પતિ મંદિરની પાછળ બીજી નાની ઉંમરની મહિલાને મળે છે એવી બાતમી મળી છે, શું કરવું?

Sejal Patel | Jan 09, 2019, 09:30 IST

પતિનો રંગીલો સ્વભાવ ચિંતાનો વિષય છે.મારા હસબન્ડ બીજી કોઈ નાની ઉંમરની મહિલાને મંદિરની પાછળ મળે છે.

પતિ મંદિરની પાછળ બીજી નાની ઉંમરની મહિલાને મળે છે એવી બાતમી મળી છે, શું કરવું?
પ્રતીકાત્મક તસવીર

 

સેજલને સવાલ - સેજલ પટેલ

સવાલ : હાલમાં અમે હુતોહુતી બે જ જણનો પરિવાર રહ્યો છે. દીકરીઓ પરણીને સાસરે જતી રહી છે. સાઠનો દાયકો પણ હવે ઢળવામાં છે. બાકી બીજી બધી જ રીતે શાંતિ છે, પરંતુ પતિનો રંગીલો સ્વભાવ ચિંતાનો વિષય છે. જુવાનીમાં તેમણે ઘણી મહેનત કરી છે. ઘણું કમાયા પણ ખરા અને સટ્ટામાં ઘણું ખોયું પણ છે. ખૂબ ખત્તાં ખાધાં પછી હવે પાછલી જિંદગીમાં પૈસેટકે બેપાંદડે છીએ. ભગવાનની કૃપાથી પૂરતું છે એટલે બે ટંકના રોટલા કે દવાદારૂની ચિંતા નથી. ૩૩ વર્ષ પહેલાં લગ્ન થયાં એ વખતે પણ તેઓ રંગીન ભૂતકાળ ધરાવતા હતા અને લગ્ન પછી બાળકો નાનાં હતાં ત્યારે પણ એકાદ વાર મને આડા સંબંધોની ભનક આવેલી. ઉંમર થતાં બહાર માથું મારવાનું બંધ થઈ ગયેલું એવું મને લાગતું હતું, પણ હજીયે તેમનામાં ખૂબ વાસના છે. વારેઘડીએ માગણી કરે ત્યારે હું કહી દેતી કે મારાથી નહીં થાય. એના કરતાં ભગવાનમાં ચિત્ત પરોવો. મને એવુંબધું વારેઘડીએ ફાવતું નથી. શરીર પણ સાથ નથી આપતું. એક-દોઢ વરસ પહેલાં આ વાતને લઈને અમારે ખૂબ ઝઘડા થતા, જોકે હવે બહારના લોકો વાતો કરે છે કે મારા હસબન્ડ બીજી કોઈ નાની ઉંમરની મહિલાને મંદિરની પાછળ મળે છે. મંદિર જવાનું કહીને તેઓ બે કલાક સુધી પાછા નથી આવતા. તેમને પૂછીએ કે કેમ મોડું થયું તો કહે, ભાઈબંધો મળી ગયા હતા એટલે ગલ્લે વાતો કરતા હતા. પેલી સ્ત્રી વિશે કંઈ પણ પૂછું તો સાવ અજાણ્યા બને છે. આ ઉંમરે સમાજમાં વાતો થાય એ કંઈ ઠીક છે? હવે કોઈ બીજીને ઘરમાં લાવે તો મારે ક્યાં જવું?

જવાબ : કદાચ પતિ જુવાનીમાં રંગીન હતા એટલે હવે ફરી તેઓ બીજી સ્ત્રી સાથે ચક્કર ચલાવતા હશે એવું ધારી લેવાય એ સ્વાભાવિક છે. જોકે મને લાગે છે કે જુવાનીનાં આકર્ષણો અને બુઢાપાની ઢળતી ઉંમરની જરૂરિયાતો વચ્ચે ઘણો ફરક હોય છે.

બીજા કોઈકની ઊડતી વાતો પરથી તમને જે શક પડ્યો છે એ સાચો હોઈ પણ શકે ને ન પણ હોય. તમે મનમાં ને મનમાં મૂંઝાયાં કરો છો એનું કારણ કદાચ તમે પોતે જ તેમને બહાર જવાની સલાહ આપેલી એ છે. કદાચ તમારું કહેવું, તેમનું મંદિરેથી મોડા આવવું અને બીજાની વાતો ત્રણેય ભેગાં થવાથી શંકા તમને સાચી હોવાની લાગવા લાગી છે.

તમારે જો શંકા સાચી ન પાડવી હોય તો તમારા સંબંધો વધુ મજબૂત કરવા પર ફોકસ કરવું પડશે. આ ઉંમરે વ્યક્તિને સમાગમ કરતાં સહવાસ અને હૂંફની વધુ જરૂર હોય છે. ભલે થોડીક તકલીફ પડે પણ તેમને શારીરિક સંબંધોમાં સાથ આપો. સાંજના સમયે સાથે ફરવા જાઓ. જીવનમાં જ્યારે માત્ર હુતોહુતી બે જ રહ્યાં હોય ત્યારે એકમેકને પૂરતું અટેન્શન મળે, એકમેકની જરૂરિયાતો પોસાય એ મહત્વનું છે. જ્યારે જીવનસાથી તરફથી ઉદાસીન વલણ દાખવવામાં આવે ત્યારે વ્યક્તિ ખોટી જગ્યાએ ભટકાઈ જવાની શક્યતા વધે છે. જો તેમને ઘરમાં જ સંતોષ મળવા લાગશે તો બહાર નજર નહીં જાય.

આ પણ વાંચો : વધુ ઇજેક્યુલેશન થવાથી સ્પર્મની ક્વૉલિટી અને ક્વૉન્ટિટી ઘટતી જાય છે અને નબળાઈ આવે છે

શરૂઆતમાં થોડાક મહિનાઓ કોઈ જ ફરિયાદ કે શંકા જતાવ્યા વિના બિનશરતી પ્રેમ આપો. એ છતાં જો તેમનું વર્તન શંકાસ્પદ રહેતું હોય તો બહારના લોકોની વાતો વિશે પતિને જ સ્પષ્ટ પૂછી લો. એમાં તમારા તરફથી શંકાને બદલે સમજણ હશે તો તેઓ સાચું બોલી કાઢશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK