Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > મલ્ટિવિટામિનની ગોળીઓ લેવા કરતાં રોજનું એક દાડમ ખાઓ

મલ્ટિવિટામિનની ગોળીઓ લેવા કરતાં રોજનું એક દાડમ ખાઓ

10 July, 2020 10:29 PM IST | Mumbai
Aparna Shirish | feedbackgmd@mid-day.com

મલ્ટિવિટામિનની ગોળીઓ લેવા કરતાં રોજનું એક દાડમ ખાઓ

મલ્ટિવિટામિનની ગોળીઓ લેવા કરતાં રોજનું એક દાડમ ખાઓ


સંસ્કૃતમાં દાડમને લોહિતપુષ્પ કે રક્તપુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. ધરતી પરના સૌથી હેલ્ધી ફળમાં જેની ગણતરી થાય છે એ દાડમ શરીરની અંદરની સિસ્ટમ માટે તો ઉત્તમ છે જ પણ સાથે ત્વચા અને વાળની માવજત કરવામાં પણ અગ્રેસર છે. દાડમ ત્રણે દોષોને તટસ્થ કરવામાં સક્ષમ છે. દાડમ ઍન્ટિઑક્સિડન્ટ છે તેમ જ એનાં ઍન્ટિવાઇરલ અને ઍન્ટિબૅક્ટેરિયલ ગુણોને લીધે દાડમ આ સીઝનમાં અનેક રોગો સામે રક્ષણ આપી શકે છે. જાણી લો રોજનું એક દાડમ કઈ રીતે શરીરને નીરોગી અને તંદુરસ્ત રાખી શકે છે.
આયર્નનો ઉત્તમ સ્રોત
દરેક લાલ રંગના ફળ અને શાકભાજીમાં આયર્ન એટલે કે લોહતત્ત્વ ભરપૂર પ્રમાણમાં હોય છે. અને દાડમ પણ આયર્નનો ઉત્તમ સ્રોત છે. આ વિશે જણાવતાં આયુર્વેદિક ફિઝિશ્યન ડૉ. સૂર્યા ભગવતી કહે છે, ‘જો રોજ એક દાડમનો રસ એક મહિના સુધી નિયમિત લેવામાં આવે તો હીમોગ્લોબિનમાં બે પૉઇન્ટ સુધી વધારો જોવા મળે છે. દાડમ એવું ફ્રૂટ છે જેની કોઈ જ સાઇડ ઇફેક્ટ્સ નથી. એકાદ-બે ટકા જ એવા લોકો જાવા મળશે જેમને દાડમ ખાવાથી ખંજવાળ કે એવા સામાન્ય ઍલર્જિક રીઍક્શન જોવા મળે છે. ડાયાબિટીઝ ધરાવતી વ્યક્તિ પણ દાડમ છૂટથી ખાઈ શકે છે.’
હૃદયને તંદુરસ્ત રાખે
ઍન્ટિ-ઑક્સિડન્ટ્સથી ભરપૂર દાડમ લોહીને પાતળું રાખવામાં મદદ કરે છે. આ વિશે જણાવતાં ડૉ. સૂર્યા ભગવતી કહે છે, ‘દાડમમાં રહેલાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ કૉલેસ્ટરોલ ઘટાડે છે. દાડમનાં બી ખાસ કરીને બ્લડ પ્લેટલેટ્સમાં ગાંઠ નથી થવા દેતાં. જો હાર્ટની આર્ટરીઝમાં આ લોહી ગંઠાય તો નળી બ્લૉક થાય છે. અને દાડમ આ જ ચીજ માટે પ્રિવેન્શન તરીકે કામ કરે છે. તેમ જ આર્ટરીઝને મજબૂત બનાવે છે. એટલે જો હૃદય સ્વસ્થ રાખવું હોય અને લોહી શુદ્ધ રાખવું હોય તો દરરોજ સવારે ખાલી પેટે એક દાડમનો રસ પીવો.’
ફાઇબરથી ભરપૂર
દાડમનાં બીમાં ફાઇબરની માત્રા સારીએવી હોય છે, જેના લીધે દાડમ પાચનક્રિયા સુધારે છે. જન્ક ફૂડ ખાવાના ચક્કરમાં લીલી શાકભાજીમાંથી મળતું ફાઇબર શરીરને નથી મળતું, પણ એની કમી દાડમ પૂરી કરી શકે છે. દાડમમાંથી રોજ શરીરને જરૂરી હોય એનું 45 ટકા ફાઇબર મેળવી શકાય છે. દાડમથી આંતરડાની શુદ્ધિ થાય છે. આ એક એવું ફળ છે જે પેટ માટે બન્ને દિશામાં કામ કરે છે. દાડમનો રસ જો ઝાડા થયો હોય તો આંતરડાં શુદ્ધ કરી ઝાડામાં રાહત આપે છે અને જો કબજિયાત હોય તો દાડમનાં બીમાં રહેલું ફાઇબર કન્ટેન્ટ પેટ સાફ કરવામાં મદદ કરે છે.
આર્થ્રાઇટિસમાં રાહત માટે
દાડમમાં રહેલાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ કાર્ટિલેજને ડૅમેજ થતાં અટકાવે છે. તેમ જ ઇન્ફ્લમેશનમાં રાહત આપે છે જેને લીધે સંધિવાતમાં આ ફળ અકસીર સાબિત થાય છે. એ સિવાય પોટૅશિયમ પણ હાડકાં મજબૂત બનાવી દુખાવામાં રાહત આપે છે અને વધુ ડૅમેજ થતું રોકે છે.
ઍન્ટિ-વાઇરલ
ચોમાસામાં સૌથી મોટો ભય એટલે વાઇરલ ફીવર. એક દાડમ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારી વાઇરલ ઇન્ફેક્શનથી દૂર રાખી શકે છે. આ વિશે જણાવતાં ડાયટિશ્યન અને ન્યુટ્રિશનિસ્ટ મેઘના પારેખ શેઠ કહે છે, ‘દાડમ અનેક ઍન્ટિવાઇરલ તત્ત્વોથી ભરપૂર છે. વિટામિન સી, ફાઇબર, વિટામિન ઈ, પોટૅશિયમ, ફોલવાઇટ તેમ જ બી-કૉમ્પલેક્સ આ ફળમાંથી મળી રહે છે. દાડમ ઇમ્યુનિટી વધારી અનેક પ્રકારના રોગો સામે રક્ષણ આપે છે. અને એટલે જ હાલના વાતાવરણમાં અને આ સીઝનમાં આ ફળ મસ્ટ છે.’
કૅન્સર પ્રિવેન્શન
રોજનું એક દાડમ કૅન્સર જેવા જીવલેણ રોગ સામે પણ રક્ષણ આપી શકે છે. દાડમ પર થયેલા કેટલાક સ્ટડીઝનું માનવામાં આવે તો દાડમમાંથી મળતાં પોષક તત્ત્વો બ્રેસ્ટ-કૅન્સર માટે જવાબદાર સેલ્સનું ફૉર્મેશન રોકવામાં મદદ કરે છે. એ જ પ્રમાણે પુરુષોમાં થતા પ્રોસ્ટેટ કૅન્સર સામે પણ દાડમનાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ રક્ષણ આપે છે. રિસર્ચ તો એ પણ કહે છે કે પ્રોસ્ટેટ કૅન્સર ધરાવતા પુરુષોને રોજ એક દાડમ આપ્યા બાદ તેમના પીએસએ (પ્રોસ્ટેટ સ્પેસિફિક ઍન્ટિજન) લેવલને વધવામાં સામાન્ય કરતાં બમણો સમય લાગ્યો હતો. અર્થાત્ કે તેમનું પ્રોસ્ટેટ કૅન્સરને લીધે મૃત્યુનું જોખમ ઘટી ગયું હતું.
યાદશક્તિવર્ધક
એક સ્ટડીમાં જેમને યાદશક્તિની તકલીફ હતી તેવા લોકોને દરરોજ પ્રયોગ તરીકે 237 મિલી દાડમનો રસ આપવામાં આવ્યો હતો. કેટલાક સમય બાદ આ જ લોકોની વિઝ્યુઅલ અને વર્બલ મેમરીમાં વધારો થયેલો જોવા મળ્યો હતો.
લોહીમાં ઑક્સિજન માસ્ક તરીકે કામ કરે છે
દાડમમાં રહેલાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ લોહીના ઑક્સિજન લેવલમાં વધારો કરે છે. લોહીમાં ઑક્સિજનનું પ્રમાણ પૂરતું હોવાને લીધે શરીર બીમારીઓ સામે લડવામાં સક્ષમ બને છે.
ઍન્ટિએજિંગ
દાડમ સ્કિન અને વાળ માટે ઍન્ટિએજિંગ સાબિત થાય છે. દાડમમાં રહેલા યુરોલિથિન કમ્પાઉન્ડ્સ એજ પ્રોસેસને ધીમી પાડે છે. એ સિવાય દાડમનું સેવન કરવાથી સૂર્યનાં હાનિકારક કિરણો સામે રક્ષણ મળે છે જે વાળ અને સ્કિનના પ્રીમેચ્યૉર એજિંગ માટે જવાબદાર હોય છે. દાડમનો રસ ચહેરા પર ફેસપૅક તરીકે પણ લગાવી શકાય.’

છાલ પણ છે ગુણોથી ભરપૂર



દાડમ એક સર્વગુણ સંપન્ન ફળ છે એવું કહી શકાય, કારણ કે ફળનો રસ અને બી જ નહીં પણ દાડમની છાલ પણ આયુર્વેદની દૃષ્ટિએ ખૂબ ગુણકારી છે. દાડમની છાલના ઉપયોગ વિશે જણાવતાં ડૉ. સૂર્યા ભગવતી કહે છે, ‘દાડમની છાલ એક અકસીર કુદરતી ડિવૉર્મર છે. દાડમની છાલને સૂકવી એનો પાઉડર કરી રોજ આ પાઉડર મધ સાથે ભેળવીને સતત ૧૫ દિવસ સુધી લેવાથી આંતરડાના કૃમિ નાશ પામે છે. તેમ જ દાડમની છાલ આ રીતે લેવાથી આંતરડાં પણ મજબૂત પણ બને છે. બાળકોને પણ આ પાઉડર આપી શકાય. પ્રમાણ શરીરના વજન પ્રમાણે વધારવું-ઘટાડવું. બાળકોને પા ચમચી જેટલો જ પાઉડર આપવો.’
દાડમની છાલ આંતરડાને જ નહીં, દાંત પણ મજબૂત બનાવે છે. દાડમની છાલનો પાઉડર દાંત પર ઘસવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે, પેઢાં મજબૂત બને છે અને પેઢાંના રોગો, સોજો કે પેઢાંમાંથી લોહી નીકળવાની સમસ્યામાં રાહત મળે છે. એ સિવાય જો દાડમના રસનો માઉથવૉશની જેમ ઉપયોગ કરવામાં આવે તો દાંત પર છારી વળવાની સમસ્યામાં પણ રાહત મળે છે.


પોષક તત્ત્વોથી ભરપૂર ફળ

દાડમમાં કયાં પોષક તત્ત્વોનો ખજાનો છે એ વિશે ન્યુટ્રિશનિસ્ટ મેઘના પારેખ શેઠ કહે છે, ‘દાડમ વિટામિન સી, ફાઇબર, વિટામિન ઈ, પોટૅશિયમ, નાઇટ્રેટ અને ફોલવાઇટથી ભરપુર છે. દાડમ એકલું જ ખાવું. તો જ એના પૂરા ફાયદા લઈ શકાશે. એક વાટકી રાઈતા કે સૅલડમાં દાડમ ખાઓ એના કરતાં એક વાટકી એકલું દાડમ ખાઓ એ વધુ ફાયદાકારક છે, કારણ કે એ રીતે ખાવાથી દાડમનું પ્રમાણ વધી જાય છે. આ સિવાય આ ફળ કોઈ પણ મેજર મીલ એટલે કે બ્રેકફાસ્ટ, લંચ કે ડિનરની સાથે ન લેવું. સાંજના નાસ્તામાં અથવા વહેલા ડિનર કર્યા બાદ રાતે ફરી ભૂખ લાગે ત્યારે લઈ શકાય. મૅરથૉન રનર્સ, હેવી ડ્યુટી વર્કઆઉટ કરનારાઓએ રોજનું એક દાડમ ખાસ લેવું, કારણ કે એમાં રહેલું નાઇટ્રેટ મસલ ફટિગને ડિલે કરે છે.’


કઈ રીતે ખાશો દાડમ?

દાડમ ખરીદતા સમયે એ વજનમાં ભારે હોય એનું ધ્યાન રાખો. દાડમની છાલ લીસી અને કડક હોવી જોઈએ. દાડમના દાણા કાઢી બને એટલા વહેલા એ ખાઈ લેવા જોઈએ. આ વિશે ડૉ. સૂર્યા કહે છે, ‘આયુર્વેદમાં કોઈ પણ ફળને દૂધ કે દહીં સાથે મિક્સ કરીને ખાવાની સલાહ નથી. દાડમને કસ્ટર્ડ કે રાઈતામાં લેવાને બદલે એકલું ખાવું અને એ પણ ફ્રેશ. દાડમનો સ્વાદ થોડો ખાટો, તૂરો હોવાને લીધે એ બીજી ફૂડ આઇટમ્સ સાથે રીઍક્ટ થઈ શકે છે.’

Whatsapp-channel Whatsapp-channel

10 July, 2020 10:29 PM IST | Mumbai | Aparna Shirish

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK