કોઈ વખાણ કરે તો હું હવામાં ઊડવા માંડું અને જો કોઈ ટીકા કરે તો દુઃખ થાય

Published: Dec 10, 2019, 12:24 IST | Sejal Patel | Mumbai

મારી ઉંમર ૩૧ વર્ષ છે. પ્રોફેશનલ લાઇફની વાત હોય કે અંગત જીવનની, મારાથી નાની-નાની વાતોમાં છબરડા થઈ જાય છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી ઉંમર ૩૧ વર્ષ છે. પ્રોફેશનલ લાઇફની વાત હોય કે અંગત જીવનની, મારાથી નાની-નાની વાતોમાં છબરડા થઈ જાય છે. એને કારણે મને હું જે કરું છું એ બાબતે કૉન્ફિડન્સ નથી આવતો. મારા કામમાંથી કોઈ એક ભૂલ કાઢે તોય મને કાળજે એવો ઘા લાગે જાણે મને કશું આવડતું જ નથી. રોજ સવારે મન થાય કે આજે તો મારે કામ કરવું જ નથી. રજા લઈ લઉં. જો એમ કરું તો ઘરમાં પણ કંઈક ને કંઈક આડુંઅવળું થાય. ઇન ફૅક્ટ, મને કોઈ મારાં વખાણ કરે તો બહુ સારું લાગે. એની અસર ત્યાં સુધી જ રહે જ્યાં સુધી બીજી કોઈ ક્રિટિસિઝમ ન આવી હોય. હું રોજ મારો સેલ્ફ-એસ્ટિમ વધારવા માટે હકારાત્મક બનવાની કોશિશ કરું છું, પણ પૉઝિટિવિટીનાં ઇન્જેક્શન્સ પણ ટેમ્પરરી જ હોય છે. મને લાગે છે કે મને ટીકા સહન કરતાં નથી આવડતી. ટીકાને હું દિમાગ પર નહીં, દિલ પર લઈ લઉં છું. એને કારણે હવે બીજા લોકો પણ મને કંઈક કહેતાં ખચકાય છે. આડકતરી રીતે પણ મારા કામની ટીકા થાય અથવા તો એમાં આવું હોત તો વધુ સારું થાત એમ કહે તોય મને લાગે જાણે મને કશું આવડતું જ નથી. એને કારણે હું બે અવસ્થા વચ્ચે ઝોલાં ખાતો હોઉં છું. જ્યારે હું કૉન્ફિડન્સના ટોનિક સાથે વર્તું ત્યારે બધા લોકો મને રિસ્પેક્ટ પણ આપે છે, પણ જો કોઈ મોટો નિર્ણય લેવાનો હોય તો હું ડગી જાઉં. હું અંદરથી આવો ઢીલોપોચો છું એવી તો હું કોઈનેય બહાર ખબર પડવા જ નથી દેતો, પણ એને કારણે માનસિક દ્વંદ્વ ઊભું થાય છે.

જવાબ : સમસ્યા શું છે એ બાબતે જાગ્રત હોવું એ સમસ્યાના અડધા ઉકેલ બરાબર છે. તમને ખબર છે કે ટીકા, નબળી કમેન્ટ કે ભૂલનો સ્વીકાર તમે સ્વસ્થતાથી નથી કરી શકતા. એને કારણે તમે ભૂલ ચીંધાય ત્યારે દુખની ઊંડી ગર્તામાં ધકેલાઈ જાઓ છો. તમારે હકારાત્મકતાનાં ઇન્જેક્શન્સ લેવાં પડે છે અને આ આર્ટિફિશ્યલ કૉન્ફિડન્સ બૂસ્ટ બહુ ઝાઝું ટકતો નથી. મને એવું લાગે છે કે તમે કાં તો તમને બધું જ આવડે છે એવા ભાવમાં રહો છો કાં પછી કશું જ નથી આવડતું એવી માન્યતામાં પીડાઓ છો. આવું થવાનું કારણ એ છે કે તમે પોતે તમારા પોતાના ‌વિશે બહુ ઓછું વિચારો છો. તમારા વિશેનું ચિત્રણ તમે બીજાએ કરેલા વર્ણનના આધારે બનાવ્યું છે. બીજા કહે તમે તો ભાઈ બહુ મહાન તો તમે પોતાને મહાન માનવા લાગો અને કોઈ કહે તું તો સાવ બુદ્ધુ છે તો તમે એ વાતને પણ ગંભીરતાથી લઈ લો છો. આવું ત્યારે જ બને જ્યારે વ્યક્તિની પોતાની આગવી વિચારધારા ન હોય અને પોતે કેવા છો એનું સ્વ-મૂલ્યાંકન ન કરતા હો.

તમારે ખૂબ શાંતિથી જાત સાથે બેસવાની જરૂર છે. લોકોના સારા કે ખોટા અભિપ્રાયોને અભરાઈએ ચડાવી દો. તમે પોતે તમારા માટે શું માનો છો. તમારા કામમાં ક્યાં કચાશ હોય છે અને ક્યાં નહીં એ બાબતે એનું પ્રામાણિક મૂલ્યાંકન જાતે કરો. તમે શું સારું કરી શકો છો અને શું કરવામાં તમને મુશ્કેલીઓ આવે છે એ ટપકાવો. આટલું સ્પષ્ટ કરતી વખતે જરાય ઇમોશનલ બનવાની જરૂર નથી. જે છે એને એવું જ સમજો અને સ્વીકારો. એટલું કરશો તો પછી આપમેળે તમે ક્યાં કાચા છો અને ભૂલો કેવી બાબતોમાં થાય છે એને નિવારવા શું કરવું એનું પ્લાનિંગ કરવું અને એ માટે જે નવું શીખવું પડે એમ હોય એ શીખવું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK