તમારા પગનો આ આર્ક કેટલો મહત્ત્વનો છે

Published: 6th November, 2020 14:26 IST | Varsha Chitalia | Mumbai

કુદરતની આ રચના છે જે વ્યક્તિને સંતુલન જાળવવાથી લઈને ઘૂંટણને સપોર્ટ આપવા સુધીનું કામ કરે છે

કુદરતની આ રચના છે જે વ્યક્તિને સંતુલન જાળવવાથી લઈને ઘૂંટણને સપોર્ટ આપવા સુધીનું કામ કરે છે. સપાટ તળિયાં ધરાવતા લોકોને રમતગમતમાં મુશ્કેલી પડે છે, ઘૂંટણ જલદી ઘસાઈ જાય છે અને એવી તો બીજી અનેક સમસ્યાઓ ઉદભવે છે. આજે જોઈએ આ આર્ક વિનાના પગનાં તળિયાંથી શું તકલીફો થઈ શકે અને એનું નિવારણ શું કરી શકાય..

આપણા શરીરનું દરેક અંગ મહત્ત્વનું છે અને એ કોઈને કોઈ બીમારીનો સંકેત આપે છે. એમાંય પગ તો આખા શરીરનો ભાર ઊંચકે છે. શું તમે ક્યારેય પગનાં તળિયાંનું નિરીક્ષણ કર્યું છે? પગ જમીન પર મૂકો ત્યારે કુદરતી રીતે જ તળિયાંમાં વચ્ચેના ભાગમાં આર્ક (અર્ધ ગોળાકાર ખાડો) બને છે. આ આર્ક શરીરનું બૅલૅન્સ જાળવી રાખવામાં સહાય કરે છે અને તેથી જ આપણે સરળતાથી ચાલી શકીએ છીએ. ઘણા લોકોના પગમાં આ આર્ક હોતો નથી અથવા ગૅપ ખૂબ જ ઓછો હોય છે. પગના સપાટ તળિયાને ફ્લૅટ ફીટ કહે છે. ફ્લૅટ ફીટ ચિંતાનો વિષય છે. એના કારણે અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ ઊભી થાય છે. આજે આપણે આ સમસ્યાઓ તેમ જ એના ઉપાય વિશે નિષ્ણાત સાથે વાત કરીએ.
આર્ક કેમ જરૂરી?
ફ્લૅટ સર્ફેસ પર વજન મૂકવામાં આવે તો ભાર એક જ જગ્યાએ પડે છે. વજનને બૅલૅન્સ કરવા આર્ક આકાર જોઈએ. દાખલા તરીકે તમે સીધા ઊભા રહીને ૨૫ કિલો વજન ઉપાડો તો પીઠ અને ખભા પર પ્રેશર આવે. આટલું વજન થોડા વાંકા વળીને એટલે કે આર્ક આકારમાં નમીને ઉપાડો તો વજન ઓછું લાગે છે. પગ આપણા શરીરનું વજન ઊંચકે છે. તળિયામાં આર્ક હોય તો વજન વહેંચાઈ જાય અને જો સપાટ હોય તો પ્રેશર આવે છે. શરીરનો ભાર વહન કરવા માટે પગમાં આર્ક જરૂરી છે. આ અંતર જેટલું ઓછું, સમસ્યા એટલી વધારે. રિસર્ચ કહે છે કે દસમાંથી એક વ્યક્તિને ફ્લૅટ ફીટની તકલીફ હોય છે. દરરોજ કરતાં થોડું વધારે ચાલવાથી પગ દુખવા, અંગૂઠા અને પાનીમાં સતત દુખાવો રહેવો, તળિયાંની ત્વચા છોલાઈ જવી, પગ સહેજ ત્રાંસા રાખીને ચાલવાની ટેવ આ બધી સમસ્યાઓનું કારણ ફ્લૅટ ફીટ છે.
આર્કની અનિવાર્યતા વિશે વિગતવાર માહિતી આપતાં ઝેન મલ્ટિસ્પેશ્યલિટી હૉસ્પિટલના ઑર્થોપેડિક ઍન્ડ ની રિપ્લેસમેન્ટ સર્જ્યન ડૉ. રાકેશ નાયર કહે છે, ‘જન્મ સમયે નવજાત શિશુના પગનાં તળિયાં સપાટ હોય છે. જેમ-જેમ બાળક મોટું થાય અને ચાલતાં શીખે એમ પગના સ્નાયુઓ ખેંચાઈને આર્કનો આકાર બનાવે છે. બાળક પાંચેક વર્ષનું થાય ત્યાં સુધીમાં તેના પગનો આકાર સપાટ છે કે આર્ક બન્યો છે એની ખબર પડી જાય છે. જોકે કુદરતી આકારને બદલી શકાતો નથી. એંસી ટકા કેસમાં ફ્લૅટ ફીટની સમસ્યા જિનેટિક હોય છે. આ સમસ્યાનો એક જ ઉપાય છે, યોગ્ય ફુટવેઅર. જિનેટિક ફ્લૅટ ફીટની સમસ્યા ધરાવતી વ્યક્તિએ ફુટવેઅરની પસંદગી કરતી વખતે ધ્યાન રાખવું પડે છે. પગને સપોર્ટ મળે એવા ખાસ પ્રકારનાં જૂતાં માર્કેટમાં ઉપલબ્ધ છે. જૂતાંની અંદરના ભાગમાં વચ્ચે સોલ લગાવવામાં આવે છે જેથી ચાલતી વખતે શરીરના વજનનું બૅલૅન્સ જળવાઈ રહે. આવા કેસમાં પગના આકારમાં ફાયદો થવાનો નથી. નૅચરલ સ્ટ્રક્ચર ચેન્જ ન થાય, પરંતુ લાંબા ગાળે ઘૂંટણ પર ઘસારો ઓછો લાગે છે. ઘૂંટણની કાળજી માટે શરૂઆતથી જ ચોક્કસ પ્રકારનાં જૂતાં પહેરવાં જરૂરી છે.’
જુદી-જુદી સમસ્યાઓ
પગનાં તળિયાં સપાટ હોવાથી કેટલાંક રેસ્ટ્રિક્શન્સનો સામનો કરવો પડે છે તેમ જ ઘૂંટણ જલદી ઘસાઈ જાય છે. ઉદાહરણ આપતાં ડૉ. રાકેશ કહે છે, ‘તમે પાણીમાં ઊભા રહો ત્યારે પગમાં આર્ક હોય તો પાણી નીચેથી પસાર થઈ જાય છે. સપાટ તળિયાં પાણીને ઍબ્સૉર્બ કરી લે છે. આ પાણી ઉપરની તરફ ઘૂંટણ સુધી પહોંચે છે. શરીરમાં પાણી ભરાઈ જતું હોય એવા અનેક દરદીઓ ફ્લૅટ ફીટ ધરાવતા હોય છે. આ ઉપરાંત સપાટ પગ ધરાવતી વ્યક્તિ માટે સ્પોર્ટ્સ અને ડિફેન્સના ફીલ્ડમાં કરીઅર બનાવવી મુશ્કેલ છે. ઍથ્લીટ માટે આ નેગેટિવ પૉઇન્ટ થઈ જાય છે. તેમના પગમાં જોઈએ એટલી ચુસ્તી-સ્ફૂર્તિ હોતી નથી. સામાન્ય વ્યક્તિને ફ્લૅટ ફીટના કારણે રોજબરોજની લાઇફમાં ચાલવામાં તકલીફ પડતી નથી પણ અન્ય દરદીઓની સરખામણીએ તેમનાં ઘૂંટણ વહેલાં ઘસાઈ જાય છે. ચાલતી વખતે ઘૂંટણ પર ભાર પડે છે. બૅલૅન્સ માટે પગમાં આર્ક ન હોય તો ઘૂંટણ પર વધુ લોડ પડે છે. ફ્લૅટ ફીટ ધરાવતી વ્યક્તિનાં ઘૂંટણ ૪૦-૪૫ વર્ષની વયે જ ઘસાઈ જાય છે. જિનેટિક સિવાયની સમસ્યામાં આર્ક અને જમીન વચ્ચેનું અંતર ઓછું થઈ રહ્યું હોય તો એનાં કારણો છે. હાડકું પોતાની જગ્યાઓથી સહેજ ખસી ગયું હોય, આર્થ્રાઇટિસ, ડાયાબિટીઝ, મેદસ્વિતા, વૃદ્ધાવસ્થા, ઍક્સિડન્ટ વગેરે કારણોસર પગ સપાટ થવાની સંભાવના છે. તેમનાં ઘૂંટણ ઉંમર કરતાં વહેલાં ઘસાઈ જવાનું રિસ્ક વધી જાય છે.’

foot
ઉપાય શું?
આમ તો પ્રૉપર ફુટવેઅર સિવાય આનો કોઈ કાયમી ઇલાજ નથી. ફ્લૅટ ફીટ હોય તો કેટલીક તકેદારી રાખવી એવી ભલામણ કરતાં તેઓ કહે છે, ‘ફ્લૅટ ફીટ ધરાવતી વ્યક્તિએ પોતાના પગને મજબૂત રાખવા જોઈએ. વૉકિંગ અને રનિંગ જેવી એક્સરસાઇઝને અવૉઇડ કરવી અથવા ઓછી કરવી. તેમના માટે સાઇક્લિંગ અને સ્વિમિંગ બેસ્ટ કહેવાય. ચાલવું જ હોય તો સપાટ રસ્તાઓ કરતાં બગીચાના ઘાસ પર ચાલવું. પગ અને ઘૂંટણ પર લોડ ન પડે એ માટે વજન નિયંત્રણમાં રાખવાનું ફરજિયાત સમજવું. વિટામિન અને કૅલ્શિયમની ઊણપના કારણે પણ સમસ્યાઓ વધી જાય છે. ફ્લૅટ ફીટના અનેક કેસમાં હાડકાં નબળા પડી ગયાં હોય એવું નોંધવામાં આવ્યું છે. હાડકાંની મજબૂતાઈ માટે કૅલ્શિયમ અને વિટામિન ડીની ગોળીઓ લેવી જોઈએ. સામાન્ય તકેદારી રાખવાથી પગ અને ઘૂંટણનું પ્રેશર ઑટોમૅટિકલી ઘટી જશે અને મોટી વય સુધી વાંધો નહીં આવે.’

ફિઝિયોથેરપિસ્ટ શું કહે છે?

શું એક્સરસાઇઝથી ફ્લૅટ ફીટનો પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જાય? આ પ્રશ્નનો જવાબ આપતાં ઘાટકોપરનાં ફિઝિયોથેરપિસ્ટ પ્રાંજલ જૈન કહે છે, ‘પગનું નૅચરલ સ્ટ્રક્ચર રિવર્સેબલ નથી. જેમના પગમાં આર્ક નથી હોતો તેને હીલમાં પેઇન થવાની સંભાવના વધુ છે. તેમણે ઊભા-ઊભા કામ કરવું પડે એવી જૉબ ન કરવી જોઈએ. માર્કેટમાં ફરવાનું ને ચાલવાનું વધુ હોય એવી નોકરી પણ તેમના માટે લાંબા ગાળે સમસ્યા ઊભી કરી શકે છે. ફ્લૅટ ફીટ ધરાવતી વ્યક્તિએ ઑર્થોસીલ દ્વારા બનાવવામાં આવેલા ખાસ સોલ નાખેલાં અને કુશનવાળાં ચંપલ પહેરવાં જોઈએ. ઘણા દરદીઓની ફરિયાદ હોય છે કે સવારે ઊઠતાંવેંત દસ ડગલાં ચાલવામાં ખૂબ દુખે છે. પછી આખો દિવસ વાંધો આવતો નથી. એડીમાં દુખાવાની ફરિયાદ લઈને આવતા દરદીઓના પગનો એક્સરે પાડીને જોઈએ તો મોટા ભાગે હાડકાંમાં નજીવા ફેરફાર દેખાય છે. ફ્લૅટ ફીટ ધરાવતી વ્યક્તિને એડીમાં સખત દુખાવો રહેતો હોય છે. ફ્લૅટ ફીટનો કાયમી ઉકેલ નથી, પરંતુ નીચે પ્રમાણે એક્સરસાઇઝ અને થેરપીથી રાહત થાય છે.’

foot
ફ્લૅટ ફીટવાળા માટે આઇસ થેરપી બેસ્ટ છે. બે મોટી બૉટલમાં પાણી ભરીને ફ્રીઝરમાં મૂકવી. એકદમ ચિલ્ડ થાય પછી એને જમીન પર મૂકી એના પર તમારા પગ મૂકો. હવે રોલરની જેમ ફેરવો. આમ કરવાથી હીલ્સનો દુખાવો ઓછો થાય છે.
આવા કેસમાં વૅક્સ થેરપી પણ અતિ ઉપયોગી સાબિત થઈ છે. આ પ્રક્રિયામાં ઑઇલ અને વૅક્સને મિક્સ કરી ચોક્કસ ટેમ્પરેચર પર ગરમ કરવામાં આવે છે. આ વૅક્સને હીલ્સ પર લગાવવાથી પગનો દુખાવો ઓછો થઈ જાય છે. જરૂર પડે તો ફિઝિયોથેરપિસ્ટ અલ્ટ્રાસાઉન્ડ થેરપી આપશે.
બે પ્રકારની સ્ટ્રેચિંગ એક્સરસાઇઝથી પણ ખાસ્સો ફાયદો થાય છે. પગના આંગળામાં દુપટ્ટો ભરાવી એને ઉપરની તરફ ખેંચવો. આમ કરવાથી ગ્રિપ વધે છે. બીજી એક્સરસાઇઝમાં પગના દુપટ્ટાને વચ્ચેના ભાગમાં (જ્યાં આર્ક હોવો જોઈએ) ભરાવી ઉપરની તરફ ખેંચો. દસ સેકન્ડ હોલ્ડ કરી રિપીટ કરો. એનાથી પગના મસલ્સ મજબૂત બને છે. મસલ્સની કૅપેસિટી વધે તો શરીરનો ભાર સરળતાથી ઉપાડી શકે.
સામાન્ય રીતે બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં પગમાં આર્ક બન્યો છે કે નહીં એ ખબર પડી જાય. પેરન્ટ્સ આ બાબતની નોંધ લે તો ભવિષ્યની સમસ્યાઓને ટાળી શકાય છે. તમારા બાળકના પગની ગ્રિપ વધારવા સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરાવો. પગની કુદરતી રચના બદલાય નહીં, પરંતુ રેગ્યુલર પ્રૅક્ટિસથી પગમાં થોડો આર્ક ડેવલપ થઈ શકે છે.

પગનાં તળિયાં સપાટ હોય એવી વ્યક્તિએ શરૂઆતથી જ જૂતાંની પસંદગીમાં ધ્યાન રાખવું જેથી શરીરનું વજન વહેંચાઈ જાય. તેમના માટે વૉકિંગ અને રનિંગ જેવી એક્સરસાઇઝ કરતાં સાઇક્લિંગ અને સ્વિમિંગ બેસ્ટ કહેવાય. ફ્લૅટ ફીટ ધરાવતી વ્યક્તિનાં ઘૂંટણ ઉંમર કરતાં વહેલાં ઘસાઈ જાય છે તેમ જ હાડકાં નબળા પડી જાય છે. આ સમસ્યાથી બચવા વજનને નિયંત્રણમાં રાખવું, કૅલ્શિયમ અને વિટામિન ડીની ગોળીઓ લેવી
- ડૉ. રાકેશ નાયર, ઑર્થોપેડિક સર્જ્યન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK