Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમારું બીપી વધી ગયું છે? હજીયે નહીં કરો તો ક્યારે કરશો યોગ?

તમારું બીપી વધી ગયું છે? હજીયે નહીં કરો તો ક્યારે કરશો યોગ?

11 June, 2020 04:26 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

તમારું બીપી વધી ગયું છે? હજીયે નહીં કરો તો ક્યારે કરશો યોગ?

તમારું બીપી વધી ગયું છે? હજીયે નહીં કરો તો ક્યારે કરશો યોગ?


અત્યારે વિશ્વમાં થતાં અકાળ મૃત્યુનાં કારણોમાં એક કારણ છે હાઇપરટેન્શન. તમારું વધેલું બ્લડ-પ્રેશર. વિશ્વમાં લગભગ સવા અબજ લોકો હાઈ બીપીની સમસ્યાથી પીડાય છે. ડાયાબિટીઝની જેમ હાઈ બીપી પણ લાઇફસ્ટાઇલ ડિસીઝ મનાય છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનનાં પાંચ વર્ષ પહેલાંના આંકડા મુજબ દુનિયામાં દર પાંચમાંથી એક મહિલાને અને દર ચારમાંથી એક પુરુષને હાઈ બીપી છે. શું કામ આ સમસ્યા આટલી વકરી છે અને યોગિક દૃષ્ટિએ એનું સમાધાન શું એ વિશે અમે જનરલ સર્જ્યન, મુંબઈની કેઈએમ, કૂપર જેવી સરકારી હૉસ્પિટલોમાં સૌથી પહેલું યોગ કન્સલ્ટેશન ઓપીડી શરૂ કરનારા તેમ જ મેડિકલ સાયન્સ સાથે યોગની અકસીરતા પર પુસ્તકો લખનારા કૈવલ્યધામ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા યોગરત્ન ડૉ. સતીશ પાઠક સાથે વાત કરી એ પ્રસ્તુત છે.

શું કામ કૉમન?



એકવીસમી સદી ટેન્શનની સદી છે અને એ જ કારણ છે આ તમામ સમસ્યાઓનું, એમ જણાવીને ડૉ. સતીશ કહે છે, ‘ટેન્શન વધ્યું છે એની સામે ટેન્શનને ટૅકલ કરવાની આપણી ક્ષમતા ઘટી છે અને એ જ તમામ સમસ્યાઓનું મૂળ છે. એક દાખલા સાથે સમજાવીશ તો વાત સ્પષ્ટ થશે. ધારો કે તમે પ્લૅટફૉર્મ પર ટ્રેનની રાહ જોઈ રહ્યા છો. સવારે આઠ ત્રીસની ટ્રેન હતી જે આઠ ચાલીસ સુધી પણ આવી નથી. હવે ચાર પ્રકારના લોકો આ ટ્રેનમાં જવાના હતા. એક માણસ સતત ઊભો રહીને ઇન્ડિકેટર સામે જોઈને મનમાં ગણ-ગણ કરે છે, અંદરથી ઇરિટેટ થઈ ગયો છે. બીજો માણસ એક વાર ઇન્ડિકેટર જોઈને સામે ખાલી રહેલા બાંકડા પર જઈને બેસી જાય છે અને હાથમાં રહેલું છાપું વાંચે છે અને મનમાં વિચારે છે કે કોઈ પણ કારણસર ટ્રેનને સિગ્નલ નહીં મળ્યું હોય, આવશે હમણાં. ત્રીજી વ્યક્તિ સૉલિડ અકળાઈ ગઈ છે અને તેણે બૂમાબૂમ કરીને ટોળું ભેગું કરી દીધું છે. આ કંઈ રીત છે? આપણા સમયની કિંમત જ નથી, આ ટ્રેનને કારણે મને ઑફિસમાં લેટ માર્ક મળશે, મારો પગાર કપાશે, રેલવેને શું? એટલામાં ટ્રેન આવી અને ચોથી વ્યક્તિ ટોળામાંથી સીધી મોટરમૅનના ડબ્બા પાસે જઈને તેને પથ્થર મારે છે. અમે ટૅક્સ ભરીએ છીએ અને તને પગાર મળે છે છતાં તને અમારી અનુકૂળતાની પડી જ નથી. એક જ પરિસ્થિતિ અને ચાર જુદા-જુદા રીઍક્શન. આ રીઍક્શન તમારી હેલ્થ નક્કી કરે છે. યોગ તમને બિનજરૂરી રીઍક્શન કેમ ટાળવાં એ શીખવે છે.’


જોકે બ્લડ-પ્રેશર કેમ વધે એનાં બે કારણો દર્શાવતાં ડૉ. સતીશ કહે છે, ‘ઘણી વાર લોકો સતત દોડતા રહે છે, શ્વાસ લેવાનો સમય નથી કાઢી શકતા. બૉડી પાસે ઓવરટાઇમ કરાવો એટલે તમારા શરીરનાં તમામ ઑર્ગન્સે પણ વધારે કામ કરવું પડશે. એટલે તેમને વધારે બ્લડ-સપ્લાયની પણ જરૂર પડશે. વધારે બ્લડ જોઈશે તો તમારા હૃદયે પણ વધારે પમ્પિંગ કરવું પડશે. જેનાથી નૅચરલી તમારા બ્લડનું પ્રેશર હાઈ થશે. બીજું કારણ છે તમારું મન. ડર લાગે, ગુસ્સો આવે, પૅનિક થાઓ આ બધી જ પરિસ્થિતિમાં તમારી સિમ્પથેટિક નામની નર્વસ સિસ્ટમ ઍક્ટિવ થઈ જાય જે તમારા શરીરની એડ્રિનલિન ગ્રંથિનો સ્રાવ વધારે અને એનાથી તમારું બ્લડ-પ્રેશર પણ વધે. પહેલા કારણ માટે તમારે શરીરને હેલ્ધી ખોરાક અને આસનોથી મજબૂત બનાવવું પડે અને બીજા કારણ માટે મનને કેળવવું પડે. યોગ આ બન્નેમાં કારગત છે. તમારી ફિઝિકલ સ્ટ્રેંગ્થ પણ વધારે અને માઇન્ડને શાંત પણ કરે. સ્ટ્રેસ ઉપરાંત ઓબેસિટી, ડાયાબિટીઝ અને એજિંગ પણ

બ્લડ-પ્રેશર માટે કારણભૂત નીવડી શકે છે. એજિંગ એટલા માટે કે


જેમ-જેમ ઉંમર થાય

તેમ-તેમ તમારા શરીરની અંદરની શુદ્ધ અને અશુદ્ધ લોહી લઈ જતી રક્તવાહિનીઓની ફ્લેક્સિબિલિટી ઘટે, એ રિજિડ થતી જાય. એમાં જો લવચીકતા હોય તો હાર્ટમાંથી પમ્પ થતું બ્લડ શરીરના છેલ્લામાં છેલ્લા હિસ્સા સુધી પણ બહેતર રીતે પહોંચાડશે, પણ જો એમ ન હોય તો હાર્ટે વધારે પ્રેશર સાથે કામ કરવું પડે જે બ્લડ-પ્રેશર તરફ લઈ જાય. આર્ટરીની એટલે કે રક્તવાહિનીઓની તંદુરસ્તી માટે પણ આસનો, પ્રાણાયામ ઘણાં ઉપયોગી છે. એ શરીરના કોષોને જોઈતો પૂરતો ઑક્સિજન પૂરો પાડે. તમારા સ્નાયુઓની લવચીકતાને અકબંધ રાખે.’

મોડી ખબર પડે

ઘણા લોકોને એમ હોય છે કે મને અચાનક બ્લડ-પ્રેશર આવ્યું. એવું હોતું નથી. એક ડૉક્ટર હોવાને નાતે બીજી પણ એક મહત્ત્વની બાબત કહેવી છે એમ જણાવીને ડૉ. સતીશ કહે છે, ‘જનરલી, તમને જ્યારે બ્લડ-પ્રેશર કે ડાયાબિટીઝ ડિટેક્ટ થાય એના કરતાં પહેલાં એ તમારા શરીરની સિસ્ટમમાં આવી ગયું હોય છે. એક ડૉક્ટરનો જ કિસ્સો કહું તમને. બહુ જ સારા ડૉક્ટર. તેમને બહુ જ માથુ દુખતું. રોજ ઍસ્પિરિન લઈ લે. વચ્ચે અચાનક મને ખબર પડી કે એ ડૉક્ટરને બ્રેઇન-હેમરેજ થયું છે અને આઠેક દિવસ માટે કોમામાં જતા રહ્યા. એ સમયે તેમનું બ્લડ-પ્રેશર ખૂબ હાઈ હતું. હું મળવા ગયો અને પૂછ્યું તો કહે કે મને અચાનક થઈ ગયું. અત્યાર સુધી કંઈ જ પ્રૉબ્લેમ નહોતો. ત્યારે તેમની વાઇફ બોલ્યાં કે માથું કેટલાય મહિનાથી દુખતું હતું અને એ ઍસ્પિરિનની ગોળી લઈ લેતા હતા. માથું દુખવું, આંખ સામે અંધારાં આવવાં, ચક્કર આવવાં જેવાં લક્ષણો ત્યારે જ દેખાય જ્યારે શરીર પોતાની રીતે કોપ અપ ન કરી શકતું  હોય. એટલે હું દરેકને કહીશ કે તમારા

બ્લડ-પ્રેશરનું ચેકઅપ નિયમિત કરાવો. લક્ષણોની રાહ નહીં જુઓ. તમારી કન્ડિશન મુજબ તમને જે દવા અપાય એ દવાનો ડોઝ લો. યોગ કરવાથી સો ટકા ફાયદો થાય છે, પરંતુ કોઈ યોગશિક્ષકના કહેવાથી દવાઓ છોડી દેવાની ભૂલ નહીં કરતા. એ માટે પણ તમારા ડૉક્ટરની સલાહ પ્રમાણે ચાલો. બની શકે કે પહેલાં તમારે બ્લડ-પ્રેશરને કન્ટ્રોલમાં રાખવા માટે જે ડોઝ લેવો પડતો હોય એ એકાદ-બે મહિનાની યોગની પ્રૅક્ટિસ પછી ઓછો થઈ જાય. જેનું બૉર્ડર-લાઇન પર હોય અને યોગ પછી બીપી નૉર્મલ થતું ગયું હોય તો દવા બંધ પણ થઈ જાય. જોકે એ નિર્ણય તમારે નહીં, પણ તમારા ડૉક્ટરે તમારા બ્લડ-પ્રેશરના રીડિંગના આધારે લેવાનો છે.’

શું કામ હેલ્પ કરે?

યોગ તમારા કારણ વગરના રીઍક્શનને ઓછાં કરી નાખે. ડૉ. સતીશ કહે છે, ‘મગજ શાંત હોય તો અકળામણ ઓછી થાય અને એ વિવેકબુદ્ધિ પણ ખીલે કે જ્યાં પરિસ્થિતિ આપણા હાથમાં નથી ત્યાં અકળાઈને શું પામી લેવાના આપણે?

ધીમે-ધીમે શ્વસનની ક્રિયા પરનું કૉન્સન્ટ્રેશન તમારા એન્ગર, ફિયર, સ્ટ્રેસ રિસ્પૉન્સનું નિયમન કરે, હળવી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ તમારા સ્નાયુઓની સ્ટ્રેંગ્થ વધારે, રક્ત પરિભ્રમણ વધારે. હાઈ બ્લડ-પ્રેશરવાળાએ ઝડપી અને વધુ સ્ટ્રેંગ્થ માગતી કસરતો એકઝાટકે શરૂ ન કરવી જોઈએ. હાર્ટે વધારે કામ કરવું પડે એવી પ્રક્રિયાઓ અવૉઇડ કરવી જોઈએ. લાઇટ આસનો પણ અંદર અને બહારની ફિઝિકલ કૅપેસિટી વધારે એટલે યોગથી ફાયદો થાય છે.’

Whatsapp-channel Whatsapp-channel

11 June, 2020 04:26 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK