પતિનું વર્તન ચિડીયું થઈ ગયું છે ને સતત ટેન્શનમાં રહે છે, શું કરું?

Published: 13th October, 2011 18:43 IST

મારાં લવમૅરેજને સાત વર્ષ થયાં. અમારું અફેર હતું ત્યારનો અને અત્યારનો તેમનો સ્વભાવ સાવ જ બદલાઈ ગયો છે. પહેલાં તેઓ મને ખાસ મળવા માટે બોરીવલીથી દાદર આવતા. હવે એવું નથી. મને સમજાય છે કે લગ્ન પછી જવાબદારીઓ વધતાં તેમણે વધુ ગંભીર થવું પડે, પણ હવે તો તેમને બે મિનિટ શાંતિથી બેસીને વાત કરવાનો સમય પણ નથી.

 

 

(સવાલ સેજલને- સેજલ પટેલ)

સવાલ : મારાં લવમૅરેજને સાત વર્ષ થયાં. અમારું અફેર હતું ત્યારનો અને અત્યારનો તેમનો સ્વભાવ સાવ જ બદલાઈ ગયો છે. પહેલાં તેઓ મને ખાસ મળવા માટે બોરીવલીથી દાદર આવતા. હવે એવું નથી. મને સમજાય છે કે લગ્ન પછી જવાબદારીઓ વધતાં તેમણે વધુ ગંભીર થવું પડે, પણ હવે તો તેમને બે મિનિટ શાંતિથી બેસીને વાત કરવાનો સમય પણ નથી. તેમની જૉબમાં કોઈક તકલીફ હોય એવું મને લાગ્યા કરે છે. ઘરે આવે ત્યારે પણ ફોન પર કોઈકની સાથે જોરજોરથી ચિલ્લાતા હોય છે. ઘરમાં આવીને ટીવીની ચૅનલો ફેરવ્યા કરે છે પણ એમાંય તેમનું પૂરું ધ્યાન નથી હોતું.

પહેલાં તો સાંજે શાંતિથી બેસીને અમે કૉફી પીતાં, રાતે મોડું થઈ જાય તોપણ થોડોક સમય તો તેઓ મારી સાથે ગાળતા જ. છેલ્લાં બે વર્ષથી તો ઑફિસમાં ખૂબ જ કામ રહેતું હોવાથી તેઓ ખૂબ થાકી જાય છે. ચાર વાર કોઈ વાત પૂછીએ ત્યારે માંડ એકાદ વાર જવાબ આપે. એ પણ ઉડાઉ હોય. મેં કેટલીયે વાર પૂછ્યું કે તમને કોઈ વાતનું ટેન્શન હોય તો મને કહો, પણ એય નથી કહેતા. અચાનક જ જાણે અમારી વચ્ચે કોઈ દીવાલ આવી ગઈ હોય એવું લાગે છે. દીકરાની કે સાસુમા સાથેની વાત શરૂ કરું એ પહેલાં જ કહી દે છે કે એ બધું તું ફોડ, મને એમાં વચ્ચે ન પાડ. લગ્ન પહેલાં તો તેમના ઘરમાં કંઈ પણ નાનું-મોટું થયું હોય એ બધું જ મને કહેતા, પણ હવે સાવ જ વાતચીત બંધ કરી દીધી છે. વિચારોમાં ખોવાયેલા રહે છે. તેમનો ચહેરો ટેન્શનમાં લાગતો હોય અને જો આપણે એ વિશે કંઈક પૂછી લીધું તો એમાંય ચિડાઈ જાય. ક્યારેક અડધી રાતે જાગતા પડ્યા હોય ને ક્યારેક હું બોલતી હોઉં ને તેઓ સૂઈ ગયા હોય. બહેન, પતિને કોઈ તકલીફ હોય તો હું કેવી રીતે મદદ કરી શકું?

- બોરીવલી

જવાબ : તમે પતિની માનસિક મૂંઝવણને પારખીને એ માટે શું કરવું એવું વિચારો છો છો એ ખૂબ સારી વાત છે. મોટા ભાગે પતિઓ આવું વર્તન કરે ત્યારે પત્નીઓ વારંવાર ફરિયાદો કરીને અને લગ્ન પહેલાંની વાતો યાદ કરાવીને ટોણા મારતી હોય છે. એનાથી વાત વધુ વણસે જ છે. એક વાત સમજી લો કે આ સમસ્યા માત્ર તમારી એકલાની જ નથી, લગભગ સમગ્ર સ્ત્રી જાતિની સમસ્યા છે.

એક વાત સમજવી જોઈએ કે સ્ત્રી-પુરુષનું માત્ર શારીરિક જ નહીં, માનસિક બંધારણ પણ જુદું હોય છે. ખરેખર સ્ત્રીઓને પોતાના પતિ પાસેથી ઘણુંબધું સાંભળવું હોય છે, પરંતુ પતિને એ કહેવામાં રસ નથી હોતો. પુરુષોને કોઈ ચિંતા સતાવતી હોય તો તેમને એ ચિંતા વ્યક્ત કરવાનું ગમતું કે ફાવતું નથી, જ્યારે સ્ત્રીઓ લાગતા-વળગતા બધાની આગળ પોતાની ચિંતાની વાત ગાઈ આવે છે. પુરુષોની આ નબળાઈ છે, જેને સ્ત્રીઓએ સમજીને ખૂબ નજાકતથી સ્વીકારવી જોઈએ. તમે વારેઘડીએ કાળજીને કારણે પડપૂછ કરતાં હો, પરંતુ એનાથી પતિને ઇરિટેશન થતું હોઈ શકે છે. જેમ સ્ત્રીઓ ઇચ્છે છે કે પોતે ન કહે છતાં પતિ સમજી જાય તો સારું; એમ ક્યારેક સ્ત્રીઓએ પણ પતિને પૂછ્યા વિના તેને શું જોઈએ છે, તેને શું ચિંતા સતાવે છે એ સમજવાની જરૂર છે.

સંવાદ ત્યારે જ શક્ય બને, જ્યારે બન્ને વ્યક્તિઓ વાત કરવાના મૂડમાં હોય. તમે માત્ર પ્રેમ અને કાળજીપૂર્વક તેને પૂરતી મોકળાશ આપશો તો તેમનું મૌન આપમેળે જ ખૂલી જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK