પાછલી વયે શરીરને મેઇન્ટેન રાખવા આ સિનિયર સિટિઝન જિમમાં જોડાયા

Published: 5th November, 2020 15:47 IST | Darshini Vashi | Mumbai

એટલું જ નહીં, કાંદિવલીમાં રહેતાં રીટા મહેતાએ જિમમાં જઈને ૨૫ કિલો વજન ઘટાડ્યું અને હવે લૉકડાઉનમાં જિમ બંધ હતાં તો ઘરને જિમ બનાવ્યું

રીટા મહેતા
રીટા મહેતા

રિટાયરમેન્ટ પછી ઘરે બેસીને આરામ કરવા, હરવા-ફરવા અને બાળકો સાથે સમય વિતાવવા સુધીની દિનચર્યાને સીમિત રાખવાને બદલે કાંદિવલીના આ સિનિયર સિટિઝન જિમમાં જઈ સ્ટ્રેન્થ ટ્રેઇનિંગ લઈ રહ્યા છે. હાડકાં ભાંગવાની અને સ્નાયુની સમસ્યા આવી શકે છે એવી ઉંમરમાં એટલે કે ૬૦ વર્ષની ઉંમરે આ બહેન હેવી ડમ્બેલ્સ ઊંચકે છે અને વેઇટ લિફ્ટ કરવાની એક્સસાઇઝ કરે છે, જેને લીધે તેમણે તેમનું ૨૫ કિલો વજન પણ ઉતારી દીધું છે એટલું જ નહીં; લૉકડાઉનમાં જિમ બંધ થઈ જતાં શરીર સ્થૂળ ન થઈ જાય એટલે ઘરમાં જ જિમમાં સાધનો વસાવીને ઘરને જિમમાં ફેરવી દીધું છે.
સમયનો સદુપયોગ
કાંદિવલીમાં રહેતાં નિવૃત્ત શિક્ષિકા રીટા મહેતા પોતાની જિમમાં જવા માટે જાગેલી ઇચ્છા બાબતે કહે છે, ‘હું ગોરેગામમાં આવેલી સંસ્કાર જ્યોત સ્કૂલમાં ટીચર હતી. આખી જિંદગી ઘર અને છોકરા સાચવવાની સાથે નોકરી કરવામાં જ ગઈ છે. હવે જ્યારે પોતાના માટે સમય મળ્યો છે તો પછી એનો સદુપયોગ કેમ ન કરું? શરીર પ્રત્યે ધ્યાન નહીં આપવાને લીધે મારું વજન ૯૫ કિલો સુધી પહોંચી ગયું હતું. આટલા બધા વજન સાથે હરવુંફરવું મુશ્કેલ લાગતું હતું. તેમ છતાં હું કામ તો બધું જ કરતી હતી, પરંતુ શરીરમાં સ્ફૂર્તિનો અભાવ રહેતો હતો. જ્યારે વજન કાંટો ૯૫ના આંકડા પર પહોંચી ગયો ત્યારે વિચાર્યું કે હવે બસ. હવે આનાથી વધશે તો બહુ ભારે પડશે. બસ, ત્યાર બાદ મનોમન સંકલ્પ લઈ લીધો કે ગમે તેમ કરીને વજન ઉતારવું જ છે. એટલે પહેલાં ડાયટ પ્લાન શરૂ કર્યો જે કેટલેક અંશે સફળ રહ્યો, પરંતુ માત્ર ડાયટથી વજન કન્ટ્રોલમાં આવતું નથી તેમ જ ફિગરને પણ પ્રૉપર કરવું હોય તો એક્સરસાઇઝ મસ્ટ છે એટલે જિમમાં જવાનો નિર્ણય લીધો. જોકે જેટલું સરળ જિમ લાગે છે એટલું સરળ ત્યાં જઈને એક્સરસાઇઝ કરવાનું હોતું નથી. એ પણ આ ઉંમરે જ્યારે તમારા સ્નાયુ નબળા અને સ્ટિફ થઈ ગયા હોય.’
તકલીફો પણ ઘણી પડી
જિમ જૉઇન કર્યા પછી થયેલી તકલીફો વિશે રીટા મહેતા કહે છે, ‘સૌથી પહેલાં તો મારે એવા કોઈ શબ્દો મારા ઘરના મેમ્બરોના મોઢેથી સાંભળવા પડ્યા નથી કે તારે આ ઉંમરે જિમમાં જવાનું શું કામ છે? કે પછી કંઈ થશે તો શું કરીશું? કેટલું હેરાન થવાશે વગેરે-વગેરે. તેમણે તરત જ જિમમાં જવાની મારી ઇચ્છા પર તેમની મંજૂરીની મહોર મારી દીધી હતી. એક તો દાયકાઓ બાદ જિમમાં જવાનો અનુભવ મને પહેલા દિવસથી જ થવા લાગ્યો હતો. હું સ્ટ્રેંગ્થ ઍક્ટિવિટી કરતી હતી એટલે મારે વજન ઊંચકવાને સંબંધિત એક્સરસાઇઝ કરવાની રહેતી હતી. ફિલ્મોમાં બતાવે છે એટલી સહેલાઈથી ડમ્બેલ્સ ઊંચકાતાં નથી. મારા હાથ અને પગના સ્નાયુઓ ખેંચાઈ ગયા હતા. હાથમાં અને પગમાં એટલો દુખાવો શરૂ થઈ ગયો હતો કે હું મારો અંબોડો સુધ્ધાં વાળી શકતી નહોતી. તેમ જ કપડાં પહેરવામાં પણ ભારે મુશ્કેલી થતી હતી. શરીરમાં અલગ-અલગ જગ્યાએ દુખાવો શરૂ થઈ રહ્યો હતો. પરંતુ હું હારી નહીં. એવી પણ જિમમાં ગઈ. ઘરનું પણ કામ કર્યું. બે મહિના સુધી હેરાન થઈ. પછી શરીરને આદત પડી ગઈ એટલે નૉર્મલ થવા લાગ્યું. સવારે ચાલવા જતી. પછી ઘરે આવીને કામ પતાવતી અને પછી જિમમાં જતી. આ મારું રૂટીન થઈ ગયું હતું. ગમે તે થઈ જાય કે ગમે ત્યાં જવાનું આવે તો પણ હું જિમમાં એક પણ ખાડો પાડતી નહોતી, જેનું પરિણામ હવે બધાની સામે છે.’
એકદમ પૉઝિટિવ

fitness
મહેનત બાદ મળેલી સફળતાનો સ્વાદ ઘણો મીઠો હોય છે એ વાત મારા માટે સો ટચના સોના જેવી છે એમ જણાવતાં રીટા મહેતા આગળ કહે છે, ‘દિવસ-રાતની મહેનત અને પરિશ્રમ બાદ મારું વજન જેટ ઝડપે ઊતરવા લાગ્યું એટલે મારામાં જુસ્સો પણ વધ્યો હતો. જોતજોતામાં પાંચ મહિનાની અંદર મારું ૨૫ કિલો વજન ઘટી ગયું. હું ૭૦ કિલોની થઈ ગઈ. મને મારી જાત પર વિશ્વાસ આવ્યો નહીં. અને સાચું પૂછો તો મને મારા માટે આ બહુ મોટી સિદ્ધિ લાગે છે કેમ કે આ ઉંમરે આટલી ઝડપથી આટલું બધું વજન ઉતારવું કંઈ સરળ નથી. એ પણ કોઈ પણ જાતની જાણકારી વિના. હવે તો હું મારા ફ્રેન્ડ્સને પણ આમ કરવાની સલાહ આપું છું. હું મારી એક્સરસાઇઝ ચાલુ જ રાખવા માગતી હતી પરંતુ એટલામાં લૉકડાઉન શરૂ થઈ ગયું. જિમ બંધ થઈ ગયાં. ઘરમાં તો આપણે કોઈ સાધન વસાવ્યા હોય નહીં. ઘરનાં કામ તો કરતાં પરંતુ જે રીતે જિમમાં ટ્રેઇનિંગ મળે એ રીતે તો મળવી શક્ય હતી જ નહીં એટલે મારું વજન ફરી વધવાનું શરૂ થઈ ગયું. આટલી મહેનતથી ઉતારેલું વજન ફરી વધી રહ્યું હતું. બાજી ફરી હાથમાંથી સરકી જાય એ પૂર્વે મેં ઑનલાઇન જિમમાં હોય એવાં સાધનો ખરીદવા માંડ્યાં. અલગ-અલગ વજનનાં ડમ્બેલ્સ, એરક્સસાઇઝમાં વપરાતા રૉડ, સ્ટ્રેચિંગ બેલ્ટ વગેરે મેં ઘરે વસાવી લીધાં અને ઘરનાં કામ પતાવીને હું રોજ એક કલાક આ સાધનો થકી એક્સરસાઇઝ કરતી. મને જોઈને મારા હસબન્ડ પણ ઘણી વખત એક્સરસાઇઝ કરવા લાગી જાય છે. તો કોઈ વાર મારો દીકરો પણ મને કંપની આપે છે. આજે ઘરે બેસીને ઘણા લોકોનું વજન વધી ગયું છે, પણ મારું વજન એકદમ કન્ટ્રોલમાં આવી ગયું છે. વજન ઓછું હોય એટલે ખૂબ સારું ફીલ થાય છે અને જાણે ૨૦-૨૫ વર્ષની હોઉં એવું મહેસૂસ કરું છું. કોઈ પણ કામ ફટાફટ થઈ જાય છે. અહીં સુધી કે હું ચોથે માળે રહું છું અને દિવસમાં બે વખત દાદર ચડી-ઊતરીને જાઉં છું તો પણ થાક નથી લાગતો. લૉકડાઉનમાં કામવાળી આવી નથી તો પણ એવું નથી લાગ્યું કે હું ઘણી થાકી ગઈ છું અને મારાથી કોઈ કામ નહીં થાય વગેરે. ટૂંકમાં કહું તો હું અત્યારે એકદમ પૉઝિટિવ ફીલ કરું છું અને કોઈ ઍડ્વેન્ચર ટૂર પર ઊપડી જાઉં એવી ઇચ્છા ધરાવું છું.’

લાઇફ બિગિન્સ @ 60
રીટા મહેતા બે વર્ષ પહેલાં નિવૃત્ત થયાં છે અને હવે તેઓ પોતાની મરજીથી જીવી રહ્યાં છે. તેઓ કહે છે, ‘એક તરફ મેં વજન ઘટાડવાનું શરૂ કર્યું તો બીજી તરફ હું ઍક્ટિંગ કરવાના મારા ચાઇલ્ડહુડ ડ્રીમને પણ જીવંત કરી રહી છું. હું નેટફ્લિક્સની એક વેબ-સિરીઝમાં કામ કરી રહી છું. ડબિંગ કરવા પણ જાઉં છું. એક ઍડ ફિલ્મમાં પણ જઈ આવી છું. આ બધું મેં ૬૦ની ઉંમરે કરવાનું શરૂ કર્યું છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK