Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ઘર જેવું ખાવાનું પીરસતું આહારગૃહ કમલા

ઘર જેવું ખાવાનું પીરસતું આહારગૃહ કમલા

02 March, 2020 05:09 PM IST | Mumbai Desk
pooja sangani

ઘર જેવું ખાવાનું પીરસતું આહારગૃહ કમલા

ઘર જેવું ખાવાનું પીરસતું આહારગૃહ કમલા


અમદાવાદનો એસ. જી. હાઇવે એટલે કે સરખેજ-ગાંધીનગર હાઇવે વિસ્તાર સૌથી વ્યસ્ત અને ચહલપહલવાળો વિસ્તાર છે. ત્યાં થલતેજ ચાર રસ્તા પાસે એક ગુરુદ્વારા છે એની સામેના રસ્તે જાઓ અને તરત જ જમણી તરફ રામદેવ પીરનું મંદિર આવે છે. બસ, એને અડીને આવેલી ગલીમાં ‘કમલા’ લખેલું બોર્ડ જોવા મળશે. પહેલી નજરે તો કોઈને કંઈ ખબર જ નહીં પડે. બંગલો છે, કૉર્પોરેટ કંપનીની ઑફિસ છે, ગાર્ડન છે, કૅફે છે કે ફરવાનું કોઈ સ્થળ છે? પરંતુ તમે અંદર જાઓ એટલે બહારની દુનિયા ભૂલી જશો.

પક્ષીઓના કલરવ, માટીની મહેક અને ફૂલોની સુગંધ, મુખ્યત્વે ગ્રામીણ બહેનોની અવરજવર અને ચારેય બાજુ ટેબલ-ખુરશી પાથરીને ઉપર મસ્ત સજાવટ કરી હોય. લોકો શાંતિથી વાતો કરતાં-કરતાં ભોજન કરતા હોય, ધીમું સંગીત વાગતું હોય. વળી ડોકિયું કરીને જોઈ શકાય એવું બારીવાળું રસોડું. તો પછી આ છે શું? કહું છું કહું છું, જરા રાહ જુઓ. આ એક અનોખું આહારગૃહ છે જે સ્ત્રીઓના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે કામ કરતી સંસ્થા ‘સેવા’ કે જેનું આખું નામ છે Self Employed Women’s Associationની સભ્ય બહેનો દ્વારા ચલાવાય છે. ભાઈઓ પણ છે એ મદદમાં કામ આવે છે. આ સંસ્થા સાથે અલગ-અલગ ક્ષેત્રની વીસ લાખ મહિલાઓ સંકળાયેલી છે.



તો હવે એમાં નવાઈ શું છે? રસોઈના કામમાં તો બહેનોનો સિંહફાળો હોય છે એવું તમે કહેશો. પણ હવે તમે જેમ-જેમ અહીંથી આગળ વાંચશો તેમ-તેમ મજા આવશે. કમલા એ સેવા સંસ્થાનું ફૂડ આઉટલેટ કે આહારગૃહ છે જ્યાં તમને સવારનો નાસ્તો, બપોરનું ભોજન, સાંજનો નાસ્તો અને વાળુ પીરસવામાં આવે છે અને એ પણ વાજબી ભાવે. દિવસભર ચા, કૉફી, શરબત અને સૂકા નાસ્તા તો ખરા જ. સવારે આઠથી રાત્રે અગિયાર વાગ્યા સુધી ચાલુ રહે છે.


આ આહારગૃહ કેમ બીજા રેસ્ટોરાંથી નોખું છે એ સમજાવતાં સેવા સંસ્થાનાં ડિરેક્ટર ઉમાબહેન કહે છે, ‘આ સ્થળને અમે કૅફે કે રેસ્ટોરન્ટ કહેવા નથી માગતાં, કારણ કે અમારું ધ્યેય એને ધંધાદારી રીતે ચલાવવાનું નથી પરંતુ પાંચ હજાર બહેનોને પગભર કરવાનું છે. આથી અહીં આવતી શાકભાજી, કઠોળ, મસાલા, પાપડ, અનાજ, બેકરી મટીરિયલ સહિતની તમામ ખાદ્ય સામગ્રી ‘સેવા’ સાથે સંકળાયેલી બહેનો દ્વારા જ પૂરી પાડવામાં આવે છે અને એમાંથી જ અહીં રસોઈ બને છે.’

શુદ્ધ સાત્વિક ઘર જેવું ભોજન
સાચે જ અહીંના વાતાવરણમાં બહેનોની મહેનતની એ સુગંધ તમે ફીલ કરી શકો છો. માત્ર બહેનોને પગભર કરવા માટે થઈને શરૂ થયેલી આ જગ્યાએ મળતા ભોજનની ક્વૉલિટીમાં પણ વિશેષ કાળજી રાખવામાં આવી છે. રસોઈની વાત કરું તો અહીં રેસ્ટોરન્ટમાં હોય છે એવું તીખું, તેલવાળું, બિનજરૂરી મસાલેદાર અને જાત જાતનું ફ્યુઝન ફૂડ નહીં મળે. પરંતુ બહેનો દ્વારા પ્રેમથી બનાવાયેલું શુદ્ધ, સાત્ત્વિક ગુજરાતી અને બીજા પ્રદેશની વાનગીઓનું ખાણું એના મૂળ સ્વરૂપમાં મળે છે. સવારે થાળીમાં દાળ, ભાત, લીલું શાક, કઠોળ, રોટલી, છાશ, પાપડ અને સૅલડ મળે જ્યારે સાંજે ભાખરી-શાક, ખીચડી-કઢી કે બીજી  પંજાબી, રાજસ્થાની, સાઉથ ઇન્ડિયન વાનગીઓ હોઈ શકે. એટલે કે રોજબરોજ જે એક સામાન્ય વ્યક્તિના ઘરે બનતું હોય એવું મેનુ હોય છે. વળી નાસ્તામાં ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે સવારે તળેલો નાસ્તો નહીં પરંતુ ઉપમા, પૌંઆ, ખમણ, મૂઠિયા, ઢોકળા, થેપલા વગેરે હોય છે. જ્યારે સાંજે તમને તળેલો નાસ્તો મળે. દિવસભર ચા-કૉફી અને બહેનોએ જ બનાવેલા સૂકા નાસ્તા, બેકરીની વાનગીઓ મળે જે તમે ખરીદી પણ શકો છો.


ગુજરાતભરની બહેનો
ભલે આ એક સહયોગથી ચાલતી સંસ્થા છે, પરંતુ એનો પણ વિકાસ જરૂરી છે અને એ માટે માર્કેટિંગનું કામ ચિરાગ ત્રિવેદી કરી રહ્યા છે. તેઓ કહે છે, ‘હજી અમારે ઘણા પડકારો છે. બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતા નાસ્તા, બેકરી પ્રોડક્ટ્સ અને રસોઈનો એકસરખો સ્વાદ જળવાઈ રહે એ માટે અમે મહેનત કરી રહ્યા છીએ. તેમને અમે તાલીમ આપી રહ્યા છીએ. ગુજરાતમાં નવ જિલ્લાઓમાં ફૂડ પ્રોસેસિંગનું કામ બહેનો કરે છે. તેઓ પોતાની પ્રોડક્ટ્સ બનાવીને નવ જિલ્લામાં કમલા કેન્દ્ર ઉપર આપે અને ત્યાં જ વેચાણ થાય.’
મૂળ કમલા પ્રોસેસિંગ સેન્ટરની સ્થાપના અમદાવાદમાં ૨૦૧૫માં થઈ હતી, પરંતુ એક વર્ષથી એનું આધુનિકીકરણ કરાયું છે. આહારગૃહનું યોગ્ય સંચાલન અને ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને હોટેલ મૅનેજમેન્ટના નિષ્ણાત એવા અધિકારી પણ અહીં દેખરેખ રાખી રહ્યા છે. વળી ફૂડ અને રેસ્ટોરન્ટ ક્ષેત્રે કામ કરતી સંસ્થા ફૂડ ઑન્ટ્રપ્રનર્સ અલાયન્સ (એફઈએ) નામની સંસ્થાએ પણ તેમને આહારગૃહના વિકાસ માટે સલાહ અને સહયોગ આપવાની તૈયારી બતાવી છે. સોશ્યલ મીડિયા પર માર્કેટિંગ માટે યુવાનો અને યુવતીઓ મહેનત કરી
રહ્યાં છે.

બેકરી પ્રોડક્ટસમાં મેંદો અને બીજા આરોગ્ય માટે હાનિકારક પદાર્થોનો ઉપયોગ ન થાય એનું ધ્યાન રખાય છે. અનસૂયાબહેન ચૌહાણ કે જેઓ સંસ્થાનાં બેકરી નિષ્ણાત છે તેમણે કહ્યું હતું, ‘બ્રેડ અને બિસ્કિટ બનાવવામાં અમે મેંદાનો ઉપયોગ નથી કરતાં. અમે ઘઉં, રાગી, ઓટ્સનો ઉપયોગ કરીએ. પામોલિનનું તેલ કે કૃત્રિમ પદાર્થોનો ઉપયોગ ટાળીએ છીએ. બહેનોને એવી રીતે તૈયાર કરીએ છીએ કે તેઓ આરોગ્યને અનુકૂળ તેમ જ સ્વાદિષ્ટ બેકરી પ્રોડક્ટ બનાવે.’ 

પાપડ બજાર
સેવા દ્વારા પાપડ બજાર કરીને એક કન્સેપ્ટ શરૂ કરવામાં આવ્યો છે જેમાં ગામડાની બહેનોએ બનાવેલા પાપડ અહીં માર્ચ મહિનામાં વેચવામાં આવશે. ચોખા, બાજરી, રાગી, ઘઉં અને મકાઈના પાપડનું કમલા ખાતે બજાર ભરાય અને લોકો એ ખરીદવા માટે. એનાથી ગ્રામીણ બહેનોને આવક થાય છે. આવાં જ સાઠ વર્ષનાં મહિલા ગીતાબહેન પંચાલ કહે છે, ‘મારા પતિના અવસાન બાદ વીસ વર્ષથી હું આ સંસ્થા સાથે સંકળાયેલી છું અને પાપડ બનાવીને હું પોતે પગભર થઈ છું અને મારી બે પુત્રીઓનું પણ લાલનપાલન કર્યું છે. હાલમાં મારા બિઝનેસમાં બન્ને પુત્રીઓને પણ સામેલ કરી છે. પાપડ બનાવીને વેચવાની પ્રવૃત્તિથી જ અમારું ગુજરાન ચાલે છે. અમારા ગ્રાહકો માટે ઑર્ડર લઈએ અને કમલાને પણ અમે પૂરા પાડીએ.’

કમલા ખાતે આખો દિવસ લોકોની અવરજવર રહે છે અને શાંત વાતાવરણમાં ગોષ્ઠિ, ધંધાકીય કામ કે પછી માત્ર ભોજનનો આનંદ લેવા લોકો આવતા રહે છે. તમને પણ આવો કન્સેપ્ટ ગમે કે નહીં એ મને ઈ-મેઇલ કરીને જરૂરથી જણાવજો. આવજો ત્યારે આવતા સોમવારે ફરી મળીશું. ત્યાં સુધી ખાઈપીને મોજ.

નામ મેં ક્યા હૈ?
નામ કમલા કેમ છે તો એની પાછળનો પણ રસપ્રદ ઇતિહાસ છે. આ જે સુંદર હરિયાળી જગ્યા છે એ ડૉ. કમલા ચૌધરીના નામ પર રાખવામાં આવી છે. ડૉ. ચૌધરીએ ડૉ. વિક્રમ સારાભાઈની સાથે આઇઆઇએમ, અટિરા અને ઇસરો જેવી વિશ્વ પ્રસિદ્ધ જગ્યાની સ્થાપના કરવામાં ભૂમિકા ભજવી હતી. તેમણે આ જગ્યા સંસ્થાને દાનમાં આપી હતી. તેમનો આગ્રહ હતો કે કોઈ પણ બાંધકામ થાય, એની હરિયાળી યથાવત રહેવી જોઈએ. તેથી બાંધકામ અને ઇમારતોની ડિઝાઇનમાં જેનો ભારત જ નહીં વિશ્વમાં ડંકો પડે છે એવી ‘સેપ્ટ’ યુનિવર્સિટીના આર્કિટેક્ચરના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા એની ડિઝાઇન કરાઈ છે. ઉનાળામાં ઠંડક માટે સરસ શમિયાણો અને દેશી ઢબનો પાણીના ફુવારા નાખતો પંખો મૂકવામાં આવ્યો છે એટલે મુલાકાતીઓને ઠંડક રહે.

Whatsapp-channel Whatsapp-channel

02 March, 2020 05:09 PM IST | Mumbai Desk | pooja sangani

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK