મુદ્રા વિજ્ઞાનથી ગંભીર અને હઠીલા રોગોમાં લાભ થાય?

Published: Aug 06, 2020, 17:54 IST | Ruchita Shah | Mumbai

એક વાત નિશ્ચિત છે કે હજારો વર્ષ પહેલાં આપણા પૂર્વજોએ આ વિજ્ઞાનની ગહનતા પર પુષ્કળ સંશોધન કર્યું જ હશે અને કદાચ એની તીવ્ર અસરકારકતાના આધારે જ એને દિનચર્યામાં મહત્ત્વનું સ્થાન આપ્યું હશે.

અપાન મુદ્રા
અપાન મુદ્રા

હા થાય. ઘણી એવી બીમારીઓ છે જેમાં મુદ્રાને કારણે નિષ્ણાતોને હકારાત્મક પરિણામો મળ્યાં છે. ડાયાબિટીઝ, હાઇપરટેન્શન, અનિદ્રા, હૃદયરોગ અને થાઇરૉઇડ એમ કુલ પાંચ રોગોમાં કઈ મુદ્રા કરવી અને એ શું કામ લાભકારી છે એ વિશે આજે જાણીએ..

મુદ્રા શું છે અને મુદ્રા વિજ્ઞાન કઈ રીતે કામ કરે છે એ વિશે વિગતવાર ચર્ચા ભૂતકાળમાં આપણે કરી છે. એક વાત નિશ્ચિત છે કે હજારો વર્ષ પહેલાં આપણા પૂર્વજોએ આ વિજ્ઞાનની ગહનતા પર પુષ્કળ સંશોધન કર્યું જ હશે અને કદાચ એની તીવ્ર અસરકારકતાના આધારે જ એને દિનચર્યામાં મહત્ત્વનું સ્થાન આપ્યું હશે. આજે પણ તમે હજારો વર્ષનાં પ્રાચીન સ્થાપત્યો જોશો તો એમાં તમને મુદ્રાનાં દર્શન થશે. શ્વાસથી સૂક્ષ્મ છે પ્રાણ અને પ્રાણનું વહન થાય છે નાડીઓથી. પ્રાણના વહનને સુધારો, એમાં આવતા બ્લૉકેજિસને દૂર કરો, આવશ્યક દિશામાં એ પ્રવાહને વાળો તો રોગ નિવૃત્તિ સહજ થઈ જાય. જોકે એનું રિઝલ્ટ ક્યારે અને કેવી રીતે મળે એના કોઈ પ્રમાણિત પુરાવા નથી. અનુભવજન્ય જ્ઞાન છે અને બહુ જ સબ્જેક્ટિવ છે. વ્યક્તિએ-વ્યક્તિએ અસર બદલાતી હોય છે. આજે આપણે આજની જીવનશૈલી સાથે સામાન્ય બની રહેલી પાંચ સમસ્યાઓને હળવી કરવા માટે મુદ્રા વિજ્ઞાન કઈ રીતે પ્રભાવશાળી રીતે ઉપયોગી થઈ શકે છે એ વિશે મુદ્રા એક્સપર્ટ અભયકુમાર શાહ સાથે વાત કરીશું. એક એન્જિનિયર હોવા છતાં છેલ્લાં દસ વર્ષથી દસ હજારથી વધુ દરદીઓ પર તેમણે મુદ્રા થેરપી આપી છે અને અકસીર પરિણામ મેળવ્યાં છે તો જાણીએ તેમના જ શબ્દોમાં કે આજના સમયમાં ઘર-ઘરમાં પગપેસારો કરી રહેલી કેટલીક બીમારીઓ માટે તેમની દૃષ્ટિએ અનુભવસિદ્ધ મુદ્રાઓ કઈ છે.


ડાયાબિટીઝ
આપણા શરીરની કુદરતી સિસ્ટમમાં ગરબડની પરિણતી ડાયાબિટીઝમાં થાય છે. પૅન્ક્રિયાસ ઇન્સ્યુલિન ન બનાવે અથવા ઓછું બનાવે ત્યારે ગ્લુકોઝનું ઉચિત નિયમન ન થાય અને એ લોહીમાં ભળે. ડાયાબિટીઝમાં ઇન્વૉલ્વ્ડ હોય એવા ઑર્ગનને મુદ્રા દ્વારા એ હિસ્સામાં પ્રાણ ઊર્જા વધારીને આપણે ક્રિયાશીલ બનાવવાના પ્રયાસો કરી શકીએ છીએ. ડાયાબિટીઝ હોય ત્યારે શું કરવું એની પહેલાં હું કહીશ કે જેમને ડાયાબિટીઝ નથી એવા લોકોને જ્ઞાનમુદ્રા કરવાથી તેમને ભવિષ્યમાં ડાયાબિટીઝ થવાની સંભાવના ઘટી જાય. જ્ઞાનમુદ્રા તમારા મસ્તિષ્કને જ કે તમારા ચેતાતંત્રને જ નહીં પરંતુ તમારી અંતઃસ્રાવી ગ્રંથિઓને લગતી અવ્યવસ્થાઓમાં પણ ખૂબ સારું પરિણામ આપે છે. આમ ભલે આપણે હવામાંથી ઑક્સિજન લઈએ છીએ એને જ પ્રાણવાયુ કહીએ છીએ, પરંતુ આપણા શરીરમાં જુદા-જુદા કાર્ય કરવા માટે પાંચ પ્રાણ છે. એમાં પણ વિક્ષેપ ઊભો થયો હોય તો રોગ આવી શકે. ડાયાબિટીઝના દરદીઓ માટે અપાન, જે શરીરના વેસ્ટને બહાર કાઢવાનું કામ કરે છે અને સમાન વાયુ, જે ડાઇજેશનનું કામ કરે છે એ બન્ને પ્રાણોને કાર્યાન્વિત કરે એવી મુદ્રાઓ કરવી જોઈએ.’
શું કરશો?

mudra
અપાન મુદ્રા,સમાન મુદ્રા, સૂર્ય મુદ્રા, પ્રાણ મુદ્રા

હૃદયરોગ
જેમને હૃદયરોગ થયો નથી તેમના માટે હૃદયને પહેલેથી મજબૂત રાખવું હોય તો આકાશ મુદ્રા કરવી જોઈએ. આપણા શરીરમાં આકાશ તત્ત્વ છે, જેના વિશે આપણે બહુ ધ્યાન નથી આપતા. આપણું હૃદય સ્નાયુઓથી બનેલું એક પ્રકારનું પોલાણ છે. ફેફસામાં, સાઇનસિસમાં, મગજમાં, લિવરમાં, આંતરડામાં, બે હાડકાંની વચ્ચે, પેટમાં, રક્તવાહિનીઓમાં એમ શરીરમાં ઠેર-ઠેર સ્પેસ છે; જે અનિવાર્ય છે. જ્યારે આ સ્પેસ કોઈ પણ કારણોસર ભરાઈ જાય અથવા સ્પેસના પ્રમાણમાં વિક્ષેપ ઊભો થાય ત્યારે રોગો શરૂ થાય છે. ફેફસાંમાં કોઈ પણ ઇન્ફેક્શનને કારણે સ્પેસ ભરાય તો શ્વસનની તકલીફથી લઈને ન્યુમોનિયા થાય. આંતરડાની સ્પેસ ભરાય તો અપચો થાય. થિયરી એ છે કે આ સ્પેસમાંથી નિર્માલ્ય ખાલી થતું રહેવું જોઈએ. આકાશ તત્ત્વ એ રીતે ક્લીનિંગનું કામ કરે છે જેથી શરીરમાં આકાશ તત્ત્વ જળવાયેલું રહે. આ આકાશ તત્ત્વને બૂસ્ટ કરનારી અને સંતુલિત કરનારી મુદ્રા કરો તો એનો પ્રભાવ શરીરના અનેક હિસ્સા પર પડતો હોય છે. આ મુદ્રાથી આર્ટરીમાં થયેલા બ્લૉકેજિસ દૂર થાય છે. એ સિવાય હૃદયના હિસ્સામાં અપાન પ્રાણનો પ્રભાવ હોય છે એટલે અપાન વાયુને સંતુલિત અપાન વાયુ મુદ્રા, જેને હું તો મૅજિકલ મુદ્રા માનું છું. હૃદયરોગ હોય તેમને માટે નહીં, હાર્ટ- અટૅક આવી શકે એવી વ્યક્તિઓ માટે ફર્સ્ટ એઇડ તરીકે આ મુદ્રાએ કામ કર્યું હોય એવા કિસ્સાઓ મારી પાસે છે. હૃદય જ્યાં આવેલું છે એ સ્થાન પર ઘણી વાર વાયુ ભરાઈ જતો હોય છે. જેવો વાયુ ભરાય કે હાર્ટની ફ્રી મૂવમેન્ટ ન થઈ શકે, કારણ કે હવાનું દબાણ છે. અપાન વાયુ મુદ્રા કરો તો એ એરિયામાંથી હવાને બહાર કાઢી નાખે અને તમારા હૃદયની મૂવમેન્ટ વધારે. તમે જોયું હશે કે નેવું ટકા હાર્ટ-અટૅકના કિસ્સાઓમાં એન્જાઇના પેઇન ઊપડે એ વખતે એ પેશન્ટને ગૅસ ભરાઈ ગયો હોય, ઍસિડિટી થવી, ઊલટી જેવું લાગતું હોય કે સ્ટૂલ પાસ કરવાની ઇચ્છા થતી હોય છે. એક્સ્ક્રીશન દ્વારા શરીર વાયુના એ દબાણને ઓછું કરવાના પ્રયત્ન કરે છે. જોકે ઘણી વાર એમાં નિષ્ફળ જાય છે. જોકે અપાનવાયુ મુદ્રા તમને હૉસ્પિટલમાં પહોંચવા સુધીના સમયને સાચવી લેવામાં મદદરૂપ થઈ શકે છે. એનું બીજુ નામ મૃત સંજીવની મુદ્રા પણ છે. સેંકડો પેશન્ટ એવા છે જેનો જાન આ મુદ્રાને કારણે બચેલો છે.’
શું કરશો?

mudra

 અપાન મુદ્રા, સમાન મુદ્રા, ધ્યાન મુદ્રા, જ્ઞાન મુદ્રા

થાઇરૉઇડ
ડાયાબિટીઝની જેમ જ અંતસ્રાવી ગ્રંથિઓની અતિ સક્રિયતા અથવા નિષ્ક્રિયતાને કારણે આ રોગ સમસ્યા ઉદ્ભવે છે. શરીરના આ ડિસઑર્ડરને દૂર કરવામાં ઉદાન વાયુના સંતુલનની ખૂબ જ આવશ્યકતા હોય છે. એ આપણા કંઠ, ગરદન અથવા વિશુદ્ધિ ચક્રની આસપાસના ઑર્ગનને પ્રભાવિત કરે છે. પ્રાણ મુદ્રાનું સ્થાન વિશુદ્ધિ ચક્રથી અનાહત ચક્ર સુધીનું છે તેથી એ ઉપયોગી છે. સૂર્ય મુદ્રા ઃ હાઇપોથાઇરૉઇડ માટે ઉપયોગી છે. તેમ જ આપણે ફિઝિકલી શંખ ફૂંકીએ ત્યારે એની આપણા શ્વસન તંત્રના સ્નાયુઓ, આપણું હૃદય, આપણા ચેતાતંત્ર પર જે અસર થાય છે એવી જ અસર શંખ મુદ્રા કરવાથી પણ થાય છે. આ મુદ્રા માત્ર દેખાવથી શંખ જેવી છે એટલું જ નહીં, એના ફાયદા પણ શંખ વગાડવા જેટલા વિશિષ્ટ છે. થાઇરૉઇડ માટે આ મુદ્રાને હું રામબાણ ગણું છું. આપણા શરીરની ૭૨ હજાર નાડીઓને શુદ્ધ કરવાનું કામ શંખ મુદ્રા કરે છે. કંઠને લગતા કોઈ પણ પ્રૉબ્લેમમાં આ મુદ્રા કરી શકાય.’
શું કરશો?

mudra
ઉદાન મુદ્રા, પ્રાણ મુદ્રા, સૂર્ય મુદ્રા, શંખ મુદ્રા

અનિદ્રા
ઊંઘ ન આવતી હોય, મોડી આવતી હોય અથવા ઊંઘ પૂરતી ન થતી હોય એ બધાનાં જુદાં-જુદાં કારણ હોઈ શકે. પરંતુ મુખ્ય છે મગજમાં ચાલતો વિચારોનો ટ્રાફિક. આ વિચારો સતત તમારા માઇન્ડને ઉત્તેજિત કર્યા કરે અને સાઉન્ડ સ્લીપ માટે વિલન બની જાય, જેના માટે મગજને શાંત કરે અને ઊંઘ માટે શરીરને અનુકૂળ બનાવે એવી મુદ્રાઓ કરવાથી ફાયદો થશે. અહીં હું બીજા મહત્ત્વના મુદ્રા પર ધ્યાન દોરવા માગું છું કે આપણા શરીરમાં દરેકે દરેક ક્રિયા અને વ્યવહારને એનર્જીને જરૂર છે. એમ સારી ઊંઘ આવે એના માટે પણ એનર્જીની જરૂર છે. ઘણા લોકોને એમ લાગે છે કે થાકીએ એટલે ઊંઘીએ છીએ, પણ યાદ રાખજો કે આપણા શરીરમાં એનર્જી નહીં હોય તો પણ ઊંઘ નહીં આવે. તમે નોટિસ કર્યું હશે, જ્યારે તમે તમારા ગજાથી બહારનું કામ કરો છો તો તમને ઊંઘ નથી આવતી. રાતના સમયે પ્રાણ મુદ્રા તમને ખૂબ સરસ ઊંઘ આપશે. ઘણા એવું માને છે કે પ્રાણ ઊર્જાથી શરીરમાં ઊર્જા વધે અને ઊંઘ દૂર થાય. જોકે મારો અનુભવ છે કે ઊંઘ લાવવા માટે પ્રાણ ઊર્જા પણ એટલી જ ઉપયોગી છે.
શું કરશો?

mudra
જ્ઞાન મુદ્રા, શક્તિ મુદ્રા, શૂન્ય મુદ્રા, પ્રાણ મુદ્રા


હાઇપરટેન્શન
એક તર્ક પ્રમાણે શરીરમાં જ્યારે વ્યાન નામનો પ્રાણ ઓવર-ઍક્ટિવ થઈ જાય ત્યારે બ્લડ-સર્ક્યુલેશન ઝડપી બને છે, જેને કારણે હાઇપરટેન્શનની સમસ્યા ઉદ્ભવે. આનાથી ઊંધું વ્યાન અન્ડરઍક્ટિવ હોય તો બ્લડ- સર્ક્યુલેશન ઓછું થાય અને બ્લડ-પ્રેશર લો થાય. મુદ્રા દ્વારા વ્યાનને સંતુલનમાં લાવી શકાય છે.
શું કરશો?

mudra
વ્યાન મુદ્રા અને પછી તરત જ પ્રાણ મુદ્રા

કેટલા સમય માટે કરવી?
અહીં દરેક મુદ્રાની તસવીરો આપી છે જેની વિધિ તમે કોઈ શિક્ષકની મદદથી કે ઇન્ટરનેટના માધ્યમથી જાણી શકશો. મુદ્રા એક્સપર્ટ અભયકુમારજી આ મુદ્રા કરવાના સમય વિશે કહે છે, ‘એક રોગ માટે એકથી વધુ મુદ્રાની વાત થતી હોય ત્યારે તમે દરેક મુદ્રા માટે તમારી પાસે રહેલા સમયને વિભાજિત કરીને એનો અભ્યાસ કરી શકો છો. દરેક મુદ્રા ઓછામાં ઓછી સોળ મિનિટ અને દિવસમાં બેથી ત્રણ રાઉન્ડ સાતત્ય સાથે કરશો તો તમે નોંધનીય ફેરફાર તમારામાં જોઈ શકશો. બીજી વાત, આ મુદ્રા તમે મૉર્નિંગ વૉક કરતાં, ટીવી જોતાં, વાતો કરતાં, ફોનમાં વાત કરતાં, બપોરે આરામ કરતાં, સૂતાં-સૂતાં એમ કોઈ પણ રીતે જમ્યા પછી, જમતાં પહેલાં તમને જ્યારે સમય મળે ત્યારે કરી શકો છો. હાથને અમુક સ્થિતિમાં વ્યવસ્થિતિ રીતે રાખો એ જરૂરી છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK