ખડીરને ન્યાય આપવાનો સમય હવે આવી ગયો છે

Updated: 27th October, 2020 14:05 IST | Mavji Maheshwari | Mumbai

કચ્છની ભૂરચના એવી અટપટી છે કે એને જોયા વગર સમજી ન શકાય. ભારતનો સૌથી મોટો જિલ્લો ગણાતા કચ્છના તાલુકાઓની રચના આડેધડ અને અવ્યવહારું હતી, જે હજી પણ ચાલુ રખાઈ છે. એનો પ્રત્યક્ષ પુરાવો ખડીર છે. ખડીર એના તાલુકા મથક ભચાઉથી ૧૫૦ કિલોમીટર દૂર છે.

કચ્છની ભૂરચના એવી અટપટી છે કે એને જોયા વગર સમજી ન શકાય. ભારતનો સૌથી મોટો જિલ્લો ગણાતા કચ્છના તાલુકાઓની રચના આડેધડ અને અવ્યવહારું હતી, જે હજી પણ ચાલુ રખાઈ છે. એનો પ્રત્યક્ષ પુરાવો ખડીર છે. ખડીર એના તાલુકા મથક ભચાઉથી ૧૫૦ કિલોમીટર દૂર છે. આ સ્થિતિ મુશ્કેલીરૂપ જ નહીં, હાસ્યાસ્પદ પણ છે. ગુજરાત રાજ્યની રચના બાદ ન તો સરકારને ખડીરની આ વહીવટી ગૂંચ દૂર કરવાનો વિચાર આવ્યો છે કે ન તો ખડીરની પ્રજા મેદાનમાં આવી છે. રાજ્ય જેટલો જમીનવિસ્તાર ધરાવતા કચ્છના ૧૦ તાલુકાના સીમાંકનોની પુનર્રચના આઝાદી બાદ એક વાર જ થઈ છે. એના ઉપર ફરી વિચાર કરવાની જરૂર છે. ખડીરમાં આવેલા ધોળાવીરાએ કચ્છને વિશ્વના નકશામાં સ્થાન તો અપાવ્યું, પણ ત્યાં પહોંચવા રાપર થઈને જવા સિવાય બીજો માર્ગ નથી.

કચ્છનો કુલ જમીનવિસ્તાર રણ સહિત ૪૫,૫૬૪ વર્ગ કિલોમીટર જેટલો છે. રણવિસ્તારને બાદ કરતાં બાકીનો વિસ્તાર ૧૦ જુદા-જુદા તાલુકામાં વહેંચાયેલો છે. કચ્છના દસેય તાલુકાના સીમાંકનોની રચના ગુજરાત રાજ્યની સ્થાપના પછી થઈ છે, જે માત્ર એક અપવાદને બાદ કરતાં યથાવત્ છે. ૧૯૯૭માં ગાંધીધામને અંજાર તાલુકામાંથી સ્વતંત્ર કરી ગાંધીધામ સહિત ૭ ગામનો એક નવો દસમો તાલુકો બનાવવામાં આવ્યો. ગુજરાતમાં છેલ્લાં ૨૦ વર્ષમાં કચ્છથીય નાના જિલ્લા અસ્તિત્વમાં આવ્યા છે, પરંતુ જટીલ અને દુર્ગમ ભૌગોલિક રચના ધરાવતા કચ્છનો રાજકીય નકશો જેમનો તેમ છે. આના પરિણામે વહીવટી મુશ્કેલીઓ તો ઊભી થાય છે, સાથોસાથ પ્રજાને પારાવાર હાલાકી ભોગવવી પડે છે. કચ્છના તાલુકાઓની રચનામાં સૌથી વિચિત્ર અને અવ્યવહારું રચના ભચાઉ તાલુકાની છે, પરંતુ સમજવા માટે ભચાઉ તાલુકામાં સમાવાયેલા ખડીર બેટની રચના સમજવી પડે. કચ્છમાં દસેક નાના-મોટા રણબેટ છે. એ પૈકી ખડીર બેટ પર વસ્તી છે. ખડીર બેટ વહીવટી રીતે ભચાઉ તાલુકામાં સમાવિષ્ટ છે અને ભચાઉ જે તાલુકા મથક છે એ ખડીરથી ૧૪૦ કિલોમીટર દૂર છે. પ્રથમ નજરે જ દેખાઈ આવતું આ અવ્યવહારું અને મુશ્કેલીરૂપ વિભાજન હવે ફેરફાર માગે છે.

Kutch
કચ્છના જૂના રાજકીય નકશા જોતાં એમાં ખડીર મહાલ લખેલું દેખાય છે. આઝાદી પહેલાં ખડીરનો વહીવટ કઈ રીતે થતો હતો એના વિશે વિશેષ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ ગુજરાત રાજ્યની રચના બાદ કચ્છ જિલ્લાની જે ભૌગોલિક રચના થઈ છે એમાં ખડીર બેટને ભચાઉ તાલુકામાં સમાવવામાં આવ્યો. જોકે રણબેટ એવા ખડીર જવા માટે એકલમાતા રસ્તે કંથકોટ થઈને જતા ૭૩ કિલોમીટર થાય છે, પરંતુ એકલમાતાનો રસ્તો એ કોઈ રાજમાર્ગ નથી. એ મીઠાના રણ વચ્ચેથી સ્થાનિક લોકોએ બનાવેલી ગાડાંવાટ છે. આ રસ્તો ચોમાસામાં પાણી ભરાઈ ગયાં પછી બંધ થઈ જાય છે, જ્યારે ખુલ્લો હોય છે ત્યારે પણ આ રસ્તા પરની મુસાફરી સુખદ નથી હોતી. એટલે ખડીર જવા માટે ફરજિયાત ભચાઉથી રાપર થઈને જવું પડે, જે ૧૪૦ કિલોમીટર જેટલો લાંબો છે. એમ સમજો કે બમણું અંતર કાપવું પડે છે. પાકી સડક પરથી મુસાફરી કરવા માટે રાપરથી જવું અનિવાર્ય બની રહે છે. ગૂગલ મૅપનો આધાર લઈને મુસાફરી કરતા અજાણ્યા પ્રવાસીઓ એકલમાતાવાળા રસ્તેથી ગયા પછી મુંઝાઈ જતા હોય છે. જોકે એકલમાતાથી ખડીર સુધીનો સૂચિત પાકા માર્ગના દાવા થયા છે. એની વહીવટી પ્રક્રિયાઓ પણ થઈ રહી છે, એવું અખબારી યાદીઓ જણાવે છે, પરંતુ આજની તારીખે ખડીરવાસીઓને વહીવટી કામસર તાલુકા મથક ભચાઉ આવવા માટે ૧૪૦ કિલોમીટરનું અંતર કાપવું પડે છે એ હકીકત છે. ખડીરના ઉત્તર છેડાથી ૨૪૦ કિમોમીટરના અંતરે પાકિસ્તાન બૉર્ડર છે. જ્યારે જિલ્લા મથક ભુજ અને ખડીર વચ્ચેનું અંતર ૨૧૪ કિલોમીટર છે. જો એકલમાતાથી બાંભણકા વચ્ચેનો માર્ગ બની જાય તો ખડીર જવા માટે લાંબું અંતર કાપવું ન પડે. જોકે એ માર્ગમાં ઘૂડખર અભ્યારણ આવે છે. એટલે પર્યાવરણ ખાતાની મંજૂરી અને કાયદાની આંટીઘૂંટીઓમાં અટવાયેલો છે. એકલ બાંભણકાનો સૂચિત માર્ગ અનેક જાહેરાતો પછી પણ તૈયાર નથી થયો અને ખડીરવાસીઓની હાલાકી યથાવત્ છે. કદાચ ગુજરાતના અન્ય જિલ્લાનો માણસ આ સ્થિતિ જાણે તો તેને નવાઈ લાગે જ, કેમ કે ગુજરાતમાં મોરબી, બોટાદ જેવા નવા બનેલા જિલ્લાનો કુલ વિસ્તાર જ એક કલાકમાં પાર કરી શકાય છે. જ્યારે સામાન્ય ખડીરવાસીને પોતાના જિલ્લા મથક ભુજ પહોંચવા ઓછામાં ઓછા ચાર કલાકની મુસાફરી કરવી પડે છે. બૂલેટ ટ્રેન અને રૉકેટના સમયમાં આ બાબતો માત્ર આશ્ચર્યજનક જ નથી. સરકારોએ આ બાબત પર ધ્યાન આપ્યું નથી અને પ્રજાને આ હાલાકી સદી ગઈ છે એમ માનવું પડે.
ગુજરાત પ્રવાસન નિગમના બહુ ગાજતા રહેલા અને સફળ ગયેલા રણોત્સવને કારણે બન્ની, પચ્છમ અને ખાવડા જેવા અંતરિયાળ વિસ્તારોથી કચ્છ બહારના લોકો પરિચિત થયા અને ત્યાં પાયાની સુવિધાઓમાં વધારો પણ થયો. જે સફેદ રણ જોવા લોકો બન્નીમાં જાય છે એ સફેદ રણ છેક ખડીર સુધી લંબાય છે. કચ્છના મોટા રણમાં આવેલા ખડીર બેટનો અંદાજિત વિસ્તાર ૨૫૦૦ ચોરસ કિલોમીટર જેટલો છે. આ બેટ પર સાત ગ્રામ પંચાયત છે, જે ૧૨ મહેસૂલી ગામો અને ૬ જેટલી વાંઢોનું સંચાલન કરે છે. આ બેટ પર ૧૨,૦૦૦ જેટલી વસ્તી છે, જે પ્રશાસનિક અવ્યવસ્થાઓના ભોગે પણ રહે છે. વૈશ્વિક ધરોહર જેવી ધોળાવીરા પુરાત્વીય સાઇટ જ્યાં આવેલી છે એ ખડીર બેટમાં જવા રાપર તાલુકાના છેલ્લા ગામ શીરાની વાંઢ સુધી જવું પડે. શીરાની વાંઢ પછી ૧૦૦ મીટર જેટલી પહોળી નદી પર પાપડી બનેલી છે. જ્યારે-જ્યારે ભારે વરસાદ થાય છે ત્યારે આ પાપડી પર પાણી ભરાઈ જાય છે અને ખડીર વિખૂટું પડી જાય છે. ૨૦૧૭ની સાલમાં ભારે વરસાદ પછી બે દિવસ સુધી ખડીર દુનિયાથી વિખૂટું પડી ગયું હતું. આ બેટ પર બીએસએફની એક પોસ્ટ છે. આંતરરાષ્ટ્રીય સીમા સાચવતા જવાનોની પોસ્ટ એક એવા વિસ્તારમાં છે, જ્યાં જવા માટેના રસ્તા બંધ થઈ જાય છે. ખડીર બેટની અન્ય એક દુવિધા એ પણ છે કે તે વહીવટી રીતે ભચાઉ તાલુકામાં આવે છે. ભચાઉ શહેર ગાંધીધામ મતવિસ્તારમાં છે, પરંતુ ખડીરને વિધાનસભા મતવિસ્તાર રાપર લાગુ પડે છે. એટલે ક્યારેક આ સીમાઓ વિકાસકાર્યોમાં બાધારૂપ બનતી હોય છે. ખડીર વિસ્તારનું ધોળાવીરા ગામ હડપ્પીય સંસ્કૃતિના પ્રાચીનતમ અવશેષો થકી દુનિયાભરમાં જાણીતું છે. ત્યાં પુરાતત્વ ખાતાની ૧૨ એકરમાં ફેલાયેલી સત્તાવાર સાઇટ પણ છે, પરંતુ ત્યાં પહોંચવા માટે ખાનગી વાહન હોય તો પણ લાંબા અંતરને કારણે મોંઘું પડે છે. કચ્છના સ્થાનિક લોકોને જવા માટે એકાદ-બે એસટીની બસ જ છે. આ બધી મુશ્કેલીઓને કારણે મોટા ભાગના પ્રવાસીઓ ધોળાવીરાની મુલાકાત લેવાનું ટાળી દે છે. રસપ્રદ બાબત તો એ પણ છે કે ખડીર વિસ્તારની પાંખી વસ્તીમાંથી પણ ૧૦૦ જેટલા જવાનો જુદા-જુદા સુરક્ષા વિભાગોમાં જોડાયેલા છે. આ જવાનોને ખડીર આવવા અને જવામાં બે દિવસ વધારાના ખર્ચાઈ જાય છે. ભુજથી ધોળાવીરા જતી બસ સાડાપાંચ કલાકે પહોંચાડે, જ્યારે ભુજથી અમદાવાદ જતી બસ છ કલાકમાં પહોંચાડી દે છે. કોઈ જિલ્લાની આ સ્થિતિ એની પ્રજા માટે આપદાજનક જ કહેવાય. તબીબી કારણોસર ભુજ જવા કરતાં અહીંના લોકો પાટણ કે રાધનપુર જવાનું વધારે પસંદ કરે છે. આ સ્થિતિ નિવારવા માટે અત્યાર સુધી ખડીરની પ્રજાએ વ્યક્તિગત કે સંસ્થાકીય રીતે સરકારશ્રીનું ધ્યાન દોર્યું છે. તેમની હાલાકીઓ અખબારોનાં પાને ચડી છે. તેમ છતાં, ખડીરની અલગ તાલુકાની માગણી કોઈએ કરી નથી કે ન તો એને રાપર તાલુકામાં સમાવવાની માગ કરી છે. જોકે આ કાર્ય રાજકીય ઇચ્છાશક્તિ વગર થાય એમ પણ નથી.
mavji018@gmail.com

First Published: 27th October, 2020 13:57 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK