કોરોનાને માત આપી એટલે એમ ન સમજતા કે તમે યુદ્ધ જીતી ગયા છો

Published: 28th September, 2020 12:05 IST | Varsha Chitalia | Mumbai

આ એક ખતરનાક વાઇરસ હોવાથી સ્વસ્થ થયેલા દરદીઓના મનમાં ફડકો રહે જ છે. ઘરની વ્યક્તિ કોવિડ-પૉઝિટિવમાંથી નેગેટિવ થાય ત્યાં સુધી ફૅમિલીના અન્ય સભ્યોએ માનસિક સ્વસ્થતા સાથે સેલ્ફ આઇસોલેશનમાં શું ધ્યાન રાખવાનું છે

કોરોના પૉઝિટિવમાંથી નેગેટિવ થયેલા સામાન્ય દરદીઓમાં ત્રણેક મહિના બાદ શ્વસનને લગતી સમસ્યા જોવા મળે છે.
કોરોના પૉઝિટિવમાંથી નેગેટિવ થયેલા સામાન્ય દરદીઓમાં ત્રણેક મહિના બાદ શ્વસનને લગતી સમસ્યા જોવા મળે છે.

ઇટલી અને યુકેમાં કોરોનામાંથી સ્વસ્થ થયેલા અનેક દરદીઓમાં પોસ્ટ કોવિડ લક્ષણો દેખાયાં હોવાનું સામે આવ્યું છે. ભારતમાં પણ જૂજ કેસમાં સાજા થયેલા દરદીઓમાં ફરી કોરોનાનાં લક્ષણ દેખાતાં થોડા દિવસ પહેલાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રોટોકૉલ જારી કરવામાં આવ્યો હતો. હાલમાં નાયર હૉસ્પિટલના ચાર તબીબોને બીજી વાર કોરોના થયો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે સવાલ એ છે કે શું ઍન્ટિ-બૉડીઝ બન્યા બાદ વાઇરસ ફરી હુમલો કરી શકે? આ એક ખતરનાક વાઇરસ હોવાથી સ્વસ્થ થયેલા દરદીઓના મનમાં ફડકો રહે જ છે. ઘરની વ્યક્તિ કોવિડ-પૉઝિટિવમાંથી નેગેટિવ થાય ત્યાં સુધી ફૅમિલીના અન્ય સભ્યોએ માનસિક સ્વસ્થતા સાથે સેલ્ફ આઇસોલેશનમાં શું ધ્યાન રાખવાનું છે, સ્વસ્થ થઈને પાછા ઘરે આવેલા દરદીની કઈ રીતે કાળજી લેવાની છે તેમ જ અન્ય રોગની સાથે કોરોના સામે કઈ રીતે લડવાનું છે જેવા કેટલાક મૂંઝવતા પ્રશ્નોનો જવાબ મેળવવા નિષ્ણાત દ્વારા આપવામાં આવેલી ઍડ્વાઇઝરીને સમજી લો

વર્ષા ચિતલિયા
યુકે અને ઇટલીમાં કોરોના મહામારીને હરાવીને સ્વસ્થ થયેલા અનેક દરદીઓમાં ફરી કોવિડનાં લક્ષણો દેખાયાં હોવાના સમાચારથી આપણે પરિચિત છીએ. થોડા સમય પહેલાં બ્રિટનના નૉર્થ બ્રિસ્ટલ એનએચએસ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા સંશોધન અનુસાર કોરોનામાંથી સ્વસ્થ થયેલા દરદીઓમાંથી ૮૧ ટકા દરદીઓમાં માથાનો દુખાવો, ચક્કર આવવા, જૉઇન્ટ્સમાં દુખાવો, ગળામાં બળતરા, સામાન્ય તાવ, એનોસ્મિયા (સ્વાદ ઓળખવામાં મુશ્કેલી) જેવાં ઓછામાં ઓછાં બે કોવિડ લક્ષણોએ દેખા દીધી છે, જેમાંથી એક ટકા કેસમાં આજીવન ફેફસાં સંબંધિત તકલીફ રહી શકે છે તેમ જ ભવિષ્યમાં અન્ય વાઇરસની ચપેટમાં આવવાની સંભાવના વધી જાય છે એવું તારણ નીકળ્યું છે.
ભારતનો રિકવરી રેટ ઊંચો છે, પરંતુ સ્વસ્થ થઈને ઘરે પરછા ફરેલા જૂજ દરદીઓમાં પોસ્ટ કોવિડ લક્ષણો દેખાતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા દવાઓની સાથે યોગ અને મેડિટેશનની સલાહ આપવામાં આવી છે. તાજેતરના સમાચાર મુજબ મુંબઈની એક હૉસ્પિટલના ચાર તબીબોને ફરીથી કોરોના થયો છે. રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી દેખાતાં લક્ષણોમાં શું કરવું જોઈએ એ સંદર્ભે કોરોનાના દરદીઓની સારવાર કરી રહેલા જસલોક હૉસ્પિટલના ન્યુરોસાઇકિયાટ્રિસ્ટ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર ડૉ. રાજેશ પરીખ પાસેથી મેળવીએ.
રિપોર્ટ પૉઝિટિવ આવે ત્યારે
કોવિડની એન્ટ્રી પહેલાં આપણી માટે ક્વૉરન્ટીન શબ્દ નવો હતો, આજે આ ઘર-ઘરમાં બોલાતો શબ્દ બની ગયો છે. શું ઘરમાં એક વ્યક્તિનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવે તો તેણે હોમ-ક્વૉરન્ટીન થવું જોઈએ? અન્ય સભ્યોએ સેલ્ફ આઇસોલેશનમાં જવાની જરૂર ખરી? ડૉ. રાજેશ કહે છે, ‘સૌથી પહેલાં તો માનસિક સ્વસ્થતા જાળવો. કોરોનાથી ડરવાનું નથી, હરાવવાનું છે. દરદીને હૉસ્પિટલમાં દાખલ થવાનું છે કે હોમ-ક્વૉરન્ટીન થઈ શકે એવી કન્ડિશન છે એ ડૉક્ટરને નક્કી કરવા દો. હોમ-ક્વૉરન્ટીન થઈ શકે એમ હોય તો કોરોના-પૉઝિટિવ દરદીની રૂમમાં બાથરૂમની વ્યવસ્થા હોવી જોઈએ. દરદીએ પોતાની રૂમમાં કોઈને આવવાની પરવાનગી ન આપવી તેમ જ અન્ય સભ્યોની રૂમમાં આંટાફેરા ન કરવા. જે રૂમમાં તમે રહો છો ત્યાં વેન્ટિલેશનની યોગ્ય વ્યવસ્થા હોય એ જરૂરી છે. સોશ્યલ ડિસ્ટન્સ અને હાઇજીનનું સંપૂર્ણપણે ધ્યાન રાખવાનું છે. ઘરના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ હોય તો પણ બધાએ ફરજિયાત ૬ ફુટનું શારીરિક અંતર જાળવવાનું છે. આપણી ઇમ્યુનિટી, જૂના રોગ, દરદીના સંપર્કમાં કેટલી વાર આવ્યા જેવાં અનેક પરિબળો અસર કરે છે. કોરોના કોઈને પણ થઈ શકે છે, પરંતુ ડાયાબિટીઝ, કિડની, બ્લડપ્રેશર અને હૃદયને લગતી બીમારીના દરદીઓને તરત ચેપ લાગી શકે છે. હોમ-ક્વૉરન્ટીન થતી વખતે હૉસ્પિટલ, ઍમ્બ્યુલન્સ સર્વિસ, પાડોશી અને સામાજિક સંસ્થાઓના કૉન્ટૅક્ટ-નંબર તેમ જ તમામ મેડિકલ રેકૉર્ડ હાથવગા રાખવા. ક્વૉરન્ટીન માટે ઘરની અંદર અલાયદી રૂમ ન હોય તો સરકારી સેન્ટરમાં જવું ઉચિત છે. સરકારે આ માટે સારી સુવિધા ઊભી કરી છે.’
કોરોના નેગેટિવ થયા બાદ
કોરોનામાંથી સ્વસ્થ થયેલા દરદીની ન્યુરોસિસ્ટમ પર અસર થઈ હોય એવા કેટલાક કેસ સામે આવ્યા છે. અનેક દરદીઓની પલ્મનરી ફંક્શન ટેસ્ટ કરતાં ફેફસાંની કાર્યક્ષમતામાં ૫૦ ટકા જેટલો ઘટાડો થયો હોવાનું નોંધવામાં આવ્યું છે. ફેફસાંની ઑક્સિજન લેવાની ક્ષમતા ઘટતાં ઘરમાં ઑક્સિજનની વ્યવસ્થા રાખવી જોઈએ એવી નિષ્ણાતોએ સલાહ આપી છે. આ ઉપરાંત સાંધાનો દુખાવો, ઊંઘ ન આવવી, સ્વાદની ખબર ન પડવી, ગળામાં ખરાશ, ખાંસી, થાક વગેરે પોસ્ટ કોવિડ લક્ષણો છે. સાજા થયા બાદ દેખાતાં આ લક્ષણોમાં સામાન્ય દરદીએ દવા, વ્યાયામ અને આહારમાં ધ્યાન રાખવું. કોરોના નેગેટિવ થયા બાદ શરીર નબળું પડતાં ઇન્ફેક્શનથી બચવા તમામ પ્રોટોકૉલનું પાલન કરવું.
કોરોના પૉઝિટિવમાંથી નેગેટિવ થયેલા સામાન્ય દરદીઓમાં ત્રણેક મહિના બાદ શ્વસનને લગતી સમસ્યા જોવા મળે છે. નૉર્મલ પેશન્ટમાં પણ ફેફસાંમાં ફાઇબ્રોસિસ અને હાર્ટમાં પ્રૉબ્લેમ થયો હોય એવા કેસ આવતા હોય ત્યાં પહેલેથી બીમારીનો સામનો કરી રહેલા દરદીએ તો ખાસ સંભાળવું જોઈએ. ડૉ. રાજેશ કહે છે, ‘કોરોના સામેની લડતમાં શરીરનાં મુખ્ય અંગો ડૅમેજ થવાની સંભાવના હોય છે. ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, અસ્થમા, હૃદયના રોગ, કૉલેસ્ટરોલ તેમ જ અન્ય ગંભીર રોગનો પહેલેથી સામનો કરી રહેલા દરદીએ રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી આરોગ્યની અત્યંત કાળજી રાખવી. મેડિકલ હિસ્ટરી ધરાવતા દરદીને રિકવર થતાં લાંબો સમય લાગે છે. શ્વસનને લગતી બીમારી ધરાવતા દરદીએ કોરોનાને હરાવ્યા પછી ૯૦ દિવસ સુધી ફ્રિજનું પાણી, આઇસક્રીમ કે ફ્રિજમાં સાચવીને મૂકેલો ઠંડો આહાર નથી ખાવાનો. ડાયાબિટીઝના દરદીનું શુગર કન્ટ્રોલમાં રહેવું જોઈએ. અન્ય બીમારીની દવાઓની સાથે કોવિડની સારવાર ચાલતી હોય ત્યારે ડૉક્ટરની સલાહને બિલકુલ ન અવગણવી. તમામ જૂના રોગોને કાબૂમાં રાખવા જેથી વધુ ડૅમેજ ન થાય.’
પોસ્ટ કોવિડ સ્ટ્રેસ ડિસઑર્ડર
સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શનના રિપોર્ટ અનુસાર હૉસ્પિટલમાંથી ઘરે આવ્યા બાદ ૩૫ ટકા દરદીઓ ત્રણ અઠવાડિયાં સુધી નૉર્મલ લાઇફમાં આવી શકતા નથી. ઘણા દરદીને ઊંઘમાં ડરામણાં સપનાં આવે છે. દરદીના ગભરાટ અને માનસિક સ્થિતિને મૅનેજ કરવાનું ફૅમિલી માટે અઘરું હોય છે. ડૉ. પરીખ કહે છે, ‘જ્યારે રોગની દવા ન હોય ત્યારે મૃત્યુનો ભય લાગવો સ્વાભાવિક છે. ઊંઘ ઓછી થઈ જવી, ભૂખ ન લાગવી, વિચારો આવવા, સ્વભાવમાં ચીડિયાપણું જેવાં લક્ષણો પોસ્ટ કોવિડ સ્ટ્રેસ ડિસઑર્ડરનો સંકેત આપે છે. તણાવથી ઇમ્યુનિટી સિસ્ટમ અને શરીરનાં જુદાં-જુદાં અંગોની પ્રતિક્રિયા પર અસર થાય છે. દરદીને માનસિક તાણમાંથી બહાર લાવવા મેડિટેશન અને યોગ બેસ્ટ એક્સરસાઇઝ છે. આ સાથે પૌષ્ટિક આહાર અને સ્વચ્છતા પર ફોકસ રાખવું. શક્ય એટલો શરીરને આરામ આપવો અને પૂરતી ઊંઘ લેવી. પરિવારના સભ્યોએ વારંવાર હૉસ્પિટલમાં શું સારવાર આપતા હતા, ત્યાંનું વાતાવરણ કેવું હતું જેવા પ્રશ્નો ન પૂછવા. દરદીનું મગજ સકારાત્મક દિશામાં વિચારે એ માટે પરિવારના દરેક સભ્યએ ખ્યાલ રાખવો. ન્યુઝ ચૅનલો પર કોરોનાના સમાચારોથી તેમને દૂર રાખવા. ભવિષ્યની ચિંતા ન કરવા દેવી. તમામ એફર્ટ પછી પણ દરદીના મનમાંથી ભય ન જાય તો ડૉક્ટરની સલાહ લેવી. પોસ્ટ કોવિડ મેન્ટલ ડિસઑર્ડરને હળવાશમાં ન લેવાની સલાહ છે.’

ફરીથી ચેપ લાગી શકે?

એક વાર સાજા થયા પછી ટૂંકા ગાળામાં ફરીથી ચેપ લાગવાની સંભાવના નહીંવત્ છે. અત્યાર સુધી ભારતમાં આવા પાંચેક કેસ જ બન્યા છે. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ઘણા લોકો એવું માનવા લાગે છે કે અમે તો કોરોના-વૉરિયર છીએ અને જંગ જીતી લીધો છે. પછી બિન્દાસ બહાર ફરે છે. ફરીથી હુમલો થયો હોય એવા કેસ ઓછા છે, પણ છે ખરા. કોઈ પણ વાઇરસ સામે લડવા માટે શરીરમાં ઍન્ટિજન ઇમ્યુન સિસ્ટમની પ્રતિક્રિયા મહત્ત્વની હોય છે. કોરોના વાઇરસથી સ્વસ્થ થયા પછી ૩૦થી ૪૦ દિવસ સુધી દરદીના શરીરમાં ઍન્ટિ-બૉડી બનેલાં રહે છે એથી ફરીથી ચેપ લાગવાનો ભય ઓછો છે. શરીરનાં તમામ અંગોને સંપૂર્ણપણે કાર્યશીલ થવામાં બેથી ૬ મહિના લાગી શકે છે. યાદ રાખો કે તમારું શરીર એક ભયાનક વાઇરસ સામે લડીને જીત્યું છે. આરોગ્યની સંભાળ માટે સરકારી નિર્દેશોનું પાલન કરવું. દિનપ્રતિદિન કેસ વધતા જાય છે ત્યારે આ ભયંકર વાઇરસના સંક્રમણને અટકાવવા દરેક વ્યક્તિએ કમર કસવી પડશે.

કોરોના માત આપ્યા પછી તમે જંગ જીતી લીધો છે એવું ન સમજવું. ડાયાબિટીઝ, અસ્થમા, બ્લડપ્રેશર જેવા રોગોનો પહેલેથી સામનો કરી રહેલા દરદીએ સાજા થયા પછી પણ અત્યંત કાળજી લેવાની છે. પોસ્ટ કોવિડ શરીરનાં અન્ય અંગો ડૅમેજ થવાની સંભાવના હોવાથી શુગર અને બ્લરડપ્રેશર દરેક સ્થિતિમાં કન્ટ્રોલમાં રહેવું જોઈએ. દરેક કોરોના-યોદ્ધાને ખાસ સલાહ છે કે પ્લાઝમા ડોનેશન કરતાં પહેલાં તબીબની સલાહ લેવી.
- ડૉ. રાજેશ પરીખ, ન્યુરોસાઇકિયાટ્રિસ્ટ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK