ખુલ્લી હવામાં ચાલવા કે દોડવા જવું છે?

Published: Jun 24, 2020, 15:59 IST | Varsha Chitalia | Mumbai

મુંબઈમાં લૉકડાઉન હળવું કરવામાં આવ્યા બાદ અનેક લોકોએ ઓપન પ્લેસમાં ફરીથી ચાલવાનું અને દોડવાનું શરૂ કરી દીધું છે. તમે પણ રૂટીન એક્સરસાઇઝને રી-સ્ટાર્ટ કરવાનું વિચારી રહ્યા હો તો અહીં આપેલી પ્રૅક્ટિકલ ગાઇડલાઇન્સને મગજમાં નોંધી લેજો

મુંબઈમાં લૉકડાઉન હળવું કરવામાં આવ્યા બાદ અનેક લોકોએ ઓપન પ્લેસમાં ફરીથી ચાલવાનું અને દોડવાનું શરૂ કરી દીધું છે.
મુંબઈમાં લૉકડાઉન હળવું કરવામાં આવ્યા બાદ અનેક લોકોએ ઓપન પ્લેસમાં ફરીથી ચાલવાનું અને દોડવાનું શરૂ કરી દીધું છે.

લગભગ ત્રણ મહિનાના ગૅપ બાદ મુંબઈમાં લૉકડાઉન હળવું કરવામાં આવતાં પ્રથમ દિવસે જ મરીન ડ્રાઇવ પર જાણે કે મેળો ભરાયો હોય એટલા લોકો વૉકિંગ અને રનિંગ માટે બહાર નીકળી ગયા હતા. મિશન બિગિન્સ અગેઇન હેઠળ સરકારે સોશ્યલ ડિસ્ટન્સ સાથે વૉકિંગ, રનિંગ ઍન્ડ સાઇક્લિંગ જેવી ઍક્ટિવિટીની પરવાનગી આપતાં ઓપન પ્લેસ પર ચાલવા-દોડવાવાળાઓની ભીડ જમા થવા લાગી છે.
સ્વાસ્થ્યની દૃષ્ટિએ ઉપરોક્ત તમામ પ્રવૃતિઓ બેસ્ટ એક્સરસાઇઝ છે. છેલ્લાં થોડાં વર્ષોમાં આ બાબતે જાગરુકતા આવતાં વૉકિંગ માટે જનારા લોકોની સંખ્યામાં પણ ખાસ્સો વધારો થયો છે. મરીન ડ્રાઇવ ઉપરાંત જુહુ બીચ, હૅન્ગિંગ ગાર્ડન, આરે કૉલોની, નૅશનલ પાર્ક જેવાં જાહેર સ્થળોએ કાયમ ચાલવા જતા હોય એવા લોકો તો લૉકડાઉન ખૂલવાની કાગડોળે રાહ જોતા હતા. જોકે
કોરોના-સંક્રમણના કેસ જોતાં હાલમાં આમ ઓપન પ્લેસમાં નીકળવું સલાહભર્યું છે કે નહીં, થોડી વાર ગાર્ડનની બેન્ચ પર બેસવાથી કોરોનાનો ચેપ તો નહીં લાગેને? મુંબઈની હવા શુદ્ધ થઈ છે તો માસ્ક પહેર્યા વિના વૉક કરીએ તો ચાલે કે નહીં જેવા અનેક પ્રશ્નો વિશે લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ એક્સપર્ટ પાસેથી જાણીએ.
કેટલું ચાલવું?
મુંબઈમાં કોરોના-સંક્રમણના કેસ કાબૂમાં આવ્યા નથી ત્યારે ખુલ્લી જગ્યામાં ચાલવા જવું સલાહભર્યું છે? આ સંદર્ભે વાત કરતાં ઇન્ટરનલ મેડિસિન એક્સપર્ટ ડૉ. મંજુષા અગ્રવાલ કહે છે, ‘એક્સરસાઇઝ તો જરૂરી છે, પરંતુ હાલમાં બહુ ક્રાઉડેડ એરિયામાં વૉકિંગ કરવા જવાનું ટાળવું જોઈએ અથવા એવા સમયે જાઓ જ્યારે ભીડ ઓછી હોય. જેમને હાઈ બ્લડ-પ્રેશર, સ્ટ્રૉન્ગ ડાયાબિટીઝ કે હાર્ટની તકલીફ હોય એવા દરદીઓ તેમ જ સાઠની ઉપરની વયના લોકોએ હજી થોડો સમય રાહ જોવી જોઈએ. ઘણા સમયથી ઘરે બેસવાથી તમારા શરીરની ક્ષમતા ઘટી ગઈ છે. મસલ્સને લૂઝ થવામાં સમય લાગશે. ડેઇલી એક્સરસાઇઝ રૂટીનને રીસ્ટાર્ટ કરતી વખતે પહેલા ત્રણ દિવસ પંદર મિનિટ ચાલો. ત્યાર બાદ સમય વધારતા જાઓ. અત્યારે હેલ્ધી વ્યક્તિએ પણ ૪૫ મિનિટથી વધુ સમય માટે બહાર ન રહેવું.’
પહેલા જ અઠવાડિયામાં જે રીતે લોકો ચાલવા ને દોડવા નીકળી પડ્યા હતા એ યોગ્ય નથી. ફિટનેસ એક્સપર્ટ અને યોગ ટ્રેઇનર હેતલ ભટ્ટ કહે છે, ‘લાંબા સમયના અંતરાલ બાદ સરકારે ઓપન પ્લેસમાં એક્સરસાઇઝ કરવાની છૂટ આપી એનો અર્થ એ નથી કે પહેલા દિવસથી જ દોડવા માંડો. તમને વર્ષોથી એક કલાક ચાલવાની ટેવ હોય કે રોજના દસ કિલોમીટર દોડતા હશો તો પણ જ્યાં સુધી ગ્રિપ ન પકડાય દોડવું સલાહભર્યું નથી. જોકે જેમણે ચાલવાની શરૂઆત કરી દીધી છે તેઓ હવે રૂટીનમાં આવી ગયા હશે. જે લોકો ફરીથી વૉક સ્ટાર્ટ કરવાનું વિચારી રહ્યા છે તેમને સલાહ છે કે પહેલા અઠવાડિયે માત્ર પંદર મિનિટ ચાલશો. તમારી ચાલવાની સ્પીડ ધીમી હોવી જોઈએ. ખાસ કરીને સિનિયિર સિટિઝને હળવે-હળવે ચાલવું જેથી હાર્ટ પર પ્રેશર ન આવે. બીજા અઠવાડિયાથી ટાઇમ પિરિયડ અને ચાલવાની ઝડપ વધારતા જવી. રનિંગની પ્રૅક્ટિસ કન્ટિન્યુ કરતી વખતે પહેલાં થોડું ચાલવું. પછી થોડાં સ્ટેપ્સ જૉગિંગ અને ત્યાર બાદ થોડું દોડવાનું. ફરીથી
વૉક-જૉગ-રન એમ તબક્કાવાર પ્રૅક્ટિસ કરવી. રનર્સે ત્રણ દિવસના ગૅપમાં સ્પીડ વધારતા જવી. આ રીતે રીસ્ટાર્ટ કરવાથી બૉડી પર પ્રેશર નહીં આવે.’
માસ્ક કાઢી શકાય?
ઘણા લોકો અમને પૂછે છે કે માસ્ક પહેરવો અનિવાર્ય છે? યસ, માસ્ક તો પહેરવાનો જ છે એવી સલાહ આપતાં ડૉ. મંજુષા કહે છે, ‘મુંબઈની હવા શુદ્ધ થઈ છે તો એ જ હવામાં વાઇરસની હાજરી પણ છે. સી-ફેસિંગમાં હવાનો રૂખ સમુદ્ર તરફ હોય છે તેથી માસ્ક પહેરીને ચાલવાથી ઑક્સિજન સપ્લાયમાં કોઈ અડચણ આવતી નથી. સાદા થ્રી-લેયર માસ્ક પહેરવાથી ઑક્સિજન (ઇનહેલ) અને કાર્બન ડાયૉક્સાઇડ (એક્સહેલ)ની કુદરતી પ્રક્રિયા વ્યવસ્થિત રીતે ચાલે છે. N95 માસ્ક મેડિકલ સ્ટાફ માટે છે અને એમાં ઑક્સિજન સપ્લાયમાં અવરોધ આવી શકે છે તેથી એનો ઉપયોગ બિલકુલ ન કરવો. બીજું એ કે એક્સરસાઇઝ કરતી વખતે માસ્કને ટાઇટ ન બાંધવો. થોડો લૂઝ રાખશો તો હવાની અવરજવર ફીલ થશે અને વૉકિંગમાં મજા આવશે.’
લૉકડાઉનના લીધે હવામાં પ્રદૂષણનું પ્રમાણ ઘટી ગયું છે. મુંબઈગરાઓને પહેલી વાર શુદ્ધ હવા શ્વાસમાં ભરવાની તક મળી છે તેથી માસ્ક પહેરીને વૉકિંગની સલાહ હું નથી આપતી એમ જણાવતાં હેતલ કહે છે, ‘ઘરની બહાર ચોક્કસ માસ્ક પહેરીને નીકળો. વૉકિંગ દરમિયાન થોડી વાર માટે દૂર કરવામાં બહુ વાંધો નથી. ઘણા વખત પછી જૂના મિત્રો સામા મળે ને વાત કરવા ઊભા રહો ત્યારે માસ્ક પહેરવો જરૂરી છે. જોકે હાલના માહોલમાં કોઈની સાથે વાતચીત કરવાનું ટાળો, જેથી માસ્કને હાથ લગાવવાની જરૂર ન પડે. શક્ય હોય ત્યાં સુધી સવારે જ ચાલવા જાઓ. વહેલી સવારની ફ્રેશ ઍરને શરીરમાં આવવા દો. ચાલતી વખતે બ્રીધિંગ પર ફોકસ રાખો અને મોઢું ન ખોલો. સોશ્યલ ડિસ્ટન્સ સાથે મોઢું બંધ રાખીને દોડવું. જે જગ્યાએ વધુ લોકો ભેગા થતા હોય એવી જગ્યાએ વડીલોએ ચાલવા ન જવું. તેઓ સોસાયટીના ગાર્ડનમાં કે ટેરેસ પર ચાલી શકે છે.’
બાંકડા પર બેસાય?
ઘણા લોકોનું માનવું છે કે બેન્ચ પર પહેલાં કોઈ બેઠું હશે અને ચેપ લાગશે તો? એવી શક્યતા મને ઓછી લાગે છે એવો મત વ્યક્ત કરતાં હેતલ કહે છે, ‘થોડી વાર ચાલ્યા બાદ ગાર્ડનમાં ઘાસ પર કે બેન્ચ પર બેસીને પંદર મિનિટ સનબાથ લેવો જોઈએ. વિટામિન ડી આપણા શરીરમાં સૈનિકનું કામ કરે છે. સૂર્યસ્નાન કરતી વખતે મેડિટેશન કરશો તો સોનામાં સુગંધ ભળશે. તમારા ઓવરઑલ સ્વાસ્થ્ય માટે મેડિટેશન બેસ્ટ છે. આમેય તમે ઘરે આવીને સ્નાન કરવાના છો. જો વધુ ભય લાગતો હોય અને તમને સાઇકલ આવડતી હોય તો હમણાં થોડો વખત એ જ વાપરો. એક્સરસાઇઝ થશે અને સોશ્યલ ડિસ્ટન્સ પણ જળવાશે.’
બગીચા કે સી-ફેસ પાસેના બાંકડા અથવા પાળી પર બેસી રેસ્ટ લેવામાં વાંધો નથી એમ જણાવતાં ડૉ. મંજુષા કહે છે, ‘બેન્ચ પર બેસવાથી કોરોનાનો ચેપ લાગવાની શક્યતા ઓછી છે, પરંતુ બીજા રોગોને ધ્યાનમાં રાખી બેસવાનું ટાળો. અત્યારે ચોમાસાની સીઝન છે. ગાર્ડન અને બાંકડાની આસપાસ મચ્છરોનો ઉપદ્રવ હોય છે. અમારી પાસે હાલમાં અઠવાડિયે ત્રણથી પાંચ કેસ મલેરિયાના આવે છે. મૉન્સૂનમાં મલેરિયાની બીમારી માથું ઊંચકે છે. જો મૉસ્કિટો બાઇટ્સના કારણે કોઈ તકલીફ થશે તો હેરાન થવું પડશે. આ ઉપરાંત ગાર્ડનમાં ઇન્સ્ટૉલ કરવામાં આવેલા એક્સરસાઇઝ માટેનાં ઇક્વિપમેન્ટ વાપરવાં નહીં. બહારનું વાતાવરણ જોતાં સાઇક્લિંગ બધી રીતે સુરક્ષિત છે. અત્યારે તો જેટલું મળે છે એને નસીબ સમજો, કારણ કે કોરોના ખતમ થયો નથી. હવે પછીના ત્રણ મહિના બધાએ વરસાદ, કોરોના અને મલેરિયા જેવા રોગો સામે ઝઝૂમવાનું છે ત્યારે ક્યાંય પણ ઊભા રહ્યા વગર સીધેસીધા જાઓ અને પાછા ફરો એમાં જ સમજદારી છે.’

આટલું અચૂક કરવાનું છે

માસ્ક અને હૅન્ડ ગ્લવ્ઝ પહેર્યા વગર બહાર ન નીકળો.
કોઈની સાથે વાત કરવા ઊભા ન રહો તેમ જ ગ્રુપમાં દોડવા ન નીકળો.
બગીચામાં ઝાડ-પાનને હાથ ન લગાવો.
ગાર્ડનની બહાર મળતા નાસ્તા ન ખાવા. ચોમાસામાં પેટ ખરાબ થશે.
સૅનિટાઇઝર સાથે રાખવું. રેસ્ટ લેવા બેશો ત્યારે એનો ઉપયોગ કરશો.
રનિંગ માટે પહેરવાનાં શૂઝને ઘરની બહાર કાઢો અથવા બાલ્કનીમાં મૂકો.
વૉકિંગ માટે બહાર નીકળતાં પહેલાં બાથરૂમમાં ટૉવેલ અને કપડાં રાખીને જાઓ જેથી આવીને તાબડતોબ શાવર લઈ શકાય. જે કપડાં પહેરીને ગયા હો એને ગરમ પાણીમાં બોળી દો.
સ્નાન બાદ ગરમ પાણીમાં મીઠું નાખી કોગળા કરો. ત્યાર બાદ એક ગ્લાસ હળદરવાળું ગરમ પાણી અથવા આયુર્વેદિક ઉકાળો પીવો.

વિટામિન ડી આપણા શરીરમાં સૈનિકનું કામ કરે છે. વૉકિંગ અને રનિંગ કરતી વખતે વચ્ચે થોડી વાર શાંતિથી બેસીને સનબાથ લેવો જોઈએ. સવારમાં ખુલ્લી જગ્યાએ બેસીને યોગ અને મેડિટેશન કરવાથી ઇમ્યુનિટી વધશે. જો સાઇકલ આવડતી હોય તો હમણાં થોડો
વખત એ જ વાપરો.
એનાથી એક્સરસાઇઝ
થશે અને સોશ્યલ ડિસ્ટન્સ પણ જળવાશે
- હેતલ ભટ્ટ, ફિટનેસ એક્સપર્ટ

ગાર્ડન અને બાંકડાની આસપાસ મચ્છરોનો ઉપદ્રવ હોય છે. મૉન્સૂનમાં મલેરિયાની બીમારી માથું ઊંચકતી હોવાથી મૉસ્કિટો બાઇટ્સથી બચીને રહેવું. આ ઉપરાંત ગાર્ડનમાં ઇન્સ્ટૉલ કરવામાં આવેલા એક્સરસાઇઝ માટેનાં ઇક્વિપમેન્ટ વાપરવાં નહીં. કોરોના ખતમ થયો નથી તેથી ક્યાંય પણ ઊભા રહ્યા વગર સીધેસીધા જાઓ અને પાછા ફરો એમાં જ સમજદારી છે.
- ડૉ. મંજુષા અગ્રવાલ,
ઇન્ટરનલ મેડિસિન નિષ્ણાત

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK