તમારા નાસ્તા બદલશો તો વજન આપમેળે ઘટવા માંડશે

Published: Nov 29, 2019, 13:41 IST | Sejal Patel | Mumbai

આપણે ત્યાં સ્નૅક્સ માટેની જે આઇટમો હોય છે એ મોસ્ટ અનહેલ્ધી હોય છે. ખોટા સમયે અને ખોટી ચીજો સ્નૅક્સ તરીકે લેવામાં આવે છે ત્યારે હેલ્ધી લંચ-ડિનરની અસર પણ નથી થતી

ઓબેસિટી
ઓબેસિટી

ગ્લોબલ માર્કેટિંગ રિસર્ચ કંપનીનું કહેવું છે કે ભારતીયો ભૂખ લાગે ત્યારે નહીં, પરંતુ રિલૅક્સ થવા અને સ્ટ્રેસ ઘટાડવા માટે સ્નૅક્સ ખાય છે. એને કારણે જીભને ગમે એવી વાનગીઓ જ પેટમાં પધરાવાય છે. આપણે ત્યાં સ્નૅક્સ માટેની જે આઇટમો હોય છે એ મોસ્ટ અનહેલ્ધી હોય છે. ખોટા સમયે અને ખોટી ચીજો સ્નૅક્સ તરીકે લેવામાં આવે છે ત્યારે હેલ્ધી લંચ-ડિનરની અસર પણ નથી થતી

વજન.

કાનો-માત્રા વિનાનો આ શબ્દ ખૂબ ભારે છે. જ્યારે વજન ઘટાડવું હોય ત્યારે તો ખાસ. અનેક ડાયટ-પ્લાન વજન ઘટાડવા માટે અત્યાર સુધીમાં શોધાયા છે અને અમુક હદ પછી એ નાકામિયાબ નીવડ્યા છે. સવારનો બ્રેકફાસ્ટ રાજાની જેમ કરવો, બપોરનું ભોજન રાણીની જેમ અને ડિનર દરિદ્રની જેમ કરવું. આ એક એવી ડાયટ-ટિપ છે જેમાં પશ્ચિમનું મૉડર્ન મેડિસિન સાયન્સ પણ સહમત છે અને ભારતનું પરંપરાગત પ્રાચીન વિજ્ઞાન પણ. કદાચ આ બાબત હેલ્ધી રહેવાનો મૂળ મંત્ર છે એમ કહીએ તો ચાલે. જોકે આજની જીવનશૈલીમાં આ મૂળ મંત્ર હવા થઈ ગયો છે. રાધર, મુંબઈગરાઓનું તો શેડ્યુલ જ એવું હોય છે કે તેઓ કેમેય કરીને નાસ્તા, લંચ અને ડિનરમાં ઉપરોક્ત સંતુલન કેળવી શકતા નથી. એને કારણે વચ્ચે-વચ્ચે કટકબટક નાસ્તા ફાકવાની આદત પડી જાય છે. આ નાસ્તા વજન વધવાનું બહુ મહત્વનું કારણ બની શકે છે એવું બ્રિટનની યુનિવર્સિટીના અભ્યાસમાં કહેવાયું છે.

બ્રિટનમાં છેલ્લા બે દાયકામાં ઓબેસિટીનું પ્રમાણ લગભગ બમણું થઈ ગયું છે. આવું કેમ થઈ રહ્યું છે અને લોકોની ભોજનશૈલીમાં કેવી ભૂલો થાય છે એ સમજવા માટે થયેલા દોઢ વર્ષના અભ્યાસ પછી તારણ નીકળ્યું હતું કે લંચ-ડિનર ઉપરાંત કંઈક ચગળ્યા કરવાની આદત શરીરમાં વણજોઈતી ચરબીનો ભરાવો કરે છે. એ પછી તો લોકો કેવા નાસ્તા ખાય છે, કયા સમયે ખાય છે અને કેટલી માત્રામાં ખાય છે એની વિગતોના આંકડાની પણ તપાસ કરવામાં આવી. બ્રિટનમાં માત્ર ૫૦ ટકા લોકો જ ભૂખ્યા હોય ત્યારે સ્નૅક્સ શોધે છે, અડધોઅડધ લોકો જસ્ટ ક્રૅવિંગ થયું છે અથવા તો ‘મૂડ નથી’ અથવા તો ‘મૂડ બહુ સરસ છે’ એટલે નાસ્તો ઝાપટે છે. બિઝી લાઇફસ્ટાઇલમાંથી સહેજ બ્રેક લેવાના નામે લોકો નાસ્તો કરે છે. આ આદતો હેલ્થની દૃષ્ટિએ જોખમી છે એ કહેવાની જરૂર નથી. બીજું, આ માત્ર બ્રિટનની જ હાલત છે એવું નથી. ભારતમાં પણ નાસ્તા ખાવાની બાબતમાં કંઈ ખાસ હેલ્ધી ઍટિટ્યુડ નથી જોવા મળતો. ગ્લોબલ માર્કેટિંગ રિસર્ચ કંપની મિન્ટેલ દ્વારા થયેલા સર્વેમાં લોકોની સ્નૅક્સ વિશેની મેન્ટાલિટી શું છે એ પણ છતી થઈ રહી છે. આ સર્વે મુજબ ૬૦ ટકા લોકો દિવસમાં બે વાર નાસ્તો કરે છે જ્યારે ૧૫ ટકા લોકો સુપરસ્નૅકર્સ છે. મતલબ કે દિવસમાં ચારથી વધુ વાર નાસ્તો ઝાપટે છે. રાતે મોડા જાગવાનું છે તો કંઈક ખાવાનું, બપોરે કંટાળો આવે છે તો કંઈક નાસ્તો ચગળવાનો, સમી સાંજે હજી જમવાનું બન્યું નથી તો હાથમાં જે આવે એ ઇન્સ્ટન્ટ સ્નૅક્સ આરોગવાનું.

સર્વેમાં એ પણ સમજવાની કોશિશ થઈ હતી કે લોકો કેવા સંજોગોમાં નાસ્તા તરફ વળે છે. મિન્ટેલના આંકડા મુજબ દર પાંચમાંથી બે વ્યક્તિ કોઈક ને કોઈક પ્રકારનો સ્ટ્રેસ ઘટાડવા માટે નાસ્તા શોધે છે. ૪૨ ટકા લોકો કામમાંથી થોડો બ્રેક લઈને રિલૅક્સ થવું હોય ત્યારે લોકો નાની-નાની ટેસ્ટી ટ્રીટ્સ ખાવાનું પસંદ કરે છે. ૪૪ ટકા લોકો નાની-નાની ખુશીઓની ઉજવણી માટે જીભને ભાવે એવા નાસ્તા તરફ વળે છે. આપણે જોયું છે કે જ્યારે કંઈક ખુશીની વાત હોય એટલે તરત જ લોકો બોલતા હોય છે, ‘ચલો પાર્ટી હો જાએ...’ અને પાર્ટીમાં તો થોડી અનહેલ્ધી ચીજ હોય તોય ચાલી જાય એ અભિગમ વધુ છલકાય છે.

દરેક પ્રસંગમાં ખાવાનું

ઉપરોક્ત અભ્યાસ અને સ્નૅક્સ પ્રત્યેના અભિગમ સાથે સહમત થતાં મુંબઈ સેન્ટ્રલની વૉકહાર્ટ હૉસ્પિટલનાં ડાયટિશ્યન ડિપાર્ટમેન્ટનાં હેડ અમરીન શેખ કહે છે, ‘આપણે લોકો બહુ ઉત્સવપ્રેમી છીએ અને ઉત્સવની ઉજવણી તો ખાઈ-પીને જ થાય એવી આપણી માન્યતા છે. દરેક નાની-મોટી ખુશી, મેળાવડા, ગેટ-ટુગેધર કે ઈવન જૂનો દોસ્ત મળી જાય તોય ‘ચલ કંઈક મસ્ત ખાઈએ’ ત્યાંથી જ વાતની શરૂઆત થાય. અને આપણે જે નાસ્તા ખાઈએ છીએ એ પણ મૅટર કરે છે. સમોસાં, વડાં, બેકરી-આઇટમ્સ જ ખાવાનું મન થાય. વળી, કુકીઝ અને તળેલા રેડીમેડ નાસ્તાના તો ડબા ભરેલા જ હોય છે.’

આ વાત સાથે પૂરી રીતે સહમત થતાં અપોલો સ્પૅક્ટ્રા હૉસ્પિટલનાં બૅરિયાટ્રિક સર્જ્યન ડૉ. અપર્ણા ગોવિલ ભાસ્કર કહે છે, ‘આપણને આખો દિવસ ખાવાપીવાની જ વાતો સૂઝે છે. આપણા ઘરે કોઈ આવે ત્યારે તેમને ટેસ્ટી નાસ્તો ન પીરસો તો ખરાબ લાગે. આપણે કોઈકને ત્યાં જઈએ તોય નાસ્તાપાણીની ઑફર તો થાય જ. આપણે આખો દિવસ અભાનપણે કંઈક ને કંઈક ખાતા જ રહેતા હોઈએ છીએ. નાસ્તાના થોડા ફાકડા મારવાની આદત પણ બહુ ઊંડે ઊતરી ગઈ છે. જમવાના સમયે જ વ્યવસ્થિત જમવું અને બાકીના સમયે પેટને આરામ આપવો એ સભાનતા આવી જ નથી. એને કારણે તમે ભલે લંચ કે ડિનર તમારા ડાયટ-પ્લાન મુજબ લેતા હો, પણ નાસ્તાના નામે એટલો કચરો પેટમાં ઠાલવો છો કે બધું સાટું વળી જાય.’

હેલ્ધી સ્નૅક્સ શું?

હવે જ્યારે આપણને કંઈક ને કંઈક ચગળ્યા કરવાની આદત પડી જ છે ત્યારે ઍટ લીસ્ટ આપણે એ ચગળવામાં હેલ્ધી ચીજોનો સમાવેશ કરીએ એ બહેતર છે. જોકે હેલ્ધી સ્નૅક્સના નામે પ્રોટીન બાર, મલ્ટિગ્રેઇન કુકીઝ જેવી પૅક્ડ આઇટમ્સ મળે છે એ પણ છેતરામણી છે. અગેઇન અહીં મિન્ટેલ રિસર્ચ કંપનીના સર્વેની વાત કરીએ. કોઈ પણ પૅક્ડ સ્નૅક્સ આઇટમ્સ ખરેખર હેલ્ધી નથી હોતી, કેમ કે એમાં શુગર અને સોડિયમનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. એવામાં તમે જાતે કેવા સ્વાસ્થ્યપ્રદ નાસ્તા હાથવગા રાખી શકો એ વિશેની ટિપ્સ આપતાં ડાયટિશ્યન અમરીન શેખ કહે છે, ‘પહેલાં તો એ સમજવું પડે કે ભેળપૂરી, વડાપાંઉ, સમોસાં, ઢોસા, દાબેલી કે એવા કોઈ ફાસ્ટ-ફૂડ નાસ્તા કેમ હાનિ કરે છે. એનું સૌથી મોટું કારણ એ છે કે એમાં પ્રોટીનની માત્રા ઘણી ઓછી અને સહેલાઈથી પચી જાય એવું કાર્બોહાઇટ્રેટ વધારે હોય છે. નાસ્તામાં તમે પ્રોટીનયુક્ત ચીજો લો તો એ ઓવરઑલ ડાયટને બૅલૅન્સ કરે. રોસ્ટેડ ચણા, બૉઇલ્ડ ફણગાવેલાં કઠોળ, પૉપકૉર્ન, શેકેલા મખાના, વેજિટેબલ પૌંઆ, ઉપમા, સેવ-મમરા અને પૂરી વિ‌નાની ભેળ જેવી ચીજો તમે નાસ્તામાં લો તો એ હેલ્ધી રહે. કંઈ નહીં તો મુઠ્ઠીભર ડ્રાયફ્રૂટ્સ ચાવીને ખાઈ શકાય.’

કન્ટ્રોલ કરવામાં મદદ થાય સર્જરી

જ્યારે વજન આઇડિયલ કરતાં ૩૦-૩૫ કિલો કે એથી પણ વધારે હોય ત્યારે વજન ઘટાડવાની સર્જરી કરવામાં આવતી હોય છે. અલબત્ત, આ સર્જરી પણ સપોર્ટિવ જ હોય છે એટલે એ પછી ડાયટમાં ધ્યાન રાખવું નહીં પડે અને આપમેળે વજન ઘટી જશે એવું ન ધારી લેવાય એમ સમજાવતાં ડૉ. અપર્ણા કહે છે, ‘બૅરિયાટ્રિક સર્જરી ત્યારે જ કરવામાં આવે છે જ્યારે વ્યક્તિનો બીએમઆઇ ૩૫ કે એથી વધારે હોય. જ્યારે વજન અતિશય વધારે હોય ત્યારે દરદીને ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, કિડનીની તકલીફ જેવી બીજી અનેક સમસ્યા હોય છે. એવા સમયે જલદી વજન ઉતારવામાં મદદ થાય એ માટે બૅરિયાટ્રિક સર્જરી થાય છે. એનાથી તેઓ પોતાના ક્રૅવિંગ્સને સહલાઈથી કન્ટ્રોલ કરી શકે છે. તેમને ભૂખ લાગે છે, પણ થોડું ખાઈને તેમનું પેટ ભરાઈ જાય છે. આપમેળે તેમની ખાવાની ક્વૉન્ટિટી કન્ટ્રોલમાં આવી જાય છે. અલબત્ત, એ પછી પણ તેમને શું ખાવું એની ક્વૉલિટી અને ન્યુટ્રિશન બાબતે તો નૉર્મલ માણસો જેવી કાળજી રાખવી જ પડે છે.’

સાચી ભૂખ છે કે નહીં?

મોટા ભાગે લોકો સુસ્તી ઉડાડવા, સ્ટ્રેસ ઘટાડવા, રિલૅક્સ થવા કે કંટાળો દૂર કરવા માટે કંઈક ખાવા પ્રેરાતા હોય છે. એટલે કંઈક ચગળવાનું મન થાય ત્યારે સૌથી પહેલાં તો સભાનપણે એ વિચારવું જરૂરી છે કે તમને ખરેખર ભૂખ લાગી છે કે પછી ઇમોશનલ  કારણસર ફીલગુડ માટે તમે ખાવાનું શોધી રહ્યા છો. જ્યારે વ્યક્તિ ફીલગુડ માટે ખાવાનું શોધતી હોય ત્યારે તેને મોટા ભાગે સ્વીટ, સૉલ્ટી, તળેલી અને જીભને ચટાકો કરાવે એવી ચીજો ખાવાનું જ ગમે છે. જો તમે હેલ્ધી અને થોડે અંશે ઓછું ટેસ્ટી લાગે એવી ચીજ પણ ખાવા તૈયાર થઈ જાઓ ત્યારે તમને સાચી ભૂખ લાગી છે એમ કહી શકાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK