Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સ્ત્રી સ્વતંત્રતાની પહેલ કરનાર કચ્છનાં સંત કવયિત્રી જેઠીબા

સ્ત્રી સ્વતંત્રતાની પહેલ કરનાર કચ્છનાં સંત કવયિત્રી જેઠીબા

12 May, 2020 08:16 PM IST | Gujarat
Mavji Maheshwari

સ્ત્રી સ્વતંત્રતાની પહેલ કરનાર કચ્છનાં સંત કવયિત્રી જેઠીબા

સ્ત્રી સ્વતંત્રતાની  પહેલ કરનાર કચ્છનાં સંત કવયિત્રી જેઠીબા


સંવત ૧૯૨૭માં કચ્છના ભોજાય ગામના કલાજી જાડેજાને ત્યાં બાળકીનો જન્મ થયો ત્યારે તેમને કે તેમના પરિવારને ખબર નહોતી કે આ બાળકી મોટી થઈને જુદી રીતે ઓળખાશે. તે સમગ્ર ગામનું અને પ્રદેશનું ગૌરવ બનશે. તે બાળકીનું નામ જેઠીબા રાખવામાં આવ્યું. તેમનાં માતાનું નામ નાનીબા હતું. નાનપણમાં જેઠીબાનું વર્તન સામાન્ય બાળકો કરતાં જુદું હતું. તેમને ન તો રમવામાં રસ પડતો કે ન મોટી ઉંમરે શણગારમાં. તે આકાશમાં જોયા કરતાં, દરબાર ગઢની ઊંચી દીવાલોને તાક્યા કરતાં કે પછી વૃક્ષમાં ભરાતાં પંખીઓના અવાજને સાંભળ્યા કરતાં. પરંતુ એ વખતના કચ્છની સ્થિતિમાં જન્મેલાં જેઠીબા માટે ભણવાની વ્યવસ્થાઓ ન હતી. ભણવા માટે ધૂળી નિશાળો હતી. પાટલા પર ધૂળ નાખીને અક્ષરજ્ઞાન અપાતું, પરંતુ એ તો છોકરાઓ માટે, છોકરીઓને નિશાળ મોકલવી જોઈએ એ વિચાર પણ એ સમયે કોઈકને જ ન આવતો. એમાંય જેઠીબા તો દરબારગઢની દીકરી. ઓઝલમાં રહેતા જાડેજા પરિવારની દિકરી. જેઠીબાનાં એક ધર્મપરાયણ મોટી ઉંમરનાં કાકીબા હતાં. તેઓને પુસ્તકો વાંચતાં જોઈને જેઠીબાને થતું કે આ કાગળ પર છપાયેલા આકારોમાં એવું તે શું હશે કે કાકીબાને આટલો આનંદ આવે છે? તેમને એ અક્ષરો ઉકેલવાનું કુતૂહલ જાગ્યું. તેમણે પોતાનાં કાકીબાને કહ્યું કે તમે મને ભણાવો. નાની ઉંમરનાં જેઠીબાના નિર્દોષ ચહેરાની પાછળ છુપાયેલા તેજને તેમનાં કાકીબાએ પારખી લીધો અને તેમણે જેઠીબાને અક્ષરજ્ઞાન આપવાનું માથે લીધું. જેઠીબાની સ્મૃતિ અત્યંત તીવ્ર હતી. કાકીબા જે શીખવે એ તરત પાકું થઈ જતું. તેમનાં કાકીબાએ જેઠીબાને વાંચતાં-લખતાં શીખવાડ્યું. આગળ જતાં તેમણે દેવનાગરી લિપિ પણ શીખી લીધી. એ સમયે ગામડાંઓમાં જે લોકો ભણેલા હતા તેમની પાસે વધુ પડતાં ધાર્મિક પુસ્તકો જ રહેતાં. તેઓએ નાનપણથી જ ધાર્મિક પુસ્તકો વાંચવાનાં શરૂ કર્યાં. રામાયણ, મહાભારત, ભગવત ગીતા તેમ જ અન્ય ધાર્મિક ગ્રંથોથી રસાતું જતું તેમનું મન અને માંહ્યલો ધીરે-ધીરે જુદા જ પંથે સંચરતા જતાં હતાં.

જેઠીબાનો સ્વભાવ વિરક્ત છે એવું તેમના પરિવારને લાગવા માંડ્યું. સમયનો પ્રવાહ વહેતો રહ્યો. જેઠીબા જાડેજા કુળનું રૂપ લઈને જન્મ્યાં હતાં. તેમના અભ્યાસની વાતો પણ તેમની જ્ઞાતિમાં ચર્ચાતી હતી. તેમના માટે સારા ઘરનાં માગાં આવવાં લાગ્યાં, પણ તેમણે પોતાના પિતાજી કલાજી દરબારને કહી દીધું હતું કે ‘મારે લગ્ન નથી કરવાં. મારે સંસારમાં પડવું નથી. મેં આજીવન કૌમાર્યવ્રત લઈ લીધું  છે. મારા સગપણનું વિચારતા જ નહીં.’ તેમના પિતાજીને નાનપણથી જ અંદાજ હતો કે તેમના ઘેર જન્મેલી બાળકી સામાન્ય નથી, પરંતુ દરબાર કલાજીની દ્વિધા કંઈક જુદી હતી. તેમને જેઠીબાના નિર્ણયની કોઈ ચિંતા ન હતી, ચિંતા હતી એ વખતે કચ્છમાં અંગ્રેજોએ લાગુ કરેલા કાયદાની.



એ સમયે કચ્છમાં ‌‌બ્રિટિશરોએ બનાવેલા કેટલાક વિશેષ કાયદાઓ પ્રચલિત હતા અને એ બધાએ પાળવા પણ પડતા. એમાંનો એક કાયદો ક્ષત્રિયો માટેનો હતો. એ કાયદા મુજબ ક્ષત્રિય પરિવારમાં જન્મ લેતી બાળકીઓનું રજિસ્ટર નિભાવવામાં આવતું હતું. એ રજિસ્ટરમાં તે બાળકી મોટી થાય અને પરણે ત્યાં સુધીની નોંધ પાડવામાં આવતી હતી. જો નાની ઉંમરમાં કોઈ બાળકીનું મૃત્યુ થાય તો એની તપાસ કરવામાં આવતી, ગામના પંચની જુબાની લેવામાં આવતી અને કાયદેસર તેની નોંધ રહેતી. આ બધું કાર્ય સંભાળવા માટે સરકાર ‘ભાઈઓના મહેતા’ નામે અધિકારીની ‌‌નિમણૂક‌‌‌‌ ‌‌કરતી. જેઠીબાની ઉંમર થઈ ગઈ, પરંતુ લગ્ન ન થતાં દરબાર કલાજી પર સરકારી પત્રો આવવા શરૂ થઈ ગયા. કલાજીની મુંઝવણ વધતી ચાલી. પોતાના પિતાજીની ચિંતા પારખી ગયેલાં જેઠીબાએ એક દિવસ પોતાના પિતાજીને કહી દીધું, ‘હવે પત્ર આવે તો એનો ઉત્તર હું આપીશ કેમ કે હું મારા જીવન વિશે નિર્ણય કરવા માટે પુખ્ત છું.’ કલાજીને જેઠીબાનો એ ઉત્તર એકદમ વાસ્તવિક લાગ્યો. તેમણે સરકારને લખીને જણાવી દીધું કે ‘મારાં કુંવરીબા ઉંમરલાયક હોવાથી તેઓ પોતાના જીવનનો નિર્ણય પોતે લેવા માગે છે.’ આવું આ પહેલાં કદી બન્યું ન હતું. વિભાગના અધિકારીને આમાં કાયદાનો ભંગ થતો લાગ્યો. જેઠીબાને એક દિવસ સરકાર તરફથી કડક ભાષામાં લગ્ન કરી પરણી જવાની સલાહ આપતો પત્ર આવ્યો. જેઠીબાએ પોતાના સ્વહસ્તે એ પત્રનો જવાબ લખ્યો અને પોતે આજીવન કુંવારા રહેવા માગે છેનો નિર્ણય પણ જણાવી દીધો. જેઠીબાનો પત્ર સરકારી દફ્તરમાં પહોંચ્યો. આવી પહેલી ઘટના હતી કે કોઈ યુવતીએ કાયદાનું પાલન કરવાની અનિચ્છા દર્શાવી હોય. રાતા પીળા થઈ ગયેલા અધિકારી જાતતપાસ માટે ભોજાય આવ્યા. તેમણે જેઠીબાને પરણી જવાની સલાહ આપી અને ન પરણે તો કલાજી અને તેમના માટે મુશ્કેલી થશે એવું પણ મોઘમમાં કહી દીધું. જેઠીબાએ અધિકારીને સમજાવ્યા કે મારે લગ્ન નથી કરવા અને ઓઝલમાં પણ નથી રહેવું. મારે મારી મરજી પ્રમાણે જીવવું છે. અધિકારીને લાગ્યું કે સત્તાની બીક બતાવ્યા વગર આ યુવતી નહીં માને. તે દબાણ કરવા લાગ્યો.  અધિકારીની મનમાની જોઈ અચાનક જેઠીબાનું શરીર ધ્રૂજવા લાગ્યું. આંખના ડોળા બહાર આવી ગયા. જાણે કોઈ જોગણી પોતાની સમક્ષ ઊભી રહી ગઈ હોય એવું વિકરાળ સ્વરૂપ જોઈ અધિકારી તેમના પગમાં પડી ગયો અને તેણે માફી માગી લીધી. તેણે પોતાના ઉચ્ચ અધિકારીઓને આ બનાવની જાણ કરી અને નોંધ લખી કે પુખ્ત યુવતીઓને ફરજિયાત લગ્ન ધારામાંથી મુક્તિ આપવી જોઈએ. એ દિવસે જેઠીબાના શરીરને એટલી આછટ આવી કે તેમની આંખોની કીકીમાં આજીવન ફેર રહી ગયો.


બસ, એ દિવસથી કલાજી દરબારના મનનો તમામ બોજ હટી ગયો. જેઠીબા ઈશ્વરભક્તિમાં લીન રહેવા લાગ્યાં. તેમણે સનાતન ધર્મમાં ચાલ્યા આવતા વાંઢાયના દેવા સાહેબના હરિહર સંપ્રદાયના મહાત્મા ઈશ્વરદાસજી પાસેથી ગુરુમંત્ર ગ્રહણ કર્યો અને પોતાના જીવનને એક જુદી દિશા આપી. એ પછી તેમનું વ્યક્તિત્વ વધારે ખીલવા લાગ્યું. જેઠીબા ભક્તિધારામાં વહેતી વાણીના કવયિત્રી છે. તેમણે કેટલાંક પદોની રચના કરી છે. દયારામ પછી કચ્છમાં સંત પરંપરાનાં પહેલાં કવયિત્રી રતનબાઈ થયાં અને બીજા જેઠીબા થયાં. તેમનાં પદો આજે પણ હરિહર સંપ્રદાયમાં ભાવપૂર્વક ગવાય છે. માંડવી તાલુકાનું ભોજાય ગામ ‘જેઠીબાવાળું ભોજાય’ તરીકે ઓળખાય છે. જેઠીબાનું અમર આતમપંખી સંવત ૨૦૦૨માં દેહ છોડી ઊડી ગયું. તેમના ખોળિયાને અંતિમ વિદાય આપવા માટે આખું પંથક ભેળું થયું હતું. ભોજાય ગામના તળાવની પાળ પર એ વિરલ વ્યક્તિત્વની સ્મૃતિમાં તેમના પરિવારજનો તરફથી એક દેરી ઊભી કરવામાં આવી છે. માગસર વદ સાતમના રોજ ભોજાય ગામ જેઠીબાની પાંખી પાળે છે. એ દિવસે ગામના લોકો પોતાના તમામ પ્રકારના ધંધા-રોજગાર બંધ રાખે છે. કમળનાં ફૂલોથી આચ્છાદિત ભોજાયના જોલણ તળાવની પાળ પરથી સંત કવયિત્રીના શબ્દ પુષ્પોની સુંગંધ વહેવા માંડે છે. જાણે જેઠીબા ગાઈ રહ્યાં છે – હરિ હજુ નવ આવિયા, પૂરણ બ્રહ્મ કૃપાલ......


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2020 08:16 PM IST | Gujarat | Mavji Maheshwari

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK