યુવક પોતે વર્જિન હોવાનો દાવો કરતો હોય તો શું એ સાચો હોઈ શકે?

Published: Jan 01, 2020, 14:52 IST | Sejal Patel | Mumbai

લગ્નની ઉંમર થઈ છે અને મારા માટે છોકરા જોવાનું ચાલુ છે. મારો પરિવાર થોડો ઑર્થોડોક્સ રહ્યો છે એને કારણે કૉલેજમાં હતી ત્યારે મારી મમ્મી મને બધા જ પ્રકારનાં લફરાંથી દૂર રહેવાની સલાહ આપતી હતી.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : લગ્નની ઉંમર થઈ છે અને મારા માટે છોકરા જોવાનું ચાલુ છે. મારો પરિવાર થોડો ઑર્થોડોક્સ રહ્યો છે એને કારણે કૉલેજમાં હતી ત્યારે મારી મમ્મી મને બધા જ પ્રકારનાં લફરાંથી દૂર રહેવાની સલાહ આપતી હતી. હું પણ ઘણેઅંશે એમાં સફળ રહી છું. મારી બીજી ફ્રેન્ડ્સને બબ્બે અને ત્રણ બૉયફ્રેન્ડ્સ આવ્યા અને ગયા, પણ મેં મારી જાતને એમાં પડતી અટકાવી. એ જ કારણસર મારી ઇમેજ મણિબહેનની પડી ગઈ. લોકો મને ભાવખાઉ કહેતા અને પછી તો છોકરાઓ પણ મને અવૉઇડ કરતા. પહેલા વર્ષમાં જે રીતે છોકરાઓ મારી સાથે દોસ્તી કરવા માગતા હતા એ મને બહુ ગમતું હતું, પણ છેલ્લા વર્ષ સુધીમાં મારી ઇમેજ ઘણી બદલાઈ ગયેલી અને હું બહુ સ્ટુડિયસ અને સિન્સિયર સ્ટુડન્ટ્સમાં ગણાવા લાગી. એ વખતે પણ મારી ઉંમરના લોકો જે છૂટથી એકબીજા સાથે ફિઝિકલ સંબંધ રાખતા હતા એ જોતાં મને સવાલ થતો હતો કે શું ખરેખર લગ્નની ઉંમરે કોઈ વર્જિન હશે ખરું? આજે જ્યારે હું અરેન્જ્ડ મૅરેજ માટે છોકરા જોઉં છું ત્યારે પણ મને એ જ સવાલ મનમાં આવે છે. મને પસંદ આવેલા ત્રણ છોકરાઓને મેં બિન્ધાસ્ત પૂછી લીધું હતું કે તેમને આ પહેલાં કેટલો અનુભવ છે? જે છોકરો મને ખૂબ ગમ્યો હતો તેના જવાબે મને અંદરથી તોડી નાખી. તેણે મને મોઢે કહી દીધું કે હું આ બાબતમાં અનુભવી છું અને મને બે ગર્લફ્રેન્ડ આ પહેલાં રહી ચૂકી છે. જ્યારે બાકીના બે બહુ સિમ્પલ અને કદી છોકરી સામે જોયું નથી એવો દાવો કરે છે તો કોની વાત સાચી હોઈ શકે?

જવાબ : બહુ ટૂંકમાં જવાબ આપું તો એકેયની નહીં. એનું કારણ એ કે આ સવાલનો ૧૦૦ ટકા પ્રામાણિક જવાબ મળે એવી સંભાવના ઓછી હોય છે. જીવનસાથીની પસંદગી કરતી વખતે સામેવાળી વ્યક્તિનો પાસ્ટ મહત્ત્વનો હોય છે એની ના નહીં, પરંતુ તેમના પાસ્ટને જ તમે આજ માનીને એના પર ભવિષ્યના મિનારા ચણી ન શકો. કેમ કે બાળપણ, કિશોરાવસ્થા કે જુવાનીમાં વ્યક્તિ જેકોઈ પણ સમય, સંજોગો કે અનુભવોમાંથી પસાર થઈ હોય છે એમાંથી તે કંઈક શીખતી હોય છે. ખરાબમાં ખરાબ અનુભવમાંથી બહાર આવેલી વ્યક્તિ પણ ખૂબ સારી હોઈ શકે અને બહુ સારું બૅકગ્રાઉન્ડ ધરાવતી વ્યક્તિ પણ હકીકતમાં એટલું મજબૂત વ્યક્તિત્વ ન ધરાવતી હોય એવું બણ બની શકે છે.

ખાસ કરીને આજના સમયે વર્જિનિટીના મુદ્દાને જો તમે તમારા જીવનસાથીની પસંદગીના મુખ્ય પરિમાણ તરીકે વાપરતા હો તો એ ઠીક નથી. વર્જિનિટી સ્ત્રીની હોય કે પુરુષની, એ બહુ જ તકલાદી અને પોકળ વાત છે. એકવીસ વાર બીજે સંબંધ માણ્યા પછી પણ કોઈ પુરુષ વર્જિન હોવાનો દાવો કરશે તો તમે શું કરી શકવાનાં છો? શું વર્જિન પુરુષ સાથે લગ્ન થશે તો જ તમારું લગ્નજીવન સારું રહેશે એવું તમે માનો છો? તો એ તમારી ભૂલ છે. 

તમને રિસ્પેક્ટ કરતો હોય, તમને પ્રેમ કરતો હોય, તમારી સાથે તમારા સુખે સુખી અને તમારા દુખે દુખી થવા તૈયાર હોય એવી વ્યક્તિ સાથે જ્યારે તમે પણ એના જેવી જ લાગણીઓની ઇન્ટેન્સિટી ધરાવતાં હો ત્યારે જ લગ્નજીવન સફળ બને છે. બીજા કોઈ સાથે સંબંધ ભૂતકાળમાં રાખ્યો હોય કે ન રાખ્યો હોય, આજે વર્તમાનમાં તે કેવો છે એ વધુ મહત્ત્વનું છે. એનું કારણ એ છે કે શારીરિક આવેગો જીવનભર એકસરખા નથી હોતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK