માઇગ્રેનથી છૂટકારો મેળવવો છે? તો તમે પણ કરો જીવનશૈલીમાં આ ફેરફાર

Published: 27th July, 2020 21:30 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

માઇગ્રેન જેને કારણે માથાનાં કોઇક એક ભાગમાં અતિશય દુઃખાવો થાય. આની સાથે જ અકળામણ અને આંખ નબળી પડવાના પણ લક્ષણો જોવા મળે છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

માઇગ્રેન(Migraine) જેને કારણે માથાનાં કોઇક એક ભાગમાં અતિશય દુઃખાવો થાય. આની સાથે જ અકળામણ અને આંખ નબળી પડવાના પણ લક્ષણો જોવા મળે છે. તાણ(Tension), ચિંતા(Stress) , થાક(Tiredness), અપૂરતી ઉંઘ, ફિઝિકલ ઓવરએગ્ઝર્શન(Physical overexertion), લો બ્લડ શુગર(Low Blood Sugar) જેના કારણોસર આ દુઃખાવો થાય છે. સામાન્ય રીતે માઇગ્રેન અમુક કલાક સુધી હેરાન કરે છે, જ્યારે ગંભીર સ્થિતિમાં ઘણાં દિવસો સુધી રહે છે. આજના સમયમાં આ એક સામાન્ય બીમારી બની ચૂકી છે, પણ સામાન્ય લોકોમાં આને લઈને આજે પણ સમજણનો અભાવ છે.

ડૉક્ટર પાસે જતા જનરલ કન્સલટેશનના 4.4 ટકા કેસ માથાનાં દુઃખાવાના હોય છે. એટલું જ નહીં 20 ટકા લોકોને જીવનમાં ક્યારેક ને ક્યારેક માઇગ્રેનની સમસ્યા નડતી હોય છે. જો કે, માઇગ્રેન માટે અનેક પ્રકારની દવાઓ ઉપલબ્ધ છે, તેમ છતાં તમે તમારી જીવનશૈલીમાં નાનાં નાનાં ફેરફાર કરીને પણ તમે માઇગ્રેનથી છુટકારો મેળવી શકો છો. તો જાણો જીવનશૈલીમાં એવા કયા ફેરફાર કરવાની માઇગ્રેનના દુઃખાવાથી મુક્તિ મળી શકે છે.

1. શાંત વાતાવરણમાં રહેવું
માઇગ્રેનનું પહેલું લક્ષણ દેખાતાં જ તમારે તમારી નિયમિત જીવનશૈલીમાંથી જ આનો ઉપાય શોધવાનો રહેશે. પ્રકાશને કારણે માઇગ્રેન વધી શકે છે, એવામાં લાઇટ બંધ કરીને અંધારા ઓરડામાં આરામ કરવાથી ફાયદો થશે. માથા અને ડોકના ભાગમાં ઠંડું કે ગરમ શેક કરવાથી પણ દુઃખાવામાં રાહત મળી શકે છે.

2. પૂરતી ઉંઘ લેવી
તમારે નિયમિત રૂપે 7-8 કલાકની ઉંઘ લેવી જોઇએ. સૂવા અને ઉઠવાનો સમય ચોક્કસ રાખવાથી પણ માઇગ્રેનમાંથી મુક્તિ મેળવવામાં મદદ મળી શકે છે. સૂતા પહેલા પોતાને ગમતું સંગીત અને ગરમ પાણીથી નહાવાથી પણ માઇગ્રેનમાંથી રાહત મળી શકે છે.

3. ખાવાપીવા પર નિયંત્રણ રાખવું
જો શક્ય હોય તો જમવાનો સમય ચોક્કસ કરી લેવો, એટલે કે દરરોજ નક્કી કરેલા સમયે ભોજન કરી લેવું અને કોઇપણ સમયનું ભોજન ટાળવું નહીં. દારૂ, કૅફીન, ચૉકલેટ અને નશાયુક્ત આહાર(ફેટી ફૂડ)નું સેવન ન કરવું અથવા ઘટાડવું. આને બદલે લીલા પાંદડાવાળી શાકભાજી, ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર આહાર, કૉમ્પલેક્સ કાર્બોહાઇડ્રેટયુક્ત આહાર, તાજાં શાક, અનાજનું સેવન કરવું.

4. નિયમિત વ્યાયામ કરવો
તાણ અને ચિંતા, માઇગ્રેનનું કારણ બની શકે છે. જ્યારે આપણે વ્યાયામ કરીએ છીએ ત્યારે શરીર કેમિકલ (એન્ડોર્ફિન્સ)નો નિકાસ કરે છે. જે તાણ, અને ચિંતાથી છૂટકારો અપાવે છે. વ્યાયામને કારણે ઉંઘ પણ સારી આવે છે. આ જ કારણ છે કે વ્યાયામને માઇગ્રેનથી છુટકારો મેળવવા માટે પ્રભાવી ઉપાય માનવામાં આવે છે. જો કે, વ્યાયામ શરૂ કરતાં પહેલા ડૉક્ટર અને ટ્રેનર સાથે વાત કરી લેવી કારણકે અમુક વ્યાયામને કારણે માઇગ્રેનનો દુઃખાવો વધી શકે છે.

5. ઘણું બધું પાણી પીવું
શરીરમાં પાણીની ઉણપને કારણે માથાનો દુઃખાવો શરૂ થઈ શકે છે. જુદાં જુદાં અધ્યયનોમાં જોવા મળ્યું છે કે ડિહાઇડ્રેટેડ લોકોને પાણી પીધાં પછી 30 મિનિટથી 3 કલાકની અંદર માથાનાં દુઃખાવામાંથી આરામ મળે છે. શરીરમાં પાણીની ઉણપને કારણે ચિડીયાપણું, એકાગ્રતામાં પણ ઘટાડો થાય છે અને આ કારણસર માઇગ્રેનનો દુઃખાવો હજી વધી શકે છે. ઉચિત માત્રામાં પાણી પીવું અને પાણીથી ભરપૂર ખાદ્ય પદાર્થોનું સેવન માઇગ્રેનમાં રાહત અપાવે છે.

માઇગ્રેન સાથે જીવવું ખૂબ જ મુશ્કેલ હોઇ શકે છે. જ્યારે, લાઇફસ્ટાઇલમાં અમુક નાના-નાના ફેરફાર કરવાથી માઇગ્રેનમાંથી ઝડપથી છૂટકારો મેળવી શકાય છે. જો તમે માઇગ્રેનને લઈને વધારે ચિંતિત છો તો તમારે તમારા પ્રિયજનોની મદદ લેવી જોઇએ અને શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરની મદદ લેવી જોઇએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK