Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પાચનશક્તિ વધારીએ યોગથી

પાચનશક્તિ વધારીએ યોગથી

07 January, 2021 02:23 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

પાચનશક્તિ વધારીએ યોગથી

પાચનશક્તિ વધારીએ યોગથી


શિયાળો એટલે ખાવાની સીઝન. આ ઋતુમાં પચવામાં ભારે હોય એવા જાતજાતના પાક તમારી પાચનશક્તિને સુધાર્યા વિના ખાશો તો પાચન સાથે સંકળાયેલી અઢળક સમસ્યાઓ થઈ શકે છે. યોગમાં ક્રિયા, પ્રાણાયામ, આસન અને ધ્યાનની કેટલીક એવી વિશેષ પ્રૅક્ટિસ છે જે તમારા ડાઇજેશન માટે આશીર્વાદરૂપ બની શકે છે

જેનું પેટ સારું તેનું જીવન સારું. પૂરતી ભૂખ લાગે, બરાબર પાચન થાય, નકામા કચરાનું સમયસર ઉત્સર્જન થાય અને શરીરનું ઊર્જાનું સ્તર વ્યવસ્થિત જળવાયેલું રહેતું હોય તો તંદુરસ્તીમાં આનાથી વધુ શું જોઈએ? આપણી તંદુરસ્તીનું ખૂબ જ ઊંડું કનેક્શન આપણા પેટ સાથે છે, કારણ કે શરીરના મોટા ભાગના મહત્ત્વના અવયવો આ પેટની આજુબાજુમાં વસેલા છે. પેટ બગડે પછી ધીમે-ધીમે શરીરની ઘણી સિસ્ટમમાં બગાડની શરૂઆત થઈ શકે છે. એટલે જ સંતુલિત પાચનશક્તિ અતિ મહત્ત્વની છે. આયુર્વેદની દૃષ્ટિએ શિયાળામાં જઠરાગ્નિ પ્રદીપ્ત થતો હોય છે એટલે પચવામાં ભારે ખોરાક પણ ખાઈ શકાય અને એનું સત્ત્વબળ આખા વર્ષ દરમ્યાન રહેતું હોય છે. જોકે એ સમયે વ્યક્તિગત રીતે તમારી પાચનશક્તિ નબળી હોય અને પચવામાં ભારે ખોરાક ખાઓ તો કબજિયાત, ગૅસ, ઍસિડિટી જેવી સમસ્યા થઈ શકે છે. આ દરેક સમસ્યાનો યોગ પાસે શું ઇલાજ છે એ વિશે લોનાવલાના કૈવલ્યધામ



યોગ સંસ્થાન સાથે સંકળાયેલા જનરલ સર્જ્યન ડૉ. સતીશ પાઠક સાથે આ દિશામાં વાત કરીએ.


નિયમિત કરો તો

યોગમાં પાચનશક્તિને વધારે અને પેટની કોઈ પણ જાતની સમસ્યાને દૂર કરે એવી તમામ બાબતોનો સમન્વય છે. ડૉ. સતીશ પાઠક કહે છે, ‘સૌથી પહેલાં કામ તમારા મન પર થાય એ જરૂરી છે. આજે ઍસિડિટી, ઇરિટેબલ બોવેલ સિન્ડ્રૉમ, કબજિયાત વગેરેમાં પણ સ્ટ્રેસની બહુ મોટી ભૂમિકા છે. હું તો ત્યાં સુધી કહીશ કે ૫૦ ટકા સ્ટ્રેસ અને પ૦ ટકા અન્ય કારણો પેટની સમસ્યાઓ માટે જવાબદાર છે. જ્યારે તમે પ્રાણાયામ કરો, મેડિટેશન કરો, સ્થિરતા લાવનારાં આસનો કરો ત્યારે તમે આપમેળે જ રિલૅક્સ થવા માંડશો. માનસિક રીતે શાંત અને સ્વસ્થ થશો એટલે ૫૦ ટકા પ્રૉબ્લેમને તો તમે સૉલ્વ કરી જ દીધો. હવે બાકીની સમસ્યા પર કન્ટ્રોલ લાવવાનું આસાન થઈ જશે.’


બધું જ ઇન્ટરકનેક્ટેડ

આપણું શરીર એકબીજાના સુમેળથી ચાલે છે અને દરેક સિસ્ટમની બીજી સિસ્ટમ પર અસર પડે છે. ધારો કે તમને અપચો થયો છે તો પછી આગળ જતાં ગૅસ, કબજિયાત વગેરે થઈ જ શકે. ઍસિડિટી થઈ છે તો આગળ જતાં પેપ્ટિક અલ્સર વગેરે થઈ જ શકે. ડૉ. સતીશ કહે છે, ‘આ જ કારણ છે કે એકનો ઇલાજ કરશો તો બીજાને ફાયદો થશે. જેમ કે ઍસિડિટી હોય તેમને વમન કરવાનું કહેવામાં આવે છે. સવારે ખાલી પેટે ચારથી પાંચ ગ્લાસ મીઠું નાખેલું હૂંફાળું પાણી પી લો અને પછી સહેજ ઝૂકીને તર્જની અને મધ્યમા (નખ કાપેલા હોય એ જરૂરી) એ બે આંગળીઓ વડે ગળાના ભાગમાં મસાજ કરો એટલે વૉમિટ થશે અને તમે નાખેલા પાણી સાથે પેટમાં રહેલો વધારાનો ઍસિડ પણ બહાર આવશે. પાણી પીવાને કારણે પેટનો ઍસિડ ડાઇલ્યુટ થઈ ગયો એટલે એની નુકસાન કરવાની ક્ષમતા ઘટી ગઈ. બીજી બાજુ તમે જેટલું પાણી પીધું છે એટલું બધું જ પાણી બહાર આવવાનું નથી; થોડુંક પાણી અંદર આંતરડા સુધી પહોંચશે, થોડુંક ઍબ્ઝૉર્બ થશે અને જમા થયેલા મળમાં ભળશે જે કબજિયાત નિવારવામાં ઉપયોગી થશે. આનાથી તમારી પાચનશક્તિ પણ મજબૂત બનશે. ધીમે-ધીમે આંતરડાની પાચકરસને ઍબ્ઝૉર્બ કરવાની ક્ષમતા પણ વધશે. એક જ વમનની ક્રિયા પાચન અને પેટને લગતી ઘણી સમસ્યાઓ પર કામ કરશે. એવી જ રીતે ગૅસ હોય ત્યારે તમે જો પવનમુક્તાસન કરો તો નૅચરલી એના નામ પ્રમાણે તમારા ઍબ્ડોમિનલ રીજન પર પ્રેશર ક્રીએટ થવાથી ગૅસને દૂર કરે. જ્યારે ખોરાકનું બરાબર પાચન ન થાય ત્યારે અંદર જે ગૅસ હોય છે એ ઉપરની તરફ ગતિ કરે છે અને બહાર નીકળવાના પ્રયત્ન કરે છે પરંતુ પેટની ઉપર હાર્ટ છે, ચેસ્ટ કૅવિટી છે જેને લીધે આ વાયુથી ચૂંક ઊપડવી અને પેટમાં દુખાવો થવો જેવું મહેસૂસ થાય છે. ઘણી વાર આ વાયુને કારણે છાતીમાં હેવીનેસ લાગવી અથવા દુખાવો થવો વગેરે થતું હોય છે. હવે જ્યારે તમે પવનમુક્તાસન કરો ત્યારે માત્ર પેટ પેટના ગૅસને જ મુક્ત ન કરે પરંતુ સાથે તમારા પેટના સ્નાયુઓને પણ એક સરસ મસાજ આપે. આંતરડાંઓને મસાજ મળે જેથી એની ચયાપચયની ક્રિયા વધુ સક્રિયપણે થાય.’

આખી લાઇફસ્ટાઇલ મહત્ત્વની

યોગની સાથે જો ઉચિત જીવનશૈલી નહીં હોય તો એની ધારી અસર પણ નહીં થાય. ડૉ. સતીશ કહે છે, ‘તમને વમન, અગ્નિસાર, કપાલભાતિ, પેટ પર વજન આવે એવાં આસનો, જમ્યા પછી થોડુંક ચાલવું જેવી બાબતોથી ધાર્યો ફાયદો ત્યારે જ થશે જ્યારે તમે સાથે-સાથે તંદુરસ્ત જીવનશૈલીને પણ પાળતા હશો. ઍસિડિટી હોય છતાં સિગારેટ, તમાકુ કે દારૂનું સેવન કરતા હશો કે તીખા તમતમતા તેલવાળા જન્ક ફૂડનું સેવન કરતા હશો તો યોગિક ક્રિયાની લાંબા સમય સુધી અસર નહીં રહે. માનસિક તાણને કાબૂમાં રાખવી અને તંદુરસ્ત જીવનશૈલી પાચનશક્તિ માટે મહત્ત્વની બાબત છે.’

આટલું નિયમિત કરી શકાય

હાર્ટ પેશન્ટ, હાઈ બ્લડ-પ્રેશર અને સિવિયર બૅકપેઇન હોય અથવા પેટની સર્જરી કરાવી હોય એવા લોકોને છોડીને બાકીના તમામ ઍસિડિટી માટે વમન ક્રિયા કરી શકે છે. અઠવાડિયે એક વાર વમન ક્રિયા કરવાથી પેટમાં વધારાના ઍસિડને દૂર કરી શકાશે. સાથે જ નિયમિત સમયે ભોજન લેવું અને સંતુલિત ભોજન લેવું જરૂરી છે.

મેન્ટલ સ્ટ્રેસને કારણે થતી ઍસિડિટી અને કબજિયાતની સમસ્યાને કાબૂમાં રાખવા ક્રિયાયોગ કરી શકાય જેમાં દસ વખત ગાયત્રી મંત્ર, દસ વખત

અનુલોમ-વિલોમ અને દસ વખત ઓમકાર ચૅન્ટિંગ રોજ કરવાનું.

કપાલભાતિ પ્રાણાયામ અથવા તો ક્રિયા પેટની તંદુરસ્તી જાળવવા, આંતરડાને સક્રિય કરવા અને પાચન વધારવામાં ખૂબ ઉપયોગી ક્રિયા છે. કૉન્ટ્રાઇન્ડિકેશનનું ધ્યાન રાખીને રોજ નિયમિત કપાલભાતિ કરવાથી બેશક ફાયદો થશે. એ ઉપરાંત પેટ પર દબાણ આવે એવાં ભુજંગાસન, શબભાસન, ધનુરાસન, હલાસન, પવનમુક્તાસન જેવાં આસનોથી પણ ખૂબ લાભ થશે.

જૂની કબજિયાત છે?

વર્ષોથી કબજિયાત રહેતી હોય એ લોકો માટે એક અનુભવસિદ્ધ નુસખો શૅર કરતાં ડૉ. સતીશ પાઠક કહે છે, ‘હું અમેરિકામાં હતો ત્યારે ત્યાંના વિદ્યાર્થીઓએ તેમની કબજિયાતની સમસ્યાનું વર્ણન કર્યું. તેમને એક ખૂબ જ સામાન્ય ઇલાજ દેખાડ્યો, જેનું પરિણામ પંદર દિવસમાં દેખાવાનું શરૂ થયું હતું. રોજ સવારે ઊઠીને બે ગ્લાસ હૂંફાળું પાણી પી લેવાનું અને પછી શંખપ્રક્ષાલનમાં કરીએ એ પાંચ આસનો (તાડાસન, તર્યંક તાડાસન, કટિચક્રાસન, તિર્યંક ભુજંગાસન અને ઉદર આકર્ષણાસન) ત્રણ-ત્રણ વાર કરવાનાં. લગભગ પંદર દિવસમાં આપમેળે મળ છૂટો પડવા માંડશે અને કબજિયાત ઓછી થતી થશે. જૂનામાં જૂની કબિજયાત પણ આ એક સામાન્ય પ્રયોગથી ધીમે-ધીમે નિવારી શકાય છે.’

અગ્નિસાર: પાચનશક્તિને વધારવામાં અને પેટને લગતી સમસ્યા નિવારવા માટે યોગમાં આ અતિમહત્ત્વની ક્રિયા માનવામાં આવે છે.

સૂર્યમુદ્રા: પાચન વધારવાથી લઈને શરીરને એનર્જેટિક કરવા જેવા અનેક લાભ છે આ મુદ્રાના.

સૂર્યભેદી પ્રાણાયામ: પાચનશક્તિ ઉઘાડવાથી લઈને ઠંડીમાં શરીરમાં ગરમી વધારવા જેવા અઢળક લાભો જોઈતા હોય તો જમણી નાસિકાથી શ્વાસ અંદર ભરીને ડાબી બાજુથી બહાર કાઢવાનો સૂર્યભેદી પ્રાણાયામ પણ કરી શકાય.

Whatsapp-channel Whatsapp-channel

07 January, 2021 02:23 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK