મારી ઉંમર કરતા પાંચ વર્ષ મોટી છોકરીને પ્રેમ કરું છું પણ કહી શકતો નથી

Published: 15th January, 2021 19:10 IST | Sejal Patel | Mumbai

પાંચ વર્ષ મોટી છોકરીને પ્રેમ કરું છું પણ ડાયરેક્ટ કહી શકતો ન હોવાથી તેને નનામી સરપ્રાઇઝ આપતો રહું છું

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

હું ૧૯ વર્ષનો છું અને મારું કાકા-મામાનું ફૅમિલી ખૂબ મોટું છે. અમે લગભગ બાર કઝિન્સ છીએ અને એ બધામાં હું સૌથી નબળો છું. લુકવાઇઝ પણ, એજ્યુકેશનની દૃષ્ટિએ પણ. એ જ કારણોસર બધા મને બુલી કરતા રહેતા હોય છે. આ જ કારણ છે કે હું કોઈની પાસે ખુલીને વાત નથી કરી શકતો. મારા એક કઝિનની ફ્રેન્ડને હું લાઇક કરું છું. તે ૨૫ વર્ષની છે, જૉબ કરે છે અને બહુ સ્માર્ટ પણ. તેને હું નનામા પત્રો લખીને મારી ફીલિંગ્સ તેના સુધી પહોંચાડવાની કોશિશ કરું છું. તેને વારતહેવારે ગિફ્ટ્સ અને સરપ્રાઇઝીસ પણ આપું છું. શરૂઆતમાં તો તેને આવી સરપ્રાઇઝ મળે ત્યારે તે ભડકી જતી હતી, પણ હવે તે સ્વીકારી લે છે. તેને મળતી ગિફ્ટ્સ બાબતે અમારા કઝિન્સના ગ્રુપમાં પણ ઘણી ચર્ચાઓ થાય છે અને એ દરેક વખતે તેને ગિફ્ટ આપનારા ‘અજાણ્યા’ વ્યક્તિની બહુ મજાક ઉડાડે છે. જે દિવસે તેને ખબર પડશે કે એ વ્યક્તિ હું હતો ત્યારે તે કેવું રિઍક્ટ કરશે? મને ખબર છે કે તે છોકરીને મારા માટે કોઈ ખાસ ફીલિંગ્સ નથી, તેને ડાયરેક્ટ પ્રપોઝ કરીશ તો જવાબ ના જ હશે. એમ છતાં હું તેને આ રીતે અનામી થઈને પ્રેમ કરવા માગું છું. શું આ રીતે પોતાની જાતને ઓગાળીને બીજાને પ્રેમ કરવો ખોટો છે? આ એવું રહસ્ય છે કે જેના વિશે જો કોઈ એક જણને પણ ખબર પડશે તો મારી કેવી મજાક બની જશે એની ચિંતા થાય છે. શું કરું?
જવાબ ઃ ટીનેજમાંથી બહાર આવવાના ઉંબરે તમે ઊભા છો, પણ તમારી ફીલિંગ્સ હજી જાણે હમણાં જ ટીનેજમાં પ્રવેશ્યા હો એવી છે. કાલ્પનિક પ્રેમમાં રચ્યા રહેવું કે ચોરીછુપીથી કોઈ વ્યક્તિને લાઇક કરીને તેને મેળવવાના સપનાં જોઈને તેને નનામો પ્રેમનો એકરાર કરવો એ થર્ટીન-ફોર્ટીન યરના છોકરાઓ કરતા હોય તો એ સ્વાભાવિક છે. તમે હજીયે એમાંથી બહાર નથી આવી શક્યા એનું કારણ મને લાગે છે કે તમારો પોતાનો જાતને જોવાનો દૃષ્ટિકોણ હજી મૅચ્યોર નથી થયો. મને જરાક કહેશો જે વ્યક્તિ પોતાની જાતને પ્રેમ ન કરતી હોય, પોતે જે છે એને ગૌરવભેર ન સ્વીકારતી હોય તેને બીજી કોઈ વ્યક્તિ કેમ પ્રેમ કરે? કે કેમ સ્વીકારે? એમાંય તમારી વચ્ચે તો એજ ગૅપ પણ લગભગ પાંચ વર્ષનો છે. પાંચ વર્ષ એ બહુ મોટો ગાળો નથી, પરંતુ જે ટ્રાન્ઝિશનના પિરિયડમાં તમે છો એમાં આ ભેદ ઘણો મોટો કહેવાય. ઍટ લીસ્ટ એ જ કારણોસર તમે ટ્રાન્ઝિટ પિરિયડમાંથી બહાર આવી જાઓ ત્યાં સુધી તમારી ફીલિંગ્સને આવી વિચિત્ર રીતે વ્યક્ત કરવાનું તમારે બંધ કરી દેવું જોઈએ. એમ કરવાથી કોઈકને ખબર પડી જશે એનો ડર પણ નહીં રહે.
બે-ત્રણ વર્ષ જસ્ટ તમારો આત્મવિશ્વાસ બિલ્ડ કરવા પર ફોકસ કરો. બીજાની અપ્રૂવલ મેળવવાની કોશિશ છોડી દો. તમારી જાતને બેસ્ટ પ્રેઝન્ટેબલ બનાવવા પર ધ્યાન રાખો. જો તમે લાગણીઓને આ રીતે વ્યક્ત ન કરીને જાત પર અંકુશ કરી શકશો તો આપમેળે પરિપક્વતા ઘડાતી જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK