલમાં રાખવામાં હેલ્પ કરે છે. લોહીમાં હીમોગ્લોબિન ઓછું રહેતું હોય તેમણે લાલ રંગના પલ્પનું સેવન કરવું. રેડ ડ્રૅગન હીમોગ્લોબિન વધારવામાં મદદ કરે છે. વજન વધારે હોય એવા લોકોના સ્વીટ ક્રેવિંગને ડ્રૅગન ફ્રૂટ નિયંત્રણમાં રાખી શકે છે. પાણી અને ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી પેટ જલદી ભરાઈ જાય છે. શરીરમાં કૅલરી ઓછી જતાં ચરબી ઘટે છે તેથી વેઇટલૉસમાં પણ ઉપયોગી છે. ડ્રૅગન ફ્રૂટના આરોગ્યવર્ધક ફાયદાઓ પર અનેક વૈજ્ઞાનિક સંશોધનો થઈ રહ્યાં છે. રિસર્ચ કહે છે કે એમાં એવા કાર્બ્સ હોય છે જે કૅન્સરજન્ય કોષોને વધતા અટકાવે છે. ઍન્ટિઑક્સિડન્ટનો ગુણધર્મ ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે. કોઈ પણ રોગના દરદીને નડતું નથી, પરંતુ ડ્રૅગન ફ્રૂટને રાતના સમયે ખાવાનું ટાળવું જોઈએ.’
કિચન ગાર્ડનમાં પણ ઊગે
ભારતમાં ડ્રૅગન ફ્રૂટની ખેતીનો પ્રોત્સાહિત કરવા સરકારી ધોરણે ઘણા પ્રયાસ થઈ રહ્યા છે, કારણ કે આ વિદેશી ફળ ઇકોલૉજિકલી પણ હેલ્ધી છે. ઓછા ખર્ચે વધુ વળતર આપતા ડ્રૅગનના મેક્સિમમ બેનિફિટ્સ લેવા એને કિચન ગાર્ડનમાં ઉગાડી શકાય છે. જોકે ફળનું કદ મોટું હોવાથી કુંડા રાખવા ગૅલેરીમાં જગ્યા હોવી જોઈએ. ડ્રૅગનને ઉગાડવા માટે સાધારણ માટી અને ઓછા પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. અઠવાડિયે બે વાર પાણી રેડો તો ચાલે. કૅકટ્સ જાતિનું ફળ હોવાથી વધુ પ્રકાશ ન મળે તોય ચાલી જાય. હવામાનની ખાસ અસર થતી નથી એ પણ વિશિષ્ટતા છે. મોટા કૂંડાની અંદર માટીમાં બીજને વાવી દીધા બાદ ત્રણેક અઠવાડિયાંમાં બીજ અંકુરિત થઈ જાય છે. ત્રીસેક દિવસમાં ફળ આવી જાય છે.



ડ્રૅગન એ પાડોશી દેશ ચીનનું રાષ્ટ્રીય ચિહ્ન હોવાથી એનું મૂળ વતન ચીન હોવાનું માનવામાં આવે છે, પરંતુ આ ફળનું મૂળ વતન મેક્સિકો અને મધ્ય અમેરિકા હોવાનું મનાય છે. ડ્રૅગન ફ્રૂટની વિશ્વને ભેટ આપી છે. કેટલાક દેશોમાં આ ફળને પિતાયા કહે છે. આ એવું અનોખું ફળ છે જેનાં ફૂલ રાતના સમયે ઝડપથી ખીલે છે તેથી ઘણા લોકો એને ક્વીન ઑફ ધ નાઇટ પણ કહે છે. ડ્રૅગન ફ્રૂટ બહારથી કઠણ અને અંદરથી નરમ હોય છે. ઑલ ઓવર વર્લ્ડની વાત કરીએ તો અઢળક વરાઇટી મળી આવે છે. ભારતના સ્થાનિક બજારોમાં ત્રણ પ્રકારનાં ડ્રૅગન ફ્રૂટ્સ જોવા મળે છે. રેડ, વાઇટ અને યલો. પિન્ક કલરની સ્કિનની અંદર સફેદ રંગના પલ્પમાં બ્લૅક સીડ્સ તેમ જ પિન્ક કલર સ્કિનની અંદર રેડ પલ્પ વિથ બ્લૅક સીડ્સ. આ બે સૌથી કૉમન વરાઇટી છે એવી માહિતી આપતાં ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ જિનલ પાસડ સાવલા કહે છે, ‘આપણે ત્યાં રેડ અને વાઇટ પલ્પ ધરાવતાં ડ્રૅગન ફ્રૂટ લોકો વધુ પસંદ કરે છે. યલો કલરનું ડ્રૅગન ફ્રૂટ હાઇએન્ડ સ્ટોર્સમાં ક્યારેક મળી જાય છે, પણ એનો વપરાશ ખૂબ ઓછો છે. યલો કલરની સ્કિન ધરાવતા ડ્રૅગનનો પલ્પ પણ વાઇટ હોય છે. કિવી ફ્રૂટમાં જોવા મળે છે એવાં જ સીડ્સ ડ્રૅગન ફ્રૂટમાં હોય છે. સ્વાદમાં ખાટું-મીઠું છે. કિવી, પેર અને વૉટરમેલનનું કૉમ્બિનેશન હોય એવું લાગે. વિદેશી ફળ હોવાથી એનો સ્વાદ આપણી જીભને ડેવલપ થયો નથી, પરંતુ હેલ્થ પ્રત્યે સભાનતા વધતાં લોકો ખાવા લાગ્યા છે.’


ડ્રૅગન ફ્રૂટના વાઇટ પલ્પની તુલનામાં રેડ પલ્પમાં ઍન્ટિઑક્સિડન્ટ વધારે હોય છે, પરંતુ ન્યુટ્રિશનલ વૅલ્યુ અને હેલ્થ બેનિફિટ્સની દૃષ્ટિએ જોઈએ તો પલ્પના કલરથી ખાસ ફરક પડતો નથી. ડ્રૅગન ફ્રૂટ વિટામિન સી, મૅગ્નેશિયમ, ફાઇબર અને આયર્નનો સારો સ્રોત છે. પ્રો-બાયોટિક હોવાથી આંતરડાના રોગમાં ફાયદાકારક છે. એનિમિયા પેશન્ટ અને પ્રેગ્નન્ટ વુમન માટે ડ્રૅગન ફ્રૂટ બેસ્ટ છે. ડ્રૅગન ફ્રૂટના નિયમિત સેવનથી કૉલેસ્ટરોલનું સ્તર નિયંત્રણમાં રહે છે. વિટામિન અને આયર્નનું નૅચરલ કૉમ્બિનેશન ડાયાબિટીઝના દરદીના લોહીમાં શુગર લેવલને કન્ટ્રોલમાં રાખવામાં તેમ જ સ્વીટ ક્રેવિંગને નિયંત્રણમાં રાખવાની ક્ષમતા હોવાથી વેઇટલૉસમાં હેલ્પ કરે છે
- જિનલ પાસડ સાવલા, ન્યુટ્રિશનિસ્ટ

ટ્રાય ઇટ


સવારના બ્રેકફાસ્ટ અને લંચ વચ્ચેના સમયમાં સો ગ્રામ અથવા મધ્યમ સાઇઝનો વાટકો ભરીને ડ્રૅગન ફ્રૂટ ખાઈ શકાય. દરેક સ્વસ્થ વ્યક્તિ માટે આટલી ક્વૉન્ટિટી ગુડ ડે મીલ કહેવાય. જોકે ઘણા લોકોને એનો સ્વાદ ભાવતો નથી. તમને પણ જો ટેસ્ટલેસ લાગતું હોય તો એને વિવિધ રૂપમાં ટ્રાય કરીને ખાવું જોઈએ. ડ્રૅગન ફ્રૂટ સાથે પાઇનૅપલ, સંતરા અને તમામ પ્રકારની બેરીઝ (સ્ટ્રૉબેરી, મલબેરી વગેરે) મિક્સ કરીને સ્મૂધી અથવા જૂસ બનાવી શકાય છે. અડધી વાટકી ડ્રૅગન ફ્રૂટ પલ્પની સાથે ત્રણથી ચાર સ્લાઇસ પાઇનૅપલ અને એક ઑરેન્જ લઈ જૂસ બનાવી પીવું. પાઇનૅપલ અને ઑરેન્જની ફ્લેવર બધાને પસંદ પડે છે. પાઇનૅપલની સ્વીટનેસ ઍડ થતાં નાના-મોટાં સૌકોઈને એનો સ્વાદ ભાવશે. બેરીઝ અને ડ્રૅગન ફ્રૂટની સ્મૂધી બનાવતી વખતે એમાં થોડું દહીં નાખવું. સવારે અથવા બે મીલ વચ્ચેના સમયમાં આ શેક પીવાથી અનેક રોગમાં ફાયદો થાય છે. 

Whatsapp-channel Whatsapp-channel

03 February, 2021 10:59 AM IST | Mumbai | Varsha Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK