જો આયુર્વેદના નિયમો મુજબ સવાર પડે તો સ્વસ્થતા સુનિશ્ચિત છે

Published: 27th November, 2020 14:54 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

સાજા-નરવા રહેવું હોય તો સાચી લાઇફસ્ટાઇલ અપનાવવી જોઈએ એવું આજકાલ કહેવાય છે, પણ ટાઇમ ક્યાં છે? રોજ નહીં તો અઠવાડિયે એક વાર તો આપણે શરીરને સ્વસ્થ રાખવા માટેના પ્રયત્નો કરીએ

શરીર સ્વસ્થ રાખવા માટે શું અને કેમ કરવું એ જોઈએ.
શરીર સ્વસ્થ રાખવા માટે શું અને કેમ કરવું એ જોઈએ.

શરીર નીરોગી રાખવું હોય તો શરીરમાં રહેલા ત્રણ દોષ કફ, પિત્ત અને વાયુને સમઅવસ્થામાં રાખવા એ પ્રાથમિક જરૂરિયાત છે. જો આ ત્રણ દોષ સમઅવસ્થામાં હોય તો અને તો જ રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર એમ સાત ધાતુઓ અને મન સ્વસ્થ રહે છે. એ માટે આઇડિયલ દિનચર્યા પાળવી જરૂરી છે, જેમાં સવારે ઊઠીને દસ ચીજો અવશ્ય કરવી જોઈએ. આ દસ ચીજો એટલે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠીને પેટ સાફ કરવું, દાંત સાફ કરવા, આંખમાં અંજન કરવું, નાકમાં નસ્ય કરવું, મોંમાં ગંડૂષ કરવો, આયુર્વેદિક ધૂમ્રપાન કરવું, માલિશ કરવી, કાનમાં તેલ નાખવું, કસરત કરવી અને સ્નાન કરવું.
જોકે મુંબઈની ભાગદોડવાળી જિંદગીમાં લોકોને સરખું નાહવાનો અને ખાવાનો ટાઇમ નથી મળતો ત્યારે આટલીબધી ચીજો રોજ સવારે ઊઠીને કરવાનું તો શક્ય જ નથી. ચાલો, બદલાતા સંજોગો જોતાં આપણે રોજ આ બધું ન કરીએ તો પણ અઠવાડિયે એક વાર કે પખવાડિયે એક વાર તો કરી શકીએને? ચાલો, શરીર સ્વસ્થ રાખવા માટે શું અને કેમ કરવું એ જોઈએ.
પહેલી શરત વહેલા સૂવું
આયુર્વેદની દૃષ્ટિએ આદર્શ કહેવાય એવી એક સવાર માણવા માટે આગલા દિવસે રાતે વહેલા સૂઈ જવું જરૂરી છે. રાતે મોડામાં મોડું સાડાદસથી અગિયાર વાગ્યા સુધીમાં સૂઈ જવું અને સવારે સાડાચાર-પાંચ વાગ્યે ઊઠી જવું. સૂતી અને ઊઠતી વખતે અઘરું લાગશે, પણ એક વાર ઊઠ્યા પછી આખો દિવસ ખૂબ જ ફ્રેશનેસ અનુભવાશે એની ગૅરન્ટી. સવારે આઠ વાગ્યા સુધી સૂતા પછી પણ તમને આખો દિવસ સુસ્તી અનુભવાય એવું બની શકે, પરંતુ સવારે પાંચ વાગ્યે ઊઠશો તો આખો દિવસ તાજગીમય રહેશે.
પેટ સાફ તો સબ દર્દ માફ
સૌથી પહેલું કામ પેટ સાફ કરવાનું કરવું. પેટ સાફ રહે તો જ શરીરની અન્ય ગ્રહણશીલતા વધે છે. મળ-મૂત્રનો ઉત્સર્ગ થાય તો શરીરમાં હળવાશ અનુભવાય છે તથા ભૂખ અને તરસ લાગે છે. જો કબજિયાત રહેતી હોય તો રાતે સૂતાં પહેલાં એક ચમચી હરડે અથવા ત્રિફળા ચૂર્ણ સહેજ હૂંફાળા પાણી સાથે લઈ લેવું. સાથે જ રાતે તાંબાના લોટામાં પાણી ભરી રાખવું. સવારે ઊઠીને એકથી બે ગ્લાસ શક્તિ મુજબ એ પાણી પીવું.
દાંતની સફાઈ
આયુર્વેદમાં દાંતની સફાઈને દંતધાવન કહે છે. ખોરાકના પાચનની શરૂઆત મોîેમાંથી થાય છે એટલે પેઢાં અને દાંત સ્વચ્છ હોવાં જરૂરી છે. બ્રશ કરવાને બદલે દાતણ કરવું વધુ હિતકર છે. એ માટે લીમડો, આવળ, બાવળ અથવા કરંજની ડાળીનો ટુકડો વાપરી શકાય છે. આ વનસ્પતિઓ કડવા, થોડા તીખા અને તૂરા રસવાળી હોવાથી મોઢામાં રહેલા કફને દૂર કરે છે એટલે કે ચીકાશ દૂર કરે છે અને યોગ્ય માત્રામાં લાળનો સ્રાવ કરે છે. ખોરાકમાં લાળ ભળે તો જ એનું યોગ્ય પાચન થાય છે. પાચનતંત્રને લગતા ૯૯ ટકા રોગો મંદાગ્નિને કારણે થાય છે. દાતણ કરવાથી પાચન સુધરે છે. દાતણના છેડાને દાંત વડે ચાવી-ચાવીને એનો બરાબર કૂચો કરવાથી ડાળીનો રસ મોîમાં ફેલાય છે. દાંત સાફ કર્યા પછી ઊલ ઉતારવા માટે એ જ દાતણનાં ફાડિયાંને જીભ પર ઘસી શકાય. એનાથી અરુચિ અને મોîની દુગ*ધ દૂર થાય છે તથા સોજા ઊતરે છે. અલ્સર થયું હોય અથવા શ્વાસ ચડતો હોય ત્યારે ઊલ ન ઉતારવી. કોગળા કરતી વખતે મોઢામાં પાણી ભરીને પછી આંખ પર છાલક મારવી.
દાંત સાફ કર્યા પછી ત્રિકટુ (સૂંઠ, કાળાં મરી અને પીપરનું સમભાગ ચૂર્ણ) અથવા ત્રિફળા (હરડે, બહેડા અને આમળાંનું ચૂર્ણ) અડધી ચમચી મધ સાથે પેસ્ટ કરીને ચાટી જવું.
આંખે અંજન
દાંત પછી આંખનો વારો. રોજ આંખમાં સુરમો આંજવાથી આંખો સ્વસ્થ, સુંદર થાય છે અને દૃષ્ટિ તેજ બને છે. નેત્રપ્રભા, દારૂહરિદ્રા અથવા મધ પણ આંજી શકાય. એનાથી પાંપણો મૃદુ થાય છે અને ઘેરી બને છે. આંખમાં રૂક્ષતા હોય તો ગાયના ઘી અથવા કોપરેલ તેલથી પાંપણ પર મસાજ કરી શકાય. આંખમાં બળતરા થતી હોય તો માત્ર ગુલાબજળનાં ટીપાંનો છંટકાવ કરવો. આ કામમાં કંઈ વધારે સમય નથી જતો એટલે રોજ પણ કરી શકો છો.
નસ્ય
નાક શિરનું દ્વાર ગણાય છે. મગજ, આંખ, મોં અને કાનના વિકારોમાં નસ્ય ઉત્તમ ગણાય છે. સીધા સૂઈને સહેજ હૂંફાળું અણુ તેલ અથવા ગાયનું ઘી પાંચ-પાંચ ટીપાં બન્ને નસકોરાંમાં નાખીને પંદર મિનિટ એ જ રીતે સૂઈ રહેવું. એનાથી ચહેરાની ત્વચા સારી થાય છે, સ્વર મૃદુ થાય છે, બુદ્ધિ વધે છે, વાળ અકાળે સફેદ થતા તેમ જ ખરતા અટકે છે અને મોઢા પર કરચલીઓ ઓછી પડે છે. જો રોજ નસ્ય શક્ય ન હોય તો અઠવાડિયે બે વાર નિયમિત કરવું.
ગંડૂષ
શરીર સ્વસ્થ રાખવું હોય તો પાચનતંત્ર કાર્યક્ષમ હોવું જોઈએ. જોકે ખોરાક પચવાની શરૂઆત મોîથી જ થાય છે. ગંડૂષનો મતલબ છે પ્રવાહી મોઢામાં ભરી રાખવું પણ ગળવું નહીં. કફ થયો હોય તો નવશેકું પાણી ગલોફામાં પંદર મિનિટ ભરી રાખવું.
વાયુ વધેલો હોય, પેઢાંમાંથી લોહી નીકળતું હોય અથવા તો રૂક્ષતા વધી ગઈ હોય તો ગલોફામાં તલનું તેલ ભરી રાખવું. મોઢામાં અલ્સર થયું હોય, દુર્ગંધ આવતી હોય કે નીરસતા હોય તો ત્રિફળાનો ક્વાથ ગલોફામાં ભરી રાખવો. દાંતની અન્ય તકલીફો હોય તો તલના તેલનો કોગળો મોંમાં ભરીને રાખવો.
આયુર્વેદિક ધૂમ્રપાન
આનો મતલબ છે મોઢું ખુલ્લું રાખીને ધુમાડો લેવો અને મોઢેથી જ ધુમાડો બહાર કાઢવો. આ ક્રિયા શ્વસનક્રિયાને મજબૂત બનાવે છે. કોલસાને સળગાવીને એના પર ત્રિફળા અથવા વજ અને લોબાનનું ચૂર્ણ નાખીને ધુમાડો કરવો. વાયુ અને કફને કારણે થતી તકલીફોમાં ધૂમ્રપાન ફાયદાકારક છે.
અભ્યંગ અને કર્ણપૂરણ
અભ્યંગ એટલે આખા શરીરને તેલથી માલિશ કરવી. માલિશ ઊભાં રૂંવાડે કરવી. લોહીને હૃદય તરફ ગતિ આપવી. માલિશથી ચિંતા અને સ્ટ્રેસ ઘટે છે. માલિશથી ઇમ્યુન સિસ્ટમ સુધરે છે, ત્વચાનો રંગ નિખરે છે, જોઇન્ટ્સ મજબૂત થાય છે અને દુખાવામાં રાહત થાય છે. માલિશથી સ્નાયુઓ મજબૂત થતાં શરીરનું બળ વધે છે.
વ્યાયામ
સવારે કંઈ પણ ખાધા વિના વ્યાયામ કરવો અગત્યનું ગણાય છે. એનાથી શરીરબળ અને પાચનશક્તિ વધે છે, પાચન સુધરે છે, શરીર હળવું બને છે અને સક્રિયતા વધે છે. શરીરબળ વધારવા માટે તાડાસન, સાઇક્લિંગ, ગોળાકાર પથ પર ચાલવું એ બેસ્ટ એક્સરસાઇઝ ગણાય છે. બાકી, ઓવરઑલ શરીરની ફલેક્સિબિલિટી વધારીને અંદરથી રોગપ્રતિકારક શક્તિ બિલ્ડ કરવા માટે યોગાસન અને પ્રાણાયામ કરવાં જોઈએ. અટપટાં અને અઘરાં આસનો કરવાથી વધુ ફાયદો થાય છે એવું નથી. નિયમિતપણે પવનમુક્તાસન, ભુજંગાસન, પદ્માસન, હલાસન, મત્સ્યાસન, વજ્રાસન, શલભાસન, પશ્ચિમોત્તાનાસન અથવા તો જાનુશિરાસન કરી શકાય. પ્રાણાયામમાં અનુલોમ-વિલોમ અને કપાલભાતિ ક્રિયા દસેક મિનિટ માટે કરવાથી ફાયદો થાય છે. હાંફ ચડે ત્યાં સુધી નહીં, પણ શ્વાસ ભારે થવા લાગે એટલે કે થાક લાગવા લાગે એટલો જ વ્યાયામ કરવો.
ઉબટન અને સ્નાન
વ્યાયામ કરવાથી પરસેવો થાય છે અને ચામડીનાં છિદ્રો ખૂલે છે. વ્યાયામ પછી પરસેવો લૂછીને ત્વચા પર ઉબટન લગાવવું. અનંતા, મંજિષ્ઠા, જેઠીમધ, કપૂરકાચલી, વાળો અને વજના ચૂર્ણને પાણી અથવા દૂધ સાથે મેળવીને પેસ્ટ બનાવવી અને શરીર પર મસળવી. આનાથી શુષ્કતા દૂર થઈને ત્વચા કાન્તિમય બનશે. એ પછી નાહવાથી એનર્જી મળે છે, થાક દૂર થાય છે તથા શરીરમાં રક્તનું ભ્રમણ સુધરે છે. નાહવા માટે હૂંફાળું પાણી વાપરવું, પરંતુ ગળાથી ઉપરના ભાગ માટે એટલે કે મોઢું અને માથાના વાળ માટે હંમેશાં ઠંડા પાણીનો ઉપયોગ કરવો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK