સાયકોસોમૅટિક રોગોના શિકાર ન થવું હોય તો કુટુંબના સભ્યો સાથે ઉષ્માભર્યા સંબંધો રાખો

Published: Nov 12, 2019, 14:55 IST | Varsha Chitaliya | Mumbai

પારિવારિક સંબંધોમાં ખટરાગ તમારા આરોગ્યને બગાડી શકે છે એવું ટેક્સસની યુનિવર્સિટીએ કરેલા રિસર્ચમાં સામે આવ્યું છે. રિલેશનશિપ કઈ રીતે તમારી ઓવરઑલ હેલ્થને શું ઇફેક્ટ કરે છે એ જાણી લો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

લાઇફ પાટર્નર, ભાઇ-બહેન, પેરન્ટ્સ અથવા સંતાનો, દરેક સંબંધનું જીવનમાં મહત્ત્વ હોય છે. સાયન્સ કહે છે કે પરિવારના સદસ્યો વચ્ચેના ભાવનાત્મક સંબંધોનો પ્રભાવ આપણા આરોગ્ય પર પડે છે. ઉપરોક્ત તમામ સંબંધોમાં ઘનિષ્ઠતા તમને નીરોગી રાખે છે જ્યારે નબળાં પારિવારિક સંબંધો તમારા આરોગ્ય માટે હાનિકારક હોવાનું એવું એક અભ્યાસમાં સામે આવ્યું છે.

રોમૅન્ટિક રિલેશનશિપમાં બ્રેકઅપથી વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડે છે એવું અગાઉના રિસર્ચમાં જણાવવામાં આવ્યું હતું. નવા સંશોધનમાં એનાથી જુદા પરિણામ સામે આવ્યા છે. ટેક્સસ યુનિવર્સિટીના પ્રોફેસર દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પ્રેમસંબંધનો અંત આવ્યા બાદ મન અને શરીરને જે અસર થાય છે એનાથી અનેકગણી વધુ અસર કુટુંબના સભ્યો સાથેના સંબંધોમાં ખટરાગથી થાય છે. મધ્યમ વયના આશરે બે હજારથી વધુ લોકો સાથે વાતચીત કર્યા બાદ તારણ નીકળ્યું હતું કે કૌટુંબિક મનમેળ ન હોવાના કારણે તેઓ રોગનો શિકાર બન્યા હતા. જર્નલ ઑફ ફૅમિલી સાયકોલોજીમાં પ્રકાશિત આ અહેવાલ અનુસાર કૌટુંબિક વાતાવરણ ડહોળાઈ જાય ત્યારે માથાનો દુખાવો, પેટને લગતા રોગો અને સ્ટ્રોકની શક્યતા વધી જાય છે.       

આ રિસર્ચ સાથે સહમત થતાં સાયકોલોજિસ્ટ અૅન્ડ રિલેશનશિપ કાઉન્સેલર િદપાલી પંડ્યા પરમાર કહે છે, ‘સંબંધોમાં ઉષ્મા જળવાઇ રહે તો જીવન ખુશહાલ બને, પરંતુ એ નબળાં પડે ત્યારે એની સીધી અસર તમારા માનસિક અને શારીરિક આરોગ્ય પર દેખાય છે. મારું માનવું છે કે હેલ્થ અને રિલેશનશિપ ઇન્ટર કનેક્ટેડ છે. નેવું ટકા રોગોનાં લક્ષણો સાયકોસોમૅટિક હોય છે. ડાયાબિટીઝ, કૅન્સર અને થાઇરોઇડ આ શ્રેણીમાં આવે છે. આપણે જેને જિનેટિક કહીએ છીએ એ દર વખતે વારસાગત નથી હોતા, પણ સાયકોસોમૅટિક હોય છે. દાખલા તરીકે થાઇરોઇડ. આ રોગ ગળામાં થાય છે. ગળું એક્સપ્રેસ કરવાનું અવયવ છે. તમને કોઈ બાબતનો અણગમો હોય પણ એની રજૂઆત ન કરો અથવા કરવા પર પ્રતિબંધ હોય અને અંદર ને અંદર વાતને ગોંધી રાખો તો ગળામાં ગૂંગળામણ થાય. આ સ્થિતિ લાંબો સમય રહે તો થાઇરોઇડ થવાની સંભાવના વધી જાય.’

ડાયાબિટિઝ અને કૅન્સરનું પણ એવું જ છે એવી માહિતી આપતાં દિપાલી આગળ કહે છે, ‘આ બન્ને રોગમાં ગુસ્સો મુખ્ય લક્ષણ છે. સંબંધ વણસે એટલે સામેવાળી વ્યક્તિ પર તમને સખત ગુસ્સો આવે. આ ગુસ્સો હૅન્ડલ ન કરી શકો ત્યારે એના કૅન્સર સેલ્સમાં કન્વર્ટ થવાના ચાન્સિસ વધી જાય. સામાન્ય રીતે જૉઈન્ટ ફૅમિલીમાં રહેતી વ્યક્તિ સંબંધોમાં બૅલૅન્સ રાખવામાં થાપ ખાઈ જાય છે. પતિ પેરન્ટ્સને કહી શકતો નથી અને વાઇફને નારાજ કરે તો દામ્પત્યજીવનની ગાડી પાટા પરથી ઉતરી જાય. મારી પાસે એક કેસ આવ્યો હતો જેમાં હસબન્ડ-વાઇફ વચ્ચે સેક્સુઅલ રિલેશનશિપમાં કંઈક ખૂટતું હતું. બન્નેની હેલ્થ સારી હોવા છતાં શારીરિક સંબંધો નહોતાં. આવા સંજોગો ત્યારે ઊભા થાય જ્યારે તમારી અંદર એકબીજા પ્રત્યે અણગમો અને ગુસ્સો હોય. સંબંધોમાં બીટરનેસ વધે ત્યારે તમારું શરીર એક્સ્ટ્રા શુગર જનરેટ કરે છે. આ ઉપરાંત ઊંઘ પર પણ વિપરીત અસર જોવા મળે. કબજિયાત અને ઇરીટેશન (શરીરમાં બળતરાં) થાય. આ બધા ડિસઑર્ડરમાં તમારી લાઇફસ્ટાઇલ અને ઇન્ટરનલ રિલેશનશિપ વચ્ચે ઇમ્બૅલૅન્સનો રોલ હોય છે.’

દરેક વ્યક્તિનો સંબંધોને જોવાનો દૃષ્ટિકોણ જુદો હોય છે. નાના નાના મુદ્દાઓને લઈને થતાં ઝઘડાઓ પરિવારને તોડી નાખે છે. કેટલાંક સંજોગોમાં માત્ર સંતાનોના ભવિષ્યને નજરમાં રાખી પેરન્ટ્સ એક છત નીચે રહેવા મજબૂર હોય છે. તો ક્યારેક સંતાનો જ રોગનું કારણ બને છે. કોઈપણ સંબંધ શરતોને આધિન ન હોવો જોઈએ. એક જ છત નીચે રહેતી વ્યક્તિ ખુશ ન હોય એ નબળા સંબંધની નિશાની છે. પરાણે ઢસડાતા સંબંધોમાં મધુરતાનો અભાવ આરોગ્ય બગાડવાનું કામ કરે છે. માલિકીભાવ, એકલતા, વાતચીતનો અભાવ, પાર્ટનરમાં રુચિ ઓછી થઈ જવી, આર્થિક તંગી વગેરે પારિવારિક સંબંધો નબળા પડવાનાં મુખ્ય કારણો છે એવું સ્ટડી કહે છે. માલિકીભાવ રાખવો અથવા પઝેસિવ હોવું એટલે સંબંધોનો અંત આણવો. દામ્પત્યજીવનમાં સમસ્યાઓ ઊભી થવાની શરૂઆત અહીંથી થાય છે. મોકળાશ વગરના સંબંધો લાંબો સમય ટકી શકતા નથી.

ઘણાના ઘરોમાં આપણે જોઈએ છીએ કે બધા પોતપોતાની રીતે જીવન જીવતાં હોય છે. વાસ્તવમાં એક જ છત નીચે રહીને પણ તેઓ એકલવાયું જીવન વીતાવે છે. આવું વાતાવરણ જરાય યોગ્ય નથી. આજે પતિ-પત્ની બન્ને વર્કિંગ હોય છે. બન્નેના કામ કરવાના જુદા ટાઇમ એકલતાનું કારણ બને છે. એજ રીતે સંતાનોના સમય મેચ થતાં નથી તેથી કમ્યુનિકેશન ગૅપ વધતું જાય છે. આ સંદર્ભે વાત કરતાં દીપાલી કહે છે, ‘આજના જમાનામાં માલિકીભાવ અને એકલતા જોવા મળતી નથી. સોશ્યલ મીડિયા અૅડિક્શનની હદ સુધી પહોંચી ગયું છે. ઘરમાં નાના-મોટાં સૌ કોઈ મોબાઇલ લઈને ખૂણામાં પડ્યા રહે છે જેમાં સમયનો ખયાલ રહેતો નથી. આને તમે એકલતા નહીં સમયનો દુરપયોગ કહી શકો. તમારા ટાઇમની વૅલ્યુ નથી કરતાં તેથી એકલા હોવાનો આભાસ થાય છે. પરિવારના સભ્યો વચ્ચે ક્મ્યુનિકેશન ગૅપ સંબંધોને નબળાં કરે છે અને આ જ વાતાવરણની તમારા આરોગ્ય પર અસર થાય છે.’

સંતાનો સાથે સંબંધો વણસે ત્યારે પેરન્ટ્સનું બ્લડ-પ્રેશર વધી જાય છે એનું કારણ છે આપણી માનસિકતા એવો જવાબ આપતાં તેઓ કહે છે, ‘સંતાનો અને પેરન્ટ્સ વચ્ચે સંબંધોની ગરિમા જળવાતી નથી કારણકે આપણે ત્યાં બે જ પ્રકારના પેરન્ટ્સ જોવા મળે છે. એક કંટ્રોલિંગ કરતાં અને બીજા કરેક્શન કરતાં. કંટ્રોલિંગ અને કરેક્શન રોગનું મૂળ છે. તમારા સંતાનની કૅપેસિટીને જાણ્યા વગર અથવા દેખાદેખીમાં તમે ટાસ્ક ફોકસ થઈ જાઓ છો તેથી તેઓ તમારાથી ભાગે છે. સંતાનો કહ્યું માનતાં નથી એટલે તમને ગુસ્સો આવે, રાડારાડ કરો, ક્મ્યુનિકેશન ન થાય અને સ્ટ્રેસ વધે. સ્ટ્રેસથી અનેક પ્રકારના રોગ થાય. આજની ફાસ્ટ લાઇફમાં સ્ટ્રેસ હોવું એ સામાન્ય બાબત છે, પરંતુ એ નેગેટિવ છે કે પૉઝિટિવ એના પર તમારું આરોગ્ય નિર્ભર કરે છે. સંતાનોના ભવિષ્ય માટે વધુ પૈસા કમાવવાનો સહિયારો પ્રયાસ કરો અને સ્ટ્રેસ લો એનાથી તબિયત નથી બગડવાની પણ એને કરેક્ટ કરવાનો પ્રયત્ન કરો છો તેમ જ તમારી અપેક્ષાઓમાં પાર

ઉતારવા માટે અન્ય સાથે એની તુલના કરો છો અને ત્યારે જે સ્ટ્રેસ પડે છે એ તમારી હેલ્થ બગાડે છે. સંબંધોમાં મધુરતા જળવાઈ રહે એ માટે બનતા પ્રયાસો કરવામાં સમજદારી છે. સંબંધોને રિ-સ્ટોર કરવા કૉમ્પ્રોમાઇઝ અને કમ્યુનિકેશન જરૂરી છે. વાતચીત દરેક સમસ્યાનું નિવારણ છે.’

આટલું કરો

ફૅમિલી માટે પૂરતો સમય ફાળવો.

નકારાત્મક અને તણાવગ્રસ્ત વાતાવરણથી આરોગ્ય બગડે છે, ઘરનું વાતાવરણ હળવું રહે એવા પ્રયાસો કરો.

સંબંધોમાં અતિશય ઢીલ અથવા અતિશય ખેંચતાણ ન થાય એનું ધ્યાન રાખો.

પહેલેથી કોઈ રોગ હોય ત્યારે તમારા ગુસ્સા અને ઇગોને કાબૂમાં રાખો.

દરેક સંબંધમાં પ્રામાણિકતા રાખશો તો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે.

જવાબદારી અને કમિટમેન્ટ્સને સર્વાધિક પ્રાધાન્ય આપો.

ઘરના સભ્યોની દરેક બાબતમાં હસ્તક્ષેપ કરવાની ટેવ હોય તો સુધારી લો તેમ જ

તમારી વ્યક્તિગત વિચારધારાને તેમના પર થોપવાનો પ્રયાસ કદાપિ ન કરો.

જિનેટિક રોગની અસર સામાન્ય રીતે ચાળીસની ઉંમર બાદ જોવા મળે છે, એનાથી વહેલી અસર દેખાય તો સાવધ થઈ જાઓ.

મેડિટેશન અને હળવી ઍક્સરસાઇઝને તમારી લાઇફસ્ટાઇલમાં સામેલ કરો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK