સરકારી નોકરીમાંથી રિટાયર થવાનો છું, પણ કમાણી બંધ થવાનો ડર લાગે છે

Published: Nov 04, 2019, 18:19 IST | Sejal Patel | Mumbai

સેજલને સવાલ: સરકારી નોકરીમાંથી રિટાયર થવાનો છું ત્યારે ડર લાગે છે કે કમાણી બંધ થતાં સાવ ઓશિયાળા તો નહીં થવું પડેને?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ :મારી ઉંમર ૫૭ વર્ષ છે. આજકાલના છોકરાઓનો ભરોસો ન થાય એટલે આપણે આપણી વ્યવસ્થા જાતે કરી રાખેલી સારી. એક વાતનો મને બહુ ભય રહે છે કે મારી બચત, સંપત્તિ કોઈ હડપી જશે તો? હું સરકારી નોકરી કરું છું અને સારીએવી કમાણી કરી છે. મુંબઈ શહેરમાં અમે જે ઘરમાં રહીએ છીએ એ ઉપરાંત બે ઘર છે. બન્નેનાં ભાડાં આવી શકે એમ છે પણ હું ભાડે આપતો જ નથી. ડર લાગે છે કે કોઈ ચાઉં કરી જશે તો? રિટાયર થવાની ઉંમર નજીક આવી એ પછીથી એટલે કે છેલ્લાં બે વર્ષથી મને આર્થિક બાબતો માટે બહુ ડર લાગ્યા કરે છે. એક દીકરો ભણીને નોકરીએ લાગ્યો છે અને પરણી પણ ગયો છે. દીકરીનાં લગ્ન હજી બાકી છે. મારા ઘરમાં બધા જ મને કહે છે કે હું બહુ કંજૂસ છું. કમાણી હોવા છતાં હું વાપરવામાં કંજૂસાઈ કરું છું. મને સંતાનો પાછળ ખર્ચ નથી કરવો એવું નથી, પણ ફિલ્મો અને છાપાંઓમાં જોઈએ છીએ કે બધું સંતાનોને આપી દેનારાં માબાપ રસ્તે રઝળી પડે છે. મેં સંતાનોને પગભર થાય એટલું ભણતર કરાવ્યું જ છે અને હવે તેઓ કમાય પણ છે ત્યારે તેમની નજર મારા પૈસા પર રહે એવું મને જરૂરી નથી લાગતું. કોઈને એમ લાગે કે જો બુઢ્ઢો પંડનાં સંતાનો માટે આવું વિચારે છે! પણ હું ભવિષ્યમાં ઓશિયાળો થઈને રહેવા નથી માગતો.

જવાબ : ક્યાંક વાંચ્યું હતું કે ‘ભરેલા કૂવે જેને તરસે મરવાની બીક લાગતી હોય તેની તરસ કેવી રીતે છિપાય?’તમારી સ્થિતિ પણ કંઈક આવી જ છે. બધું જ છે છતાં ભવિષ્યમાં નહીં હોય એની ચિંતાએ તમે આજને માણતા નથી. મારા એક મિત્ર કહેતા કે જીવનમાં ગોલ્સ એટલા ઊંચા રાખવાના જાણે તમે કદી મરવાના જ નથી જેથી તમે જીવો ત્યાં સુધી એને પામવા માટે મથતા રહો. અને આજની ક્ષણ એ રીતે જીવવાની જાણે આવતી કાલ કદાચ ન પણ હોય. તમારે પણ આ સંતુલન લાવવાની જરૂર છે.

હા, તમારો ડર સાવ અવાજબી પણ નથી. હાલમાં સમાજમાં સંતાનો દ્વારા વૃદ્ધોને જે ઓશિયાળી સ્થિતિમાં તરછોડી દેવામાં આવે છે એ જોઈને દરેક વ્યક્તિએ આ બાબતે સભાન રહેવું જ જાઈએ. સંતાનોના સુખ પાછળ બધું ખર્ચીને જાતને ઘસી નાખવાની ભૂલ કરનારા વડીલોની દયનીય સ્થિતિ જોઈએ ત્યારે થાય કે કાશ, તેમણે પોતાના માટે થોડું બચાવી રાખ્યું હોત તો આ પરિસ્થિતિ ન આવી હોત. આવાં ઉદાહરણ જાઈને આપણે ઘડપણમાં આર્થિક સ્વાવલંબન માટેનાં પગલાં જરૂર લેવાં જાઈએ. નોકરીની આવક બંધ થાય એ પછી પણ નિયમિત આવક થતી રહે એ માટે જરૂરી ઇન્વેસ્ટમેન્ટ કરી રાખવું જાઈએ. જોકે તમે તો ભવિષ્યની ચિંતા કરીને આજ નથી જીવતા અને બાવાનાં બેય બગાડો છો. આજે હાથ-પગ સાજા છે ત્યારે તમે ભવિષ્યની ચિંતા કરવામાં આજનું જીવન જીવવાનું ચૂકી રહ્યા છો.

આ પણ વાંચો : મારા ઇન્દ્રિયની ડાબી તરફ ગાંઠ જેવું લાગે છે એનાથી કોઈ તકલીફ થાય ખરી?

આ સ્થિતિનો એક જ ઉકેલ છે. નાણાકીય આયોજન કરો. કાગળ-પેન લઈને બેસો. તમારા રિટાયરમેન્ટનું પ્લાનિંગ કરો. તમારી હાલની ઍસેટ્સ, બચત અને રોકાણ ક્યાં છે અને એમાંથી ક્યારે કેટલું વળતર મળવાનું છે એ બાબતે સ્પષ્ટ થાઓ. ઘર ભાડે આપવામાં કશું જ ખોટું નથી, હા જરૂરી દસ્તાવેજો કરીને આપશો તો વાંધો નહીં આવે. તમે તો સરકારી નોકરી કરો છો એટલે રિટાયર થયા પછી પેન્શન પણ મળશે. યોગ્ય રોકાણનું પ્લાનિંગ કરી લેશો તો સમજી શકશો કે આજે તમે કેટલો ખર્ચ કરી શકો એમ છો. જિંદગી ભવિષ્યની ચિંતામાં વિતાવવાને બદલે આજની ક્ષણને માણવામાં વિતાવી શકશો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK