કબૂતરોને ચણ નાખવું જીવદયા કે જીવહિંસા?

Published: 17th February, 2021 15:13 IST | Jigisha Jain | Mumbai

હકીકત એ છે કે કબૂતરને ચણ નાખવું એ દંડનીય અપરાધ છે, કારણ કે કબૂતરનાં પીંછાં અને ચરકને કારણે થતા ફેફસાંના ઇન્ફેક્શનથી વ્યક્તિ મૃત્યુ પણ પામી શકે છે

કબૂતરખાનું
કબૂતરખાનું

કબૂતરોને ચણ નાખતી વખતે કોઈ પણ વ્યક્તિના મનમાં એ ભોળાં પક્ષીઓ માટે પ્રેમ અને જીવદયાનો જ ભાવ હોય છે, પરંતુ અજાણે પોતે કોઈના મૃત્યુનું કારણ પણ બની રહી છે એવો તેને અંદાજ નથી આવતો. હકીકત એ છે કે કબૂતરને ચણ નાખવું એ દંડનીય અપરાધ છે, કારણ કે કબૂતરનાં પીંછાં અને ચરકને કારણે થતા ફેફસાંના ઇન્ફેક્શનથી વ્યક્તિ મૃત્યુ પણ પામી શકે છે. મુંબઈમાં પાછલાં ઘણાં વર્ષોથી આવા કેસ સામે આવે છે. હાલમાં ઘાટકોપરમાં એક સિનિયર સિટિઝનના મૃત્યુએ ફરીથી લોકોને વિચારતા કરી દીધા છે ત્યારે સમજીએ આ બીમારી વિશે.

હાલમાં ઘાટકોપરના સિનિયર સિટિઝન જયંતીભાઈ પૂજના કબૂતરના ચરકને કારણે થતા ફેફસાના રોગથી થયેલા મૃત્યુથી ફરી એક વાર પરિસ્થિતિ અને સંસ્કૃતિ વચ્ચેનું દ્વંદ્વ ફરીથી છેડાયું છે. કબૂતરોને ચણ નાખવું અને જીવદયા પાળવી એ એક ધાર્મિક, સાંસ્કૃતિક અને ઘણે અંશે નૈસર્ગિક પ્રવૃત્તિ છે; પરંતુ મુંબઈમાં વર્ષોથી કબૂતરનાં ચરક કે પીંછાંને કારણે ફેલાતા ફેફસાના ઇન્ફેક્શનને કારણે ઘણાં મૃત્યુ નોંધાતાં રહ્યાં છે. જ્યારે પણ આવો કોઈ કેસ નોંધાય ત્યારે આ ચર્ચા જોર પકડે છે કે કબૂતરોને ચણ નાખવું એ જીવદયા છે કે જીવહિંસા? ઘણા લોકોને આ વાત હમ્બગ લાગતી હોય છે, કારણ કે તેમને લાગે છે કે કબૂતર જેવું ભોળું, મૂંગું પક્ષી આપણને શું નુકસાન પહોંચાડી શકે છે? તો ઘણાને એમ પણ થાય છે કે અમે તો વર્ષોથી કબૂતરને ચણ નાખતા આવ્યા છીએ, અમને તો કંઈ નથી થયું તો પછી અમે શું કામ ચણ નાખવાનું બંધ કરીએ? હકીકત એ છે કે મુંબઈમાં રહેણાક એરિયામાં ચણ નાખવું એ કાનૂની ગુનો છે. જો કોઈ વ્યક્તિ આવું કરતી પકડાય તો મહાનગરપાલિકાને તેમણે ફાઇન ભરવો પડે છે. આ કાયદો લાવવાનું કારણ કબૂતરના ચરકને કારણે થતો જીવલેણ ફેફસાનો રોગ જ છે. એના વિશે આજે થોડું વિસ્તારથી સમજીએ.

કર્ણાટકની વેટરિનરી, ઍનિમલ ઍન્ડ ફિશરીઝ યુનિવર્સિટીના સ્ટડી મુજબ કબૂતરના ચરકને કારણે ૬૦ પ્રકારના રોગો થઈ શકવાની સંભાવના રહેલી છે. જુદા-જુદા પ્રકારના બૅક્ટેરિયા, વાઇરસ, પૅરેસાઇટ અને ફંગી ચરક મારફત વ્યક્તિને ઇન્ફેક્શન લગાડી શકે છે. આમ સમજી શકાય કે આ બાબતે સજાગ રહેવું જરૂરી છે. પ્રકૃતિની દૃષ્ટિએ પણ જોઈએ તો સહજીવન ખોટું નથી જ પરંતુ જ્યારે તમારા થકી કોઈ પ્રજાતિ ખૂબ વધે કે ઘટે ત્યારે ઇમ્બૅલૅન્સ સર્જાય છે જે તકલીફ ઊભી કરે છે.

આ રોગ છે શું?

આ રોગને બર્ડ ફૅન્સિઅર્સ લંગ કહેવાય છે જે હાઇપરસેન્સિટિવિટી ન્યુમોનાઇટિસનો એક પ્રકાર છે. આ રોગ જાત-જાતનાં પક્ષીઓનાં પીંછાં અને ચરકની સૂકી ડસ્ટમાં રહેલા પ્રોટીનથી ટ્રિગર થાય છે. આ પ્રોટીન એક ઍલર્જન સાબિત થાય જેનાથી ફેફસાંમાં ઍલર્જી જેવું રીઍક્શન આવે અને ફેફસાંમાં એક પ્રકારનું ઇન્ફ્લમેશન આવે છે. આ હાઇપરસેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ આગળ વધતાં ફેફસાંને ડૅમેજ કરે છે અને ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિસીઝમાં પરિણમે છે, જે ઘાતક બની શકે છે. આમ તો આ રોગ ટર્કી, મરઘીનાં બચ્ચાં, પોપટ જેવાં પક્ષીઓથી પણ થાય છે પરંતુ મુંબઈમાં કબૂતરો વધારે છે અને એને કારણે જ આ રોગ વધુ ફેલાય છે. વર્ષો પહેલાં પક્ષીઉછેર સાથે સંકળાયેલા લોકોને જ આ પ્રકારના રોગો થતા, પરંતુ હવે સામાન્ય રહેવાસીને પણ આ પ્રકારનો રોગ જોવા મળે છે; જે ચિંતાજનક પરિસ્થિતિ છે. છતાં એમ કહી શકાય કે આ રોગ અતિ સામાન્ય નથી પણ જીવલેણ હોવાને કારણે આ બાબતે જાગૃતિ ખૂબ જરૂરી છે.

કોને થાય?

આ રોગ કોને થઈ શકે એ પ્રશ્નનો જવાબ આપતાં ઝેન મલ્ટિસ્પેશ્યલિટી હૉસ્પિટલ, ચેમ્બુરના ચેસ્ટ ફિઝિશ્યન ડૉ. અરવિંદ કાટે કહે છે, ‘આ એક પ્રકારનું ઍલર્જિક રીઍક્શન જ સમજો. તમારું શરીર કઈ રીતે એની સામે રીઍક્ટ કરે છે એ મુજબ આ રોગ તમને થશે કે નહીં એ નક્કી થઈ શકે. મહત્ત્વની વાત એ છે કે ઍલર્જી કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ઉંમરે આવી શકે, જેનો સીધો મતલબ એ છે કે આ રોગ કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. તકલીફ ત્યાં છે કે જો કોઈ વ્યક્તિને પહેલેથી જ ફેફસાંની કોઈ તકલીફ હોય અને કબૂતરના ચરકમાં રહેલા આ પ્રોટીનથી તેનો સામનો થયો તો એ વ્યક્તિ પર આ રોગની અસર જીવલેણ બની શકવાની શક્યતા આપોઆપ વધી જાય છે. આમ જે વ્યક્તિને ફેફસાંનો કોઈ રોગ હોય, ઍલર્જિક ટેન્ડન્સી હોય, સ્મોકિંગ કરતી હોય તો તેણે વધુ સાવધાન રહેવું જોઈએ.’

ખબર કેમ પડે?

આ પ્રકારની કોઈ તકલીફ થાય તો કઈ રીતે ખબર પડે એ સમજાવતાં ગ્લોબલ હોસ્પિટલ, પરેલની ક્રિટિકલ કૅરના હેડ ડૉ. પ્રશાંત બોરડે કહે છે, ‘આ પ્રકારના ઍલર્જનના સંપર્કમાં આવ્યા પછીના ૪-૫ કલાકમાં લક્ષણો દેખાવાનું શરૂ થઈ જતું હોય છે. શરૂઆતી લક્ષણોમાં ટૂંકો શ્વાસ કે પછી હાંફ ચડે, એકદમ જ થાકી જવાય, ગરમીથી ઠંડીમાં જાઓ કે ઠંડીથી એકદમ ગરમીમાં આવો ત્યારે એકદમ થાક લાગે. આ લક્ષણો આગળ જતાં લંગ્સ ફાઇબ્રોસિસમાં પરિણમે. આ સિવાય મોટા ભાગે અસ્થમાનો અટૅક આવે ત્યારે જે પ્રકારે લક્ષણો દેખાય એવાં જ લક્ષણો આમાં પણ દેખાય. એટલે ઘણી વખત નિદાન કરવામાં તકલીફ થઈ શકે. મહત્ત્વની વાત એ છે કે જો તમને ગમે ત્યારે શ્વાસની તકલીફ વર્તાય તો એને અવગણ્યા વગર સીધા ડૉક્ટર પાસે જવું.’

સ્પષ્ટતા

આ રોગનાં લક્ષણો ઘણી વખત આગળ જતાં ન્યુમોનિયાનાં લક્ષણો જેવાં જ લાગતાં હોય છે એટલે નિદાનમાં વાર લાગી શકે છે. એ વિશે સ્પષ્ટતા કરતાં ડૉ. પ્રશાંત બોરડે કહે છે, ‘ઘણી વખત એક પ્રકારની ટેસ્ટ કામ લાગતી નથી. સી.ટી. સ્કૅન કે ઍલર્જીની ટેસ્ટ દ્વારા પણ જો નિદાન ન થાય તો આગળપડતી ટેસ્ટ કરાવવી પડે છે. આ દરમિયાન રોગ ગંભીર બને તો તકલીફ વધી શકે છે. એનાં લક્ષણો એકદમ ન્યુમોનિયા જેવાં હોય ત્યારે ડૉક્ટર દરદીને ન્યુમોનિયા સમજીને ઍન્ટિબાયોટિક્સનો કોર્સ લખી આપે છે. આ રોગ ઍલર્જી સંબંધિત હોવાથી એના પર ઍન્ટિબાયોટિક્સ કામ લાગતી જ નથી. ત્યાં સુધીમાં મોડું થઈ જાય તો પણ દરદીનું મોટું નુકસાન થઈ શકે છે. દરદી જ્યારે શ્વાસ સંબંધિત કોઈ પણ તકલીફ માટે ડૉક્ટર પાસે જાય ત્યારે તેણે એ ચોક્કસ માહિતી આપવી જોઈએ કે તેના ઘરમાં કે બિલ્ડિંગમાં કે એરિયામાં કબૂતર વધારે છે કે નહીં. તેમની બાલ્કની કે બારીમાં કબૂતરનાં ચરક કે પીંછાં વધુ પડતાં ખડકાયાં હોય તો એ માહિતી ડૉક્ટરને આપવી જ જેથી નિદાન સમયસર થાય અને દવાઓ સમયસર ચાલુ કરીને વ્યક્તિને બચાવી શકાય.’

બાળકો પર પણ રિસ્ક

કબૂતરને ચણ નાખવું એ ભલે દંડનીય અપરાધ હોય પરંતુ એનું પાલન ઘણીબધી જગ્યાએ ધાર્મિક અને સામાજિક કારણસર થતું નથી. ઘણાં ગુજરાતી ઘરોમાં આજે પણ નાનાં બાળકોને લઈને ઘરથી નજીકના કબૂતરખાનામાં લઈ જઈને ચણ નાખવાનો રિવાજ ચાલ્યો આવે છે. એનાથી બાળક જીવદયા શીખે અને પ્રકૃતિની નજીક પણ જાય, પરંતુ બાળકોના સ્વાસ્થ્ય માટે પણ આ પ્રૅક્ટિસ હાનિકારક સાબિત થતી હોય છે. એ વિશે વાત કરતાં ડૉ. અરવિંદ કાટે કહે છે, ‘જે બાળકોને ઍલર્જીની તકલીફ હોય, શરદી ખૂબ રહેતી હોય, બ્રૉન્કાઇટિસ જેવા પ્રૉબ્લેમ હોય તો તેમને ચણ નાખવા લઈ જવાં એટલે મોટી તકલીફ વહોરી લેવા જેવી વાત છે. બાળકોનાં ફેફસાં પર પણ આ ઍલર્જન અસર કરે જ છે એટલે આવું રિસ્ક ન લેવું.’

શું કરવું?

જો તમારા ઘરમાં કબૂતરને ચણ નાખવાની પ્રથા હોય તો એ બંધ કરવી જરૂરી છે, કારણ કે આ દંડનીય અપરાધ છે. બીજું એ કે એને કારણે કબૂતરનું પૉપ્યુલેશન વધે છે અને રોગનો ફેલાવ પણ વધી શકે છે.

હાઇરાઇઝ બિલ્ડિંગમાં બારી પર કે બાલ્કનીમાં કબૂતરની નેટ આવે છે એ ચોક્કસ લગાવો. જો તમારા બિલ્ડીંગમાં કોઈએ એ ન લગાવી હોય તો એમને સુચન કરીને લગાવડાવો. બિલ્ડિંગની ખુલ્લી જગ્યાઓમાં સાફસફાઈ રાખો જેથી ચરક કે પીંછાં એક જગ્યાએ ભેગાં ન થાય.
તમને કે તમારા આપ્તજનોને જો શ્વાસની થોડી પણ તકલીફ થાય તો તાત્કાલિક ડૉક્ટર પાસે જાઓ અને યોગ્ય નિદાન કરાવો. જો સમયસર નિદાન થઈ જશે તો ઇલાજ જલદી મળવાથી આ રોગની મૃત્યુ જેવી ગંભીરતાને ટાળી શકાશે.

જો કોઈ વ્યક્તિને પહેલેથી જ ફેફસાંની કોઈ તકલીફ હોય અને કબૂતરના ચરકમાં રહેલા આ પ્રોટીનથી તેનો સામનો થયો તો એ વ્યક્તિ પર આ રોગની અસર જીવલેણ બની શકવાની શક્યતા આપોઆપ વધી જાય છે.
- ડૉ. અરવિંદ કાટે, ચેસ્ટ ફિઝિશ્યન

દરદી જ્યારે શ્વાસ સંબંધિત કોઈ પણ તકલીફ માટે ડૉક્ટર પાસે જાય ત્યારે તેણે બિલ્ડિંગમાં કે એરિયામાં કે ઘરની બાલ્કની-બારીમાં કબૂતરનાં ચરક કે પીંછાં વધુ પડતાં ખડકાયાં હોય તો એ માહિતી ડૉક્ટરને આપવી જ, જેથી નિદાન સમયસર થાય અને દવાઓ સમયસર ચાલુ કરીને વ્યક્તિને બચાવી શકાય.
- ડૉ. પ્રશાંત બોરડે, ક્રિટિકલ કૅર સ્પેશ્યલિસ્ટ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK