Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મેં જે બનવા ચાહ્યું હતું એ હું હજી બની નથી પણ એ તરફની મારી યાત્રા ચાલુ

મેં જે બનવા ચાહ્યું હતું એ હું હજી બની નથી પણ એ તરફની મારી યાત્રા ચાલુ

12 May, 2020 08:11 PM IST | Mumbai
Taru Kajaria

મેં જે બનવા ચાહ્યું હતું એ હું હજી બની નથી પણ એ તરફની મારી યાત્રા ચાલુ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


પોતાનાં હીર અને ધીરની ખુમારીને આધારે સત્તા પર આવેલા લોકોનાં વાણી, વર્તન અને વ્યવહારમાં શાલીનતા ઝળકતી હોય છે.

તમે જોયું હશે કે કેટલાક લોકો સત્તા પર હોય ત્યારે તેઓ અને તેમનાં સગાંઓ સો કળાનાં હોય, પણ સત્તા અને ખુરશી જાય ત્યારે બિચારા કે ઢીલા-વીલા થઈ જાય છે. અલબત્ત, આમાં અનેક અપવાદો હોય છે. જેઓ પોતાનાં હીર અને ધીરની ખુમારીને આધારે સત્તા પર આવ્યા હોય તેઓ સત્તાસ્થાન પર આવવા અવલંબિત નથી, કેમ કે તેઓ ખુરશીના જોરે નહીં; પોતાની પ્રતિભા, પ્રકૃતિ અને પરિશ્રમના બળે સત્તા પર આવ્યા હોય છે. આવા લોકો સત્તાસ્થાને હોય છે ત્યારે પણ તેમનાં વાણી, વર્તન અને વ્યવહારશાલીનતાની એક વણદોરાયેલી લક્ષ્મણરેખાનું પાલન કરતા રહે છે. સત્તાથી ઊતરવાનો ભય આવા લોકોને સતાવતો નથી. તેઓ પાસે પોતાની અનેક પ્રવૃત્તિઓ અને કમિટમેન્ટ્સ હોય છે અને એમાં તેઓ પૂરા સમર્પિત તેમ જ વ્યસ્ત રહી શકે છે.



અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ આવું જ પોતાના તેજે પ્રકાશતું દંપતી છે. વકીલ, લેખિકા, ફૅશન આઇકન અને ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી ઑફ અમેરિકા મિશેલ ઓબામાએ લખેલી પોતાની આત્મકથા ‘બિકમિંગ’ બે વર્ષ પહેલાં ૨૦૧૮માં પ્રગટ થઈ હતી. એના પ્રમોશન માટે મિશેલે ચોંત્રીસ શહેરોની ટૂર કરી. એ દરમિયાન તે અઢળક લોકોને મળી. મિશેલનાં બુકરીડિંગ સેશન્સમાં અઢળક લોકોએ હાજરી આપી. એ સૌની સાથે તેણે ખુલ્લા દિલે વાતો કરી. તેમના સવાલોના જવાબો આપ્યા. આ પુસ્તકની એક કરોડ દસ લાખ નકલો વેચાઈ ગઈ છે અને એનો વીસ ભાષામાં અનુવાદ થયો છે. આ પ્રમોશન ટૂરની ડૉક્યુમેન્ટરી તેમની જ પ્રકાશન સંસ્થા દ્વારા તૈયાર કરાઈ છે. પુસ્તકનું જ શીર્ષક ધરાવતી આ ડૉક્યુમેન્ટરી ‘બિકમિંગ’ ગયા અઠવાડિયે નેટફ્લિક્સ પર રજૂ થઈ હતી.


૨૦૦૮થી ૨૦૧૬ સુધી બરાક ઓબામા અમેરિકાના પ્રમુખ હતા. એ દરમિયાન તેમની પત્ની મિશેલ અને બન્ને દીકરીઓ સાથે વાઇટ હાઉસમાં રહેલાં. દરમિયાન પ્રમુખપત્ની અને ફર્સ્ટ લેડી ઑફ ધ યુ. એસ. તરીકે મિશેલ જાહેર જીવનમાં ખાસ્સાં સક્રિય રહ્યાં હતાં. પરંતુ તાજેતરની મિશેલની બુક ટૂર દરમિયાન પણ જે રીતે લોકો તેના બુક રીડિંગ સેશન્સમાં ઊમટ્યા એ જોઈ મિશેલની પ્રચંડ લોકપ્રિયતાનો ખ્યાલ આવે છે. એ ફિલ્મમાં મિશેલનાં મમ્મી અને ભાઈ તેમ જ બન્ને દીકરીઓની મુલાકાતો પણ  સમાવિષ્ટ કરાઈ છે, ઓબામાની પણ રોમૅન્ટિક એન્ટ્રી છે. મિશેલનો ઉછેર તેના મધ્યમવર્ગીય પણ મૂલ્યનિષ્ઠ પેરન્ટ્સે બહુ જ આદર્શ રીતે કરેલો.

તેમણે પોતાનાં સંતાનોને સાચા-ખોટાના અને સારા-નરસાના ભેદ સમજાવ્યા હતા. સત્યને વફાદાર રહીને સાચું લાગે એ કરવાની હિંમત કેળવી હતી. પરંતુ એ ઉદ્ધતાઈથી નહીં, મક્કમતાથી કહેવાની શિસ્ત પણ રોપી હતી. મિશેલે પોતાની દીકરીઓમાં એ જ સંસ્કારો સીંચ્યા છે. વાઇટ હાઉસમાં રહેતાં ત્યારે પોતાની પથારી ઠીક કરવાની જવાબદારી છોકરીઓના માથે જ હતી. મિશેલે કહેલું કે પોતાની પથારી પણ સંકેલે નહીં એવી છોકરીઓ હું ન ઉછેરી શકું. નાનકડી લાગતી આ વાત પેરન્ટિંગ અંગે બહુ મોટી શીખ આપી જાય છે.


સાચું લાગે ત્યાં બેધડક બોલવામાં માનતી અને ખોટું જુએ ત્યારે પણ ચૂપ નહીં બેસી શકતી મિશેલ અધિકારો ભોગવવાની જવાબદારી સારી રીતે સમજે છે. સોશ્યલ મીડિયા પર મનમાં આવે એ બેફામ પોસ્ટ કરવાની આજકાલના ટ્રેન્ડ વિશે મિશેલે બહુ સચોટ ટિપ્પણી કરી છે કે આપણને અવાજ મળ્યો છે એનો ઉપયોગ બહુ વિચારપૂર્વક કરવાનો છે. મનમાં જે વિચાર આવે એ તરત જ સોશ્યલ પ્લૅટફૉર્મ પર મૂકી દેવાનો ન હોય.

૨૦૧૮માં શિકાગોમાં ઓબામા ફાઉન્ડેશનની એક યુથ લીડરશિપ સમિટમાં મિશેલની ઓળખ કવયિત્રી એલિઝાબેથ ઍલૅક્ઝાન્ડરે અદ્ભુત શબ્દોમાં આપી હતી. ‘વકીલ, માનવતાવાદી, અદીઠ શક્યતાઓને ભાળી લેનારી, બાગ-બગીચા ઉછેરનાર, માનવબાગો ખીલવનાર, સપનાઓ પોષનાર અને આઠ-આઠ વરસ સુધી એક મટકું પણ માર્યા વગર પૂર્ણ પરફેક્શન સાથે અમેરિકાની ફર્સ્ટ લેડીનું પદ શોભાવનાર મિશેલ ઓબામાએ દુનિયાભરમાં ગરિમા, હિમ્મત, પ્રજ્ઞા, અનિવાર્ય રમૂજ, અખંડિતતા અને આંતરિક સૌંદર્યનું દર્શન કરાવ્યું છે. તેણે આપણને સૌને પ્રેરણા આપી છે... મિશેલ ઓબામા સાચા અર્થમાં ઉત્તર ધ્રુવ છે. તે કમ્પસ છે. તેને નિકટથી ઓળખનારા હોય કે દૂરના પરિચિતો, બધા તેની મૂળ સાથે જોડાયેલા રહેવાની અને સમુદાયને ઉપયોગી થવાની જીદને સમજે છે. મિશેલની આ લાક્ષણિકતાઓની ઝલક ‘બિકમિંગ’માં જોવા મળે છે.

આવી અસાધારણ પ્રતિભા મિશેલ માટે આજનો સોશ્યલ ડિસ્ટન્સિંગનો સમય વધારે જ કપરો બની રહે, કેમ કે લોકોને પ્રેમથી ભેટવાની તેની પ્રકૃતિ છે. મિશેલ માને છે કે આલિંગન દ્વારા ‘આઇ ઍમ હિયર ફૉર યુ’ લાગણી વ્યક્ત થાય છે. ભેટવું એ માનવીય હૂંફ અને આધારની ચરમ અભિવ્યક્તિ છે, પરંતુ હાલના સંજોગોમાં મિશેલ ઑનલાઇન ક્લાસિસ દ્વારા દર અઠવાડિયે બાળકોને આ ભરોસો બંધાવે છે. વિદ્યાર્થીઓને પણ તે કહે છે કે તમે અભ્યાસમાં સો ટકા ધ્યાન આપો. ત્યારે રાજકારણમાં બનતું આવ્યું છે એમ બરાક પ્રમુખ હતા ત્યારે તેમના વિરોધીઓ દ્વારા તેમનું ચરિત્રહનન કરવાના પુષ્કળ પ્રયાસો થયા હતા, પરંતુ મિશેલ અને બરાકે એ અંગે પ્રતિક્રિયા આપવાને બદલે પોતાની અમુક ફરજો શ્રેષ્ઠ રીતે બજાવવા પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ઓબામાએ પત્નીના સાથ, સહકાર અને ગાઇડન્સનો જાહેરમાં નિખાલસતાથી સ્વીકાર કર્યો છે. પોતાની આત્મકથાના શીર્ષક વિશે મિશેલ કહે છે કે મેં જે બનવા ચાહ્યું હતું એ હું હજી બની નથી પણ એ તરફની મારી યાત્રા હજી ચાલુ છે એટલે ‘બિકમિંગ’. હાલના ચોફેર વર્તાતા બિહામણા અને નિરાશાજનક માહોલમાં આજે આ આંતરિક પ્રકાશથી ઓપતી સ્ત્રીને જાણીને થોડું સારું લાગ્યું એટલે એ લાગણીમાં આપ સૌને સામેલ કરવાનું મન થઈ ગયું.

Whatsapp-channel Whatsapp-channel

12 May, 2020 08:11 PM IST | Mumbai | Taru Kajaria

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK