નવરાત્રિના ઉપવાસમાં યોગ હેલ્પ કરી શકે?

Published: 22nd October, 2020 20:58 IST | Ruchita Shah | Mumbai

જી હા, અનુભવોને આધારે નિષ્ણાતો માને છે કે યોગની કેટલીક પ્રૅક્ટિસ ભૂખ અને તરસને દૂર કરવામાં અસરકારક નીવડે છે અને ઉપવાસ દરમ્યાન શરીરની નબળાઈઓને દૂર કરીને મનને વધુ સ્થિર થવામાં મદદ મળી શકે છે

સોનું ધ્યાન કરવાના પ્રયત્ન કરો અને મનને બને એટલું સ્થિર કરતા જાઓ.
સોનું ધ્યાન કરવાના પ્રયત્ન કરો અને મનને બને એટલું સ્થિર કરતા જાઓ.

આયુર્વેદ અને નેચરોપથીમાં ઉપવાસનું જોરદાર મહત્ત્વ ગવાયું છે. નવરાત્રિમાં ઘણા લોકો એકટાણા, ફળાહાર તો કેટલાક સંપૂર્ણ નિર્જળા ઉપવાસ કરતા હોય છે. આહારનો ત્યાગ કરીને ઉપ એટલે પાસે અને વાસ એટલે કે રહેવું, પોતાની પાસે રહેવું એમ ઉપવાસની એક વ્યાખ્યા પ્રચલિત છે. શરીરનું ક્લેન્ઝિંગ કરવા, શરીરના અવયવોને એક દિવસ આરામ આપવાના આશયથી અને શરીરનાં ટૉક્સિન્સને બહાર ફેંકવા માટે ઉપવાસ કરવાના વૈજ્ઞાનિક લાભો ઘણા ગણાવતા હોય છે. યોગિક પરંપરામાં તપનું જોરદાર મહત્ત્વ રહ્યું છે. તપ ઉપર તો ખૂબ જ વિસ્તૃતપણે વાત થઈ શકે એમ છે. આજે આપણે માત્ર ભૂખ્યા રહીને જે થાય એવા ઉપવાસ પર ફોકસ કરીએ. તહેવારોના પવિત્ર દિવસોમાં ઉપવાસ કરવાનું અદ્ભુત મહત્ત્વ શાસ્ત્રોમાં દર્શાવાયું છે. શું કામ? તમે પણ સાંભળ્યું હશે કે યોગીઓ વર્ષો સુધી આહાર વિના રહી શકતા અને છતાં તેમની ઊર્જામાં કોઈ ફરક નહોતો પડતો, એકાદ ગુફામાં દાયકાઓ સુધી કોઈ આહાર વિના રહેનારા અને છતાં તેજથી દેદીપ્યમાન એ જટાધારી યોગીને એનર્જી ક્યાંથી મળી હશે? કયાં ન્યુટ્રિશન્સ છે જેમણે વગર ભોજને તેમના ચહેરાને તેજસ્વી બનાવ્યો હશે? આપણી યોગિક પરંપરામાં વણાયેલા ઉપવાસ સાથે ડેફિનેટલી એવી કેટલીક પ્રૅક્ટિસ સંકળાયેલી છે જે આહારથી પર છે અને છતાં આહારની જરૂરિયાતને કેટલાક અંશે પૂરી શકે છે. આજે એના પર જ યોગ દ્વારા પોતાના જીવનના ઘણા રોગોને દૂર ફેંકનારા અને સ્વસ્થતાની ડગર પર સ્થિર થનારા પચીસ વર્ષથી યોગ પ્રશિક્ષક તરીકે સક્રિય વિનોદ સૈની સાથે વાત કરીએ.

yoga

 વિનોદ સૈની

એક્સલરેટરનું કામ કરે

સદગુરુ જગ્ગી વાસુદેવ કહે છે કે જ્યારે આપણું પેટ ખાલી હોય છે ત્યારે આપણું શરીર અને મસ્તિષ્ક વધુ સારી રીતે કામ કરે છે. શરીરમાં જે પણ શુદ્ધિકરણ અને સુધારો થવાનો છે એના માટે પેટનું ખાલી થવું જરૂરી છે. ઉપવાસ સેલ્યુલર લેવલ પર શુદ્ધિકરણ કરે છે. ઉપવાસ શરીરની અને મનની જડતાને ઓછી કરે છે. આજકાલ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગને ખૂબ મહત્ત્વ અપાય છે. બે ભોજન વચ્ચે આઠ કલાકનો ગૅપ રાખવાની સલાહ યોગમાં પણ અપાય છે જે સ્વાસ્થ્યને ચમત્કારિક રીતે અસર કરે છે. એની સાથે જો થોડીક યોગિક ક્રિયા અને ધ્યાન કરાય તો શરીરને વધુ તંદુરસ્તી તરફ લઈ જશે. આ જ વાતને આગળ વધારતાં યોગ એક્સપર્ટ વિનોદ સૈની કહે છે, ‘જ્યારે આપણે ખાલી પેટે યોગ કરીએ છીએ ત્યારે આપણા ભીતરનાં ઑર્ગન્સના પ્યૉરિફિકેશનની પ્રોસેસ ઝડપી બને છે. જેમ કોઈ વાસણમાં ગંદકી હોય અને એને જો વહેતા સાફ પાણીમાં રાખો તો ગંદકી સાફ થતી જશે, પરંતુ એ જ વાસણને વહેતા પાણીમાં રાખો અને સાથે સાબુથી એને ઘસી લો તો એ વધુ સાફ થશે. ઉપવાસ દરમ્યાન થતી યોગિક પ્રૅક્ટિસ આ રીતે કામ કરે છે. એક વસ્તુ મોટા ભાગના લોકો જાણતા હશે કે જ્યારે આપણે આહાર કરીએ છીએ ત્યારે શરીરની મોટા ભાગની ઊર્જા એ ભોજનને પચાવવામાં લાગી જતી હોય છે. હવે જ્યારે તમે ભોજન નથી લીધું ત્યારે એ ઊર્જાનું શું થયું જે પાચનનું કામ કરતી હતી? એ ઊર્જા શરૂ કરે પ્યૉરિફિકેશનનું કામ. ઉપવાસ સાથે આપણને ભૂખ લાગે એ સામાન્ય છે, કારણ કે તમે જે શરીરને આદત પાડી છે એ આદત પ્રમાણે શરીર ડિમાન્ડ કરવાનું. એ શરીરની ડિમાન્ડ સાથે મન પણ જોડાઈ ગયું અને વીકનેસ લાગે છે, ચક્કર આવે છે જેવા તર્ક તમે એની સાથે જોડી દીધું. આવા સમયે ઉપવાસની સાથે થોડીક પ્રાણાયામ પ્રૅક્ટિસ, થોડાક આસનો અને ધ્યાનની ક્રિયામાં મન લગાવી દીધું તો ભૂખ નહીં લાગે. ભોજન શરીરને ટકાવવા જરૂરી છે પરંતુ આપણે ભોજનને જરૂર કરતાં વધુ મહત્ત્વ આપીને પ્રમાણભાન ભૂલી ગયા છીએ. ઉપવાસ એ પ્રમાણભાનને પાછું લાવવા માટે જરૂરી છે. આ ઉપવાસમાં યોગિક પ્રૅક્ટિસ એક્સલરેટરનું કામ કરે છે. એટલે કે જે લાભ તમને ઉપવાસ દ્વારા મળી રહ્યો છે એ લાભની ગતિ યોગિક પ્રૅક્ટિસથી વધશે.’
બળજબરી નહીં
ઉપવાસમાં બળજબરી કરવી એ ખોટી દિશા છે એમ જણાવીને વિનોદ સૈની કહે છે, ‘જબરદસ્તીનો ઉપવાસ શરીરને પ્યૉર કરવાને બદલે શરીરમાં ટૉક્સિન્સ વધારશે. ફિઝિકલ પ્રિપેરેશન કરતાં મારી દૃષ્ટિએ માનસિક રીતે તમે ઉપવાસ માટે કેટલા સજ્જ છો એની તપાસ કરો. તમારી દૃઢતા કેવી છે? જો તમે મનથી દૃઢ છો અને તમે નિશ્ચય કરીને ઉપવાસ દ્વારા મનના લાભ મેળવવા માટે સાઇકોલૉજિકલી પ્રિપેર્ડ છો તો પછી જ એમાં આગળ વધવામાં સાર છે, કારણ કે શરીર તમારા મનથી બહુ જ પ્રભાવિત થતું હોય છે. જો મન નાજુક હશે તો શરીર ફિઝિકલી સ્ટ્રૉન્ગ હશે તો પણ તમને સાથ નહીં આપે. એક વાત સમજવા જેવી છે કે મોટા ભાગના લોકોના શરીરમાં જરૂરી પોષક તત્ત્વોનો અમુક હિસ્સો રિઝર્વ્ડ હોય છે. ઉપવાસમાં તમે શરીરને એ ફિક્સ ડિપોઝિટ તોડવા તરફ લઈ જાઓ છો. એટલે ભલે નવરાત્રિ હોય કે બીજા કોઈ પણ દિવસ હોય, મનની મક્કમતા અને સ્થિરતા પર પહેલાં થોડુંક કામ કરો પછી ઉપવાસ કરો. બીજું, એકસાથે સંપૂર્ણ આહાર ત્યાગને બદલે ધીમે-ધીમે ફ્રૂટ્સ પર, દૂધ પર અને જળ પર ઉપવાસના પ્રયોગ કરીને મન અને શરીરને કેળવો. એક વાત નિશ્ચય સાથે કહી શકું છું, પોતાના અને અઢળક લોકોના અનુભવ પરથી કે જેમ-જેમ તમે ઉપવાસ સાથે તમારા શરીર અને મનને કેળવતા જશો એમ-એમ આહાર વિના પણ તમારામાં ઊર્જા અને તેજ વધેલું તમને જણાશે. થોડોક સમય નહીં ખાઈને વીકનેસ નથી આવતી પરંતુ તાજગી આવે છે એ વાત ત્યારે જ સમજાશે. બીજું, ઉપવાસના સમયે જેટલું શક્ય હોય એટલું મૌન પાળવું પણ જરૂરી છે. શરીરના સ્તરથી મન પર દૃઢ ઇચ્છાશક્તિ સાથે આગળ વધવામાં ઉપવાસનું અમૂલ્ય યોગદાન છે જેમાં યોગની વિવિધ ક્રિયાઓ જોરદાર પરિણામ આપે છે. એની પુષ્ટિ આપતા અસંખ્ય યોગીઓના દાખલા આપણી સમક્ષ છે જ.’

કઈ યોગિક પ્રૅક્ટિસ કરશો ઉપવાસ દરમ્યાન?

ઉપવાસ કરીએ ત્યારે શરીરની નૅચરલ બૉડી ક્લૉક પ્રમાણે ઘણી વાર શરીરમાં ઍસિડ ઉત્પન્ન થતો હોય છે તેમ જ શરીરમાં હીટ વધતી હોય છે, જેને કન્ટ્રોલમાં રાખવા માટે શીતલી અને શીતકારી પ્રાણાયામ કરી શકાય. હઠ પ્રદીપિકા નામના ગ્રંથમાં શીતલી પ્રાણાયામથી ભૂખ અને તરસ પર નિયંત્રણ રાખી શકાય છે એવું કહ્યું છે. ઉપવાસ દરમ્યાન તમારા મનને શાંત કરવામાં અને ફિઝિકલ લેવલ પર શરીરમાં જન્મતા ઍસિડ અને વધારાની ગરમીને કન્ટ્રોલમાં રાખવા માટે શીતલી અને શીતકારી પ્રાણાયામ ઉપયોગી થઈ શકે છે.
અનુલોમ-વિલોમ અથવા નાડીશુદ્ધિ પ્રાણાયામ ઉપવાસ કરતા હો એ દિવસોમાં વધુ સમય થાય તો એના અઢળક લાભ છે. શરીરની ૭૨ હજાર નાડીઓનું શુદ્ધિકરણ કરતા આ પ્રાણાયામથી ફિઝિયોલૉજિકલી અને સાઇકોલૉજિકલી સંતુલન આવવાનું શરૂ થશે. નાડીઓથી લઈને પ્રત્યેક કોષો સુધી પ્યૉરિફિકેશનની પ્રોસેસ ઝડપી બનશે.
મનને શાંત કરવા અને ધીમે-ધીમે ધ્યાનમાં સ્થિર થવા માટે ફુલ યોગિક બ્રીધિંગ કરો જેમાં તમારાં ફેફસાંના ત્રણેય હિસ્સામાં ધીમે-ધીમે શ્વાસ ભરતા હો એમ હવા ભરાતી જાય અને શ્વાસ છોડો એમ એ અંદર જતું જાય એ રીતે ખૂબ ધીમા અને સંપૂર્ણ શ્વાસ લેવાની પ્રૅક્ટિસ પણ આ દિવસોમાં ખૂબ ઉપયોગી સાબિત થશે.
સામાન્ય તાડાસન જેવાં આસનોથી લઈને મસ્તિષ્ક પર રક્તપ્રવાહ વધે એવાં સર્વાંગાસન, ચક્રાસન, શીર્ષાસન જેવાં આસનો કરવાથી ચેતનાનો પ્રવાહ મસ્તિષ્ક તરફ વધશે અને તમે વધુ અલર્ટ બનશો.
ઓમ અને ભ્રામરી ચૅન્ટિંગ વધુમાં વધુ કરો. લગભગ વીસથી પચીસ મિનિટ જો સતત ભ્રામરી અથવા ઓમ ચૅન્ટિંગ કરશો તો બે જ દિવસમાં તમને તમારી પોતાની અંદર એક અલગ જ ચમત્કાર સર્જાયો હોય, ઊર્જાનો વિસ્ફોટ થયો હોય એવો અનુભવ થશે.
બને એટલું સ્વમાં ડૂબવાના, શ્વાસોનું ધ્યાન કરવાના પ્રયત્ન કરો અને મનને બને એટલું સ્થિર કરતા જાઓ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK