Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ટ્રાવેલ > આર્ટિકલ્સ > જાપાન અનલિમિટેડ સાયોનારા

જાપાન અનલિમિટેડ સાયોનારા

23 December, 2018 09:09 PM IST |
ઑફબીટ ટ્રાવેલર - કવિતા વખારિયા-થાવાણી

જાપાન અનલિમિટેડ સાયોનારા

જપાનની પાનખર ઋતુનો રમણીય નજારો

જપાનની પાનખર ઋતુનો રમણીય નજારો


જાપાનથી જે દિવસે રવાના થયા એ દિવસે મનમાં લાગણીઓનું જે પૂર ઊમટ્યું હતું એવી જ લાગણી આજે પણ અનુભવાઈ રહી છે. એમાં છે થોડી ઉદાસી અને ભરપૂર આનંદ અને છે સમૃદ્ધ થયાનો અહેસાસ. જાપાન વિશેના મારા લેખો દ્વારા મને ફરીથી એ સુંદર દેશની મુલાકાત લીધા જેવો લહાવો મળ્યો. તમારી સાથે એ વાતો કરતાં-કરતાં સરસમજાના દિવસોની યાદ તાજી થઈ અને મન ભરાઈ ગયું. જાપાન જઈ આવ્યા બાદ મને ખરેખર એવું લાગે છે કે આ નગરી દરેકની પ્રવાસની સૂચિમાં હોવી જ જોઈએ. જાપાન જવાનું આયોજન કરો, એના માટે બચત કરો અને જાપાન જઈ આવો એવો આગ્રહ હું ચોક્કસપણે રાખીશ.

આ દેશ એમ તો ટચૂકડો છે, પરંતુ એના દરેક નાગરિકે સ્નેહ અને ગૌરવપૂર્વક એનું જતન કર્યું છે. જાપાન એની ઓળખ સમાન બૉન્સાઇ પ્લાન્ટ જેવો એટલે કે કળાત્મક રીતે કંડારાયેલો અને સચવાયેલો છે.

જાપાન દેશ આબાલવૃદ્ધ દરેક માટે છે. એનાં મહાનગરો ટોક્યો, યોકોહામા, ફુકુઓકા વગેરે તમને પ્રવૃત્તિઓથી ધમધમતાં જોવા મળે છે. સાથે જ છે સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ એવાં સ્થળો. જેમ કે ક્યોટો, ઓસાકા, હિરોશિમા વગેરે. સાહસિક પર્યટકો માટે આખો હોક્કાઇડો પ્રદેશ છે. એક દિવસ એ વિશ્વનું શિયાળુ પાટનગર બની શકે એવો સુંદર છે!

મારા લેખો વાંચ્યા પછી મોટા ભાગના જે પેરન્ટ્સે મને પ્રતિભાવ આપ્યા છે તેમનો એક જ પ્રશ્ન મુખ્ય હોય છે કે શું તેમનાં બાળકોને જાપાનમાં મજા આવશે? મારો જવાબ છે, ‘હા’; તેમને ચોક્કસ મજા આવશે. વિવિધ કાટૂર્નચ પાત્રો, કૉમિક્સ, ઍનિમેશન વગેરે બધી વસ્તુઓ બાળકોને મજા કરાવનારી છે. એમ જોવા જઈએ તો આખો દેશ જ જાણે અમ્યુઝમેન્ટ પાર્ક છે. મોટી ઉંમરના પર્યટકો પણ જ્યારે મારિયોની રેસકારનો પોશાક ધારણ કરીને ટોક્યોની શેરીઓમાં ઘૂમતા હોય ત્યારે બાળકો જેવા જ બની જાય છે. ડિઝનીલૅન્ડમાં કે ડિઝની સીમાં અથવા યુનિવર્સલ સ્ટુડિયોમાં પત્ની અને સંતાનો સાથે મૅચ થતાં કપડાં પહેરીને લાંબી કતારોમાં ઊભેલા મોટા લોકો પણ બાળકો જેવા જ બની જાય છે.
તમે જો ભાષાની ચિંતા કરતા હો તો એ પણ ભૂલી જજો, ફૂડની ફિકર કરવાના હો તો એ પણ ભૂલી જજો; કારણ કે અત્યારનો સમય પહેલાં કરતાં ઘણો અલગ છે. ‘ગૂગલ બાબા’ ઘણીબધી બાબતોમાં તમને મદદ કરી શકે છે. હવે તો શાકાહારી ખોરાક બધી જગ્યાએ પ્રચલિત થઈ રહ્યો છે અને લોકો એ વધુ ને વધુ પ્રમાણમાં પસંદ કરી રહ્યા છે. તમે ‘હૅપી કાઉ’ નામની એક ઘણી જ ઉપયોગી ઍપ ઇન્સ્ટૉલ કરી લેશો તો તમને જ્યાં જાઓ ત્યાં આસપાસ શાકાહારી અને ભારતીય રેસ્ટોરાં ક્યાં-ક્યાં છે એ સહેલાઈથી જોવા મળશે અને એ જોઈને તમે પોતે આર્યચકિત થઈ જશો. મેં અગાઉ કહ્યું એમ ગૂગલ ટ્રાન્સલેટર તો તમને વિશ્વમાં ગમે ત્યાં કામ લાગશે અને ભાષાના તમામ અંતરાયો દૂર કરી દેશે.

જપાનની પાનખર ઋતુનો રમણીય નજારો




જો તમે જાપાનનો પ્રવાસ કરવા ઇચ્છતા હો તો ઓછામાં ઓછા ૧૨થી ૧૪ દિવસ માટેનું આયોજન કરજો. આ તો તમને પહેલા પ્રવાસની વાત કરી રહી છું. મને ખાતરી છે કે તમને બીજી વાર જવાની ઇચ્છા થશે. તમે ૧૨થી ૧૪ દિવસનું જે આયોજન કરો એમાં તો ટોક્યો, ક્યોટો અને હોક્કાઇડો કે મધ્ય જાપાન જેવા ગ્રામીણ પ્રદેશમાં જરૂરથી જજો. જાપાન ગયા બાદ થ્ય્ એટલે કે જાપાન રેલવેનો પાસ કઢાવી લેવો અને સમજદારીપૂર્વક પ્રવાસનું આયોજન કરીને ઓછામાં ઓછા ખર્ચે બુલેટ ટ્રેનમાં વધુમાં વધુ યાત્રાઓ કરી લેવી. અને હા, જાપાનમાં જે અદ્વિતીય વસ્તુઓ છે એ તો તમારે ચૂકવી જ નહીં. એમાં આવે છે ઍલ્પાઇન રૂટ પરની બરફની દીવાલ. તમે ગમે એ મોસમમાં જાઓ, ઍલ્પાઇન રૂટ વિવિધતા સાથે તમારું સ્વાગત કરવા તૈયાર જ હોય છે. જાપાનમાં જઈને ત્યાંની ખાસિયતો પણ જોઈ લેવી. સુમો મૅચ જોવી અને એ રમવાનો પણ પ્રયાસ કરવો, ગેઇશાના ઓછી કિંમતના શો પણ જોઈ લેવા, સમુરાઈ જિલ્લાઓમાં જઈ શકાય તો જરૂરથી જવું, ર્યોકાનમાં રહેવું, રોબો કૅફેમાં મોજમસ્તી કરવી અને બીજી ક્રેઝી કૅફેમાં આનંદ માણવો અને સાથે-સાથે ભરપૂર શૉપિંગ પણ કરી લેવું. મોંઘાદાટ અને ફ્લી માર્કેટ એ બન્નેમાં તમે ખરીદી કરી શકશો. અહીંના દાઇશોની મુલાકાત તો અનિવાર્ય જ કહેવાય.

જાપાનમાં એન્જિનિયરિંગનું અદ્વિતીય અને મગજ કામ ન કરે એવું નેટવર્ક ધરાવતી રેલવે અને બસની વ્યવસ્થા છે. એને કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટની દૃષ્ટિએ બીજાઓને શરમાવે એવું મજબૂત તંત્ર આ નાનકડા દેશમાં છે.

જો શિયાળામાં જાપાન જાઓ તો હોક્કાઇડો જવું. આ પૃથ્વી પર સૌથી વધારે બરફ પડતો હોય તો એ આ જગ્યાએ પડે છે. જો તમે વસંતઋતુમાં જતા હો તો ચેરી બ્લૉસમનો આસ્વાદ લેવો અને એ પણ જો શક્ય ન બને તો જરાય ફિકર કરવી નહીં. ત્યાં બીજાં અનેક પ્રકારનાં પુષ્પો પુરબહારમાં ખીલેલાં જોવા મળી શકે છે. તમારે ફુરાનોમાં ટોમિટા ફાર્મમાં જવું અને પુષ્પોની દુનિયામાં લટાર મારી આવવી. અહીનાં ખેતરો વિશાળ છે અને એમાં જાણે ફૂલોની ચાદર પથરાયેલી હોય છે. સૌથી વધુ સરસ જગ્યા તો ઇરોડોરી ફીલ્ડ્સ  છે, જે ટેકરીઓની તળેટીમાં સતરંગી પાકથી લહેરાતું હોય છે. જો ઉનાળામાં જવાનું થાય તો આલ્પ્સ પવર્ત માળામાં જવું. ત્યાં ઍલ્પાઇન રૂટમાં ટ્રેકિંગ કરવું.

જો પાનખરની મોસમમાં જવાના હો તો મને તો એવું લાગે છે કે એ ઋતુમાં જાપાન જેવો સુંદર દેશ તો બીજો કોઈ નહીં હોય. ત્યાં સિંદૂરી રંગના ટોરી ગેટ અને લાકડાના નાના પૂલ છે. સાથે-સાથે એમને અનુરૂપ થતાં ખરી રહેલાં પાંદડાં દેખાય છે. એ આખું દૃશ્ય જ તમને સ્વર્ગની અનુભૂતિ કરાવનારું બની રહેશે.

અમે તો ત્યાં જઈ શક્યા નહીં, પરંતુ તમારે જાપાનના સમુદ્રકાંઠાના પ્રદેશોમાં પણ ચોક્કસ જઈ આવવું. અત્યંત સુંદર અને સ્વચ્છ દરિયાકિનારો ઍડ્વેન્ચરસ પ્રવૃત્તિઓ પણ પૂરી પાડે છે. એમાં સૌથી વધુ લોકપ્રિય સ્થળોમાં આવે છે ઓકિનાવા. તમારે શોઇઝોઉકા પ્રદેશમાં ઇઝુ પેનિન્સુલામાં પણ જઈ આવવું, કારણ કે સફેદ રેતી અને નિર્મળ જળનો અદ્ભુત સંગમ એ જગ્યાએ છે. શિમોદા દરિયાકાંઠે વસેલું શહેર છે. આ ઉપરાંત તમારે ઇશિકાવામાં નોટો પેનિન્સુલાના ચિરિહામા બીચ પર પણ જવું. જાપાનમાં આ એકમાત્ર એવો બીચ છે જ્યાં તમે દરિયાકિનારે પોતાનું વાહન હંકારી શકો છો. આ ઉપરાંત કાગોશિમા પ્રાંતમાં અમામી ઓશિમા ટાપુ પણ છે જ્યાં ઘણા ઓછા પર્યટકો જતા હોવાથી નિર્ભળ આનંદ મળે છે. ત્યાં ભરપૂર પ્રમાણમાં પરવાળા તથા દરિયાઈ જીવો જોવા મળશે.

જાપાનમાં જોવા જેવી તો અસંખ્ય વસ્તુઓ છે. તમારે એ જોવાની સાથે-સાથે લોકો સાથે સંવાદ સાધવાનો લહાવો પણ જરૂરથી લેવો જોઈએ, કારણ કે તેઓ તો જાપાનની આત્મા છે. મેં અગાઉના લેખોમાં કહ્યું હતું એમ લોકોને કારણે જ આ પ્રદેશ વધારે સુંદર અને આકર્ષક તથા જોવાલાયક બન્યો છે.
જાપાન વિશેની મારી આ શ્રેણી જેમને ગમી છે તેઓ જાપાન જઈ આવે એવી મારી સદિચ્છા છે. દરેકે જીવનનો  આ એક લહાવો લેવો જોઈએ. મારા લેખો અંગ્રેજીમાં મારા બ્લૉગ ww.seekersarefinders.comપર વાંચી શકાશે. જાપાનનો પ્રવાસ કરવામાં તમારે કોઈ પણ મદદની જરૂર હોય તો નિ:સંકોચપણે

ઈ-મેઇલ ( kvakharia@gmail.com) દ્વારા સંપર્ક કરજો.

અરિગાતો ગોઝાઇમાસુ!

સાયોનારા!


Whatsapp-channel Whatsapp-channel

23 December, 2018 09:09 PM IST | | ઑફબીટ ટ્રાવેલર - કવિતા વખારિયા-થાવાણી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK