લવ મૅરેજ માટે હજી પ્રપોઝ નથી કર્યુ અને ફૅમિલી અરેન્જ્ડ મૅરેજ માટે દબાણ કરે છે

Published: Oct 04, 2019, 15:07 IST | સેજલને સવાલ - સેજલ પટેલ | મુંબઈ

લવ-મૅરેજ કરવા છે પણ હજી સુધી પ્રપોઝ નથી કર્યું, વળી ફૅમિલીના બિઝનેસને કારણે પપ્પા મને અરેન્જ્ડ મૅરેજ માટે દબાણ કરે છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : હું ૨૫ વર્ષનો છું અને ડબલ ગ્રૅજ્યુએટ થઈને પપ્પાના બિઝનેસમાં જોડાઈ ગયો છું. આ પહેલાં બે વર્ષ મલ્ટિ-નૅશનલ કંપનીમાં નોકરી કરેલી અને પછીથી પારિવારિક ધંધામાં જોડાયો છું. જોકે નોકરી કરતા હોઈએ ત્યારે મને એવું લાગે છે કે વધુ સ્વતંત્રતા રહે છે. બિઝનેસને કારણે પપ્પાનું વર્ચસ્વ વધુ રહે છે. ધંધામાં રહે એમાં વાંધો નથી, પણ અંગત જીવનમાં પણ તેમનું ધાર્યું થાય છે. વાત અંગત જીવનની છે. હું એક છોકરીના પ્રેમમાં છું. અલબત્ત, તેની સાથે બીજી કોઈ વાત આગળ વધી નથી, પણ તેની સાથે ફોન પર વાતચીતનો સિલસિલો શરૂ થયો છે. કૉમન ફ્રેન્ડ્સ સાથે મળવાનું થાય ત્યારે તે પણ ફ્રેન્ડલી હોય છે. તેને હજી પ્રપોઝ કરી શકું એટલી ઘનિષ્ઠતા નથી થઈ એટલે યોગ્ય સમયની રાહ જોઉં છું. જોકે મારા પપ્પા હવે લગ્ન માટે બહુ ઉતાવળ કરે છે. પહેલાં તો હું નોકરીમાં સેટલ થવાનું બહાનું બતાવતો હતો, પણ હવે એક જ ધંધામાં હોવાથી તેમને એ પણ કહી શકાતું નથી. પેરન્ટ્સે બતાવેલી બે છોકરીઓને તો હું મન વિના જ મળ્યો અને ના પણ પાડી દીધી. જોકે દરેક વખતે એવું કરવું ઠીક નહીં રહે. બીજી ચિંતા એ છે કે મને જે છોકરી ગમે છે એ પંજાબી છે અને તેને પરિવારજનો સ્વીકારશે કે નહીં. જો તે લોકો વિરોધ કરશે તો પરિવારના ધંધામાં હોવાથી મારે તેમનું કહ્યું કરવું પડશે.

જબરી કશ્મકશ અનુભવું છું. એવું લાગે છે કે પારિવારિક ધંધાને કારણે મારી અંગત જિંદગીના નિર્ણયોમાં પણ પરિવારની ઇન્ફલ્યુઅન્સ વધુ છે. બીજી તરફ પેલી છોકરીને જલદીથી પટાવવાની ઉતાવળ કરવા જઈશ અને વાત નહીં બને તો?

જવાબ : લગ્નની ઉંમરે ઊભેલાં મોટા ભાગનાં યુવક-યુવતીઓ આવી મીઠી કશ્મકશમાં હોય જ છે. લગ્નનો નિર્ણય આમેય જીવનની દિશા નક્કી કરનારો હોય છે એટલે એમાં ઉતાવળ કે બીજા કોઈની ઇન્ફ્લ્યુઅન્સ ન હોય એ બહુ જ જરૂરી છે. અરેન્જ્ડ અને લવ-મૅરેજ વચ્ચે ખેંચતાણ થવી પણ સહજ છે. તમે તો બહુ આગળનું વિચારી લીધું કે કાસ્ટ ડિફરન્સનું શું કરીશું. પરિવારનો વિરોધ હશે તો શું કરશું?... આવા સમયે મનને શાંત કરવું બહુ મહત્ત્વનું છે. પહેલાં એ છોકરીને તો પ્રપોઝ કરો.

સૌથી પહેલી વાત એ કે પરિવારના ધંધામાં છો એટલે તમારે તેમનું કહ્યું જ કરવું પડશે એવું તમારે ન જ માનવું જોઈએ. જો પરિવારજનો એવી દલીલ કરતા હોય તો એવી શરત પર ફૅમિલીના બિઝનેસમાં કામ ન જ કરવું જોઈએ. કામ અને લગ્ન માટેની પસંદગીને કોઈ કાળે ભેગી ન કરાય.

બીજી વાત એ કે પેલી યુવતી સાથેની દોસ્તીને પાકી કરવા તેમ જ પ્રપોઝ કરવા માટે તમે તમારી જાતને કેટલો સમય આપવા તૈયાર છો એ નક્કી કરો. છ મહિના, આઠ મહિના કે વરસ જે યોગ્ય લાગે એ નક્કી કરો અને પેલી યુવતીને મળવાનું અને તેને સમજવાનું ચાલુ રાખો. પેલી યુવતીને તમારામાં જરાય રસ છે કે નહીં એ તમને અત્યાર સુધીમાં સમજાઈ જ જવું જાઈએ.

આ પણ વાંચો : સેક્સ દરમિયાન સ્તનપાન કરવાથી સ્તન મોટા અને બેડોળ થઈ ગયા છે. શું કરું?

તમારી ઉંમર હજી ૨૫ વર્ષ છે. હજી એકાદ-બે વર્ષ આરામથી રાહ જોઈ શકાય એમ છે એટલે પેરન્ટ્સ જલદી પરણાવી દેવાની ઉતાવળ કરતા હોય તો તેમને સ્પષ્ટ કહી દો કે તમે હજી છએક મહિના સુધી લગ્ન માટે વિચારવા તૈયાર નથી. એક વર્ષ પહેલાં તમે કોઈ પણ છોકરીને જોયા વિના જ ના પાડી દેવાના છો એ વાત પણ પેરન્ટ્સ સાથે સ્પષ્ટ કરો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK