Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આ બદલાયેલી મોસમમાં તમને શિયાળુ પાક છોડીને ભજિયાં ખાવાનું મન થઈ ગયું છે?

આ બદલાયેલી મોસમમાં તમને શિયાળુ પાક છોડીને ભજિયાં ખાવાનું મન થઈ ગયું છે?

16 December, 2020 04:38 PM IST | Mumbai
Bhakti D Desai

આ બદલાયેલી મોસમમાં તમને શિયાળુ પાક છોડીને ભજિયાં ખાવાનું મન થઈ ગયું છે?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


છેલ્લા થોડા દિવસથી શિયાળો છે કે ચોમાસુ એ જ ખબર નથી પડતી. જ્યારે પણ વાતાવરણમાં આવું કન્ફ્યુઝન થાય ત્યારે શરીરને સ્વસ્થ રાખવાનું કામ અઘરું થઈ જાય છે.  ઠંડીની સાથે પડેલા વરસાદની સ્વાસ્થ્ય પર શું અસર પડશે અને કોરોનાના સમયમાં  શરદી-ઉધરસ-તાવ જેવા રોગથી બચવા શું કરવું જોઈએ એ જાણી લેવું જરૂરી છે

જ્યારે પણ ઋતુ કે હવામાન બદલાય ત્યારે લોકોના સ્વાસ્થ્ય પર હવામાનમાં થયેલા પરિવર્તનની આડઅસર જોવા મળે છે. છેલ્લા એકાદ મહિનામાં આપણે ચોમાસાના વાતાવરણમાંથી બહાર આવીને શિયાળાનું વાતાવરણ માણવા લાગ્યા હતા ત્યાં જ ચારેક દિવસથી આકાશમાં વાદળો ઘેરાવા લાગ્યાં, વરસાદ પડવા લાગ્યો અને જાણે વર્ષાઋતુએ શિયાળાની ઋતુનો કારભાર સંભાળી લીધો હોય એવું લાગ્યું.  ઠંડીમાં કમોસમી વરસાદની બેવડી ઋતુ થઈ ગઈ  છે.  આવા હવામાનના પરિવર્તનની આપણા સ્વાસ્થ્ય પર કેવી અસર પડી શકે અને એનાથી બચવા આપણે આ કોરોનાકાળમાં શું સાવચેતી વર્તવી જોઈએ એ વિશે વાત કરીએ આયુર્વેદના



નિષ્ણાત સાથે.


૧૮ વર્ષથી પ્રૅક્ટિસ કરતા બોરીવલીના આયુર્વેદ નિષ્ણાત ડૉ. સંજય તામોલી ઋતુઓમાં આવતા પરિવર્તન પર સમજ આપતાં કહે છે, ‘સૌપ્રથમ એક વાતનો ડર મનથી કાઢી નાખવો જોઈએ કે અચાનક હવામાન બદલાયું તો શરીર પર કેવી અસર પડશે? આ અસર ત્યારે જ પડે જ્યારે આપણે શરીરનું ન સાંભળતાં મન થાય એ ખાઈ લઈએ. બીજી વાત એ છે કે છેલ્લા ચાર દિવસથી શિયાળામાં વરસાદ પડી રહ્યો છે, પણ આને ઋતુનો બદલાવ ન કહી શકાય. હા, આ કમોસમી વરસાદ છે. આયુર્વેદનાં દૃષ્ટિકોણથી જોઈએ તો જ્યારે એક ઋતુમાંથી બીજી ઋતુમાં પરિવર્તન થાય છે જેમ કે ઠંડીમાંથી ગરમી, ગરમીમાંથી વરસાદ અને વરસાદ પછી ઠંડી ત્યારે ઋતુ પરિવર્તન થાય છે. પરિવર્તનની શરૂઆતના પંદર દિવસના સમયને ઋતુસંધિ કહે છે, જેમાં પૂર્ણ થતી ઋતુની અને શરૂ થનાર ઋતુની અસર હોય છે. ત્યારે જો લોકો ખાવા-પીવામાં ધ્યાન ન રાખે તો માંદા પડે છે, પણ ચાર દિવસમાં આવેલો બદલાવ એવો નથી કે આપણે શિયાળામાંથી વરસાદ તરફ જઈ રહ્યા છીએ. આ હવામાનમાં અચાનકથી આવેલું એક પરિવર્તન છે. આના માટે આયુર્વેદ મુજબ અચાનક હવાની દિશા બદલાય, તાપમાન એકાએક ઓછું-વધતું થાય, વરસાદ આવે, હવા જોરથી વહેવા લાગે ત્યારે આવા હવામાનમાં આવતા પરિવર્તનની અસર શરીર પર ન પડે અને શરીર કેવી રીતે પ્રતિક્રિયા આપે છે એ સમજાવ્યું છે .’

વાતાવરણની શરીર પર પર અસર


જે રીતે મનનું વલણ હોય છે એમ હવામાન અને વાતાવરણમાં આવનારા બદલાવ સામે શરીરનું પણ એક ચોક્કસ વલણ હોય છે. શરીરની પ્રતિક્રિયા બદલાયેલા વાતાવરણ સામે કેવી હોય છે એ સમજાવતાં ડૉ. સંજય કહે છે, ‘જ્યારે પણ હવામાનમાં અચાનક બદલાવ આવે છે ત્યારે શરીર પોતાનું રક્ષણ કરવા માટે રક્ષણાત્મક પ્રતિક્રિયા આપે છે. આમાં હવાની કે ઠંડકની મજા લેવાનું મન થાય તો પણ શરીર બહાર ન જવાનો સંકેત આપે છે. તેથી આપણે આવી હવામાં બહાર જવાનું ટાળવું જોઈએ. આઇસક્રીમ, ઠંડાં પીણાં ન લેવાં જોઈએ, ફરવા ન નીકળવું જોઈએ. પણ સામાન્ય રીતે લોકો આનાથી વિરુદ્ધ કરે છે. ખાવા-પીવાનું ચાર દિવસની ઋતુ પ્રમાણે ન બદલવું જોઈએ. ‘વરસાદ આવ્યો છે તો ભજિયાં બનાવીને ખાઈએ’ આવું માનનારાએ સમજવું જોઈએ કે આ કમોસમી વરસાદ ભજિયા પચાવવા માટે યોગ્ય નથી. ‘હવા સરસ છે, ચાલો બહાર જરા આંટો મારીને આવીએ’ આવો અભિગમ પણ લોકો રાખે છે અને પછી આવી હવામાં સ્વાસ્થ્ય બગડે છે. આમ પણ જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તેમને આવા હવામાનથી તરત જ શરદી, ઉધરસ, નાકમાંથી સતત પાણી વહેવું, છીંકો આવવી, તાવ આવવો, શરીર

 

 

 

દુખવું, શ્વસનતંત્ર સાથે જોડાયેલી તકલીફ, કફ થવો, પેટ અને પાચન તંત્રમાં ગરબડ અનુભવવી આવાં લક્ષણો અનુભવાય છે.’

કોરોનાની કાળજી

હાલમાં જે માહોલ છે અેમાં જો ગફલત કરીઅે તો નાહકની ચિંતા પેદા કરાવતાં લક્ષણો થઈ શકે છે. કોવિડ-19નાં લક્ષણો અને હવામાનના બદલાવને કારણે દેખાતાં લક્ષણો વચ્ચે તફાવત કેવી રીતે ઓળખવો એ વિશે ડૉ. સંજય કહે છે, ‘મેં પહેલાં કહ્યું તેમ આવા વાતાવરણમાં બહાર ન નીકળવું અને જે લોકો બહાર નથી જતા અને બીજાના સંપર્કમાં નથી આવતા તેમણે ડરવાની જરૂર નથી. આમ પણ જો તમે આઇસક્રીમ ખાધો હોય, ઠંડાં પીણાં પીધાં હોય, વરસાદમાં કે પાણીમાં પલળ્યા હોય કે આવાં કોઈ પણ દેખીતાં કારણોથી શરદી-ઉધરસ થાય તો ડૉક્ટરની દવા અને કાળજી લેવી જરૂરી છે અને પોતાને ક્વૉરન્ટીન કરવું પણ એટલું જ મહત્ત્વનું છે, જેથી બીજાને ચેપ ન લાગે. પણ એક છીંક આવી અથવા એક ઉધરસ આવી એટલે તરત જ કોવિડ ટેસ્ટ કરાવવા જતાં રહેવું એ માત્ર કોવિડનો ભય છે. જો આ બધાં લક્ષણોમાં દવા લઈને પણ રાહત ન અનુભવાય અને સમસ્યા વધતી જણાય તો કોવિડ-19ની ટેસ્ટ માટે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.’

સ્વસ્થતા માટે શું કરવું?

હવામાનમાં આવતા બદલાવથી આવી કોઈ સમસ્યા ન થાય અને જો થઈ હોય તોય નિયંત્રણમાં આવે એ માટે આયુર્વેદમાં શું ઇલાજ બતાવ્યા છે એ વિશે ડૉ. સંજય માર્ગદર્શન આપતાં કહે છે, ‘લોકોએ કોરોના વાઇરસથી બચવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા વિવિધ કાઢાઓનું સેવન  મોટા પ્રમાણમાં અને લાંબા સમય સુધી કર્યું. આપણા કાઢા હવે વિશ્વ વિખ્યાત બની ગયા. કાઢામાં ઔષધિ ખૂબ ઊકળે છે તેથી એની અસર અને સ્વાદ ખૂબ તીવ્ર હોય છે. આપણે ત્યાં લોકો માત્ર દવાના ડોઝની જેમ દિવસમાં એક જ વાર આવા  ઘરગથ્થુ ઇલાજ કરે છે અને પછી આખો દિવસ મનમાં આવે એમ ઠંડાં પીણાં પીએ છે અને વિચારે છે કે એક વાર કાઢો પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધી જશે, પણ આયુર્વેદમાં દરેક ઔષધિનું શિસ્ત સાથે સેવન કરવાનું મહત્ત્વ છે. જેમ કે કેરળમાં હલકા ગુલાબી રંગના પાણીનું આખો દિવસ સેવન કરવામાં આવે છે. આ જીરા ફાંટ છે. ચાઇનામાં જમતી વખતે સાદું પાણી ન લેતાં આ જીરા ફાંટનું એટલે કે ગુલાબી રંગનું પાણી જ લેવાય છે. આનો સ્વાદ પણ સરસ લાગે છે. આયુર્વેદમાં ઔષધિ પાણીમાં નાખીને ફાંટ બનાવવાની પદ્ધતિ બતાવી છે. આ ફાંટ એટલે કોઈ પણ ઔષધિને ન ઉકાળતાં એને પાણીમાં પલાળવું અને એનું સેવન કરવું.  ફાંટ મોટી ઉંમરના લોકો માટે ઉત્તમ ઇલાજ છે, કારણ કે તેમને કાઢો કોઈક વાર ગરમ પડી શકે છે, પણ ફાંટ માફક આવી જાય છે. હાલની પરિસ્થિતિમાં શરદી, ઉધરસ, તાવ અને પાચનતંત્ર માટે આપણા તેજાનામાં ઉત્તમ મરી છે. મરી નાખીને ફાંટ બનાવી એનું સેવન કરવાથી ખૂબ લાભ થાય છે. વાદળિયા વાતાવરણમાં પેટમાં વાયુને લાગતા વિકારો થાય છે, જેમાં મરીના પાણીથી ખૂબ રાહત મળે છે. આ સિવાય સૂંઠ પાઉડર નાખીને પણ પાણીનું સેવન કરી શકાય છે. આમાંથી પોતાના સ્વાસ્થ્ય માટે યોગ્ય ઔષધિ નાખીને એક ફાંટ હમણાં રોજ લેવો જોઈએ અને આ ફાવે તો નિયમિત રીતે સેવન કરવાથી પણ લાભ જ થશે. હાલમાં હવામાનની અસરથી સ્વાસ્થ્યને બચાવવા આ ફાંટ કારગર સાબિત થશે.’

ફાંટ બનાવવાની અને એના સેવનની યોગ્ય રીત

બનાવવાની રીતઃ એક લિટર પાણીમાં અડધી ટી સ્પૂન સૂંઠ પાઉડર અથવા પાંચ નંગ મરી અથવા અડધી ટી સ્પૂન હળદર અથવા અડધીથી એક ટી સ્પૂન જીરું અથવા અડધીથી એક ટી સ્પૂન આખા ધાણા.  

ગરમ પાણીમાં ઉપરની કોઈ પણ એક ઔષધિ નાખીને પલાળી રાખવી. ઔષધિ નાખીને પાણી ઉકાળવું નહીં, કારણ કે આ ફાંટ છે; કાઢો નહીં.

સેવનની રીત ઃ એક વારમાં ૧૦૦ મિ.લી. ફાંટ પી શકાય. આખા દિવસ દરમ્યાન થોડા-થોડા સમયે આનું સેવન કરવું વધુ લાભદાયી છે. આનાથી આખો દિવસ શરીરનું રક્ષણ થઈ શકે છે.

હાલમાં વરસાદ કેમ પડી રહ્યો છે?

ભારતીય હવામાન વિભાગનાં સાયન્ટિસ્ટ શુભાંગી ભૂતે હવામાનની સ્થિતિ સમજાવતાં કહે છે, ‘કેન્દ્રીય અરબી સમુદ્રથી હવાનો દ્રોણીય ભાગ મહારાષ્ટ્રની બહાર દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ સુધી જાય છે. એની બાજુમાં પવન દક્ષિણ પૂર્વીય તરફ ચાલી રહ્યો છે અને આના ભેજની અસર કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં થઈ રહી છે. તેથી અહીં થોડો વરસાદ પડી રહ્યો છે. આનાથી દિવસનું મહત્તમ તાપમાન પણ ઘટી ગયું છે અને તેથી સ્વાભાવિક છે કે દિવસે પણ ઠંડી વધારે લાગી રહી છે.’

Whatsapp-channel Whatsapp-channel

16 December, 2020 04:38 PM IST | Mumbai | Bhakti D Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK