Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમે જેને ચટાકા સાથે ખાઓ છો એ પેરી પેરી વિશે તમે કેટલું જાણો છો?

તમે જેને ચટાકા સાથે ખાઓ છો એ પેરી પેરી વિશે તમે કેટલું જાણો છો?

29 January, 2021 04:37 PM IST | Mumbai
Darshini Vashi

તમે જેને ચટાકા સાથે ખાઓ છો એ પેરી પેરી વિશે તમે કેટલું જાણો છો?

તમે જેને ચટાકા સાથે ખાઓ છો એ પેરી પેરી વિશે તમે કેટલું જાણો છો?

તમે જેને ચટાકા સાથે ખાઓ છો એ પેરી પેરી વિશે તમે કેટલું જાણો છો?


પેરી પેરી દક્ષિણ આફ્રિકાની દેન છે જે પોર્ટુગીઝ લોકો દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું કહેવામાં આવે છે જેને ભારતના લોકો સુધી પહોંચાડવાનું ખરું કામ મૅક્ડોનલ્ડ્સે કર્યું છે એમ કહીએ તો ચાલે. આમ તો અગાઉ પણ પેરી પેરી અહીં મળતું હતું પરંતુ એને ઘર-ઘર સુધી ઓળખ આપવાનું શ્રેય મૅક્ડોનલ્ડ્સને જાય છે. મૅક્ડોનલ્ડ્સે એની ફ્રેન્ચ ફ્રાઇઝમાં પેરી પેરી મસાલો ઍડ કરીને કાગળની શેકિંગ બૅગમાં સર્વ કરવાનું શરૂ કર્યું અને જોતજોતામાં એનો બહોળો ચાહક વર્ગ ઊભો થઈ ગયો તો બીજી તરફ તેણે નૉનવેજ આઇટમમાં પણ પેરી પેરી મસાલો ઍડ કરીને પેરી પેરીને ભારતની બજારમાં ઊંચું સ્થાન આપી દીધું. પેરી પેરી મસાલા સિવાય પેરી પેરી સૉસ, સ્પ્રેડ અને ડિપ પણ ભરપૂર વેચાઈ રહ્યાં છે. હવે તો લગભગ ઘણાં ઘરોમાં પેરી પેરી મસાલા વસાવવામાં આવી રહ્યા છે તેમ જ હોટેલ્સ અને રેસ્ટોરન્ટમાં વિવિધ ડિશમાં પેરી પેરી ફ્લેવર ઍડ પણ કરવામાં આવી રહી છે. યુવાનો તો ઠીક પરંતુ બાળકો અને સિનિયર સિટિઝન્સને પણ હવે પેરી પેરી પસંદગીની ફ્લેવર બની ગઈ છે. ખેર, આ તો થયો પેરી પેરીનો પરિચય, હવે આવીએ મૂળ વાત પર અને જાણીએ આ પેરી પેરી આપણી હેલ્થને કોઈ નુકસાન પહોંચાડતું તો નથીને!
એક પ્રકારનો ગરમ મસાલો જ છે
‘ગરમ મસાલો જો વધારે પડી જાય તો શરીરને ગરમ પડે છે, જ્યારે પેરી પેરીમાં તો ગરમ મસાલાની સાથે મિક્સ હર્બ્સ પણ હોય છે તો એનો વધારે પડતો ઉપયોગ કેવી અસર કરતો હશે એ તમારે જ વિચારવાનું છે એમ જણાવતાં ન્યુટ્રિશનિસ્ટ ડૉ. હેમલ બરછા પેરી પેરીને લીધે હેલ્થને થતાં નુકસાન પર આગળ કહે છે, ‘પેરી પેરીની અંદર મરીથી લઈને લાલ મરચાં, લીલાં મરચાં, હર્બ્સ વગેરે મિક્સ કરેલાં હોય છે. મરી પાચનશક્તિ સારી કરે છે અને શરીરમાં મેટાબોલિઝમ વધારે છે ત્યારે લાલ મરચાંમાં વિટામિન એ, બી સહિત બીજાં પણ કેટલાંક વિટામિન્સ હોય છે. આ બધાં મસાલાથી ફૂડનો ટેસ્ટ વધે છે એટલે જો આ મસાલાનો મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવામાં આવે તો એ કોઈ નુકસાન કરતા નથી, પરંતુ દરેકના શરીરને બધી વસ્તુ માફક આવતી નથી. જેની પાચનશક્તિ નબળી હોય કે પછી ઍસિડિટીનો પ્રૉબ્લેમ હોય અને તેઓ આ મસાલાનો આગળપડતો ઉપયોગ કરશે તો તેમને માટે આ મસાલો નુકસાનકારક છે કેમ કે આ તમામ મસાલા ગરમ જ છે. આમ પણ આજના સમયમાં કોઈ વસ્તુને ફેમસ થતાં વાર લાગતી નથી. પેરી પેરીનો ટેસ્ટ પહેલાં બે જણને ભાવ્યો, પછી બીજા બે જણે ચાખ્યો તેને પણ એ ભાવ્યો. આમ કરતાં-કરતાં એનો એક મોટો ચાહક વર્ગ ઊભો થઈ ગયો છે.’
ગરમ મસાલો અને
પેરી પેરી બન્ને ન ચાલે
આગળ કહ્યું તેમ પેરી પેરી એક પ્રકારનો ગરમ મસાલો જ છે. તમે ગૂગલ કરશો તો તમને પેરી પેરીનો અર્થ ગરમ પદાર્થ એવું જ લખીને આપશે એેમ જણાવીને ડૉ. હેમલ બરછા કહે છે, ‘પેરી પેરીની અંદર ભારતીય અને વિદેશી એમ બન્ને મસાલા આવેલા છે. એવું કહેવાય છે કે પેરી પેરીની અંદર દક્ષિણ આફ્રિકાનાં અત્યંત તીખાં ગણાતાં લાલ મરચાંનો સમાવેશ થાય છે. આ સિવાય તેની અંદર ઍડ કરવામાં આવતાં અમુક હર્બ્સ જે તમારી પાચનશક્તિને પણ નુકસાન પહોંચાડી શકે છે એટલે એનો વધુ વપરાશ તમારા શરીરને ઘણી રીતે નુકસાન કરી શકે છે જેને લીધે હાર્ટ બર્ન, લૂઝ મોશન તેમ જ પિત્ત પણ થઈ જાય છે. દરિયાપારના દેશોમાં વાતાવરણ અત્યંત ઠંડું હોય છે તેમ જ તેમનો ખોરાક પણ ઘણો અલગ હોય છે એટલે તેમને આ મસાલો માફક આવે છે, પરંતુ ભારતીયો માટે પેરી પેરીનો અધિક ઉપયોગ નુકસાનકારક સાબિત થઈ શકે છે. એમાં પણ જો તમે ઘરમાં કંઈક એવી વસ્તુ બનાવી હોય જેનો ગુણ ગરમ છે અને એમાં જો આ ગરમ મસાલો અને પેરી પેરી ઍડ કર્યા હશે તો એ ચોક્કસ શરીરમાં ઊંધી અસર કરશે.’
ઘરે જ બનાવીને ખાઓ
શેફ નતાશા ગાંધી પેરી પેરી મસાલાને ઘરે જ બનાવીને એનો ઉપયોગ કરવાની સલાહ આપતાં કહે છે, ‘મને હંમેશા ખાવાની વસ્તુઓની સાથે છેડછાડ કરીને કંઈક નવું બનાવવું ગમે છે. નવી આઇટમ તો બની જાય છે, પરંતુ એનો ટેસ્ટ બેસ્ટ બનાવવા માટે હું એમાં નવા-નવા મસાલા ટ્રાય કરું છું અને અત્યારે પેરી પેરી સૌથી પસંદગીની ફ્લેવર છે. હું જ નહીં પરંતુ લોકોની ફરમાઈશોને ધ્યાનમાં રાખીને અમે શેફ ઘણી વસ્તુમાં પેરી પેરી ઉમેરીએ છીએ. ઘણી વખત તો એવા લોકો પણ મળી જાય છે જેઓ ચાઇનીઝમાં પેરી પેરી મસાલો ઉમેરવાની ફરમાઈશ કરે છે. પરંતુ ચાઇનીઝ મસાલો અને પેરી પેરીનો ટેસ્ટ એકદમ વિરુદ્ધ છે. એવી જ રીતે અમુક એશિયન ડિશ પર પણ પેરી પેરી નાખવામાં આવતો નથી. ભારતીય વાનગીમાં હવે પેરી પેરીનો છૂટથી ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ પેરી પેરી જો વધારે પડી જાય તો સ્વાદ પણ ખરાબ લાગે અને હેલ્થને તો નુકસાન છે જ. હું પેરી પેરીને ફૂડની અંદર માત્ર ચપટી જેટલો જ વાપરું છું. બહારના પેરી પેરી મસાલાની અંદર ઘણી વખત કલર, પ્રિઝર્વેટિવ તેમ જ હલકી ગુણવત્તાના મસાલા પણ ઉમેરવામાં આવતાં હોય છે જેથી પેરી પેરીને ઘરે જ બનાવીને એનો ઉપયોગ કરવો જોઈએ. ઘરે બનાવવાનો ફાયદો એ પણ છે કે તમે તમારા ટેસ્ટ મુજબ એમાં મસાલા વધતા-ઓછા પ્રમાણમાં ઉમેરી શકો છો જેની રીત પણ ઘણી સરળ છે.’

દરિયાપારના દેશોમાં વાતાવરણ અત્યંત ઠંડું હોય છે તેમ જ તેમનો ખોરાક પણ ઘણો અલગ હોય છે એટલે તેમને આ મસાલો માફક આવે છે, પરંતુ ભારતીયો માટે પેરી પેરીનો અધિક ઉપયોગ નુકસાનકારક સાબિત થઈ શકે છે. એમાં પણ જો તમે ઘરમાં કંઈક એવી વસ્તુ બનાવી હોય જેનો ગુણ ગરમ છે અને એમાં જો આ ગરમ મસાલો અને પેરી પેરી ઍડ કર્યા હશે તો એ ચોક્કસ શરીરમાં ઊંધી અસર કરશે- ડૉ. હેમંત બરછા, ન્યુટ્રિશનિસ્ટ



ઘણી વાર લોકો ચાઇનીઝમાં પેરી પેરી મસાલો ઉમેરવાની ફરમાઈશ કરે છે. પરંતુ ચાઇનીઝ મસાલો અને પેરી પેરીનો ટેસ્ટ એકદમ વિરુદ્ધ છે. એવી જ રીતે અમુક એશિયન ડિશ પર પણ પેરી પેરી નાખવામાં આવતો નથી. ભારતીય વાનગીમાં હવે પેરી પેરીનો છૂટથી ઉપયોગ થઈ રહ્યો છે. પરંતુ પેરી પેરી જો વધારે પડી જાય તો સ્વાદ પણ ખરાબ લાગે અને હેલ્થને તો નુકસાન છે જ- નતાશા ગાંધી, શેફ


પેરી પેરી મસાલો ઘરે કેવી રીતે બનાવશો?

માસ્ટર શેફ શોનાં ભૂતપૂર્વ પ્રતિયોગી અને શેફ નતાશા ગાંધી પેરી પેરી મસાલો ઘરે કેવી રીતે બનાવવો એની સરળ રીત બતાવી છે એ આપણે જાણી લઈએ.
પેરી પેરી મસાલો
સામગ્રી : બે ટેબલસ્પૂન લાલ મરચાંનો પાઉડર, એક-એક ટેબલસ્પૂન ચિલી ફ્લેક્સ અને ઑરેગાનો, બે ચમચી લસણનો પાઉડર, અડધી-અડધી ચમચી સૂંઠ, તજ, એલચી અને ગોળનો પાઉડર, એક ચમચી સિંધવ મીઠું.
રીત : આ બધા મસાલા સૂકા જ વાપરવા અને સૂકા જ મિક્સ કરવા. બધા મસાલાને સરખી રીતે મિક્સ કરીને એને એક ઍરટાઇટ ડબ્બામાં ભરી દેવા.


Whatsapp-channel Whatsapp-channel

29 January, 2021 04:37 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK