મને ભાઈનો ફ્રેન્ડ પસંદ છે પણ તેને પ્રપોઝ કરવાની હિંમત નથી. શું કરુ?

Published: Nov 05, 2019, 17:32 IST | Sejal Patel | Mumbai

મારી ઉંમર ૨૪ વર્ષ છે અને અત્યારે મારા માટે માગાં આવી રહ્યાં છે અને છોકરાઓ જોવાનું કામ જોરદાર રીતે થઈ રહ્યું છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી ઉંમર ૨૪ વર્ષ છે અને અત્યારે મારા માટે માગાં આવી રહ્યાં છે અને છોકરાઓ જોવાનું કામ જોરદાર રીતે થઈ રહ્યું છે. છેલ્લા એક મહિનામાં તો ત્રણ છોકરાઓ જોઈ લીધા. હજી સુધી ક્યાંય વાત બનતી નથી. ક્યાંક મને છોકરાના વિચારો નથી ગમતા તો ક્યાંક સોશ્યલ સ્ટેટસના વાંધા પડે છે. મારા મનમાં જાણે કોઈ વસતું જ નથી. ઇન ફૅક્ટ, સાચું કહું તો મારા મનમાં બીજું કોઈ વસી ગયેલું છે. તે મારા જ ભાઈનો ફ્રેન્ડ છે. બન્નેએ સાથે એન્જિનિયરિંગ કર્યું છે. ભાઈના કારણે તેની મારા

ઘરમાં અવરજવર પણ ઘણી રહેતી હતી. તે મારી સાથે વાતો પણ સારી રીતે કરે છે, પણ હજી સુધી મેં મારા મનની વાત તેને જણાવી નથી. હવે તો તે નોકરી કરીને સેટલ થઈ ગયો છે અને ઘરે આવવાનું પણ ઘટી ગયું છે. એમ છતાં, તેની સાથે વૉટ્સઍપ પર વાતચીતોનો દોર જળાયેલો રહે છે. મારી ઇચ્છા તેને પ્રપોઝ કરવાની છે, પરંતુ હિંમત નથી ચાલતી. ક્યાંક તે ના પાડી દેશે તો? ક્યાંક તે ઑલરેડી બીજી કોઈને પસંદ કરતો હશે તો? આજકાલ તો બધા જ છોકરાઓ ૨૬ વર્ષે ક્યાંક ને ક્યાંક તો કનેક્ટેડ હોય જ છે. તમે કહેશો કે મને કદાચ તેના રિજેક્શનનો ડર છે. ના, એવુંયે નથી. તે ના પાડી દેશે તો એ સ્વીકારવાનીયે તૈયારી છે, પણ જો તે મેં તેને પ્રપોઝ કરેલું એવી વાત મારા ભાઈને કહી દેશે તો? હું નથી ઇચ્છતી કે ભાઈને આ વિશે ખબર પડે.

જવાબ : બહેન, પ્રેમ કરવો અને એને સંતાડતા ફરવું એ છાશ લેવા જવી અને દોણી સંતાડવા જેવું કહેવાય. મને લાગે છે કે તમે નાહકના મૂંઝાઓ છો. જો તમને રિજેક્શનનો ડર ન હોય તો-તો ‌ચિંતાને બહુ કારણ છે જ નહીં. તમારી વચ્ચે પહેલેથી દોસ્તી છે અને એ વિશે તમારો ભાઈ જાણે જ છે. ભાઈનો દોસ્ત હોવા છતાં તમે તેની સાથે ક્યારેક વૉટ્સઍપ ચૅટ કરતા આવ્યા છો એ વાત પણ તમારો ભાઈ જાણતો તો હશે જને! તમે ભાઈને ન કીધું હોય અને પેલા દોસ્તે પણ ન કહ્યું હોય તો એનો મતલબ એ થયો કે તે પણ તેના દોસ્તથી છુપાઈને તેની બહેન સાથે દોસ્તી રાખવા માગે છે. આવા સંજોગોમાં તમે તેને પ્રપોઝ કરો અને તે ના પાડે તોય તે સીધું જઈને ભાઈને ફરિયાદ કરે એવી સંભાવના તો સાવ જ ઓછી.

ઇન ફૅક્ટ, મને લાગે છે કે તમારે ભાઈથી ડરવાની જરૂર નથી. એને બદલે તમારા ભાઈને જ તમે તમારી ફીલિંગ્સ વિશે કહો તો કેવું રહે? તેનો જ દોસ્ત છે એટલે તેને બરાબર જાણતો પણ હશે. તેને બીજું કોઈ પસંદ હશે તો એની પણ જાણ હશે. જો આડકતરી રીતે તેનો દોસ્ત તમારા માટે શું ફીલ કરે છે એ જાણવું હશે તો એ પણ કરી શકશે. મતલબ કે એ તમારો મીડિએટર બની શકે છે. ભાઈને તો ન જ ખબર પડવી જોઈએ એવો આગ્રહ શું કામ? કદાચ પેલો યુવક બીજા કોઈ સાથે ઍન્ગેજ્ડ હોય તો તમારે તેની સામે ભોંઠા પડવા જેવું ન થાય, પણ ભાઈ થકી જ તમને એની ખબર પડી જાય.

એક વાત સમજી લો કે પ્રેમ કરવો કે થવો એ કોઈ ગુનો નથી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK