ચોમાસામાં પેટનું ધ્યાન કેવી રીતે રાખશો?

Published: Aug 04, 2020, 14:56 IST | Ruchita Shah | Mumbai

ઍસિડિટી, ગૅસ, અપચો જેવી આ સીઝનની સ્પેશ્યલ ગણાતી તકલીફો માટે ટાઇમ ટેસ્ટેડ ઘરગથ્થુ ઇલાજ નિષ્ણાતો પાસેથી જાણીએ

એક બાજુ લૉકડાઉનની અસર અને બીજી બાજુ ચોમાસુ. લૉકડાઉનમાં વિકસેલો ઘરે આરામ કરવાનો અને નિતનવાં ભોજન આરોગવાનો સ્વભાવ વર્ષાઋતુમાં ભારે પડી શકે જો ધ્યાન ન રખાય તો. ચોમાસામાં પેટને લગતા કેવા રોગો થતા હોય છે એ વિશે વૈદ્ય હેતા શાહ કહે છે, ‘યથા બ્રહ્માંડે તથા પિન્ડે. એટલે જેવું બ્રહ્માંડ છે એવા જ આપણે છીએ. એનો અર્થ એવો થાય કે બહારના વાતાવરણની આપણી અંદરના વાતાવરણ પર પણ અસર થાય. વર્ષાઋતુમાં હવામાં જળતત્ત્વ વધી જાય છે. જળનું કામ ઠારવાનું છે એટલે જળ તત્ત્વ વધે તો આપણી જઠરાગ્નિ મંદ પડે. જઠરાગ્નિ મંદ હોય તો પેટના વિવિધ રોગો આકાર લેતા હોય છે. વર્ષામાં વાયુનો પ્રકોપ વધુ હોય. એ સીઝનમાં વાયુના બધા રોગ થાય. જઠરાગ્નિ મંદ પડવાથી અગ્નિ મંદ પડે છે. કૉન્સ્ટિપેશન અને ગૅસને કારણે ઍસિડિટી થાય. જનરલ ઇન્સ્ટ્રક્શનમાં એવું કહી શકાય કે મંદ પડેલા અગ્નિને પ્રદીપ્ત કરે એવો આહાર લો. જેમ કે જમ્યા પહેલાં સિંધાલૂણ નાખેલો આદુંનો રસ પીઓ, આદું ન ખાતા હોય એ લોકો સૂંઠનો પાઉડર લઈ શકે. ઍસિડિટી પ્રૉબ્લેમ ન હોય તો દિવસમાં ચાર-પાંચ કાળાં મરી ગળી જાઓ. ગૅસ થાય છે? તો અજમો અને સંચળની ફાકી લઈ લો, ઍસિડિટી હોય તો જીરું, ધાણા અને ખડી સાકર લઈ શકાય. કબજિયાતમાં કાળી કિસમિસ, હરડે લઈ શકો. હરડે, અજમો અને હિંગાશ્ટક ચૂરણ લઈ લો. આ ઋતુમાં ભોજનમાં નિયમિતતા હોય એ બહુ જરૂરી છે. આ ઋતુમાં ભાજીપાલા અને ફળો ઓછાં ખાવાં જોઈએ, વધુમાં વધુ ગરમ પાણી પીવું જોઈએ. દિનચર્યા અને ખાણીપીણીને લગતા થોડા નિયમો પાળીએ તો ઑટોમૅટિકલી રોગો ન આવે.’

ચોમાસામાં ફૂડ-પૉઇઝનિંગ થવાની સંભાવના પણ વધારે હોય છે. વૈદ્ય ડૉ. દેવચંદ ગાલા કહે છે, ‘વર્ષાઋતુમાં પાણી દૂષિત હોય છે. પાણીમાં અમ્લતાનું પ્રમાણ વધારે હોય એટલે શાકભાજી પણ પેટને બગાડી શકે. પાણીજન્ય રોગોમાં ઝાડાઊલટી થઈ શકે. પાણી જેવા ઝાડા થઈ જાય ત્યારે એમાં ડિહાઇડ્રેશન થઈ શકે. ચક્કર આવવા માંડે, સ્કિનમાં રિન્કલ પડે, બીપી લો થઈ શકે. હાઇપર ઍસિડિટી થઈ શકે, પુષ્કળ ગૅસ બની શકે, પાઇલ્સ થઈ આવે જેવી તકલીફોનું પ્રમાણ વધી જાય છે. ચોમાસામાં તમે રોજ ખાતા હતા એના કરતાં પંદરથી વીસ ટકા ઓછું ખાઓ. ઈટ લાઇટ, ઈટ ઑન ટાઇમ, સ્લીપ વેલ. આ ત્રણ તો પાયાના નિયમ છે જે દરેક ઋતુમાં અચૂક પાળવા જોઈએ. બીજું, આ ઋતુમાં કાચાં શાકભાજી અને ફળો બને એટલાં ઓછાં ખાવાં. રાંધેલો ખોરાક ખાઓ.’

કઈ તકલીફમાં કેવો ઘરગથ્થુ ઇલાજ કરશો?

વૉમિટિંગ થાય કે લૂઝ મોશન થાય ત્યારે

આ ઋતુમાં ઊલટી અથવા ઝાડા થાય તો સૌથી પહેલાં તો ખોરાક બંધ કરી દો અને એકલું લીંબુ ચૂસો. બીજું, એક ચમચો હિંગનો પાઉડર છાશમાં નાખીને એની પેસ્ટ બનાવો. એને ગરમ કરીને પેટ પર લગાવી દો. આ બે વસ્તુ કરવાથી લૂઝ મોશન અને વૉમિટિંગ બંધ થઈ જશે. એ પછી તરસ લાગે એની રાહ જોવાની છે. તરસ લાગે તો જ લીંબુના પાણીમાં મીઠુ અને સાકર નાખીને પાણી પી શકાય. ભૂખ લાગે તો દાડમ કે સફરજન ખાવાનું. આ બધું થોડાક સમયમાં કન્ટ્રોલમાં જ આવી જશે. પછી વધુ તરસ લાગે તો ફિલ્ટર કૉફી લઈ

શકાય. જરૂર પડે તો હિંગનો લેપ રિપીટ કરી શકાય. આટલું કરવાથી કોઈ જાતનું ડિહાઇડ્રેશન નહીં થાય. જનરલી લોકો વધારેને વધારે પાણી પીએ અથવા સૉલ્ટવાળું પાણી પીએ. તરસ વગર આ રીતે પાણી પીવાથી સમસ્યામાં વધારો થાય છે.

માત્ર ઍસિડિટી બહુ વધી ગઈ હોય ત્યારે

મમરા અને ખડી સાકરનું પાણી પીવાનું. એક ગ્લાસ પાણીમાં એક મુઠ્ઠી મમરા નાખીને એને મસળી નાખવાના. હવે એમાં ખડી સાકર નાખીને ઘૂંટડે-ઘૂંટડે પાણી પીશો તો ઍસિડિટી તરત જ મટી જશે.

પેટના ઇન્ફેક્શનને કારણે તાવ આવે ત્યારે

ઉપવાસની જેમ ખાવાપીવાનું બંધ કરી દેવાનું. તરસ ન લાગે ત્યાં સુધી પાણી પણ નહીં પીવાનું. ભૂખ લાગે તો કાળાં મરીનો પાઉડર નાખીને મગનું પાણી લેવાનું. લીલી ચાની પત્તી, આદું, ફુદીનો અને તુલસીને ઉકાળીને હર્બલ ટી બનાવીને એ શકાય. પછી ભૂખ લાગે તો ખોરાક ધીરે-ધીરે શરૂ કરી શકાય.

ફીવરમાં જેમને માથું દુખે

તાવને કારણે માથું દુખતું હોય તો એક ચમચી સૂંઠના પાઉડરને છાશમાં મેળવી એને ગરમ કરીને કપાળ પર લગાવી દો. લેપ સુકાઈ રહે એટલે કાઢી નાખવાનો.

ફીવરમાં શરીર દુખે તો રેતીનો શેક પણ કરી શકાય. ફુટબૉલથી અડધા ભાગની દરિયાની રેતી લેવાની, એને લોઢીમાં ગરમ કરીને કૉટનના જાડા કપડા પર પાથરી એના પર છાશ છાંટીને એ કપડાની પોટલી બાંધીને જ્યાં દુખાવો હોય ત્યાં આ પોટલીનો શેક કરવાનો. જરૂર પડે તો સેમ રેતી પાછી પણ વાપરી શકાય. જેમની પાસે રેતી અવેલેબલ ન હોય એ લોકો દુખાવો હોય એ ભાગમાં સૂંઠના પાઉડરને ઘસી નાખે અથવા મસાજ કરે તો પણ લાભ થશે. ઈવન ચિકનગુનિયા જેવા રોગોમાં જ્યાં સાંધા જકડાઈ ગયા હોય ત્યાં સૂંઠના પાઉડરને ઘસવાથી ફરક પડ્યાનું અમે અનુભવ્યું છે.

ગૅસ બહુ થયો હોય, પેટ કઠણ (બ્લોટિંગ) થઈ ગયું હોય

કોઈ પણ કારણસર ગૅસ થાય તો અડધીથી પોણી ચમચી સૂંઠ અને એટલો જ ગોળ મિક્સ કરીને બેથી ત્રણ વખત ખાઈ જાઓ. ઉપરથી ગરમ પાણી પી શકાય.

કબજિયાત થાય ત્યારે

કબજિયાતની તીવ્રતા મુજબ અડધી, પોણી અથવા એક ચમચી હરડેનું ચૂરણ, પા ચમચી સૂંઠ અને અડધી ચમચી ગોળ અને હરડેના પ્રમાણ મુજબ ગાયનું ઘી આ બધું જ બરાબર મિક્સ કરી પેસ્ટ બનાવી સવારે ભૂખ્યા પેટે નવશેકા પાણી સાથે લઈ લેવાનું. કબજિયાત મટી જશે. પહેલી વારમાં ફરક ન પડે તો હરડે અને ઘીની માત્રા પા-પા ચમચી વધારતા જવાનું. બહુ જ સરળ અને ઉપયોગી ફૉર્મ્યુલા છે. જો સાથે તાવ હોય તો સુદર્શન ઘનવટી આપી શકાય.

નાનાં બાળકોને તાવ આવે તો

બાળકોને તાવ આવી જાય, ઝાડા-ઊલટી થઈ જાય તો તેમને બાલચાતુર્ભદ્ર ચૂર્ણ આપવાનું. એનો ડોઝ બૉટલ પર લખેલો હોય છે. બાલચાતુર્ભદ્ર સિરપ પણ આવે છે. એનાથી વૉમિટિંગ, લૂઝ મોશન, ફીવર બંધ થઈ જશે.

ચોમાસામાં સ્કિન કૅર

આ ઋતુમાં ચામડીને લગતા રોગો પણ વધી જાય છે. ધારો કે પાણી ભરાઈ ગયા હોય અને એમાંથી ચાલ્યા હો તો ઘરે આવ્યા પછી સ્નાન કરીને પગમાં, હાથમાં સરસવનું તેલ (મસ્ટર્ડ ઑઇલ) ઘસી દેવાનું. સરસવનું તેલ ઍન્ટિફંગલ, ઍન્ટિબૅક્ટેરિયલ અને ઍન્ટિવાઇરલ એજન્ટ તરીકે કામ કરે છે જે કોઈ પણ જાતના વાઇરસ કે બૅક્ટેરિયાને તમારી સ્કિન પર ટકવા નહીં દે.

અપચો અને ઝાડા હોય

જ્યારે લૂઝ મોશન હોય, પેટમાં ગૅસ હોય અને સવારે મોશન વખતે અર્જન્સી સાથે જવું પડે એવી સ્થિતિ હોય તેમણે બે કપ પાણીમાં પોણી ચમચી સૂંઠનો પાઉડર, દોઢ ચમચી પીસેલા ધાણા નાખીને ઉકાળવું. આ પાણી એક કપ જેટલું બાકી રહે એટલે ગાળીને પી જવું. અપચો અને લૂઝ મોશન બન્નેમાં એ બહુ જ જોરદાર અસર કરશે. અહીં ધ્યાન રહે કે આ ઉકાળો પીધા પછી બે-ત્રણ દિવસ બાદ તો કબજિયાત શરૂ થાય તો સૂંઠ અને ધાણાનું પ્રમાણ અડધું કરી નાખવું. બીજા દિવસે પણ કબજિયાત વધે તો ઉકાળો બંધ કરી દેવો.

શરદી અને સાઇનસની સમસ્યા વકરી હોય ત્યારે

ચોમાસામાં ઠંડા વાતાવરણને કારણે સાઇનસની તકલીફ વધી જતી હોય છે. નાક બંધ થવું, માથું દુખવું, નાકમાંથી પાણી નીકળવું, છીંકો આવવી. આવા સમયે નાકમાંથી પાણી નીકળતું હોય તો ચપટી સૂંઠનો પાઉડર નાકની બન્ને નાસિકામાં સૂંઘવો. જરૂરિયાત મુજબ દિવસમાં એક, બે અથવા ત્રણ વખત સૂંઘી શકાય. નાક બંધ થઈ ગયું હોય તો અજમો તવા પર શેકીને એની પોટલી બનાવીને નાકથી સૂંઘો અને સાઇનસ તથા કપાળ પર પોટલી રાખીને શેક કરો જે સાઇનસમાં રાહત આપશે.

બીજી રીત એ છે કે દસ-બાર લવિંગના ટુકડાને તવા પર શેકીને અને એમાંથી ધુમાડો આવે એટલે ગૅસ બંધ કરીને તવા પર ક્રશ કરો. થોડું પાણી નાખીને પેસ્ટ બનાવીને એને કપાળ, નાક અને સાઇનસના ભાગમાં લગાવી દો.

મોટા ભાગે ઉપરના બધા ઉપાયોથી બીજી કોઈ પણ જાતની દવા વિના લોકોને સારું થઈ જાય છે.

- ડૉ. દેવચંદ ગાલા, આયુર્વેદ એક્સપર્ટ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK