ભારતની કુટુંબ વ્યવસ્થા ખતરામાં

Published: 29th September, 2011 15:40 IST

એક મહત્વનો પ્રશ્ન છે - શું ભારતીય પરિવાર ટકી શકશે? શું સ્વતંત્ર વ્યક્તિત્વને એન્કરેજ કરનાર પરિવારવિરોધી ર્ફોસને આપણે અટકાવી શકીશું? આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય દીકરાઓ અને દીકરીઓ પોતાની કારકિર્દી માટે પરિવારથી દૂર થઈ રહ્યાં છે.

 

ગુરુવારની ગુફ્તગો - નીલા સંઘવી


પરિવારની વિભાવના ઝડપથી બદલાઈ રહી છે. લગ્નસંસ્થા તકલાદી સાબિત થઈ ગઈ હોવાને કારણે ભારતીય પરિવારમાં તીવ્ર વેદના દૃષ્ટિગોચર થાય છે

લેખિકા ગીતાંજલિ પ્રસાદ તેમના પુસ્તક ‘ધ ગ્રેટ ઇન્ડિયન ફૅમિલી’માં લખે છે ‘ભારતીય ન્યુક્લિયર ફૅમિલી માટે આ બહુ સંકટનો સમય છે. પરિવાર અત્યંત તાણગ્રસ્ત પરિસ્થિતિમાં છે. માતા કામ કરે છે, પિતા અત્યંત પ્રોફેશનલ છે, સંતાનો કૉલસેન્ટરમાં કામ કરે છે. સમગ્ર પરિવારને સાથે મળવા માટે સમય જ નથી. એવું લાગે છે કે પરિવારની દરેક વ્યક્તિ પોતપોતાની અલગ દુનિયામાં જીવે છે.’

પરિવાર માટે પડકાર કયો?

ભારતીય પરિવાર માટે સૌથી મોટો પડકાર કયો છે? બદલાતા વર્ક-કલ્ચરને કારણે લોકોનાં સમય અને શક્તિની માગમાં વધારો થયો છે. આજનો જમાનો એવો છે કે સાસુ અને વહુ બન્ને કામ કરે છે, તેથી નવી પેઢીને બેમાંથી એકેયનો સાથ મળવો મુશ્કેલ છે. લોકો દુબઈ, ડબ્લિન, યુએસ કે ઑસ્ટ્રેલિયામાં સેટલ થઈને રહેતા હોવાને કારણે પરિવારના નામનું તેમને મન મહત્વ રહ્યું નથી. તમે તમારું કામ કેવું કરો છો એ પ્રમાણે તમારાં સોશ્યલ સ્ટેટસ અને સ્ટૅન્ડિંગ નક્કી થાય છે. વળી લગ્નો પણ તકલાદી થઈ રહ્યાં છે જેને કારણે ભારતીય કુટુંબોમાં સવાર઼્ગી પરિવર્તન થઈ રહ્યું છે.

અર્થતંત્રમાં સુધારો

આપણા દેશના અર્થતંત્રમાં સુધારો થવાને કારણે લોકોના ઍટિટuુડમાં પરિવર્તન આવ્યું છે, જેના કારણે પરિવારના ઢાંચામાં પણ ફરક પડ્યો છે. એક શહેરી ભારતીય પરંપરાગત પારિવારિક ફરજોને બદલે આવક અને કારકિર્દીને પ્રાથમિકતા આપે છે. પરિણામે શહેરી વિભક્ત કુટુંબો પણ તૂટી રહ્યાં છે. આવા સમયે વધતી જતી વૃદ્ધોની સંખ્યાને ભારત દેશ કઈ રીતે સાચવશે એ પણ ચિંતાનો પ્રશ્ન છે.

વૃદ્ધોનું શું?

પરિવારમાં કોઈને કોઈ માટે સમય નથી ત્યારે વૃદ્ધોનું શું થશે, આ પ્રશ્ન ઉપસ્થિત થવાને કારણે જ ભારત સરકારે કાયદો કરવો પડ્યો છે કે વયોવૃદ્ધ માબાપને સાચવવામાં જે સંતાનો નિષ્ફળ જશે તેમને દંડ કે જેલ પણ થઈ શકે છે. પોતાનાં વૃદ્ધ માબાપને આર્થિક મદદ નહીં કરનારને એક મહિનાની અને વૃદ્ધ માબાપને હેરાન કરનારને ત્રણ વર્ષની સજા પણ થઈ શકે છે. આવા કાયદાને કારણે વૃદ્ધોને આધાર મળે છે. જો પુત્ર પિતાને ધિક્કારતો હોય તો કાયદો કંઈ ન કરી શકે. કાયદો વ્યક્તિગત સંબંધમાં કંઈ ન કરી શકે, પણ તેમને હેરાન થતાં જરૂર બચાવી શકે. વાસ્તવમાં શહેરીકરણ અને ભૌતિકવાદે પરિવારની વ્યાખ્યા જ બદલી નાખી છે. પારિવારિક મૂલ્યો બદલાઈ ગયાં છે. ભારતીય કુટુંબ વ્યવસ્થા ખતરામાં છે. અને આ ફક્ત શહેરોની વાત નથી, ગામડામાં પણ આ જ પરિસ્થિતિ છે. શહેરના લોકો કારકર્દિી અર્થે પરદશ જાય છે તો ગામડાના લોકો વધુ કમાણી કરવા શહેરો તરફ મીટ માંડે છે ત્યારે ગરીબ માબાપ એકલાં ગામડામાં સંઘર્ષ કરતાં રહે છે. શહેરોમાં તો વિભક્ત કુટુંબો પણ તૂટી રહ્યાં છે; કારણ કે પરિવારના દરેક સભ્યને પોતાની રીતે કામ કરવું છે, પોતાની રીતે જીવવું છે. શહેરોમાં તો સ્થિતિ એટલી હદે વણસી ચૂકી છે કે દંપતીને બાળક પણ નથી જોઈતું. તેઓ ડબલ ઇન્કમ અને નો કિડ્સમાં રસ ધરાવે છે. આવા સમયે વૃદ્ધ માતા-પિતાની સંભાળ કોણ રાખવાનું છે? એ જ કારણ છે કે વૃદ્ધાશ્રમોમાં દાખલ થવા માટે વેઇટિંગ લિસ્ટ હોય છે.

ઉપાય શોધવો પડશે

એ વાત તો સાચી છે કે સ્ત્રી બહાર કામ કરે તેની અસર ઘર અને પરિવાર પર પડે, પણ આજની મોંઘવારી અને જીવનજરૂરિયાતો તેમ જ સુખ-સગવડને પહોંચી વળવા સ્ત્રીઓએ કામ કરવું અનિવાર્ય થઈ પડ્યું
છે ત્યારે પરિવારને જાળવી રાખવા કોઈક ઉપાય તો કરવો જ રહ્યો. હકીકત એ છે કે ભારતીય કુટુંબ પરંપરા તો જ જળવાઈ રહેશે જો તેની યોગ્ય માવજત કરવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK