Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સવારે કસરત કરવાનું નથી ફાવતું એટલે રાતે કરો છો? તો આ વાંચી જાઓ

સવારે કસરત કરવાનું નથી ફાવતું એટલે રાતે કરો છો? તો આ વાંચી જાઓ

17 March, 2020 04:45 PM IST | Mumbai
Darshini Vashi

સવારે કસરત કરવાનું નથી ફાવતું એટલે રાતે કરો છો? તો આ વાંચી જાઓ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સવારે વહેલા ઊઠીને વ્યાયામ કરવો જોઈએ એવું આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ. સ્કૂલમાં પણ પીટીના વર્ગ વહેલી સવારે લેવામાં આવતા હતા એટલે નાનપણથી આપણા મગજમાં બેસી ગયું છે કે એક્સરસાઇઝ તો હંમેશાં સવારના સમયે જ કરવી જોઈએ, પરંતુ બદલાતી જતી લાઇફસ્ટાઇલને કારણે હવે વધુ ને વધુ લોકો રાતના સમયે એક્સરસાઇઝ કરવા તરફ આગળ વધ્યા છે ત્યારે આ સમયે કરવામાં આવતી એક્સરસાઇઝ તમારી રાતની ઊંઘને કેવી રીતે અસર કરે છે અને એને લીધે બીજા કયા ફાયદા અને નુકસાન થાય છે એની અહીં વિગતવાર ચર્ચા કરીશું.

પરંપરાગત રીતે એક્સપર્ટ‍્‍સ રાતના સમયે એક્સરસાઇઝ કરવાની સલાહ આપતા નથી, પરંતુ સ્પોર્ટ્‍સ મેડિસિનના અહેવાલ પ્રમાણે સાંજના સમયે કરવામાં આવતી એક્સરસાઇઝ ઊંઘને એટલી ખલેલ પહોંચાડતી નથી જેટલી રાતના સમયે કરેલી એક્સરસાઇઝ પહોંચાડે છે. આ અહેવાલ પર વધુ પ્રકાશ પાડતાં હાર્વર્ડ મેન્સ હેલ્થ વૉચના ચીફ હાર્વર્ડ લી વાઇનનું કહેવું છે કે, ‘સાંજના સમયે અને રાતના સમયે એક્સરસાઇઝ કરતા વિવિધ એજ-ગ્રુપના લોકો પર લગભગ ૨૩ જેટલાં રિસર્ચ હાથ ધરવામાં આવ્યાં હતાં જેમાં મોટા ભાગનાં રિસર્ચમાં એક જ તારણ બહાર આવ્યું છે કે રાતના સમયે એટલે સૂવાના સમય કરતાં કલાક પૂર્વે જ એક્સરસાઇઝ કરતા લોકોને જલદીથી ઊંઘ આવતી નથી તેમ જ ઊંઘમાં પણ ખલેલ પહોંચે છે, જ્યારે સાંજના સમયે એક્સરસાઇઝ કરનાર લોકોને રાત્રે ઊંઘ ઝડપથી આવી જાય છે તેમ જ ઊંઘમાં ખલેલ પણ પડતી નથી.’ આ રિસર્ચમાં કેટલું તથ્ય છે અને એક્સરસાઇઝની સાથે ઊંઘનો કેવો અને કેટલો સબંધ છે એ વિશે વધુ વિસ્તારપૂર્વક સમજવા આ બાબતની સાથે સંકળાયેલલી વ્યક્તિઓ સાથે વાત કરીએ...

ઊંઘ અને એક્સરસાઇઝના સમયને કેટલી લેવા-દેવા છે એ વિશે સેલિબ્રિટી જિમ-ટ્રેઇનર વિનોદ ચિન્ને કહે છે, ‘માનવશરીરની રચના એવી છે કે એને મે જે રીતે ટ્રેન કરો એ રીતે ઍડ્જસ્ટ થતું જાય, પરંતુ ધીરે ધીરે. એક્સરસાઇઝની બાબતમાં પણ એવું જ છે, જેમ-જેમ તમારું શરીર એની સાથે ઍડ્જસ્ટ થતું જશે એમ વધુ કમ્ફર્ટેબલ ફીલ કરતા જશો. જેમ ઘણા લોકોએ કયારે એક્સરસાઇઝ કરી જ નથી અને અચાનક રાતે હેવી વર્કઆઉટ કરવાનું શરૂ કરી દે તો પછી તેમની ઊંઘને અસર થવાની જ છે. જિમ-ટ્રેઇનર તરીકે મેં બે પ્રકારના લોકો જોયા છે; જે લોકોએ ક્યારેય એક્સરસાઇઝ કરી નથી તેઓ રાતે હેવી વર્કઆઉટ કરે તો તેમની બૉડી ઓવર-ઍક્ટિવ થઈ જાય છે અને ઊંઘ આવતી નથી. બીજા એવા લોકો પણ છે જેઓ રાત્રે એક્સરસાઇઝ કરે છે, પરંતુ થોડી હળવી કરે છે અને જમવા તથા ઊંઘવાના સમય વચ્ચે તાલમેલ જાળવીને રાતના સમયે એક્સરસાઇઝ કરે છે તેઓને ઊંઘવામાં કોઈ સમસ્યા આવતી નથી. આવી જ રીતે ઘણા એવા પણ કેસ જોવા મળે છે જેમાં ઘણાને વર્ષોથી સવારના સમયે જ એક્સરસાઇઝ કરવાની આદત હોય છે, પરંતુ અચાનક જ રાતના સમયે એક્સરસાઇઝ કરવાની શરૂઆત કરી દે છે એવી વ્યક્તિને પણ ઊંઘનો પ્રૉબ્લેમ નડે છે.’



ડાયટમાં પણ ધ્યાન


માત્ર એક્સરસાઇઝ કેવી કરવી અને કયા સમયે કરવી એ જ મહત્ત્વનું નથી, એની સાથે ડાયટ પણ મહત્ત્વનું છે એવી સલાહ આપતાં વિનોદ ચિન્ને કહે છે, ‘તમે કેવા પ્રકારની એક્સરસાઇઝ કરો છો એ અનુસાર ડાયટનું પણ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે એક્સરસાઇઝ કર્યા બાદ કાર્બોહાઇડ્રેટ્સનો ઇન્ટેક લેવો ખૂબ જરૂરી બને છે, પરંતુ અહીં ઘણા લોકો ડાયટમાં રાતના સમયે કાર્બ્સ લેવાનું ટાળે છે જેને લીધે રાતે એક્સરસાઇઝ કરનારાઓમાં કાર્બની ઊણપ રહે છે. હકીકત એ છે કે એક્સરસાઇઝ કર્યા પછી શરીરમાં એનર્જી ઘટી જાય છે. શરીરને એનર્જેટિક રાખવા માટે પ્રોટીન સાથે કાર્બ્સની પણ એટલી જ જરૂર પડે છે. જો કાર્બ ઝીરો થઈ જશે તો પણ ઊંઘ નહીં આવે એટલે એક્સરસાઇઝ સાથે બૅલૅન્સ ડાયટ પણ ઊંઘ માટે એટલું જ જરૂરી છે. જેમ તમે એક્સરસાઇઝ પહેલાં એનર્જી માટે ખાઓ છો એમ એક્સરસાઇઝ પછી રિકવરી માટે પણ ખાવું જોઈએ. જો તમે અડધો કલાક વર્કઆઉટ કરવાના હો તો તમારે તે પહેલાં હેવી ખાવું જોઈએ નહીં અને જો ખાવું હોય તો બેથી ત્રણ કલાક પહેલાં ખાઈ લેવું. શરીરને એ પચાવવા માટે બેથી ત્રણ કલાક લાગે છે. જો વર્કઆઉટ અને ખાવાની વચ્ચે વધુ અંતર ન રહી શકવાનું હોય તો ફ્રૂટ ખાઈ લેવાં જે પચવામાં સહેલાં રહે છે.’

કઈ કસરત કરવી?


રાતે કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ એ વિશે જણાવતાં વિનોદ ચિન્ને કહે છે, ‘ફરીથી એ જ જે તમારા શરીરને માફક આવે એ એક્સરસાઇઝ કરવી જોઈએ. તમને ખબર હોય કે તમે કરી શકશો એ અને કોઈ તકલીફ નહીં પડતી હોય તો દરેક જણ દરેક વર્કઆઉટ કરી શકે છે. એક દિવસ કાર્ડિયો, એક દિવસ કિક-બૉક્સિંગ તો એક દિવસ યોગ તો એક દિવસ ડાન્સિંગ એમ એક્સરસાઇઝમાં વૈવિધ્યકરણ લાવીને પણ કરી શકો છો, જે તમારા શરીર અને મગજ પર વધુ પ્રેશર નહીં લાવે તેમજ તમે એને એન્જૉય પણ કરી શકશો.’

આઇડિયલી જોવા જઈએ તો પૂરતી ઊંઘ લીધા બાદ કરેલી એક્સરસાઇઝ બધી રીતે બેસ્ટ રિઝલ્ટ આપે છે, કેમ કે તમે એક્સરસાઇઝ કરો એટલે બ્લડ-સર્ક્યુલેશન વધે છે, ઑક્સિજનનો ઇન્ટેક વધે છે, બ્રેન ઓવર-ઍક્ટિવ બને છે એવા સમયે તમારી મેન્ટલ અને ફિઝિકલ એમ બન્ને ફિટનેસ વધી જાય છે જેથી તમારી કામ કરવાની શક્તિ અને ક્ષમતા પણ વધી જાય છે અને કામનું સારું રિઝલ્ટ પણ આપી શકો છો, પરંતુ જો આ એક્સરસાઇઝ રાતે કરવામાં આવે તો શું થાય? સ્વાભાવિક રીતે ઊંઘ ન જ આવે એમ જણાવતાં જનરલ ફિઝિશ્યન ડૉ. સંદીપ મહેતા આગળ કહે છે, ‘જેઓની લાઇફસ્ટાઇલ રાતની થઈ ગઈ છે એ લોકો ન ઇચ્છતા હોય તો પણ તેઓએ રાતના સમયે એક્સરસાઇઝ કરવી પડે છે. એક્સરસાઇઝ કરવા માટેનો બેસ્ટ સમય વહેલી સવારનો હોવો જોઈએ, પરંતુ આજે મોટા ભાગના યંગસ્ટર રાતે જ એક્સરસાઇઝ કરે છે, કેમ કે તેમને એ જ સમય અનુકૂળ રહે છે, પરંતુ હા, જેમની નાઇટ શિફ્ટ હોય અથવા તો મોડેથી સૂવાની આદત હોય એ લોકોને રાતે કરેલી એક્સરસાઇઝ નડતી નથી.’

હળવું વર્કઆઉટ બધાને ફળે

લાઇટ એક્સરસાઇઝ અથવા વૉકિંગ લેવામાં કોઈ વાંધો નથી એમ જણાવતાં ડૉ. સંદીપ મહેતા કહે છે, ‘આખા દિવસ દરમ્યાન સમય ન મળે તો રાતે જિમમાં જવાને બદલે ઘરે જઈને હળવું વર્કઆઉટ અથવા વૉકિંગ કરી શકાય છે. રાતના સમયે એક્સરસાઇઝ કરો તો તમારા જમવા, એક્સરસાઇઝ અને સૂવાના સમયની વચ્ચે વધુ અંતર રહેતું નથી જે મુશ્કેલી નોતરી શકે છે. ઘણી વાર લોકો ૭-૮ વાગ્યે ઑફિસથી ઘરે આવે છે, જમે છે અને અડધો કલાકમાં જિમમાં જાય છે જેને લીધે ભરેલા પેટે એક્સરસાઇઝ હાર્ટ-અટૅકને પણ આમંત્રી શકે છે. ચક્કર પણ આવી શકે છે. બીપીમાં પણ ઉતાર-ચડાવ આવે છે અને આટલું ઓછું હોય એમ એક્સરસાઇઝ કરીને સીધા સૂઈ જવાનું થાય પછી તો મુશ્કેલી વધી જાય. તમારી ગાડી ફુલ સ્પીડમાં દોડતી હોય અને અચાનક એને બ્રેક લાગે તો શું થાય? એવું જ કંઈક તમારી સાથે એક્સરસાઇઝ કર્યા પછી થઈ શકે છે. એક્સરસાઇઝ અને સૂવાની વચ્ચે ઓછામાં ઓછું ચાર કલાકનું અંતર હોવું જોઈએ. કોઈક વાર અથવા તો થોડા સમય માટે રાતે એક્સરસાઇઝ કરવી એક વખત ચાલી જાય એમ છે, પરંતુ કાયમી ધોરણે એ યોગ્ય નથી. ટૂંકમાં બાયોલૉજિકલ રીતે જે પ્રમાણે આપણું શરીર ટેવાયેલું છે એ રીતે સવારે ઊઠીને અને ખાલી પેટે કરેલી એક્સરસાઇઝ બેસ્ટ રિઝલ્ટ આપે છે.’

Whatsapp-channel Whatsapp-channel

17 March, 2020 04:45 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK