મમરાના કેટલા સ્વાદ તમે ખાધા છે?

Published: Dec 02, 2019, 13:42 IST | Pooja Sangani | Mumbai

ખાઇ પી ને મોજ: ગુજરાતીઓ પ્રવાસ માટે પૅકિંગ કરતા હોય તો નાસ્તામાં સેવ-મમરા લેવાનું કદી ન ભૂલે. રોજિંદા જીવનમાં મસ્ત વણાઈ ગયેલા મમરાને કેવી-કેવી રીતે તમે માણી શકો છો એ કદાચ નહીં જાણતા હો. ચાલો આજે જરા મમરાપુરાણની વાત કરીએ

મમરા છે સદાબહાર
મમરા છે સદાબહાર

આ શું માંડ્યું છે? મમરા પર તો કંઈ લેખ હોય! લેખનું મથાળું વાંચીને કદાચ તમે આવું વિચારશો કે મમરા તો બહુ કૉમન છે, એના પર તો બધાને ખબર હોય. પરંતુ મમરા કૉમન છે, સૌને આવડે, સર્વ પ્રિય છે તો હવેએતેમાં નવું શું? તો નવું તો ઘણુંબધું છે. ભેળમાં મમરા મુખ્ય સામગ્રી છે પણ તમે કોઈ દિવસ ગરમ ભેળ ખાધી છે? મમરાની ચિક્કી બને પણ એની ચૉકલેટ ચિક્કી ખાધી છે? લસણિયા મમરાનો ધગધગતો સ્વાદ શિયાળામાં તમારી ઠંડી ઉડાડી દે બોલો.
અમદાવાદમાં આજકાલ લોકોને ગરમાગરમ ભેળ ખાવાનું ઘેલું લાગ્યું છે. હા, એટલે કે રગડાવાળી ભેળને ગરમ ભેળ કહે છે. પાણીપૂરી બે રીતે ખાવા માટે લોકપ્રિય છે. એક તો પરંપરાગત રીતે ચણા અને બટાટાનો મસાલો, જ્યારે બીજી ગરમાગરમ રગડો નાખેલી. પાણીપૂરી અને ભેળવાળાએ હવે તો આ રગડો રાખવો ફરજિયાત બન્યું છે. લારી કે દુકાનમાં એક ગૅસ કે પ્રાઇમસ પર રગડો ઊકળતો હોય અને કોઈ રગડામાં માગે તો ગરમાગરમ રગડો નાખીને તીખા પાણીમાં બોળીને પીરસવામાં આવે છે. એ તો બધાને ખબર છે, પરંતુ હવે પબ્લિક એમ કહે છે કે ભૈયા, ગરમ ભેળ આપોને... એટલે, મમરા, સેવ, નમકીન મિક્સ કરીને ઉપર કાંદા, ટમેટાં, કોથમીર, ચાટ મસાલો, ખાટી, તીખી અને લીલી ચટણી,  સેવ અને ઉપર એક મોટો ચમચો ભરીને પરપોટા અને વરાળ નીકળતી હોય એવો રગડો નાખી દેવામાં આવે છે. લો ગરમ ભેળ તૈયાર.
આ બાબતે ભેળના રસિયાઓને પૂછવામાં આવતાં તેમણે વળી અજીબ કારણ આપ્યું. તેઓ કહે છે કે  મુખ્યત્વે ભેળ કોઈ દિવસ ગરમ આવતી નથી. રગડો નાખવાથી ગરમ કોઈ વસ્તુ ખાધી હોવાનો અહેસાસ હોય છે. વળી રગડાનો રસો, બટાટા અને વટાણા નાખેલા હોવાથી પેટ ભરાઈ જશે ભાઈ... સૌનો સ્વાદ.
મમરાની વાત કરું તો અમદાવાદમાં ત્રણ ચવાણાવાળાને ત્યાં મમરા અદ્ભુત ટેસ્ટ ધરાવે છે અને  પ્રખ્યાત છે. લોકો ત્યાં ખાસ મમરા ખાવા જાય છે. ફૂડની આવે તો હેરિટેજ સિટી તો ભુલાય જ નહીં. જૂના અમદાવાદમાં રતનપોળના નાકે ભાવનગરી ફરસાણ માર્ટ આવેલું છે. ત્યાં તળેલા મમરા-સેવની સાથે તીખી પપૈયાની ચટણી અને મરચાં આપવામાં આવે છે. સીઝનમાં કાચી કેરી હોય છે. મમરાનો એક ફાકડો ભરીને ઉપર પપૈયાનું છીણ મૂકીને ખાવાની જે મજા આવે! એના મમરામાં બહુ સામાન્ય મસાલા હોય છે અને એકદમ ક્રન્ચી હોય છે. મમરા તળીને એની અંદર મીઠું, હળદર નાખીને ઉપર સેવ ભભરાવી દેવામાં આવે છે. શું મજા આવે! આહાહા...
માણેકચોક રાત્રિબજારમાં આઝાદ રતલામી સેવવાળાની નાની દુકાન છે. ત્યાં બોર્ડ લગાવેલું છે કે ‘તળેલા મમરા મળશે’. એ પણ ખાવા જેવા હોય છે. આઝાદવાળાની ખાસિયત એના સંચળ અને મરચાના મસાલામાં છે. મસાલો એવો ટેસ્ટી હોય છે કે તમે આંગળી વડે ચાટવા લાગો. તેની રતલામી સેવ અને ચણાની દાળ ખૂબ જ ટેસ્ટી હોય છે. એટલે આ ત્રણેયનો સંગમ કરીને ઉપર મસાલો નાખીને ખાઓ તો મોજ જ મોજ છે. ત્યાંથી થોડેક આગળ જાઓ ત્યાં હું ભણતી હતી એ બી. ડી. કૉલેજ આવે જે ગર્લ્સ કૉલેજ હતી, પરંતુ દુઃખની વાત એ છે કે હેરિટેજ જેવી આ કૉલેજ પર હવે હથોડા પડી ગયા અને ત્યાં કમર્શિયલ કૉમ્પ્લેક્સ બની રહ્યું છે. આઝાદીકાળના જમાનાની કૉલેજ ધ્વસ્ત થઈ એનું દુઃખ છે.
ખેર, બસ મારી કૉલેજની આગળ લાખા પટેલની પોળના નાકે નાનકડી એવી સૌરાષ્ટ્ર ફરસાણની દુકાન આવેલી છે. જીવનમાં સૌ પહેલાં લસણિયા મમરાનો સ્વાદ મેં ૨૦ વર્ષ પહેલાં ચાખેલો. મમરાની અંદર સરસ રીતે ભળી ગયેલો લસણનો કોરો મસાલો અને સેવ તેમ જ સાથે પપૈયાનું છીણ તો ખરું જ. ગૅરન્ટી છે કે પહેલા, બીજા અને ત્રીજા ફાકડે તો તમને આંખમાંથી આંસુ આવવા લાગે એવા તીખા. તોય અમે ખાતા અને બહુ મજા આવતી. હજી મળે છે. પછી તો હવે નમકીન બનાવતી મોટી કંપનીઓએ પણ મસાલા મમરાના નામે મસાલા મમરા શરૂ કર્યા, પરંતુ મારી દૃષ્ટિએ આ ભાઈએ લસણિયા મમરાની શરૂઆત કરી હતી.
હવે અમદાવાદના ઓલ્ડ સિટીમાં ભીડ બહુ રહેતી હોવાથી એનો વિકલ્પ જોઈતો હોય તો નવરંગપુરા બસ સ્ટૅન્ડ પાસે નવીન ચવાણા માર્ટ છે. ત્યાંના મમરા પણ ખૂબ પ્રખ્યાત છે. અને હા, મમરા છે એટલે સસ્તા છે એવું ન માનતા. ૨૪૦ રૂપિયે કિલો. પરંતુ એનું કારણ છે. લોકો મમરાની સાથે ચટણીઓ એટલીબધી ઝાપટી જાય છે કે એના કારણે આટલા મોંઘા હશે. નવીનની કોઠા અને મરચાની ખાટી અને તીખી ચટણી જબરદસ્ત ફેમસ છે. આ ઉપરાંત પપૈયાનું છીણ તો ખરું જ. મમરાનો ફાકડો ભરીને, પછી અંગૂઠો અને બીજી-ત્રીજી આંગળી ભેગી કરીને  મુદ્રા બનાવો અને ચટણીનો લચકો લઈને મોઢામાં મૂકો એટલે સ્વાદનો દરિયો જાણે હિલોળે ચડ્યો છે. એમ ન‍ ખાવા હોય તો મમરામાં બન્ને ચટણી અને છીણ ભેગાં કરીને નાખી દઈને મિક્સ કરીને ખાઓ તોય મસ્ત લાગે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર એવા સુરેન્દ્રનગર શહેરના સેવ-મમરા ખૂબ પ્રખ્યાત છે. એ પણ તળેલા હોય છે અને આમચૂર પાઉડર નાખેલા મમરા એટલા ટેસ્ટી હોય છે કે ત્યાંના રાજેશ્વરી મમરાવાળાએ તો હવે ગામોગામ અને વિદેશમાં મોકલવાનું શરૂ કર્યું છે. ગામમાં જાઓ એટલે કે માત્ર સેવમમરા વેચતી અનેક દુકાનો જોવા મળશે. હવે તો શિયાળો આવ્યો એટલે આખા સુરેન્દ્રનગર અને વઢવાણમાં તમારી નજર સામે જ કાળા અને સફેદ તલનું કચરિયું બનાવી આપે. તાજું ખાવાની મજા આવે અને પાર્સલ પણ કરી શકાય. જઈ આવજો કોઈક વાર.
હવે મમરાના અલગ-અલગ સ્વરૂપની વાત કરું તો ગુજરાત પછી જો સૌથી વધુ મમરા ખવાતા હોય તો એ પશ્ચિમ બંગાળ કહી શકાય. ત્યાં ઝાલ મુરી એટલે કે આપણી ભાષામાં કોરી ભેળ ખૂબ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. મમરાની અંદર સરસિયું, બટાટા, શિંગ, ચણા અને બીજા મસાલા નાખીને કાગળના કોનમાં સર્વ કરવામાં આવે છે. એ ખૂબ પ્રખ્યાત છે. અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજ કૉર્નર પાસે એક માણસ ઑથેન્ટિક ઝાલ મુરી પીરસે છે અને ટૂંક સમયમાં ખૂબ પ્રખ્યાત થઈ ગયો છે.
બાકી મમરાની ચિક્કી અને લાડુ તો આપણે ખાધા જ હશે, પરંતુ એમાં ચૉકલેટનો સ્વાદ ઉમેરવો હોય તો ગોળની ચાસણી બનાવતી વખતે મમરા નાખતાં પહેલાં એમાં ચૉકલેટ સિરપ અથવા પીગાળેલી ચૉકલેટ નાખી દેવી. ત્યાર બાદ મમરા હલાવીને નાખવા. ટેસ્ટી જ ટેસ્ટી. બાળકોને પણ ભાવશે. જો તમારે ગોળનો ઉપયોગ ન કરવો હોય તો ચૉકલેટ સ્લૅબ લઈને એને પીગાળીને ઉપર મમરા નાખી દો તો ચૉકલેટ મમરામાં પણ બહુ મજા આવશે.
મમરા આમ જોવા જઈએ તો સુખ-દુઃખના સાથી છે. અમે બીમાર પડતાં અને અશક્તિ લાગે ત્યારે ઘીમાં વઘારેલા મમરા મમ્મી આપે. સ્કૂલથી પાછા આવતા ત્યારે ખૂબ ભૂખ લાગી હોય અને તાત્કાલિક ખાવું હોય તો મમરાની ઉપર કાચું તેલ, મીઠું, મરચું અને દાળિયા નાખીને ખાઈ જવાય; ટેસ્ટી લાગે અને તબિયતને નડે પણ નહીં. એવી જ રીતે મમરાને પૌંઆની જેમ પલાળીને ડુંગળી, ટમેટા, મરચાના વઘારમાં નાખીને પોચા મમરા કે જેને મમરા ચટપટી પણ કહેવાય છે એ પણ છોટી સી ભૂખ ભાંગે છે અને બધાને બહુ ભાવે એવો ટેસ્ટ હોય છે. મમરા એવી નિર્દોષ સામગ્રી છે કે બધા જ જોડે ભળી જાય. ચવાણું, સેવ, ચટણીઓ, પૂરી, તળેલી રોટલી. તમામ વસ્તુઓ જોડે મમરાને સારું ફાવે, મૂળ ડાંગરમાંથી બનેલા મમરા સૌને વહાલા.
ગુજરાતીઓ બહારગામ જાય ત્યારે કપડાંની સાથે સૌથી વધુ યાદ આવતી સામગ્રી હોય તો એ સેવમમરા છે. ગમે તેટલા ખાઓ, કલાકમાં પચી જાય અને શરીરને નડે પણ નહીં. ઝાઝા ખાઈ જઈએ તો મમ્મી બોલે પણ નહીં. છેને મમરાની કમાલ! તો મિત્રો મળીએ આવતા સોમવારે બીજા કોઈ વિષય સાથે. ત્યાં સુધી ખાઈપીને કરો મોજ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK