Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > વિદેશી ધાનમાંથી દેશી વાનગી

વિદેશી ધાનમાંથી દેશી વાનગી

03 November, 2020 04:23 PM IST | Mumbai
Bhakti Desai

વિદેશી ધાનમાંથી દેશી વાનગી

કીન્વાહ બિરીયાની

કીન્વાહ બિરીયાની


પોષણની દૃષ્ટિએ સુપરફૂડ ગણાતા કીન્વાહનો ભોજનમાં સમાવેશ કરવો હોય તો હંમેશાં એક્ઝૉટિક ડિશ જ બનાવવી જરૂરી નથી. એને આપણા રોજબરોજનાં વ્યંજનોના સ્વરૂપમાં પણ લઈ શકાય છે. આ ગ્લુટન-ફ્રી ધાનમાંથી મૅક્સિમમ પ્રોટીન મેળવી શકાય એવી કઈ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકાય એ આજે જોઈએ...

તમે હેલ્થ-કૉન્શ્યસ હશો તો કીન્વાહનો ઉપયોગ જરૂર કર્યો જ હશે. આ ધાન્ય આજકાલનું નહીં, છેલ્લા લગભગ એક દાયકાથી સુપરફૂડ તરીકે માર્કેટમાં રાજ કરે છે. જોકે હજી સુધી ગુજરાતીઓના ઘરમાં એનો રોજિંદા વપરાશમાં ઉપયોગ ઓછો થાય છે. એનું કારણ છે કદાચ એમાંથી બનાવવાની રેસિપી થોડી જુદી હોય છે. આપણા રોજિંદા જીવનમાં ખવાતી આઇટમો પણ કીન્વાહમાંથી બની શકે છે અને એ આપણા રેગ્યુલર ધાનને રિપ્લેસ પણ કરી શકે છે. કીન્વાહમાંથી મેઇન કોર્સની વાનગીઓથી લઈને નાસ્તા તેમ જ મીઠાઈ પણ બની શકે છે. ચાલો આજે ભાઈંદરના હોમ શેફ અલ્પા સાવલિયા પાસેથી કીન્વાહની રેસિપીઝ જાણીએ.



કીન્વાહ બે રંગમાં મળે છે; એક સફેદ અને બીજો લાલ. આમ તો સફેદ કીન્વાહ વધારે ઉપયોગ થતો હોય છે, કારણ લાલ કીન્વાહ બધે સરળતાથી ઉપલબ્ધ નથી હોતા. કીન્વાહ આરોગ્ય માટે ખૂબ લાભદાયી છે. આ પ્રોટીન અને ફાઇબર મેળવવાનું ઉત્તમ માધ્યમ છે. આજ-કાલ લોકોને ગ્લુટનની ઍલર્જી થતી હોય છે અને એથી જ ઘઉંના લોટની જગ્યાએ લોકો કોઈક વિકલ્પ શોધતા હોય છે તો કીન્વાહ ગ્લુટન-ફ્રી અનાજ છે અને આમાંથી જેમને રોટલી, પૂરી, ભાખરી વગેરે ખૂબ જ સરસ બને છે અને ઘઉંના લોટની રોટલી જેવો સંતોષ પણ મળી રહે છે.
- અલ્પા સાવલિયા, હોમ શેફ


કીન્વાહ ઢોસા
૧ કપ કીન્વાહનો પાઉડર
૧ કપ શિંગોડાનો લોટ
સ્વાદાનુસાર મીઠું
૧ ચમચી તેલ
બનાવવાની રીત
બન્ને પાઉડર, મીઠું અને ખીરું બને એ પ્રમાણે પાણી નાખવું. પછી તેલ ઉમેરવું જેથી ઢોસા નરમ થાય અને ત્યાર બાદ નૉન-સ્ટિક તવી પર ઢોસા બનાવી લેવા. ગરમાગરમ ઢોસા તૈયાર છે.

બિરયાની
સામગ્રી
૩ કપ કીન્વાહ પાણીમાં પલાળવા
૨ કપ શાક (છોલેલા વટાણા, ફ્લાવર, ગાજર, બટાટા સુધારેલા)
૩ નંગ કાંદા લાંબા સુધારેલા
૧ ટમેટું (ન હોય તો પણ ચાલે)
૧ કપ પનીર
૨ ચમચી આદું, મરચાં અને લસણની પેસ્ટ (તીખાશ જોઈએ એ પ્રમાણે)
સ્વાદાનુસાર મીઠું
૨ ચમચી ગરમ મસાલો અથવા બિરયાની મસાલો
૩ ચમચી તેલ
૧ નાની ચમચી જીરું
૨ તજના ટુકડા, ૨ લવિંગ, ૧ એલચી, ૨ બાદિયાનાં ફૂલ અને ૪ મરી (આખો મસાલો જ લેવો)
બનાવવાની રીત
તેલમાં લવિંગ, એલચી, મરી, બાદિયાનનાં ફૂલ અને જીરું નાખીને લાલ થઈ જાય એ પછી આદું, મરચાં અને લસણની પેસ્ટને સાંતળવી, પછી તરત જ કાંદા વઘારવા, પછી ટમેટાં ત્યાર બાદ બધાં શાક નાખવાં અને એને તેલમાં સાંતળવા. આમાં મીઠું, ગરમ મસાલો અથવા બિરયાની મસાલો નાખી તેલ થોડું છૂટું પડે પછી કુકરમાં એક જ સીટી વગાડવી જેથી બધું શાક વ્યવસ્થિત ચડી જાય. બીજી બાજુ પલાળેલા કીન્વાહને એક તપેલામાં ૩ કપ આંધણનું પાણી મૂકી એમાં ૧ ચમચી તેલ અને થોડું લીંબુ નાખવું. લીંબુથી વસ્તુનો રંગ ખીલીને આવે, ધ્યાન રહે કે લીંબુ થોડું જ નાખવું જેથી એની ખટાશ ન આવે. પાણીને ઊકળો આવે એટલે કીન્વાહ નાખવા. કીન્વાહ વધારે ન ચડે એનું ધ્યાન રાખવું. કીન્વાહ બની જાય પછી એક લોયામાં કીન્વાહ પાથરી એની પર કુકરમાં બનાવેલા શાકનું એક સ્તર પાથરવું પછી પાછું એક સ્તર કીન્વાહ અને એના પર શાક પાથરીને પછી પનીરના ટુકડા એના પર મૂકી દેવા અને છેલ્લે પાછું કીન્વાહને પાથરી લોયા પર એક છીબુ ઢાંકી દેવું. શાકની ફ્લેવર કીન્વાહમાં ઊતરે એ માટે એક લોઢી ગરમ મૂકવી. ગરમ થયેલી લોઢી પર લોયું મૂકવું અને એકદમ મંદ આંચ પર પાંચ મિનિટ રાખી ગૅસ બંધ કરવો અને થોડી વાર પછી લોયું ખોલી ઝીણી કાપેલી કોથમીર ગાર્નિશ કરી એનો સ્વાદ માણવો.



ઇન્સ્ટન્ટ હેલ્ધી ઇડલી
સામગ્રી
૧ કપ કીન્વાહ
૧/૨ કપ ઓટ્સ
પલાળવા માટે છાસ અથવા પાણી
સ્વાદાનુસાર મીઠું
૧નાની ચમચી આદું-મરચાંની પેસ્ટ
૧ ચમચી બેકિંગ સોડા
થોડું તેલ
બનાવવાની રીત
કીન્વાહ અને ઓટ્સનો પાઉડર કરવો. એમાં મીઠું અને આદું-મરચાં ભેળવી લેવાં. ત્યાર બાદ થોડી છાસ અથવા પાણી ઉમેરવું અને એને ઇડલીના ખીરા જેટલું જાડું જ રાખવું. પછી ૧ ચમચી બેકિંગ સોડા અને એના પર થોડું પાણી નાખી એ ઍક્ટિવેટ થાય એટલે સરખું હલાવી લેવું અને ઇડલીના પાત્રમાં થોડું તેલ લગાડી ઇડલી મૂકવી અને ૨૦ મિનિટ સુધી એને વરાળમાં ચડવા દેવી. ગરમાગરમ અને નરમ ઇડલી તૈયાર થઈ જાય એટલે નારિયેળની ચટણી અથવા પૂડી મિક્સ સાથે ખાઈ શકાય. આમાંથી જે ઇડલી બચે એની ઇડલી ફ્રાય પણ સરસ બની શકે છે.
ચાઇનીઝ ઇડલી ફ્રાય
સામગ્રી
૧ કપ કોઈ પણ મિક્સ લાંબું સુધારેલું શાક (આમાં ભાવતાં શાક લઈ શકાય)
ફણસી, ગાજર, શિમલા મરચું, કોબી, લીલાં મરચાં, આદું, લસણ, લીલા કાંદા વગેરે
૧ ચમચી કૉર્નફલોર
૧/૨ ટેબલ-સ્પૂન સોયા સૉસ
૧/૨ ટેબલ-સ્પૂન ચિલી સૉસ
એકદમ થોડું વિનેગર
૧/૨ ટેબલ-સ્પૂન ટોમૅટો સૉસ (થોડો મીઠો સ્વાદ જોઈએ તો જ)
બનાવવાની રીત
સૌપ્રથમ ૧/૨ કપ પાણી લઈ ૧ ચમચી કૉર્નફ્લોર નાખી સરખું મિક્સ કરવું અને બાજુએ મૂકી દેવું. ત્યાર બાદ એક લોયામાં ૧ ચમચી તેલ મૂકી એકદમ મોટી આંચ પર ગરમ મૂકવું, તેલમાંથી વરાળ આવે એટલે આ શાકભાજી એમાં નાખીને હલાવીને બે જ મિનિટમાં નીચે ઉતારી લેવા. પછી ઉપર બનાવેલું કૉર્નફ્લોરનું મિશ્રણ નાખી એને સરખું હલાવી લેવું અને જાડું થવા દેવું. પછી બધા સૉસ નાખી ઇડલીના ચાર ટુકડા કરી એને આ મિશ્રણમાં રગદોળી લેવા અને ગૅસ પરથી નીચે ઉતારી લેવું. પછી થોડું બટર નાખવું અને ઉપર લાંબું આદું, લીલા કાંદા એ બધું નાખીને ગાર્નિશ કરવું. ઇડલી ફ્રાય સર્વ કરવું.

રોટલી અથવા પૂરી
સામગ્રી
૧ કપ કીન્વાહ
મીઠું
થોડું તેલ (જરૂરી નથી)
લોટ બાંધવા પાણી
બનાવવાની રીત
કીન્વાહને પીસીને એમાં મીઠું ઉમેરી પાણીથી લોટ બાંધી લેવો અને ગોળાકાર રોટલી વણી લેવી. જો કદાચ એમ લાગે કે તેલથી એને કૂણવવાની જરૂર છે તો જ તેલ વાપરવું. તવા પર રોટલીને ચડાવવી. કીન્વાહના ફૂલકા કોઈ પણ શાક સાથે સરસ લાગે છે. જો કોઈને પૂરી ભાવે તો લોટ કડક બાંધી તેલમાં પૂરી તળવી. પૂરીનો સ્વાદ પણ માણવા જેવો હોય છે.

બરફી
૧ કપ કીન્વાહને પીસીને બનાવેલો પાઉડર (જાડો રાખવો)
૧/૨ કપ ઘી
પા ચમચી એલચી પાઉડર
૩ બદામ ગાર્નિશ કરવા
૩ બદામ અને ૩ કાજુ ઘીમાં સાંતળી લેવાં
૧૦૦ ગ્રામ ગોળ
ઘી ગરમ મૂકી લોટ શેકી લેવો અને લોટ શેકાઈ જાય પછી પાણી ઉમેરી તરત જ ગોળ નાખવો અને ઘી છૂટે પછી એમાં એલચી પાઉડર અને ઘીમાં સાંતળેલાં કાજુ-બદામ નાખી એને થાળીમાં પાથરી ચોસલા કરી લેવા અને ઉપર બીજી ત્રણ બદામની કતરી કરી એને ગાર્નિશ કરવું

Whatsapp-channel Whatsapp-channel

03 November, 2020 04:23 PM IST | Mumbai | Bhakti Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK