Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગર્લ્સ, ડલ, ડ્રાય અને ફ્રિઝી હૅરને મૅનેજ કરવા છે તો... સીરમ જ કાફી છે

ગર્લ્સ, ડલ, ડ્રાય અને ફ્રિઝી હૅરને મૅનેજ કરવા છે તો... સીરમ જ કાફી છે

15 December, 2020 04:24 PM IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

ગર્લ્સ, ડલ, ડ્રાય અને ફ્રિઝી હૅરને મૅનેજ કરવા છે તો... સીરમ જ કાફી છે

ગર્લ્સ, ડલ, ડ્રાય અને ફ્રિઝી હૅરને મૅનેજ કરવા છે તો... સીરમ જ કાફી છે


દરેક વ્યક્તિના વાળ કુદરતી રીતે મુલાયમ અને ચમકદાર નથી હોતા, પરંતુ એને સ્વસ્થ અને સુંદર બનાવવાના અનેક રસ્તાઓ છે. સીરમ એવી પ્રોડક્ટ છે જે તમારા વાળને સ્મૂધ, શાઇની અને હેલ્ધી રાખવામાં હેલ્પ કરી શકે છે. વાળની ફ્રિઝીનેસ દૂર કરવામાં ઉપયોગી આ પ્રોડક્ટને તમારા હેરકૅર રૂટીનમાં કેમ સામેલ કરવી જોઈએ એ જાણી લો

હેરસ્ટાઇલ તમારા ઓવરઑલ લુકને બદલી નાખે છે. દરેક વ્યક્તિ, ખાસ કરીને મહિલાઓ ઇચ્છે છે કે તેના વાળ હેલ્ધી, સ્મૂધ અને સિલ્કી હોય. જોકે મેકઓવર માટે વાળની ક્વૉલિટી મહત્ત્વની છે. વાળને ગમે એટલા સારી રીતે ઓળીને રાખો, એને વિખરાતાં વાર નથી લાગતી. ઓળતી વખતે ગૂંચના કારણે વાળ તૂટી જાય કે નબળા પડી જાય એવું પણ બનતું હોય છે. ઘણાના વાળ કાયમ ગૂંચવાયેલા દેખાય છે. આ પ્રકારની સમસ્યાથી બચવા શૅમ્પૂ, કન્ડિશનર અને હેરઑઇલ પાછળ ઝાઝો ખર્ચ કરવાની જરૂર નથી. વાળની ગુણવત્તા સુધારવા સીરમ નામની એક પ્રોડક્ટ બસ છે. હેરની ક્વૉલિટી ઇમ્પ્રૂવ કરતી આ પ્રોડક્ટની ખાસિયત વિશે આજે વાત કરીએ. 



સીરમ છે શું?


વાળ માટે વપરાતાં ઑઇલ, શૅમ્પૂ, કન્ડિશનર અને સીરમ એમ તમામ ઉત્પાદનો જુદી અસર કરે છે એમ જણાવતાં કૉસ્મેટિક ડર્મેટોલૉજિસ્ટ ઍન્ડ ડર્મેટો-સર્જ્યન ડૉ. રિન્કી કપૂર કહે છે, ‘સીરમ વેજિટેબલ પ્રોટીનમાંથી બનેલું ઘટ્ટ અને પારદર્શક લિક્વિડ છે. હેર ઑઇલની તુલનામાં સીરમ લાઇટર કૉસ્મેટિક પ્રોડક્ટ છે. એમાં રહેલું સિલિકોન નામનું સ્મૂધનિંગ એજન્ટ વાળને શાઇની અને સિલ્કી બનાવે છે. સિલિકોન અને એના ડેરિવેટીવ્ઝ વાળને વેલ-મેઇન્ટેઇન્ડ રાખવામાં હેલ્પ કરે છે. એનો મુખ્ય હેતુ લાંબા વાળની ફ્રિઝીનેસ દૂર કરવાનો છે. સીરમ લગાવવાથી ડ્રાય અને અનમૅનેજેબલ હેરને સરળતાથી સ્ટાઇલિશ લુક આપી શકાય છે. તેથી મહિલાઓ દ્વારા એનો બહોળો ઉપયોગ થાય છે.’

સ્મૂધનિંગ એજન્ટ


મહિલાઓની ગ્રૂમિંગ પ્રોડક્ટ તરીકે વપરાતા સીરમની ખાસિયત વિશે વાત કરતાં કોલાબા અને ઑપેરા હાઉસ ખાતે ક્લિનિક ધરાવતા ટ્રિકોલૉજિસ્ટ અને હેર ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાત ડૉ. દીપમ શાહ કહે છે, ‘હેર મૉઇશ્ચરાઇઝર અને હેર ગ્રોથ એમ બે ટાઇપનાં સીરમ આવે છે. શુષ્ક ત્વચાને મુલાયમ બનાવવા આપણે મૉઇશ્ચરાઇઝિંગ ક્રીમ વાપરીએ છીએ એવી જ રીતે નિસ્તેજ અને શુષ્ક વાળની નરમાશ જળવાઈ રહે એ માટે સીરમ લગાવવામાં આવે છે. સિલિકોન, શીઆ બટર, વેજિટેબલ પ્રોટીન, અવોકાડો પ્રો-વિટામિન B5 તેમ જ કોકોનટ અને આર્ગન ઑઇલનાં ડ્રૉપ નાખી બનાવવામાં આવેલા મૉઇશ્ચરાઇઝર સીરમનો ઉપયોગ લાંબા વાળની કાળજી માટે છે. આ પ્રોડક્ટ ભેજ અને પ્રદૂષણથી તમારા વાળનું રક્ષણ કરે છે તેમ જ વાળને હાઇડ્રેટેડ રાખવામાં હેલ્પ કરે છે. સીરમ બેસ્ટ ફ્રિઝી-ફાઇટર છે. હેર સીરમથી વાળને જરૂરી પોષણ મળે છે. વાળ બહુ ઊતરતા હોય કે પાતળા થઈ ગયા હોય એવી કન્ડિશનમાં ડૉક્ટર દ્વારા લખી આપવામાં આવતું સીરમ જુદું હોય છે. હેરફૉલને અટકાવવા માટેના સીરમનો ઉપયોગ સારવાર દરમિયાન ડૉક્ટરની દેખરેખમાં કરવાનો હોય છે.’

હીટથી બચાવે

લુક્સમાં કંઈક નવું જોઈતું હોય ત્યારે આપણે હેરસ્ટાઇલ ચેન્જ કરતા હોઈએ છીએ. કેટલીક વાર નવી હેરસ્ટાઇલ તમારા વાળ માટે નુકસાનકારક સાબિત થાય છે. ડૉ. રિન્કી કહે છે, ‘હેરસ્ટાઇલ ચેન્જ કરાવતી વખતે વાળ પર હીટ ફેંકવામાં આવે છે એનાથી વાળ નબળા પડી જાય છે અને તૂટવા લાગે છે. સીરમ તમને આ સમસ્યાથી બચાવે છે. આજકાલ હેર સ્ટ્રેટનિંગ અને કર્લ્સની ફૅશન છે. કુદરતી વાળમાં ટ્રેન્ડ મુજબ ફેરફાર કરતાં પહેલાં સીરમ લગાવવામાં આવે તો મશીનમાંથી ફેંકાતી ગરમ હવાથી વાળને ઓછું નુકસાન થાય છે. સીરમમાં વાળને હીટથી પ્રોટેક્ટ કરવાની ક્ષમતા છે.’

મશીનમાંથી ફેંકાતા હીટ ઉપરાંત સૂર્યનાં હાનિકારક અલ્ટ્રાવાયલેટ કિરણોથી વાળને સુરક્ષિત રાખવા માટે પણ સીરમ લગાવવું જોઈએ એવી ભલામણ કરતાં ડૉ. દીપમ કહે છે, ‘મુંબઈમાં પ્રદૂષણનું પ્રમાણ ખૂબ વધારે છે. પ્રદૂષણની અસરથી હેર ડલ થઈ જાય છે. હેર સીરમના કોટિંગથી વાળ પર પ્રદૂષણની અસર ઓછી થાય છે. હેર સીરમ હાનિકારક રસાયણની અસરથી બરછટ થઈ ગયેલા વાળને પ્રોટેક્ટિવ લેયર આપે છે. લાંબા ગાળે પ્રી-મૅચ્યોર ગ્રે હેરથી બચાવે છે. બહાર નીકળતાં પહેલાં વાળમાં સીરમ લગાવવાથી સ્પ્લિટની સમસ્યાથી પણ છુટકારો મળે છે.’

કઈ રીતે લગાવવું?

હેર સીરમ વાપરવાની એક જ રીત છે. સ્વચ્છ પાણીથી વાળ ધોયેલા હોવા જોઈએ, કારણ કે આપણી આસપાસ પ્રદૂષણનું પ્રમાણ એટલું વધારે છે કે વાળમાં પરસેવો કે ડસ્ટ હોય તો સીરમ લગાવવાનો ફાયદો થતો નથી. ડૉ. રિન્કી કહે છે, ‘વાળને શૅમ્પૂ કર્યા બાદ ભીના વાળને પહેલાં ટૉવેલથી લૂછી સીરમ લગાવવાથી વાળ શાઇન કરે છે અને ગૂંચવાતા નથી. તમારા વાળની લંબાઈ અને વૉલ્યુમ પ્રમાણે હથેળીમાં પાંચ-સાત ટીપાં સીરમ લઈ, રબ કરી વાળની ટિપથી શરૂ કરી ઉપરની તરફ સ્પ્રેડ કરો. ત્યાર બાદ મોટા દાંતાવાળા કાંસકાથી તમને મનગમતી સ્ટાઇલમાં વાળ ઓળી લો. યાદ રાખો, સીરમ વાળની નીચેની ત્વચા માટે નથી. એને ત્વચા પર લગાવવાથી ડૅન્ડ્રફ અથવા ઇરિટેશન થઈ શકે છે.’

મૉઇશ્ચરાઇઝર સીરમ વાળના બાહ્ય આવરણના રક્ષણ માટે છે, જ્યારે હેર ગ્રોથ સીરમ સ્કૅલ્પમાં લગાવવાનું હોય છે. બન્ને પ્રકારના સીરમને અપ્લાય કરવાની રીત જુદી છે. ડૉ. દીપમ કહે છે, ‘મહિલાઓએ વાળની લેંગ્થની કાળજી માટે અઠવાડિયામાં ત્રણ વાર શૅમ્પૂ કરી સીરમ લગાવવું જોઈએ. હેર કલર કરતાં હો તો જેટલી વાર વાળ ધૂઓ એટલી વાર સીરમ વાપરવું જોઈએ. સીરમને વાળના આઉટર લેયરમાં લગાવવામાં આવે છે તેથી ડૅન્ડ્રફ ઍગ્રેગેટ થવાના ચાન્સિસ નથી. સ્કૅલ્પ માટેના સીરમમાં કેપિક્ઝિલ, પ્રોકેપિલ, કૅફીન, રેડેન્સિલ, શૉ પામેટો, ક્રિસ્ટીમ જેવાં તત્ત્વો હોય છે જે ખરતા વાળને અટકાવે છે. વાળના વૉલ્યુમને વધારવા માટે ઉપયોગી આ સીરમથી ત્વચાને કોઈ નુકસાન થતું નથી, પરંતુ એનો જાતે પ્રયોગ ન કરવો. કેટલાક કેસમાં હેર ગ્રોથ સીરમને સ્કૅલ્પના અમુક ભાગમાં (જ્યાંથી વાળ ઊડી ગયા હોય ત્યાં ) જ લગાવવાનું હોય છે. દિવસમાં કેટલી વાર સીરમ લગાવવું, કઈ રીતે લગાવવું તેમ જ કેટલા સમય માટે ઉપયોગ કરવાનો છે એ પેશન્ટની ટ્રીટમેન્ટ પર આધાર રાખે છે. આ સીરમ મેલ અને ફીમેલ બન્ને માટે હોઈ શકે છે.’

કેવું સીરમ વાપરવું?

વાત ત્વચાની હોય કે વાળની, જ્યાં સુધી એના ટાઇપ વિશે જાણકારી ન હોય પ્રોડક્ટની પસંદગી કરવી મુશ્કેલ છે. હેર સીરમમાં ઘણી વરાઇટી આવે છે. તમારા વાળની જરૂરિયાત અનુસાર એને વાપરવાથી સારું રિઝલ્ટ મળે. દાખલા તરીકે વાળ બહુ ઊતરતા હોય તો સીરમ ફૉર હેર ગ્રોથ વાપરવું. શુષ્ક વાળ માટે ઍન્ટિફ્રિઝ ફૉર્મ્યુલા સીરમ બેસ્ટ ચૉઇસ કહેવાય. ગ્રૂમિંગ પ્રોડક્ટ તરીકે વપરાતા સીરમનો ઉપયોગ તમે બારે મહિના કરી શકો છો જ્યારે હેર ગ્રોથ સીરમનો ઉપયોગ ચોક્કસ સમય માટે કરવાનો હોય છે. સીરમથી વાળને કોઈ નુકસાન થતું નથી તેમ જ બહાર નીકળો ત્યારે વાળ વ્યવસ્થિત ઓળેલા દેખાય છે. તેથી મહિલાઓમાં આ પ્રોડક્ટ પૉપ્યુલર છે.

હેર મૉઇશ્ચરાઇઝર અને હેર ગ્રોથ એમ બે ટાઇપનાં સીરમ આવે છે. મૉઇશ્ચરાઇઝિંગ સીરમનો ઉપયોગ લાંબા વાળની કાળજી માટે છે. આ પ્રોડક્ટ ભેજ અને પ્રદૂષણથી તમારા વાળનું રક્ષણ કરે છે તેમ જ વાળને હાઇડ્રેટેડ રાખવામાં હેલ્પ કરે છે. હેર ફૉલને અટકાવવા માટેના સીરમનો ઉપયોગ ડૉક્ટરની દેખરેખમાં કરવાનો હોય છે

- ડૉ. દીપમ શાહ, ટ્રિકોલૉજિસ્ટ ઍન્ડ હેર ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાત

આજકાલ હેર સ્ટ્રેટનિંગ અને કર્લ્સની ફૅશન છે. કુદરતી વાળમાં ટ્રેન્ડ મુજબ ફેરફાર કરતાં પહેલાં સીરમ લગાવવામાં આવે તો મશીનમાંથી ફેંકાતી ગરમ હવાથી વાળને ઓછું નુકસાન થાય છે. સીરમ આઉટર લેયર માટે છે. વાળની નીચેની ત્વચામાં એનો ઉપયોગ કરવાથી ડૅન્ડ્રફ અને સ્કિન ઇરિટેશન જેવી સમસ્યા થઈ શકે છે.

- ડૉ. રિન્કી કપૂર, ડર્મેટોલૉજિસ્ટ

હેર સીરમ વર્સસ હેર ઑઇલ

-    સીરમ વાળની સર્ફેસને પ્રોટેક્ટ કરવા માટે છે. એ વાળના ડીપર લેયર સુધી પહોંચી શકતું નથી, જ્યારે ઑઇલ વાળના રુટ્સ માટેની પ્રોડક્ટ છે. વાળના મૂળને કન્ડિશનિંગ કરવા તેલ લગાવવામાં આવે છે.

-    હેર ઑઇલ તમારા વાળના નરિશમેન્ટ માટે છે, જ્યારે સીરમ વાળને સ્મૂધ અને સ્ટાઇલિશ લુક આપવા માટેની પ્રોડક્ટ છે.

-    સીરમ હેર ક્યુટિકલ્સ અને હીટથી તમારા વાળને પ્રોટેક્ટ કરે છે. ઑઇલ વાળને ડૅમેજ થતા અટકાવે છે.

-    સીરમ પ્રદૂષણ અને હવામાનથી સુરક્ષિત રાખવાનું કામ કરે છે, જ્યારે હેર ગ્રોથ માટે ઑઇલ વાપરવું જોઈએ.

-    સીરમ વાળના બાહ્ય આવરણને હાઇડ્રેટેડ રાખે છે. ઑઇલ વાળના સ્કૅલ્પને પોષણ આપે છે.

-    વાળ ધોતાં પહેલાં સ્કૅલ્પમાં ઑઇલથી મસાજ કરવામાં આવે છે, જ્યારે સીરમનો ઉપયોગ શૅમ્પૂ કર્યા બાદ કરવાનો છે.

-    સીરમમાં ચીકાશ નથી હોતી તેથી લગાવ્યા બાદ વાળ ખુલ્લા લાગે છે. ઑઇલથી વાળ ચીકણા લાગે છે.

Whatsapp-channel Whatsapp-channel

15 December, 2020 04:24 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK