હસબન્ડ વર્ક ફ્રોમ હોમ કરે છે અને છતાં તેમને ફૅમિલી-ટાઇમ ગાળવો ગમતો નથી

Published: Jul 17, 2020, 12:14 IST | Sejal Patel | Mumbai Desk

સેજલને સવાલ : અત્યારે હસબન્ડ વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે અને છતાં તેમને ફૅમિલી-ટાઇમ ગાળવો ગમતો નથી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલઃ ખબર છે અત્યારે બધા માટે કપરો સમય ચાલી રહ્યો છે, પણ એમાંથી કઈ રીતે બહાર આવી શકીશ એ સમજાતું નથી. સમસ્યા માત્ર બહાર જ નહીં, મારા પોતાના ઘરમાં પણ છે. એક બહુ જ મોટો શૉક મને લાગ્યો છે અત્યારે અને એની સાથે કઈ રીતે ડીલ કરવું એ સમજાતું નથી. મારાં લગ્નને પંદર વર્ષ થયાં છે. બાર વર્ષનો દીકરો છે. લગ્ન પહેલાં ત્રણ વર્ષનો કોર્ટશિપ પિરિયડ અને લગ્નનાં વર્ષોને યાદ કરું તો મારા હસબન્ડ ખૂબ જ પ્રેમાળ અને મારા માટે જીવ આપી દે એવા હતા. હા, હતા એટલા માટે કહું છું કે આ પિરિયડમાં તેમનામાં જબરજસ્ત બદલાવ આવ્યો છે. એવો બદલાવ જે હું એક પળ માટે પણ સાંખી શકું એમ નથી.
તેઓ સારી પોસ્ટ પર જૉબ કરે છે અને હાલમાં પણ તેમને વર્ક ફ્રોમ હોમની છૂટ છે અને પગારની કોઈ ચિંતા નથી. પહેલાં થતું હતું કે હસબન્ડ ઘરે જ હોય તો કેટલોબધો સમય સાથે ગાળવા મળે? પણ ના, તેઓ ઘરેથી પણ વધુ કલાકો કામમાં જ ગાળે છે. ફુરસદના સમયમાં પણ કંઈક લાવવા-મૂકવાના કામે બહાર ગયા હોય. તેમને ફૅમિલી સાથે સમય ગાળવાનું ગમતું જ નથી. દુનિયા આખીના પરિવારો અત્યારે ફૅમિલી-ટાઇમ ગાળી રહ્યા છે, પણ મારા હસબન્ડને એમાં જ રસ નથી. બહુ જ વાયલન્ટ સ્વભાવ થઈ ગયો છે તેમનો. તેમની સાથે નરમાશથી વાત કરો તોય ગુસ્સે થઈ જાય અને અકળાઈને વાત કરો તોય. તેમને હકીકતમાં તકલીફ શું છે એ જ સમજાતું નથી. તેમના મમ્મી-પપ્પા પણ ફરિયાદ કરે છે હવે તો તેમના સ્વભાવની.
જવાબઃ તમે પંદર-સત્તર વર્ષથી પતિ સાથે ઘનિષ્ઠ નાતો ધરાવો છો તો મને એક વાતનો જવાબ આપશો, શું તમારા પતિ પહેલેથી આવા ઊખડેલા, રુક્ષ અને ચીડિયા તો નહોતાને? તમે જ કહો છો કે તમારા હસબન્ડ ખૂબ પ્રેમાળ રહ્યા છે, પણ હમણાંથી જ બદલાવ આવ્યો છે. જો આ બદલાવ છેલ્લા થોડાક મહિનાઓનો જ હોય તો સમજવાની જરૂર છે કે આ સ્થિતિ માત્ર તમારી જ નહીં, અનેક પરિવારોની છે. રાધર, દરેક પરિવારમાં હાલમાં અંગત સ્ટ્રેસને કારણે સંબંધોમાં તાણ જોવા મળી રહ્યો છે. વાતને સમજવાની કોશિશ કરજો, વ્યક્તિ જ્યારે ખૂબ સ્ટ્રેસમાં હોય ત્યારે તે પોતાની લાગણી કોની સામે વ્યક્ત કરે? જેમ આપણે પ્રેમ પણ પોતાની વ્યક્તિ સામે જ વ્યક્ત કરીએ છીએ એમ ગુસ્સો પણ પોતાની જ વ્યક્તિઓ સામે વ્યક્ત થતો હોય છે.
તમે પોતે જોજો, શું તમારા પોતાનામાં ચીડિયાપણું નથી આવી ગયું? એક વાર જવાબ ન આપે અથવા તો તમે ઇચ્છો ત્યારે પતિ ઘરમાં હોવા છતાં તમને સમય ન આપે ત્યારે તમે પોતે કેટલી વાર અકળાઓ છો? આ વાતનો ખરેખર ઇન્ટ્રોસ્પેક્શન કરીને જવાબ આપજો. હાલનો સમય જ છે અકળાવનારો. અત્યારે આપણી કસોટી એટલી હદે થઈ રહી છે કે દરેક વ્યક્તિની અંદર હતાશા, નિરાશા અને બસ, હવે બહુ થયું વાળી ફીલિંગ પનપી રહી છે.
કદાચ તમારા હસબન્ડ અંદરને અંદર જ હતાશ થઈ રહ્યા છે. કયા કારણસર એ મને નથી ખબર. અત્યારે હતાશ થવા માટે કોઈ કારણની પણ જરૂર નથી. ભવિષ્યની અસ્પષ્ટતાની ચિંતા દરેક વ્યક્તિને કનડી રહી છે. મને
લાગે છે કે અત્યારે તેમના ચીડિયાપણા સામે લાઉડ રિઍક્શન ન આપવું એ જ બહેતર છે. જ્યારે વ્યક્તિ સ્ટ્રેસ અને લો ફીલ કરતી હોય ત્યારે તેની લાગણીઓ પહેલાં બહાર આવે એ જરૂરી છે. તમારે ડિમાન્ડિંગ થવાને બદલે તેમને જે કરવું છે એ કરવાની થોડીક મોકળાશ આપવી જોઈએ. આ સમસ્યા લાંબાગાળાની નથી, બસ અત્યારનો સમય સાચવી લેવાનો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK