Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વરસતા વરસાદમાં આવા હેલ્ધી પકોડા ખાશો તો જીભ પણ ખુશ અને સેહત પણ

વરસતા વરસાદમાં આવા હેલ્ધી પકોડા ખાશો તો જીભ પણ ખુશ અને સેહત પણ

17 July, 2020 12:21 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વરસતા વરસાદમાં આવા હેલ્ધી પકોડા ખાશો તો જીભ પણ ખુશ અને સેહત પણ

પકોડા

પકોડા


વરસાદ પડે એટલે કાંદા-બટાટા અને મરચાનાં ભજિયાં, મેથીના ગોટા કે પકોડા ખાવાનું મન થાય જ થાય. જોકે દર વર્ષે તમે એકની એક ટાઇપનાં ભજિયાં ખાઈને કંટાળ્યા હો તો આજે કંઈક હટકે પકોડા ટ્રાય કરીએ. તેલ ઓછું વપરાય અને સાથે હેલ્ધી પણ હોય એ જોવું હવે બહુ જરૂરી થઈ ગયું છે. ઘરમાં બેઠા રહેવાનું છે ત્યારે વધુપડતું તળેલું ખાવામાં પણ બહુ સાર નથી. શેફ નેહા ઠક્કર કહે છે, ‘કંઈક હટકે બનાવતી વખતે જો સેહતનું ધ્યાન રાખેલું હોય તો ખાવાની પણ મજા આવે અને તબિયતની ચિંતા ન રહે. આપણે એવાં ઇન્ગ્રીડિયન્ટ્સ વાપરવાં જોઈએ જે એક યા બીજી રીતે સ્વાસ્થ્યકર છે. આપણે ત્યાં કારેલા જેવું હેલ્ધી શાક બહુ ઓછું ખવાતું હોય છે. શાક ખવાય ત્યારે પણ એની ગુણકારી છાલ ફેંકી દેવાય છે. મને બહુ જીવ બળે. આ છાલને જો મજાની રીતે પકાવી હોય તો બાળકો પણ આંગળાં ચાટીને ખાય. આવું જ બીજું સરગવાની શિંગનું છે. કૅલ્શિયમનો ઊંચો સ્રોત ગણાતો સરગવો બધી જ રીતે ગુણકારી છે. એની શિંગ, પાન, ફૂલ બધું જ વાપરી શકાય. સરગવાનાં ફૂલ, ફળ અને પાનમાં એટલું પોષણ છે કે વિશ્વભરના કુપોષણથી ઝૂઝતા લોકોને પણ ભોજનમાં સરગવાનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે. તમારી ડાયટમાં સરગવાના શાકનો સમાવેશ કરવો જોઈએ. આયુર્વેદમાં ૩૦૦ રોગોની સારવાર માટે સરગવાનો ઉપયોગ કરવામાં આવે છે.
તો ચાલો, આજે શેફ નેહા ઠક્કર પાસેથી હેલ્ધી પકોડા બનાવતાં શીખીએ.

કરેલા બૉલ્સ



એક વાટકી કારેલાની છાલ
અડધો વાટકી બેસન
અડધો વાટકી ઘઉંનો લોટ
એક ચમચી ગોળ
અડધી ટીસ્પૂન લાલ મરચું પાઉડર
એક ટીસ્પૂન વાટેલાં આદું-લસણની પેસ્ટ
એક ટીસ્પૂન ધાણાજીરું
અડધી ટીસ્પૂન હળદર
એક ટીસ્પૂન લીંબુનો રસ
ચપટી સોડા
મીઠું સ્વાદ અનુસાર
બે ટીસ્પૂન તેલ
વઘાર માટે
બે ટીસ્પૂન તેલ
અડધી ટીસ્પૂન રાઈ
ત્રણથી ચાર લીમડાનાં પાન
અડધી ટીસ્પૂન તલ
ચપટી હિંગ
બનાવવાની રીત
સૌપ્રથમ કારેલાની છાલમાં મીઠું ચોળી 5 મિનિટ સાઇડમાં રાખી દો.
હવે એક મોટા બાઉલમાં કારેલાની છાલ લઈ એમાં ચણાનો લોટ, ઘઉંનો લોટ, લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, ગોળ, કોથમીર, તેલનું મોણ આ બધું નાખી મિક્સ કરો.
હવે એના પર ચપટી સોડા અને એક ચમચી લીંબુનો રસ ઉમેરી ફરી મિક્સ કરો.
હવે તેલવાળો હાથ કરી નાના-નાના બૉલ વાળો.
હવે એક તપેલીમાં પાણી લઈ ઉપર ચાળણી રાખી બાફવા મૂકો.
દસ મિનિટ પછી ચપ્પુ વડે ચેક કરી ચપ્પુ ચોખ્ખું નીકળે તો બફાઈ ગયું સમજવું નહીં તો હજી 5 મિનિટ સુધી બફાવા દેવી.
હવે એક પૅનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, તલ, લીમડાનાં પાન અને ચપટી હિંગ નાખી બૉલ ઉમેરો.
બૉલને બન્ને બાજુ ધીમા તાપે કડક થવા દો.
તો તૈયાર છે ગરમાગરમ કારેલાની છાલના બૉલ.
વરસાદમાં આવા ગરમાગરમ બૉલ ખાવાની મજા પડી જશે.


જુવાર પકોડા

બે કપ જુવારના આખા દાણા
અડધો કપ અડદની દાળ
બે ટેબલસ્પૂન ખાંડ
બે ટેબલસ્પૂન આદું-મરચાની પેસ્ટ
૧ ટેબલસ્પૂન તલ
૧ ટેબલસ્પૂન સૂકા ધાણા
૧ ટેબલસ્પૂન વરિયાળી
અડધી ટીસ્પૂન આમચૂર પાઉડર
૧ કપ પાલકની ભાજી
અડધી ટીસ્પૂન ગરમ મસાલો
મીઠું, તેલ જરૂર મુજબ
બનાવવાની રીતઃ
સૌથી પહેલાં જુવારને ગરમ પાણીમાં ૮-૧૦ કલાક પલાળી રાખવી.
પછી કુકરમાં નાખી બે સીટી વગાડીને બાફી લેવી. જુવાર થોડી ઠંડી થાય પછી એને મિક્સરમાં અધકચરી વાટી લેવી.
જુવારની જેમ જ અડદની દાળને પણ ૫-૬ કલાક પાણીમાં પલાળી રાખવી. પછી એમાંથી પાણી નિતારી દાળને થોડી કોરી કરી મિક્સરમાં કરકરી વાટવી.
વરિયાળી અને ધાણાને અધકચરા ખાંડવાં.
હવે એક બાઉલમાં વાટેલી જુવાર અને અડદની દાળને મિક્સ કરવી.
પછી એમાં આદું-મરચાં, પાલકની ઝીણી સમારેલી ભાજી, ધાણા, વરિયાળી, ખાંડ, તલ, આમચૂર, મીઠું અને ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરવું.
ખીરું અડધો કલાક ઢાંકીને મૂકી રાખવું જેથી બધો મસાલો લોટમાં બરાબર મિક્સ થઈ જાય.
પછી એમાં સોડા નાખી ઉપર બે ટેબલસ્પૂન ગરમ તેલ નાખી બરાબર ફીણવું.
હવે કડાઈમાં તેલ ગરમ કરી મીડિયમ તાપે પકોડાને સરસ ક્રિસ્પી તળી લેવા.
ગરમાગરમ પકોડાને ચટણી સાથે પીરસવા.


ડ્રમસ્ટિક ભજિયાં

ત્રણ સરગવાની શિંગ
એક કપ સરગવાના ફૂલ
એક કપ ચણાનો લોટ
એક કપ ચોખાનો લોટ
એક ચમચી આદું-લસણની પેસ્ટ
પા ચમચી હળદર
અડધી ચમચી શેકેલા જીરાનો પાઉડર
પા ચમચી મરી પાઉડર
અડધી ચમચી ચિલી ફલેક્સ
અડધી ચમચી ચાટ મસાલો
એક ચમચી કલોંજી
મીઠું સ્વાદ પ્રમાણે
તેલ તળવા માટે
ચપટી હિંગ
બનાવવાની રીત
સૌપ્રથમ સરગવાની શિંગની લીલી છાલ કાઢી એના નાના ટુકડા કરી લેવા. એક શિંગમાંથી ચાર ટુકડા કરવા. હવે અડધો ગ્લાસ પાણીમાં ચપટી મીઠું નાખી ઉકાળી લેવું. સરગવાનાં ફૂલને સરખાં ધોઈ ઝીણાં સમારી લેવાં.
હવે એક બાઉલમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, બીજાં બધાં ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ કરી બૅટર બનાવવું. બૅટર થોડું જાડું જ રાખવું.
એક કડાઈમાં તેલ ગરમ કરવા રાખવું.
એમાંથી બે ચમચી ગરમ તેલ બૅટરમાં રેડવું. એમાં સરગવાની શિંગના ટુકડાને ડિપ કરી બધાં ભજિયાં તળી લેવાં.

સરગવામાંથી બીજું શું-શું બને?

સૂપ, કઢી, સંભાર જેવી વસ્તુમાં સરગવાનો ઉપયોગ થઈ શકે છે.
સરગવાનાં પાન, ફૂલો અને રેસાવાળી શિંગમાંથી સૂપ બનાવવામાં આવે છે.
સરગવાનાં બીજમાંથી સરગવાનું તેલ પણ બનાવવામાં આવે છે.
સરગવાનાં પાન અને મૂળમાંથી આયુર્વેદિક દવાઓ બનાવવા માટે ઉપયોગ થાય છે.
સરગવામાં ખૂબ જ પોષણ હોય છે તેથી એ કેટલીક બીમારીઓથી રક્ષણ આપે છે અને શરીરનાં અંગોને મજબૂત પણ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

17 July, 2020 12:21 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK