સાથળમાં ખૂબ ખજવાળ આવે છે સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ હોઇ શકે?

Published: 20th November, 2020 15:17 IST | Dr.Ravi Kothari | Mumbai

એકાદ-બે અઠવાડિયાંમાં ફરક ન લાગે તો ડાયાબિટીઝ છે કે નહીં એનું ચેક-અપ કરાવીને એનો રિપોર્ટ ચામડીના રોગના નિષ્ણાતને બતાવવો જરૂરી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ- મારો ઉંમર ૩૮ વર્ષની છે. મને સાથળમાં બહુ જ ખૂજલી આવે છે અને એ ભાગ લાલ થઈ જાય છે. ક્યારેક તો લોહી નીકળે છે. ખણેલી જગ્યાએ ફોડલીઓ થાય છે અને પાકી જાય છે. એન્ટિ-બાયોટિક્સ લઉં છું ત્યાં સુધી રાહત રહે છે ને પછી દવા બંધ થતાં ફરી તકલીફ શરૂ થઈ જાય છે. એક બાજુની ફોડલી મટે એટલે બીજી બાજુ શરૂ થાય છે. આ સમસ્યા કોઈ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ તો નહીં હોય ને? એની ચિંતા રહ્યા કરે છે. યોગ્ય દવા કે ઉપાય બતાવતા વિનંતી.
જવાબ- ચામડીના દરદને જોયા-તપાસ્યા વિના એનું નિદાન કે સારવાર કરવું મુશ્કેલ છે. હા, એટલું જરૂર કહીશ કે ખણજને કારણે ફોડલીઓ પાકતી હોય તો એન્ટિ-બાયોટિક્સ લેવાથી ખણજ બંધ નથી થતી. પાક થોડોક સમય માટે કન્ટ્રોલમાં આવી જાય છે. માટે આડેધડ એન્ટિ-બાયોટિક્સ લેવાનું બંધ કરીને ડૉક્ટરને બતાવો.
ભેજ અને ગરમીના મિશ્રણવાળી આબોહવા હોય ત્યારે જો એ ભાગની સ્વચ્છતા ન જાળવવામાં આવે તો ખણજ વધે છે. સૌપ્રથમ તો તમે નાયલૉન કે સિન્થેટિકના અન્ડરવેઅર પહેરવાનું બંધ કરીને કૉટનના અન્ડરવેઅર પહેરો. રાત્રે સૂતી વખતે માત્ર લૂઝ પાયજામો કે લુંગી પહેરો. રાત્રે એન્ટિફંગલ પાઉડર લગાવીને રાખો. દિવસમાં બે વાર એ ભાગને સાબુથી ધોઈને બરાબર સાફ રાખો. એ ભાગમાં ખણજ આવતી હોય ત્યારે ગરમ હૂંફાળું પાણી લગાવવાથી ખૂબ સારું લાગશે, પરંતુ ગરમ પાણીથી ચામડી બળશે. એને બદલે સાદું ઠંડું પાણી જ વાપરો. નાહીને બહાર નીકળો ત્યારે સુંવાળા કૉટનથી સાથળના ભાગને થપથપાવીને સૂકો કરવો જરૂરી છે. જ્યાં ખણજને કારણે લોહી નીકળ્યું હોય ત્યાં ફૅમિલી ડૉક્ટરને પૂછીને યોગ્ય મલમ કે પાઉડર લગાવો.
વજન વધારે હોય ત્યારે સાથળમાં ઘર્ષણ થતું હોય તો પણ તકલીફ થાય છે. એટલે જો વધુ ચરબીના થર જામ્યા હોય તો વજન ઉતારવાની મહેનત કરવી પણ જરૂરી રહેશે.જો એકાદ-બે અઠવાડિયાંમાં ફરક ન લાગે તો ડાયાબિટીઝ છે કે નહીં એનું ચેક-અપ કરાવીને એનો રિપોર્ટ ચામડીના રોગના નિષ્ણાતને બતાવવો જરૂરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK