Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગમે તેવો દાંતનો કે પેઢાનો દુખાવો હોય માતંગી મુદ્રાથી એ દૂર થશે

ગમે તેવો દાંતનો કે પેઢાનો દુખાવો હોય માતંગી મુદ્રાથી એ દૂર થશે

04 June, 2020 08:09 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

ગમે તેવો દાંતનો કે પેઢાનો દુખાવો હોય માતંગી મુદ્રાથી એ દૂર થશે

ગમે તેવો દાંતનો કે પેઢાનો દુખાવો હોય માતંગી મુદ્રાથી એ દૂર થશે


આગળ પણ આપણે મુદ્રા વિજ્ઞાન વિશે વાત કરી ચૂક્યા છીએ. મુદ્રાથી શરીરની ઊર્જાને અમુક દિશામાં ડાયરેક્ટ કરવી એ એની ખાસિયત છે. એ સિવાય પંચમહાભૂતથી બનેલા આપણા શરીર અને મુદ્રા વચ્ચે મહત્ત્વની સિમિલારિટી છે. અનેક મુદ્રાઓ પર ઊંડો અભ્યાસ કરીને પ્રૅક્ટિકલી એની ઉપયોગિતાને ચકાસ્યા પછી એને લોકો સમક્ષ મૂકનારા મુદ્રા એક્સપર્ટ મિતેશ જોશી કહે છે, ‘આપણા હાથની પ્રત્યેક આંગળી પંચમહાભૂતના એક-એક તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે એ તો આપણે સૌ જાણીએ છીએ પરંતુ કેટલીક ભ્રમણાઓ પણ છે આ દિશામાં. જેમ કે શરીરમાં જળ તત્ત્વનું પ્રતિનિધિત્વ કનિષ્ઠિકા આંગળી કરે છે. જળ તત્ત્વ એટલે લોકો એનો શબ્દાર્થ કરે છે પાણી. પરંતુ અહીં જળ એટલે શરીરમાં રહેલા તમામ પ્રકારનું પ્રવાહી જેમાં બ્લડ પણ આવે, ડાઇજેસ્ટિવ ફ્લુઇડ પણ આવે, મોંમાં રહેલી લાળ પણ આવે અને યુરિન પણ આવે. મોટે ભાગે કોઈને સુસુ જવું હોય તો તેઓ છેલ્લી કનિષ્ઠિકા દેખાડે બરાબરને? કારણ કે આ જ આંગળી જળ તત્ત્વને દર્શાવે છે. એવી જ રીતે મોટે ભાગે એનર્જી, પાવરને દેખાડવો હોય તો તમે અંગૂઠો દેખાડતા હો છો. અંગૂઠો એટલે અગ્નિ તત્ત્વ. ફાયર એલિમેન્ટ, જે ઊર્જાનું પ્રતીક છે. પહેલાં જ્યારે રાજા-મહારાજા યુદ્ધમાં જતા તો તેમને અંગૂઠાથી ચાંદલો કરાતો. એવી રીતે અનામિકા એટલે કે રિન્ગ ફિંગર પૃથ્વી તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે. મધ્યમા આકાશ તત્ત્વ અને તર્જની એટલે કે ઇન્ડેક્સ ફિંગર વાયુ તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે. તમારી મુદ્રાથી તમે આ પંચતત્ત્વમાં આવેલા અસંતુલનને દૂર કરીને દુખાવો અને મનની અસ્વસ્થતા એમ બન્ને દૂર કરી શકો છો.’

mudra



માતંગી મુદ્રા


 

mudra


અસ્થમા મુદ્રા

મિતેશ જોશી પાસેથી વિસ્તારથી જાણીએ સાત મહત્ત્વની અને તાત્કાલિક પરિણામ આપતી કેટલીક અસરકારક મુદ્રાઓ વિશે.

જૉઇન્ટ પેઇનમાં રાહત આપશે આ મુદ્રા

આર્થ્રાઇટિસ કે સાંધાના અન્ય કોઈ પણ દુખાવા હોય, ઘૂંટણમાં કે ખભામાં દુખાવો હોય, કોઈને કોણીમાં દુખાવો થતો હોય છે તેમણે આ મુદ્રા કરવી જોઈએ. આ મુદ્રામાં પણ બન્ને હાથમાં જુદું-જુદુ જેશ્ચર હશે. જમણા હાથની અનામિકા આંગળી અંગૂઠાને અડશે અને ડાબા હાથની મધ્યમા આંગળી અંગૂઠાના ટેરવાને અડશે અને એને તમારી થાઇઝ પર રિલૅક્સ્ડ પોઝિશનમાં મૂકી દો. રોજ જો ત્રીસથી પિસ્તાળીસ મિનિટ માટે આ મુદ્રા કરો તો ગમે તેવા સાંધાના દુખાવામાં ફરક પડવાનું શરૂ થઈ જશે.

બ્રૉન્કાઇટિસ નિવારણ માટે મુદ્રા

તમારી કનિષ્ઠિકા આંગળીને અંગૂઠાના બેઝ પર જ્યાં હસ્તરેખાનો એક કાપો છે ત્યાં મૂકવાની. એના પછી અનામિકા આંગળીને અંગૂઠાના ઉપરથી પહેલા કાપા પર મૂકીશું અને મધ્યમા અને અંગૂઠાની ટોચ એકબીજાને અડેલી રહેશે. તર્જની આંગળી સીધી રહેશે. પહેલી વાર કરતા હશો ત્યારે આ મુદ્રા કરવામાં અઘરી છે, પરંતુ એક વાર તમે એ કરી લો તો ફેફસાની હેલ્થ માટે, ફેફસામાં કફ ભરાઈ ગયો હોય તેમના માટે એ ખૂબ જ ઇફેક્ટિવ ગણાય છે.

અસ્થમા દૂર કરવા માટે મુદ્રા

બન્ને હાથને છાતી પાસે નમસ્કાર મુદ્રાની જેમ રાખતા હો એમ લઈ આવો, પણ હાથ એકબીજાની સાથે જોડવાના નથી. હવે મધ્યમા આંગળીને તસવીરમાં દેખાડ્યું છે એ રીતે ટેરવાના ભાગથી વાળીને એકબીજાના નખને સ્પર્શે એ રીતે રાખો. હાથનો આકાર મંદિર અથવા તો મોર જેવો દેખાશે. અસ્થમાના પમ્પ પર હોય એવા દરદીઓને પણ આ મુદ્રાથી લાભ થતો અમે જોયો છે.

માતાંગી મુદ્રા

જ્યારે દાંતમાં કે પેઢામાં દુખાવો હોય એના માટે આ મુદ્રાનું અમને ચમત્કારિક લેવલ પર પરિણામ મળ્યું છે. તમે પોતે પણ પાંચથી દસ મિનિટ આ મુદ્રા કરીને દાંતના કે પેઢાના દુખાવામાં રાહત અનુભવી શકશો. બન્ને હાથને જોડીને એની મુઠ્ઠી બનાવો. ખાલી મધ્યમાને તસવીરમાં દેખાય છે એ રીતે એકબીજાની સાથે જોડાયેલી આકાશ તરફ સીધી રાખો. આ મુદ્રામાં રહેલી હથેળીને તમારી છાતીની પાંસળી જ્યાં પૂરી થાય છે એ હિસ્સામાં રાખો (સોલાર પ્લેક્સસની સામે). આ જ મુદ્રામાં હાથની પોઝિશન જો છાતીની સામે હોય તો એતે દીર્ઘશ્વાસ મુદ્રા બની જાય છે જે ઊંડા શ્વાસ લેવા માટે મદદરૂપ થાય છે.

મેરુદંડ મુદ્રા

સંસ્કૃતમાં કરોડરજ્જુને મેરુદંડ પણ કહેવાય છે. કરોડરજ્જુના જુદા-જુદા ભાગમાં દુખાવો હોય એને અનુરૂપ મેરુદંડ મુદ્રામાં બદલાવ લાવીને જે-તે દુખાવાને દૂર કરી શકાય. સૌથી પહેલાં બન્ને હાથની મુઠ્ઠી બનાવવાની છે. મુઠ્ઠી એટલે સીધી મુઠ્ઠી વાળવાની નહીં, પણ પહેલા હાથની આંગળીઓનાં ટેરવાંને આંગળી પરના પહેલા કાપા સુધી વાળવાની, એ પછી એ વળેલા ભાગને સેકન્ડ ફોલ્ડ કરીને હથેળીમાં મુઠ્ઠી બનાવવાની. નખ મોટા હોય તો આ મુદ્રા નહીં થઈ શકે. આ રીતે મુઠ્ઠી વાળશો એટલે આંગળીનાં ટેરવાં ઉપર એક્સ્ટ્રા પ્રેશર આવશે જે સામાન્ય મુઠ્ઠીમાં નહીં આવે. 

૧. લોઅર બૅકપેઇન માટે
કોઈ પણ આસનમાં બેસીને અંગૂઠાને તસવીરમાં દેખાડ્યું છે એ રીતે મુઠ્ઠીને ઊંધી તમારા ઘૂંટણથી ઉપરના ભાગમાં રાખીને અંગૂઠાને અંદર તરફ ખેંચશો તો એ લોઅર બૅકપેઇન, કમરના અને સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપશે.
૨. મિડલ બૅકપેઇન માટે
મુઠ્ઠીને આકાશની તરફ થાઇઝ પર રાખીને અંગૂઠો તસવીરમાં દેખાડ્યો છે એ રીતે જો બહારની તરફ ખેંચશો તો કરોડરજ્જુના મધ્ય ભાગમાં તમને કોઈક સેન્સેશનનો અનુભવ થશે. મધ્ય ભાગમાં કોઈ પણ જાતનો દુખાવો હશે તો એ દૂર થશે.
૩. ગરદનના દુખાવા માટે
આ જ મુદ્રામાં રહેલી હથેળીમાં અંગૂઠાને આકાશથી તરફ રાખીને મુઠ્ઠી વાળેલી હથેળીને આ રીતે ઊભી રાખશો તો એ સર્વાઇકલ એટલે કે ગરદનને લગતા કોઈ પણ દુખાવામાં જોરદાર ફાયદો આપશે.
ત્રણેય મેથડમાં આ મુદ્રામાં તમારે અંગૂઠામાં જાતે જ એક ખેંચાણ આપવાનું છે. તો જ એનો લાભ થશે.

શુકરી મુદ્રા

હાથથી ડુક્કરના મોં જેવો આકાર બનાવવાનો છે. પાંચેય આંગળીઓનાં ટેરવાઓ એકબીજાને અડે એ રીતે એને ભેગાં કરો. શરીરમાં ક્યાંય પણ દુખાવો હોય તો આ મુદ્રાથી લાભ થશે. જો કોઈ સ્પેસિફિક ભાગમાં દુખાવો હોય તો એ ભાગથી થોડાક અંતર પર આ મુદ્રા સાથે હાથને રાખો અને મનમાં અનુભવ કરો કે ઈશ્વરીય ઊર્જા તમારા મસ્તિષ્કથી પસાર થઈને તમારી હથેળીના માધ્યમથી પેઇન હોય એ ભાગને મળી રહી છે. જેમ તમે ફોકસ લાઇટ કરતા હો એ રીતે આ મુદ્રામાં રહેલી હથેળી દ્વારા ઊર્જાને એ દિશામાં ફોકસ કરાવી રહ્યા છો.

બૅકપેઇન દૂર કરનારી મુદ્રા

કોઈ પણ જાતના બૅકપેઇન માટે આ મુદ્રાથી અમને કારગત પરિણામો મળ્યાં છે. અહીં તમારે ડાબા અને જમણા બન્ને હાથને જુદી રીતે રાખવાના છે. જમણા હાથની કનિષ્ઠિકા અને મધ્યમાનાં ટેરવાં અંગૂઠાના ટેરવાને ટચ કરશે અને ડાબા હાથમાં અંગૂઠાનો ટેરવાનો ભાગ તર્જની એટલે કે ઇન્ડેક્સ ફિંગરની નખની જમણી બાજુએ સ્પર્શશે. લોઅર બૅકમાં કોઈ પણ પ્રકારનો દુખાવો હોય એમાં જો આ મુદ્રા નિયમિત દિવસમાં ત્રણ વાર પંદર-પંદર મિનિટ કરાય તો બીજા કે ત્રીજા દિવસથી જ તમને ફરક દેખાવાનો શરૂ થશે.

mudra

મુદ્રાથી તમે તમારા શરીરની ઊર્જા જે-તે હિસ્સામાં પહોંચાડો છો અને શરીરમાં ઊભું થયેલું અસંતુલન દૂર થાય છે અને તમે સાજા થઈ જાઓ છો. આ બધી જ મુદ્રાનાં અમને અકસીર પરિણામો મળ્યાં છે અને ઘણા લોકો ઑલરેડી મુદ્રાના પ્રયોગથી સાજા થયા છે. જોકે નિયમિતતા સાથે દિવસમાં ત્રણ વાર પચીસથી પિસ્તાળીસ મિનિટ માટે આ મુદ્રાઓ કરવી જોઈએ. મુદ્રાઓ જમીન પર કોઈ પણ આસનમાં બેસીને, ખુરશી અથવા સોફા પર આરામથી બેસીને અથવા તો અશક્તિ હોય ત્યારે સૂતાં-સૂતાં પણ આ મુદ્રાઓ કરી શકાય. જમીને એકાદ કલાકના અંતર પછી આ મુદ્રાઓ કરવી જોઈએ, પરંતુ હા, તમે યોગ્ય જગ્યાએ હાથમાં સ્પર્શ કર્યો હોય એ પોઝિશન ખૂબ મહત્ત્વની છે.
- મિતેશ જોશી, મુદ્રા એક્સપર્ટ

Whatsapp-channel Whatsapp-channel

04 June, 2020 08:09 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK